ખરીફ પાકના ઉત્પાદન પર હવામાનની મારઃ મોંઘવારી વધશે?

નવી દિલ્હીઃ દેશમાં આ વર્ષે ખરીફ પાકોનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીમાં ઓછું રહેવાનો અંદાજ છે. જોકે રાહતની વાત એ છે કે ઉત્પાદન છેલ્લાં પાંચ વર્ષના સરેરાશ કરતાં વધુ રહી શકે છે. સરકારના પ્રારંભિક અંદાજ મુજબ અલ નિનોની અસરને કારણે ચોમાસામાં ઓછો વરસાદ પડવાથી ડાંગર, મકાઈ, સોયાબીન, મગ, રાગી અને કપાસ જેવા મુખ્ય પાકોના ઉત્પાદન પર અસર પડી છે.

ખરીફ સિઝન 2026-27માં ડાંગરનું ઉત્પાદન આશરે 2.28 ટકા ઘટીને 12.19 કરોડ ટન રહેવાનો અંદાજ છે. ગયા ખરીફ સીઝન 2025-26માં ડાંગરનું ઉત્પાદન 12.475 કરોડ ટન રહ્યું હતું. ડાંગર ખરીફ સીઝનમાં ઉગાડવામાં આવતો સૌથી મુખ્ય અનાજનો પાક છે.

કૃષિ મંત્રી બોલ્યા, ચિંતા કરવાની જરૂર નથી

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગુરુવારે ખરીફ ઉત્પાદનના પ્રારંભિક અંદાજ જાહેર કરતાં કહ્યું હતું કે આ આંકડા હજુ પ્રારંભિક છે અને આગામી મહિનાઓમાં તેમાં ફેરફાર થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે દેશના અનેક વિસ્તારોમાં ખરાબ હવામાન અને ચોમાસાના અસમાન વરસાદ છતાં ખેડૂતોએ સારું ઉત્પાદન મેળવ્યું છે. ચૌહાણે કહ્યું હતું કે પાકોનું અંદાજિત ઉત્પાદન છેલ્લા પાંચ વર્ષના સરેરાશ કરતાં વધુ સારું છે. તેથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

 મકાઈ અને કઠોળના ઉત્પાદનમાં પણ ઘટાડો

સરકારના પ્રારંભિક અંદાજ મુજબ ખરીફ સીઝન 2026-27માં મકાઈનું ઉત્પાદન આશરે 2.606 કરોડ ટન રહી શકે છે, જે ગયા વર્ષની સરખામણીમાં 14.5 ટકા ઓછું છે. જ્યારે કઠોળનું કુલ ઉત્પાદન આશરે 71.3 લાખ ટન રહેવાનો અંદાજ છે, જે ગયા વર્ષ કરતાં 6.18 ટકા ઓછું છે.

ખાંડનું ઉત્પાદન પણ 10 વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચવાનો અંદાજ

ઓછા વરસાદ અને શેરડીના ઉત્પાદનમાં ઘટાડાની અસર ખાંડના ઉત્પાદન પર પણ પડી શકે છે. ભારતીય ખાંડ અને જૈવ ઊર્જા ઉત્પાદક સંઘ (ઇસ્મા)એ બુધવારે જણાવ્યું હતું કે ઓક્ટોબરથી શરૂ થયેલી ખાંડની સીઝન 2026-27માં દેશમાં ખાંડનું ચોખ્ખું ઉત્પાદન ઘટીને 2.652 કરોડ ટન રહી શકે છે. જો આવું થાય તો આ છેલ્લાં 10 વર્ષનું સૌથી ઓછું ઉત્પાદન હશે.

શું ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી થશે?

ખરીફ ઉત્પાદનની ઘટ અને રવી પાકોની ધીમી વાવણી આગામી મહિનાઓમાં ખાદ્ય મોંઘવારીનું દબાણ વધારી શકે છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાનો ટ્રેન્ડ પહેલેથી જ દેખાવા લાગ્યો છે. જોકે સરકારનું કહેવું છે કે ઘઉં અને ચોખાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેથી હાલ અનાજની ઉપલબ્ધતા અને કિંમતો અંગે ચિંતા કરવાની જરૂર નથી.