અમેરિકાને હોર્મુઝ નાકેબંધી વચ્ચે ઈરાનની અત્યાર સુધીની સૌથી મોટી ધમકી

ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ અમેરિકાને ખુલ્લી ધમકી આપી છે કે ખાડી વિસ્તારમાં હવે ઈરાનનું જ વર્ચસ્વ રહેશે. હોર્મુઝ સ્ટ્રેટની નાકેબંધી અને અમેરિકી પ્રતિબંધો વચ્ચે ખામેનેઈએ જણાવ્યું કે અમેરિકાની હાજરી જ અસુરક્ષાનું મુખ્ય કારણ છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી નાકેબંધી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી તેલનો આ મહત્વનો સમુદ્રી માર્ગ ખોલવામાં આવશે નહીં. આ ગતિરોધને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીના જોખમ હેઠળ છે.

ખામેનેઈનો આ કડક સંદેશ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના તે પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યા બાદ આવ્યો છે, જેમાં નાકેબંધી હટાવવાની માગ કરવામાં આવી હતી. ઈરાને શરત મૂકી છે કે જ્યાં સુધી તેની અર્થવ્યવસ્થા પર લાદવામાં આવેલા પ્રતિબંધો અને દરિયાઈ નાકેબંધી દૂર કરવામાં નહીં આવે, ત્યાં સુધી તે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોને પરવાનગી આપશે નહીં. માર્ચ 2026 થી આ વ્યૂહાત્મક માર્ગ બંધ હોવાને કારણે દુનિયાભરમાં તેલની કિંમતો આસમાને પહોંચી છે અને અનેક દેશોમાં ઉર્જા કટોકટી સર્જાઈ છે. ખામેનેઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વિસ્તારની સુરક્ષા હવે ઈરાન પોતે સંભાળશે અને એક નવી વ્યવસ્થા ઊભી કરશે જેનાથી પ્રાદેશિક દેશોને આર્થિક ફાયદો થશે.

અમેરિકા પર કટાક્ષ કરતા ખામેનેઈએ જણાવ્યું હતું કે જે અમેરિકી સૈન્ય મથકો પોતાની સુરક્ષા કરવામાં અક્ષમ છે, તેઓ બીજાને શું સુરક્ષા આપશે. તેમણે દાવો કર્યો કે પર્સિયન ગલ્ફમાં અમેરિકાની હાજરી જ અસ્થિરતાનું મૂળ છે. ઉલ્લેખનીય છે કે ઈરાને અગાઉ પણ અમેરિકા અને ઈઝરાયેલના સંભવિત હુમલાઓના જવાબમાં ખાડીમાં અનેક લશ્કરી કાર્યવાહીઓ કરી છે. ઈરાની નૌકાદળના કમાન્ડરોએ પણ તાજેતરમાં એવા નવા શક્તિશાળી હથિયારોનો ઉલ્લેખ કર્યો છે જેનાથી દુશ્મન દેશોમાં ફફડાટ ફેલાયો છે. આ લશ્કરી તાકાતના જોરે જ ઈરાન હવે ખાડી દેશો સાથે નવા જોડાણો બનાવી રહ્યું છે.

આ સંઘર્ષના મૂળમાં અમેરિકી નાકેબંધી છે જેણે ઈરાનના તેલના વેપાર પર ભારે દબાણ લાવ્યું છે. જેના વળતા પ્રહાર રૂપે ઈરાને હોર્મુઝના માર્ગનો ઉપયોગ હથિયાર તરીકે કર્યો છે. ખામેનેઈએ સ્પષ્ટ કીધું છે કે જે લોકો હજારો કિલોમીટર દૂરથી આવીને આ વિસ્તારમાં દખલ દે છે, તેમના માટે હવે માત્ર સમુદ્રના ઊંડાણ સિવાય બીજી કોઈ જગ્યા બાકી નથી. આ આક્રમક વલણથી આખા વિશ્વમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે, કારણ કે જો યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો તેની અસર ભારત સહિત સમગ્ર એશિયાના તેલ પુરવઠા પર પડી શકે છે.