બેથી ત્રણ સપ્તાહમાં ઈરાન યુદ્ધ ખતમ કરીશું: ટ્રમ્પ

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધમાંથી બહાર નીકળવાના સંકેત આપ્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા બે કે ત્રણ સપ્તાહમાં ઈરાન સાથેનું યુદ્ધ ખતમ કરે એવી શક્યતા છે, પરંતુ તે પહેલાં અમેરિકા ખાતરી કરશે કે ઈરાનની સરકાર પરમાણુ હથિયારો બનાવવાની સ્થિતિમાં ન રહે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે શાંતિ કરાર માટે ઈરાન વિનંતી કરી રહ્યું છે. આ પહેલાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને કહ્યું હતું કે ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા માગે છે, પરંતુ તેને આ બાબતની ખાતરી મળવી જોઈએ કે તેના પર ફરીથી હુમલો નહીં કરવામાં આવે.

હોર્મુઝ ફરી ખૂલશે, પરંતુ તમારા માટે નહીં — ઈરાની સાંસદનો ટ્રમ્પને સંદેશ

ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના પ્રમુખ ઇબ્રાહિમ અઝીઝીએ પોતાના X (ટ્વિટર) એકાઉન્ટ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને સંદેશ આપતા કહ્યું: હતું કે હોર્મુઝ જળસંધિ ચોક્કસપણે ફરી ખૂલશે, પરંતુ તમારા માટે નહીં, તે માત્ર તેમના માટે ખુલ્લી રહેશે જે ઈરાનના નવા કાયદાઓનું પાલન કરશે.

મુખ્ય મુદ્દાઓ:

* હોર્મુઝ ફરી ખૂલશે, પરંતુ ટ્રમ્પ માટે નહીં — ઈરાન

* કતારના કિનારા પાસે ટેન્કર પર હુમલો

* ઇઝરાઇલનો ઈરાનમાં ફેક્ટરી પર હુમલો

* UAEએ ઈરાનીઓના પ્રવેશ અને ટ્રાન્ઝિટ પર પ્રતિબંધ મૂક્યો

* ઈરાન વિરુદ્ધ અભિયાન હજી પૂરું થયું નથી: નેતન્યાહુ

અહેવાલ છે કે ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિએ હોર્મુઝ જળસંધિમાંથી પસાર થતાં જહાજો પર ટોલ (શુલ્ક) લગાવવાની યોજનાને મંજૂરી આપી છે.

કતારના કિનારા પાસે ટેન્કર પર હુમલો

દોહા કિનારા નજીક એક ટેન્કર પર “અજ્ઞાત પ્રોજેક્ટાઇલ” દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એજન્સીએ જણાવ્યું હતું કે જહાજના ડાબા ભાગ (પોર્ટ સાઈડ) પર હુમલો થયો, જેને કારણે પાણીની સપાટી ઉપરના ભાગ (હુલ)ને નુકસાન પહોંચ્યું, પરંતુ તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે.