નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ રાજ્ય આસામની 2019 બેચની સિવિલ સેવા અધિકારી નૂપુર બોરા હાલમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોને કારણે ચર્ચામાં છે. આસામ પોલીસે તેમની આવકથી વધુ સંપત્તિ અને જમીન કૌભાંડના આરોપમાં ધરપકડ કરી છે. આ મુદ્દે CM વિશેષ સતર્કતાની ટીમે નૂપુરના ગુવાહાટી અને બારપેટા સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.
આ દરોડાને લઈને પોલીસે વિગતવાર માહિતી આપી છે. નૂપુર બોરાના ઘરમાંથી અંદાજે 90 લાખ રૂપિયાની રોકડ અને બે કરોડ રૂપિયાથી વધુ કિંમતના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. આ મુદ્દે CM હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે અધિકારીની પ્રવૃત્તિઓ પર લાંબા સમયથી નજર રાખવામાં આવી રહી હતી.
CM હિમંતના ગંભીર આક્ષેપ
આ કેસમાં CM હિમંત બિસ્વા સરમાએ કહ્યું હતું કે વિવાદાસ્પદ જમીન સંબંધિત મામલાઓમાં તેમની સંભવિત સંકળાયેલાની ફરિયાદોને કારણે છેલ્લા છ મહિનાથી તેમના પર નજર રાખવામાં આવી રહી હતી. તેમણે જણાવ્યું હતું કે બારપેટા જિલ્લામાં સર્કલ અધિકારી તરીકેની ફરજ દરમિયાન બોરાએ સંદિગ્ધ ગેરકાયદે વસાહતીઓને સરકાર અને જમીનના ગેરકાયદે નોંધણી કરવામાં સહાયતા કરી હતી.
આ જમીન મેળવતા લોકોને CM હિમંતએ ‘મિયા’ કહીને સંબોધ્યા હતા. આસામમાં બંગાળી ભાષી મુસ્લિમોને ‘મિયા મુસ્લિમ’ કહેવામાં આવે છે, જેમને ભાજપ ઘણી વાર પડોશી બાંગ્લાદેશમાંથી આવેલા ગેરકાયદે પ્રવાસી તરીકે નિશાન બનાવે છે અને તેમને મૂળ આસામી વસ્તી માટે ખતરો ગણાવે છે.

પ્રાપ્ત માહિતી મુજબ અધિકારીના ઘરમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જે તેમની ગુવાહાટી સ્થિત રહેઠાણથી શરૂ થઈને તેમની સાથે જોડાયેલાં ત્રણ અન્ય સ્થળોએ વિસ્તર્યા હતા. બારપેટામાં તેમના ભાડાના મકાન પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં તપાસ હજુ ચાલુ છે.


