નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલતો તણાવ હવે ખતમ થવાની નજીક લાગે છે. એવા મોટા સંકેતો મળી રહ્યા છે જે બતાવે છે કે બંને દેશ હવે લડાઈ રોકીને સમજૂતીને અંતિમ રૂપ આપવા તરફ આગળ વધી રહ્યા છે. હવે બંને દેશ ટકરાવ નહીં, પરંતુ શાંતિ ઈચ્છે છે. જો બધું સમુંસૂતરું રહ્યું તો ટૂંક સમયમાં મોટો કરાર થઈ શકે છે અને આ સંઘર્ષ ખતમ થઈ શકે છે.
ટ્રમ્પના નિવેદનમાં શાંતિનો સંદેશ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઈરાન સાથે યુદ્ધ ખતમ કરવા માટે ટૂંક સમયમાં કરાર થવાની શક્યતા છે. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચેની આગામી બેઠક આ સપ્તાહના અંતે થઈ શકે છે.
પરમાણુ મુદ્દે સહમતી થઈ ગઈ?
ટ્રમ્પે ગુરુવારે દાવો કર્યો કે ઈરાને પોતાનો “ન્યુક્લિયર ડસ્ટ” અમેરિકા પાસે પરત આપવા સહમતી દર્શાવી છે. ટ્રમ્પ વારંવાર “ન્યુક્લિયર ડસ્ટ” શબ્દનો ઉપયોગ ઈરાનના સમૃદ્ધ અથવા એનરિચ્ડ યુરેનિયમ માટે કરતા રહ્યા છે. આ ખૂબ મોટો દાવો છે કારણ કે યુદ્ધ શરૂ થવાનું સૌથી મોટું કારણ આ મુદ્દો હતો.
પાકિસ્તાન જવા તૈયાર ટ્રમ્પ
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ કરાર પર હસ્તાક્ષર કરવા પાકિસ્તાન જશે, ત્યારે તેમણે કહ્યું હતું કે હા, હું જઈ શકું છું. જો ડીલ ઇસ્લામાબાદમાં સાઇન થાય તો હું જઈશ. ટ્રમ્પે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ અને સેનાપ્રમુખ આસિમ મુનીરની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેમણે ઈરાન સાથે વાતચીત કરાવવામાં મોટી ભૂમિકા ભજવી છે.
બેકચેનલમાં ઘણી વાતો નક્કી થઈ ગઈ – રિપોર્ટ
એક પાકિસ્તાની સૂત્રએ જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે ગુપ્ત (બેકડોર) ચર્ચાઓમાં પ્રગતિ થઈ છે. આવનારી બેઠકમાં કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. પહેલા બંને દેશ “મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ” (MoU) પર સાઇન કરશે, ત્યાર બાદ 60 દિવસની અંદર સંપૂર્ણ કરાર થશે.

ઇઝરાયેલ-લેબનાન યુદ્ધવિરામે આશા જગાવી
ઇઝરાયેલ અને લેબેનોન વચ્ચે 10 દિવસનું યુદ્ધવિરામ લાગુ થઈ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ યુદ્ધવિરામની જાહેરાત કરી છે.


