44 મહિનાની ટોચે જથ્થાબંધ મોંઘવારી દરઃ 9.68 ટકાએ પહોંચ્યો WPI

નવી દિલ્હીઃ મે મહિનામાં હોલસેલ મોંઘવારી (WPI) દરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સરકારી આંકડા મુજબ મે મહિનામાં થોક મોંઘવારી દર વધીને 9.68 ટકા થયો, જે એપ્રિલમાં 8.26 ટકા હતો. ઇંધણ અને વીજળી, ઉત્પાદિત માલ તથા ખાદ્ય પદાર્થોની કિંમતોમાં તેજી આ વધારાનું મુખ્ય કારણ રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આધાર વર્ષ 2011-12માંથી સુધારીને 2022-23 કર્યા બાદ જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) આધારિત મોંઘવારીના આંકડા સોમવારે જાહેર કર્યા હતા.

ઇંધણ અને વીજળી શ્રેણીમાં મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી વધીને 30.33 ટકા થઈ, જે એપ્રિલમાં 24.89 ટકા હતી. કાચા પેટ્રોલિયમમાં મોંઘવારી દર મેમાં 61.51 ટકા રહ્યો, જ્યારે એપ્રિલમાં તે 56.31 ટકા હતો. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ અને હોર્મુઝ જળમાર્ગના અસરકારક અવરોધને કારણે જથ્થાબંધ મોંઘવારીમાં આ વધારો નોંધાયો છે. ભારત પોતાનું મોટા ભાગનું ઓઇલ આ માર્ગ મારફતે આયાત કરે છે. તેની અસર ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતો પર પણ પડી છે. ખાદ્ય પદાર્થોમાં મોંઘવારી મે મહિનામાં 3.60 ટકા રહી, જે એપ્રિલમાં 2.43 ટકા હતી. ઉત્પાદિત માલ (Manufactured Products)માં મોંઘવારી વધીને 7.48 ટકા થઈ, જ્યારે એપ્રિલમાં તે 6.68 ટકા હતી.

ઉપભોક્તા ભાવ સૂચકાંક (CPI) આધારિત રિટેલ મોંઘવારી પણ મે મહિનામાં વધીને 3.93 ટકા થઈ, જે છેલ્લા 16 મહિનાના ઉચ્ચ સ્તરે છે. એપ્રિલમાં તે 3.48 ટકા હતી. રિઝર્વ બેંક (RBI) નાણાકીય નીતિ નક્કી કરતી વખતે મુખ્યત્વે રિટેલ મોંઘવારીને ધ્યાનમાં લે છે. સરકારે કુલ મોંઘવારી દરને 4 ટકા (±બે ટકા) ની મર્યાદામાં રાખવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ મહિનાની શરૂઆતમાં RBIએ ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માટે મોંઘવારીનો અંદાજ 4.6 ટકાથી વધારીને 5.1 ટકા કર્યો હતો. વૈશ્વિક ઊર્જા કિંમતોમાં વધારાને કારણે કાચા માલની કિંમત વધી છે, જેને પરિણામે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પણ અસર પડી છે.