શું ચૂંટાયેલી સરકાર રાજ્યપાલની મરજી પર ચાલશે?: CJI

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે સરકાર સવાલ કર્યો હતો કે શું રાજ્યપાલને કોઈ કાયદો (બિલ) હંમેશાં માટે અટકાવી રાખવાની છૂટ આપી શકાય? જો હા, તો શું તેનો અર્થ એ નથી થતો કે ચૂંટાયેલી સરકાર હંમેશાં રાજ્યપાલની વ્યક્તિગત પસંદગી કે ઇચ્છા પર આધારિત રહેશે?

કોર્ટને ચિંતા છે કે જો રાજ્યપાલ કોઈ વિધેયકને હંમેશ માટે અટકાવી શકે તો લોકોથી ચૂંટાયેલી સરકારની શક્તિ નબળી પડી જશે અને રાજ્યપાલનો વ્યક્તિગત નિર્ણય વધારે પ્રબળ બની જશે. મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને સવાલ કર્યો, “પણ પછી તો શું આપણે રાજ્યપાલને અપીલોની સુનાવણી કરવાનો પૂરો અધિકાર આપી દઈએ છીએ? બહુમતીથી ચૂંટાયેલી સરકાર રાજ્યપાલની ઇચ્છા પર આધારિત થઈ જશે.

ખંડપીઠે કહ્યું હતું કે જો એવું માનવામાં આવે કે રાજ્યપાલ પહેલી વાર અટકાવે એટલે બિલ ખતમ થઈ જાય, તો તે ન રાજ્યપાલની શક્તિ માટે યોગ્ય રહેશે, ન તો આખી કાયદા બનાવવા પ્રક્રિયા માટે.

જસ્ટિસ બી. આર. ગવઈનો સવાલ

પાંચ ન્યાયાધીશોની બંધારણીય પીઠ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના તે સંદર્ભ (Presidential reference) પર સુનાવણી કરી રહી છે, જેમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો દ્વારા રાજ્ય વિધાનસભાઓમાંથી મોકલાયેલા વિધેયકો પર કાર્યવાહી કરવા માટે સમયમર્યાદા નક્કી કરવા સંબંધિત બે ન્યાયાધીશોની ખંડપીઠના ચુકાદાને સ્પષ્ટતા માટે મૂકવામાં આવ્યો છે.

અનુચ્છેદ 200 હેઠળ રાજ્યપાલની વિવેકાધીન શક્તિઓની વ્યાખ્યા કરતાં મહેતાએ કહ્યું હતું  કે આ નિવૃત્ત નેતાઓ માટે કોઈ આશ્રયસ્થાન નથી, પરંતુ તેની પોતાની પવિત્રતા છે, જેના પર બંધારણ સભામાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યપાલ – ભલે તેઓ ચૂંટાયેલા ન હોય, રાષ્ટ્રપતિનું પ્રતિનિધિત્વ કરે છે અને માત્ર વિધેયકો પર યાંત્રિક મંજૂરી આપનાર ડાકિયા નથી. તેમણે ઉમેર્યું હતું કે જે વ્યક્તિ સીધી રીતે ચૂંટાયેલી નથી તે કોઈ રીતે ઓછી નથી.