નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધ્યા હતા. લાલ કિલ્લાથી પીએમ મોદીએ આપેલું આ સતત 12મું સંબોધન હતું. અંદાજે 100 મિનિટના તેમના ભાષણનો વ્યાપ ઘણો વિશાળ હતો. PMએ પોતાના ભાષણમાં ઓપરેશન સિંદૂર, આતંકવાદ, આત્મનિર્ભરતા, સુરક્ષા, ખેડૂત, યુવા, મહિલા, સ્પેસ, ટેકનોલોજીથી લઈને રાષ્ટ્રીય સુરક્ષા સુધીના મુદ્દાઓને આવરી લીધા હતા. એ સાથે-સાથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ કડક સંદેશ આપવાનું ચૂક્યા નહીં. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે સરકાર ખેડૂતોનાં હિતો સાથે કોઈ સમાધાન નહીં કરે.
મોદી દીવાલની જેમ ઊભો છે
તેમણે કહ્યું હતું કે આઝાદી પછી તમામ નાગરિકો માટે ભોજનની વ્યવસ્થા કરવી તે સમયની સરકાર માટે એક પડકાર હતો, પરંતુ અમારા ખેડૂતોના અવિરત પરિશ્રમથી દેશને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવ્યો છે. મોદી દીવાલની જેમ ઊભો છે. અમે ખેડૂતોનાં હિતો સાથે કોઈ સમાધાન નહીં કરીએ.
Delhi: PM Narendra Modi says, “India’s farmers, her livestock rearers, and her fishermen are our priority… India will never accept any compromise when it comes to the interests of our farmers, livestock rearers, and fishermen” pic.twitter.com/BhLhM5QuYE
— IANS (@ians_india) August 15, 2025
તેમણે કહ્યું હતું કે 140 કરોડ ભારતીયો 2047માં જ્યારે આઝાદીનાં 100 વર્ષ પૂર્ણ થશે, ત્યારે ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ શક્તિથી કાર્યરત છે. આ સંકલ્પને પૂર્ણ કરવા માટે ભારત આજે દરેક ક્ષેત્રમાં આધુનિક ઇકો સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે. હું લાલ કિલ્લા પરથી યુવા વૈજ્ઞાનિકો, ઇજનેરો, યુવાનોને આહ્વાન કરું છું — શું આપણે આપણા મેડ ઈન ઈન્ડિયા ફાઇટર જેટ માટે જેટ એન્જિન પોતાનું ન બનાવવું જોઈએ? શું સમયની માગ નથી કે સંશોધન અને વિકાસમાં વધુ શક્તિ લગાડવી જોઈએ, આપણી પોતાની પેટન્ટ હોવી જોઈએ, સસ્તી અને સૌથી અસરકારક નવી દવાઓની શોધ થવી જોઈએ? દેશનું ભાગ્ય બદલવાનું છે, તમારો સહકાર જરૂરી છે.


