પૂર્વોત્તરને અલગ કરવાની પોકળ ધમકી આપનાર હસનત અબદુલ્લા  છે કોણ?

ઢાકાઃ શેખ હસીના સરકારના તખતાપલટ પછીથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી છે. સમયાંતરે બાંગ્લાદેશના નેતાઓ ભારતવિરોધી નિવેદનો આપી દ્વિપક્ષી સંબંધોને વધુ નુકસાન પહોંચાડતા આવ્યા છે. આ કડીમાં હવે હસનત અબદુલ્લાનું નામ જોડાયું છે. હસનત બાંગ્લાદેશની નેશનલ સિટિઝન પાર્ટી (NCP)ના નેતા છે. ભારતનાં પૂર્વોત્તર રાજ્યો અંગે તેમના ભડકાઉ અને આપત્તિજનક નિવેદન પર ભારતમાં તીવ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. આસામના CM હિમંતા બિસ્વા સરમા સહિત ભાજપના અનેક નેતાઓએ હસનતના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે.

એ દરમિયાન ઢાકા સહિત બાંગ્લાદેશમાં આવેલા ભારતીય રાજદૂતની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવા માટે નવી દિલ્હીએ બુધવારે બાંગ્લાદેશના રાજદૂતને બોલાવ્યા હતા.

 હસનતે શું કહ્યું?

હસનત અબદુલ્લાએ તાજેતરમાં ધમકી આપતાં કહ્યું હતું કે જો બાંગ્લાદેશ અસ્થિર થશે તો તે ભારતના પૂર્વોત્તર (સેવન સિસ્ટર્સ) રાજ્યોને અલગ કરવાની દિશામાં પગલાં લેશે અને આ સાત રાજ્યોના અલગાવવાદીઓને બાંગ્લાદેશમાં આશ્રય આપશે. ભારતના પૂર્વોત્તરના આ સાત રાજ્ય છે – અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા. તેમાંના આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમની બાંગ્લાદેશ સાથે લાંબી સરહદ છે.

બાંગ્લાદેશમાં ભારતે બંધ કર્યું વિઝા સેન્ટર

ઢાકામાં સુરક્ષા પરિસ્થિતિ ખરાબ થતાં ભારતે જમુના ફ્યુચર પાર્કમાં આવેલા ઇન્ડિયન વિઝા એપ્લિકેશન સેન્ટરને અસ્થાયી રીતે બંધ કરી દીધું છે. આ બાંગ્લાદેશનું સૌથી મોટું વિઝા પ્રોસેસિંગ હબ છે અને રાજધાનીમાંથી આવતી મોટા ભાગની ભારતીય વિઝા અરજીઓ અહીંથી સંભાળવામાં આવે છે.

હેલ્થકેર સંકટ વધી શકે

સસ્તી અને આધુનિક તબીબી સારવાર માટે બાંગ્લાદેશી દર્દીઓ લાંબા સમયથી ભારત પર નિર્ભર રહ્યા છે. કેન્સર સારવાર, હૃદય સર્જરીથી લઈને અંગ પ્રત્યારોપણ સુધી દર મહિને હજારો બાંગ્લાદેશી દર્દીઓ ભારતીય હોસ્પિટલોનો સહારો લે છે. વિઝા સેન્ટર બંધ થતાં આ મહત્વપૂર્ણ જીવનરેખા અસરગ્રસ્ત બની છે.

 વેપાર પર પણ અસર

ભારત અને બાંગ્લાદેશ દક્ષિણ એશિયાના સૌથી મજબૂત દ્વિપક્ષી વેપારી સંબંધો ધરાવે છે. કાચા માલની ખરીદી, કરાર ચર્ચા, ટ્રેડ ફેરમાં ભાગ લેવા અને સપ્લાય ચેઇન જાળવવા માટે બાંગ્લાદેશી વેપારીઓ વારંવાર ભારત આવે છે. વિઝા સેવાઓ બંધ થવાથી આવી વ્યાવસાયિક મુસાફરીમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે.