જથ્થાબંધ મોંઘવારીનો દર 31 મહિનાની ટોચે

નવી દિલ્હીઃ ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 12.29 ટકા થયો છે, જ્યારે સપ્ટેમ્બરમાં તે 11.39 ટકા હતો. સૌથી વધુ દબાણ ફ્યુઅલ અને વીજળીના ભાવમાં વધારાને કારણે જોવા મળ્યું છે. કાચા પેટ્રોલિયમ અને કુદરતી ગેસનો મોંઘવારી દર વધીને 70.80 ટકાએ  પહોંચ્યો છે. આ છેલ્લા 31 મહિનાનું સર્વોચ્ચ સ્તર છે.

જથ્થાબંધ મોંઘવારીના મોરચે ઓક્ટોબરમાં મોટો ફટકો પડ્યો છે. ખાદ્ય પદાર્થોથી લઈને ફ્યુઅલ અને ઉત્પાદન ક્ષેત્ર સુધી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા 16 નવેમ્બરે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ઓક્ટોબર, 2026માં જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) આધારિત મોંઘવારી દર વધીને 12.29 ટકા થયો છે. સપ્ટેમ્બરમાં આ દર 11.39 ટક હતો. એટલે કે એક જ મહિનામાં જથ્થાબંધ મોંઘવારીમાં 0.90 ટકાનો વધારો થયો છે.

ફ્યુઅલ અને વીજળીએ વધારી મોંઘવારીની ચિંતા

ઓક્ટોબરમાં ફ્યુઅલ અને વીજળીના મોંઘવારી દરમાં વધારો થઈને તે 32.84 ટકા થયો છે, જ્યારે સપ્ટેમ્બરમાં આ દર 25.85 ટકા હતો. આમ, એક મહિનામાં તેમાં લગભગ 7 ટકાનો વધારો નોંધાયો છે. આ જૂથમાં સૌથી વધુ ભાવવધારો કાચા પેટ્રોલિયમ અને કુદરતી ગેસમાં જોવા મળ્યો છે. ઓક્ટોબરમાં તેનો મોંઘવારી દર 70.80 ટકા રહ્યો હતો, જ્યારે સપ્ટેમ્બરમાં તે 57.32 ટકા હતો. બીજી તરફ, ખનિજ તેલનો મોંઘવારી દર પણ 40.02 ટકાથી વધીને 45.57 ટકા થયો છે. વીજળીના મોંઘવારી દરમાં પણ મોટો ફેરફાર નોંધાયો છે. સપ્ટેમ્બરમાં આ દર -0.43 ટકા હતો, જે ઓક્ટોબરમાં વધીને 8.06 ટકા થયો છે. કોલસા અને લિગ્નાઇટનો મોંઘવારી દર પણ 9.31 ટકાથી વધીને 10.49 ટકા પર પહોંચ્યો છે.

ખાદ્ય પદાર્થોની મોંઘવારીની સ્થિતિ શું છે?

પ્રાથમિક ચીજવસ્તુઓ એટલે કે પ્રાઇમરી આર્ટિકલ્સનો મોંઘવારી દર ઓક્ટોબરમાં વધીને 9.24 ટકા થયો છે. સપ્ટેમ્બરમાં તે 8.67 ટકા હતો. આ જૂથમાં ખાદ્ય પદાર્થોનો મોંઘવારી દર 8.14 ટકાથી વધીને 8.26 ટકા થયો છે. જોકે ખાદ્ય મોંઘવારી માપતા WPI ફૂડ ઇન્ડેક્સમાં નજીવી રાહત જોવા મળી છે. ઓક્ટોબરમાં તેનો મોંઘવારી દર 8.58 ટકા નોંધાયો હતો, જ્યારે સપ્ટેમ્બરમાં તે 8.66 ટકા હતો. WPI ફૂડ ઇન્ડેક્સમાં પ્રાથમિક ચીજવસ્તુઓના જૂથના ખાદ્ય પદાર્થો અને ઉત્પાદન ક્ષેત્રનાં ખાદ્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ સૂચકાંકનું કુલ વજન 24.99 ટકા છે.