ઈંગ્લેન્ડમાં એક અમેરિકન સૈનિકની ધરપકડ કેમ કરવામાં આવી?

લંડન: બ્રિટનમાં મંગળવારે અમેરિકન સેનાના એક જવાનની ધરપકડ કરવામાં આવતાં સુરક્ષા એજન્સીઓમાં ચર્ચા શરૂ થઈ છે. બ્રિટનની આતંકવાદ વિરોધી પોલીસે આ ધરપકડ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે અમેરિકન સૈનિકની રશિયા સાથે જોડાયેલી જાસૂસીના શંકાસ્પદ મામલે ધરપકડ કરવામાં આવી છે.

પ્રતિકાત્મક ફોટો

મળતી માહિતી મુજબ, આ અમેરિકન સૈનિક પર વિદેશી ગુપ્તચર સેવાને મદદ કરવાનો તેમજ સુરક્ષિત અને ગુપ્ત માહિતી મેળવવા અથવા તેનો ખુલાસો કરવાનો આરોપ છે. આ મામલે બ્રિટનની રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા કાયદા હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમેરિકન સૈનિક પર શું છે આરોપ?

બ્રિટનની આતંકવાદ વિરોધી પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા અમેરિકન સૈનિક પર વિદેશી ગુપ્તચર સેવાને સહાય કરવાનો અને સંરક્ષિત માહિતી મેળવવા અથવા જાહેર કરવાનો શંકાસ્પદ આરોપ છે.આ ધરપકડ બ્રિટનના નેશનલ સિક્યુરિટી એક્ટ, 2023ની બે અલગ-અલગ કલમોના સંભવિત ઉલ્લંઘનના આધારે કરવામાં આવી છે.હાલમાં તપાસ એ દિશામાં ચાલી રહી છે કે સૈનિકે કોઈ વિદેશી ગુપ્તચર એજન્સીને માહિતી પહોંચાડી હતી કે નહીં અને આ સમગ્ર મામલે રશિયાની કોઈ ભૂમિકા છે કે કેમ.

અમેરિકન સેના અને FBIએ પણ કરી મદદ

આ જાસૂસીના શંકાસ્પદ મામલામાં અમેરિકાની તપાસ એજન્સીઓનો સહયોગ પણ સામે આવ્યો છે. લંડનની મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે તેમની આતંકવાદ વિરોધી ટીમે અમેરિકાની ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) અને અમેરિકન સેનાની સાથે મળીને કામગીરી કરી હતી. સંયુક્ત તપાસ અને મળેલી માહિતીને આધારે શંકાસ્પદ અમેરિકન સૈનિકની ધરપકડ કરવામાં આવી છે.

અમેરિકા અને બ્રિટન વચ્ચે છે લાંબા સમયથી મિત્રતા

ઉલ્લેખનીય છે કે અમેરિકા અને બ્રિટન લાંબા સમયથી એકબીજાના નજીકના સહયોગી દેશો છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ, ગુપ્તચર માહિતી અને સુરક્ષા ક્ષેત્રે સહયોગ રહ્યો છે. અમેરિકન સેનાના અનેક જવાનો પણ બ્રિટનમાં તૈનાત છે. આવા સંજોગોમાં અમેરિકન સૈનિકની રશિયા સાથે જોડાયેલી જાસૂસીના શંકાસ્પદ મામલે ધરપકડ થવાથી આ ઘટના આંતરરાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી ચર્ચામાં આવી છે.હાલ તપાસ એજન્સીઓ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. જોકે, સૈનિક સામેના આરોપો સાબિત થયા છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય સામે આવ્યો નથી.