મધ્ય પૂર્વ (Middle East) માં ગમે ત્યારે મોટું આંતરરાષ્ટ્રીય યુદ્ધ ફાટી નીકળે તેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે સીધો મોરચો ખોલતા દાવો કર્યો છે કે ઈરાનનું સૈન્ય માળખું સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું છે. ટ્રમ્પે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, “ઈરાનની સેના સંપૂર્ણ અને સાર્વત્રિક રીતે અવ્યવસ્થિત થઈ ચૂકી છે. તેની શક્તિનો મોટો હિસ્સો, જેમ કે તેની નૌસેના (Navy) અને વાયુસેના (Air Force) હવે લગભગ અસ્તિત્વમાં જ નથી. તેઓ યુદ્ધના મેદાનમાં સંપૂર્ણ રીતે પરાજિત થઈ ચૂક્યા છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે વધુમાં આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, ઈરાન માત્ર મોટી વાતો કરે છે, પણ નક્કર કાર્યવાહી કરવાની તેનામાં તાકાત નથી. પશ્ચિમ એશિયાનો જે દાદા (દબંગ) હતો, તે હવે કાયમ માટે ખતમ થઈ ગયો છે. ભૂતકાળમાં પરમાણુ કે સૈન્ય સમજૂતીની વાતોનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપી કે, “ઈરાને સમયસર એક એવી સમજૂતી પર વાતચીત કરવામાં બહુ મોડું કરી દીધું જે તેમના પોતાના ભવિષ્ય માટે ઘણી સારી સાબિત થઈ શકતી હતી. પરંતુ હવે મોડું થઈ ગયું છે અને તેમણે પોતાના આ પગલાની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે.

શા માટે આટલો વધ્યો અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ?
અમેરિકા અને ઈરાન વચ્ચે સૈન્ય સરહદો પર તણાવ ત્યારે ચરમસીમાએ પહોંચ્યો જ્યારે દક્ષિણ ઈરાનમાં અમેરિકી દળો દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાના જવાબમાં ઈરાનની પ્રખ્યાત સૈન્ય પાંખ ‘ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ’ (IRGC) એ બહેરીન, કુવૈત અને જોર્ડન (Jordan) જેવા દેશોમાં સ્થિત અમેરિકા સાથે સંબંધિત સૈન્ય ઠેકાણાઓ પર સેંકડો ડ્રોન અને ઘાતક મિસાઈલોથી વળતો પ્રહાર કર્યો. આ અણધાર્યા હુમલાના કારણે સમગ્ર ક્ષેત્રમાં ભયનો માહોલ છે.
આ અગાઉ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે દાવો કર્યો હતો કે વ્યુહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ જળડમરુમધ્ય (Strait of Hormuz) ની ઉપર ઈરાન દ્વારા એક અમેરિકી મિલિટરી હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યું હોવાના અહેવાલો મળ્યા હતા. જેના જવાબમાં અમેરિકી સેનાએ આત્મરક્ષા (Self-Defense) કાજે ઈરાનના સૈન્ય મથકો વિરૂદ્ધ મોટા પાયે એરસ્ટ્રાઈક કરી હતી. આ ઘટનાક્રમે લાંબા સમયથી ચાલી આવતી બંને દેશોની દુશ્મનીને વધુ લોહિયાળ બનાવી દીધી છે. અમેરિકી ધમકીઓ સામે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી (Abbas Araghchi) એ પણ આકરી ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે, “ઈરાન પોતાના સાર્વભૌમત્વ પર થનારા કોઈપણ હુમલા કે ધમકીને સહેજ પણ સહન નહીં કરે અને તેનો ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે.”
ઈઝરાયેલ પર ભડક્યા તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન
પશ્ચિમ એશિયાના આ મહાસંકટ વચ્ચે તુર્કીયે (Turkey) ના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન (Recep Tayyip Erdogan) પણ ઈઝરાયેલના સૈન્ય ઓપરેશનો પર લાલચોળ થયા છે. એર્દોગને સીરિયા (Syria) અને લેબનાન (Lebanon) પર થઈ રહેલા સતત ઈઝરાયેલી હુમલાઓ સામે સખત વાંધો ઉઠાવતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલ જે રીતે પડોશી દેશો પર હુમલા કરી રહ્યું છે, તે હવે માત્ર સીરિયા કે લેબનાન પૂરતું મર્યાદિત નથી રહ્યું પરંતુ તે હવે તુર્કીયેની રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ સીધો ખતરો બની ગયું છે.






