બિહાર ચૂંટણીમાં જ્યારે પણ વધુ મતદાન, ત્યારે RJDની સરકારઃ રાજભર

નવી દિલ્હીઃ યુપીની સરકારમાં કેબિનેટ મંત્રી અને NDAમાં સામેલ સુહેલદેવ BSPના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે બિહાર ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે જો બિહારમાં 60 ટકાથી વધુ મતદાન થાય છે તો RJDની સરકાર બની છે. NDAના સાથીદાર હોવા છતાં રાજભરનું આ નિવેદન લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યું છે.

કુશીનગરમાં BSP ચીફ ઓપી રાજભરે કહ્યું હતું કે મેં એક દિવસ ગૂગલ પર જોયું તો જોવા મળ્યું કે જ્યારે પણ વધારે મતદાન થયું છે ત્યારે RJDએ સરકારે બનાવી છે. જ્યાં પણ આંકડો 60 પરથી ઉપર ગયો છે, ત્યાં RJDની સરકાર બની છે. ત્યાં ખૂબ કશ્મકશ છે. બિહારમાં ખેંચતાણ એ માટે છે કે ઓવૈસી પણ RJDની વિરુદ્ધ છે અને ત્યાં પ્રશાંત કિશોર પણ બધાના વિરુદ્ધ છે. કોઈ પણ આશ્વસ્ત નથી. ભલે કોઈ કેટલુંય કહી લે, જનતા મનનો મિજાજ પૂરેપૂરો શાંત છે. કોઈ બોલવા માટે તૈયાર નથી. નેતાઓ ભલે કંઈ પણ બોલે, તેઓ તો એક જ દિવસમાં સરકાર ઊભી પણ કરી દે અને પાડી પણ દે, પણ જનતા જ અસલી માલિક છે.

પહેલા તબક્કામાં કેટલું મતદાન?

ચૂંટણી પંચના જણાવ્યાનુસાર બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કામાં 18 જિલ્લાની 121 બેઠકો પર 65.08 ટકા મતદાન થયું હતું. આ આંકડો એક નવો રેકોર્ડ છે, જે અગાઉની વિધાનસભા અને લોકસભા ચૂંટણીની સરખામણીએ ઘણો વધારે છે. મતદાનમાં સૌથી વધુ ઉત્સાહ મુઝફ્ફરપુર જિલ્લામાં જોવા મળ્યો, જ્યાં 71.81 ટકા લોકોએ મત આપ્યો. જ્યારે પટનામાં 59.02 ટકા મતદાન થયું. યુપીથી સટેલા જિલ્લાઓમાં રાજભર (OBC) સમુદાયના મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. જો તેઓ બિહારમાં રાજભર મતદારોને પોતાની તરફ આકર્ષવામાં સફળ થાય છે, તો NDAને નુકસાન થઈ શકે છે.