નબળા ચોમાસાથી કયાં સેક્ટરો પર પડશે અસર?

નવી દિલ્હીઃ દેશમાં ચોમાસાની શરૂઆત અત્યાર સુધી નબળી રહી છે, જેને કારણે ખેતી અને ગ્રામીણ અર્થતંત્ર પર અસર થવાની આશંકા વધી છે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે હાલમાં ગભરાવાની જરૂર નથી. તેઓ કહે છે કે આવનારાં અઠવાડિયામાં વરસાદની ગતિ તેજ થઈ શકે છે અને પરિસ્થિતિમાં સુધારો આવી શકે છે.  હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ 20 જૂન સુધી દેશમાં સામાન્ય રીતે થતી 84.4 મીમી વરસાદની સામે માત્ર 45.6 મિમી વરસાદ નોંધાયો છે. એટલે કે અત્યાર સુધી લગભગ 46 ટકા ઓછો વરસાદ પડ્યો છે. આ કારણે અલ નિનો (El Nino)ની અસર અંગેની ચિંતાઓ પણ વધી છે.

અર્થતંત્ર પર શી અસર પડશે?

અર્થશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, નબળા ચોમાસાની અસર માત્ર ખેતી પૂરતી મર્યાદિત નહીં રહે. તેઓ કહે છે કે જળાશયોમાં પાણીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે. ખરીફ પાકોની વાવણી ધીમી પડી છે અને દાળ, તેલીબિયાં, જાડા અનાજ (મિલેટ્સ) તથા કપાસ જેવા વરસાદ આધારિત પાકો સૌથી વધુ જોખમમાં છે. તેમના અંદાજ મુજબ જો વરસાદ સામાન્ય કરતાં ઓછો રહે તો નાણાકીય વર્ષ 2026-27માં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર ઘટીને 0થી 1 ટકા વચ્ચે રહી શકે છે. સાથે જ ખાદ્ય મોંઘવારી વધવાનો પણ ખતરો રહેશે.

કયાં સેક્ટરો પર સૌથી વધુ અસર પડશે?

જો ચોમાસું નબળું રહે તો સૌથી પહેલાં ખાતર અને બીજ બનાવતી કંપનીઓ પર અસર જોવા મળશે. વરસાદમાં વિલંબ થવાથી ખેડૂતોની ખરીદી પણ પાછળ ઠેલાઈ શકે છે, જેને કારણે કંપનીઓનું પ્રથમ ત્રિમાસિક વેચાણ ધારણા કરતાં નબળું રહેશે.

અહેવાલ મુજબ

  • ટ્રેક્ટર ઉત્પાદક કંપનીઓ પર અસર પડી શકે છે.
  • ખેડૂતોની આવક ઘટે તો નવા ટ્રેક્ટરની ખરીદી મુલતવી રહી શકે છે.
  • એન્ટ્રી-લેવલ ટુ-વ્હીલર (મોટરસાયકલ/સ્કૂટર) કંપનીઓ પર દબાણ આવી શકે છે.
  • ગ્રામીણ બજાર પર આધારિત FMCG કંપનીઓના વેચાણ પર અસર થઈ શકે છે.