અલ્-કાયદા લિંક, કટ્ટરપંથી વિચારસરણી : આ છે ઓમાની કો-પાયલોટ અલ્-હમ્મામી!

દુબઈ: ઇઝરાયેલ જઇ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ (FZ1073)માં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છાર પર જીવલેણ હુમલો કરી વિમાન ક્રેશ કરવાનો પ્રયાસ કરનાર ઓમાની કો-પાયલોટ અંગે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. અલ્ અરેબિયા અનુસાર, આ કો-પાયલોટની ઓળખ હમામ અલ્-હમ્મામી (Hamam al-Hammami) તરીકે થઈ છે, જે હાલ યુએઈ (UAE) પોલીસની કસ્ટડીમાં છે.

તપાસ દરમિયાન હમ્મામીના સોશિયલ મીડિયા પ્રોફાઇલ અને ભૂતકાળમાંથી અત્યંત કટ્ટરપંથી અને શંકાસ્પદ માહિતી મળી આવી છે:

  • અલ્-કાયદા સાથે જોડાણ: તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી 9/11ના માસ્ટરમાઇન્ડ અને અલ્-કાયદા આતંકી અયમાન અલ-જવાહિરી અને અન્ય આતંકવાદીઓની તસવીરો અને વીડિયો મળી આવ્યા છે.

  • ઓમાન એર પરથી હટાવાયો હતો: ફ્લાયદુબઈમાં જોડાતા પહેલા તે ‘ઓમાન એર’માં કામ કરતો હતો. પરંતુ તેની કટ્ટરપંથી પ્રવૃત્તિઓ અને ઉગ્રવાદી વેબસાઇટ્સ જોવાની આદતને કારણે તેને ઉડાન ડ્યુટી પરથી હટાવીને ગ્રાઉન્ડ/ઓફિસ જોબ સોંપવામાં આવી હતી. બાદમાં તેણે નોકરી છોડી દીધી હતી.

  • સોશિયલ મીડિયા પર એક્ટિવ: તેણે ઘટનાના દિવસે જ કેટલાક વીડિયો પોસ્ટ કર્યા હતા (જે અગાઉથી શેડ્યૂલ કરેલા હોઈ શકે છે), જેમાં કોકપિટના વીડિયો અને ઇસ્લામિક ધાર્મિક સ્થળોની AI-જનરેટેડ તસવીરો હતી.

  • કટ્ટરવાદી વિચારો: તે અત્યંત ધાર્મિક માનસિકતા ધરાવતો હતો, મહિલાઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરતો હતો અને નોકરી કરતી મહિલાઓ સામે સોશિયલ મીડિયા પર કટ્ટરપંથી વિચારો વ્યક્ત કરતો હતો.

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ જણાવ્યું છે કે આ પાયલોટ ઇસ્લામિક કટ્ટરપંથથી પ્રભાવિત હતો અને તે વિમાનને મુસાફરો સાથે ક્રેશ કરવા માગતો હતો. હાલ આ કેસમાં યુએઈ, ઇઝરાયેલ અને સાઉદી અરેબિયાની એજન્સીઓ સંયુક્ત તપાસ કરી રહી છે.