નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો માટે તૈયાર કરવામાં આવેલા પ્રારંભિક માળખામાં તહેરાનના અત્યંત સમૃદ્ધ યુરેનિયમના ભંડારને કોઈ ત્રીજા દેશને સોંપવાનો અથવા તેના સંવર્ધનનું સ્તર ઘટાડવાનો પ્રસ્તાવ સામેલ છે. આ ઉપરાંત પ્રારંભિક સમજૂતી થયા બાદ સાત દિવસની અંદર હોર્મુઝની ખાડીને આંતરરાષ્ટ્રીય જહાજો માટે ફરીથી ખોલવાનો પણ પ્રસ્તાવ છે, એમ અહેવાલ કહે છે.
સમાચાર માધ્યમને વિશેષ રીતે મળેલા આ ડ્રાફ્ટ માળખામાં ચીનને કોઈ પણ સમજૂતીના અમલીકરણ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સંભવિત ગેરંટર તરીકે પણ સામેલ કરવામાં આવ્યું છે. આ માટે ચીનમાં એક બેઠક યોજવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. વોશિંગ્ટન અને તહેહરાન વચ્ચે ઈસ્તંબુલને બદલે દોહામાં સીધી વાટાઘાટો થશે. પ્રસ્તાવિત વ્યવસ્થા હેઠળ ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમ અને દરિયાઈ સુરક્ષાને લગતી પ્રતિબદ્ધતાઓનું પાલન કરશે. તેના બદલામાં અમેરિકા પ્રતિબંધો, નાકાબંધી અને અન્ય આર્થિક નિયંત્રણોમાં રાહત આપશે.
આ માળખામાં અમલીકરણના દરેક તબક્કા પહેલાં બંને પક્ષોની પ્રતિબદ્ધતાઓનું પાલન થયું છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવા માટે સ્વતંત્ર ચકાસણી વ્યવસ્થાની પણ જોગવાઈ છે. જેથી કોઈ પણ પક્ષ બીજા પક્ષની પ્રતિબદ્ધતાઓની સ્વતંત્ર રીતે ચકાસણી થયા વિના કોઈ મોટી છૂટ ન આપે તે સુનિશ્ચિત કરી શકાય.
કતારે રાજદ્વારી પ્રયાસો તેજ કર્યા
ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNAના અહેવાલ અનુસાર, શુક્રવારે વોશિંગ્ટન અને તહેરાન વચ્ચે યુદ્ધવિરામ ફરીથી સ્થાપિત કરવાના રાજદ્વારી પ્રયાસો તેજ થયા હતા. આ અંતર્ગત કતારનું એક પ્રતિનિધિમંડળ વાટાઘાટો માટે ઈરાનની રાજધાની તહેરાન પહોંચ્યું હતું.
JUST IN: 🇺🇸🇮🇷 President Trump says the war with Iran will end soon.
— BRICS News (@BRICSinfo) October 30, 2026
ટ્રમ્પે કહ્યું, અમને કોઈ ઉતાવળ નથી
આ રાજદ્વારી ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યા છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે વોશિંગ્ટનને ઈરાન સાથેનો સંઘર્ષ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી. તેમણે આ ટકરાવને ‘કોઈ સામાન્ય યુદ્ધ નથી’ એવું ગણાવ્યું હતું. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તહેરાન વાટાઘાટો કરવા માગે છે, પરંતુ ઈરાન હાલમાં આંતરિક આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. સ્થિતિ એટલી ખરાબ છે કે તે પોતાના સૈનિકો અને કાયદો-વ્યવસ્થા જાળવતા અધિકારીઓને પગાર પણ ચૂકવી શકતું નથી.
તુર્કીએ પણ ટ્રમ્પ સાથે વાટાઘાટો કરી
શુક્રવારે અમેરિકામાં યોજાયેલી જી-20ની મંત્રીસ્તરીય બેઠક દરમિયાન તુર્કીના વિદેશમંત્રી હાકાન ફિદાને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે મુલાકાત કરી હતી. આ પણ રાજદ્વારી પ્રયાસોનો એક ભાગ હતો.




