અરબસાગરમાં સર્જાયેલા ‘શક્તિ’ વાવાઝોડું નબળું પડતા ગુજરાત પરથી ખતરો ટળી ગયો છે. હવામાન વિભાગ દ્વારા 12 ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ રાજ્યમાં કેટલીક જગ્યાએ છુટાછવાયા વરસાદની આગાહી છે.હવામાન વિભાગ અનુસાર આગામી 3-4 દિવસમાં ચોમાસાની વિદાય પ્રક્રિયા વધુ આગળ વધશે. દરિયામાં ઊંચા મોજા અને ભારે પવન ફૂંકાવાની શક્યતાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી હતી.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, આજે સવારે છ કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યના 120 તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેના કારણે આસોમાં અષાઢી માહોલ જામ્યો હતો. આણંદમાં સૌથી વધુ 1.65 ઇંચ, વલસાડમાં 1.54 ઇંચ, કવાંટમાં 1.34 ઇંચ, વાંકાનેરમાં 1.30 ઇંચ, હાલોલમાં 1.26 ઇંચ, ગણદેવીમાં 1.06 ઇંચ, સુરત શહેરમાં 1.06 ઇંચ વરસાદ વરસ્યો હતો.

113 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ
રાજ્યમાં સાત તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. જ્યારે 113 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો. નડીયાદમાં 0.94 ઇંચ, સંખેડામાં 0.83 ઇંચ, વાપીમાં 0.83 ઇંચ, વાપીમાં 0.79 ઇંચ, નવસારીમાં 0.79 ઇંચ, થરાદમાં 0.79 ઇંચ, કઠલાલમાં 0.79 ઇંચ વરસાદ પડ્યો હતો.




