નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર નવરાત્રિ દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે. આ વિશેષ બેઠકમાં મહિલા અનામત અને સીમાંકન સાથે સંબંધિત કાયદાને આગળ વધારવા અંગે ચર્ચા થવાની શક્યતા છે. જોકે સત્ર બોલાવવા અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. સંસદનું ચોમાસુ સત્ર એક મહિનાથી વધુ સમય પહેલાં પૂર્ણ થઈ ગયું છે, પરંતુ હજુ સુધી તેને ઔપચારિક રીતે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યું નથી. આ કારણે વિશેષ સત્ર બોલાવવાની સંભાવનાને લઈને અટકળો તેજ બની છે.
11થી 15 ઓક્ટોબર વચ્ચે થઈ શકે છે વિશેષ સત્ર
સરકાર નવરાત્રિ દરમિયાન સંસદની વિશેષ બેઠક બોલાવવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે. નવ દિવસનો નવરાત્રિ પર્વ 11 ઓક્ટોબરથી શરૂ થઈને 20 ઓક્ટોબર સુધી ચાલશે. સૂત્રોના જણાવ્યાનુસાર તહેવારના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને 11થી 15 ઓક્ટોબર વચ્ચે વિશેષ સત્ર યોજવા અંગે વિચારણા થઈ શકે છે.
મહિલા અનામત અંગે સરકારની શું તૈયારી?
આ મામલા સાથે જોડાયેલાં સૂત્રોના જણાવ્યાનુસાર સરકારે આ મુદ્દે વિપક્ષી પક્ષોનો પણ સંપર્ક કર્યો છે. વિશેષ સત્રનો વિકલ્પ હજુ ખુલ્લો છે, પરંતુ તેનો સમય અને મહિલા અનામત લાગુ કરવા માટે અપનાવવામાં આવનાર કાયદાકીય માર્ગ અંગે હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. કેટલાંક સૂત્રોએ નવરાત્રિને મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વ સાથે સંબંધિત કાયદાને આગળ વધારવા માટે સંભવિત તક ગણાવી છે. આ સાથે આ એજન્ડાને ‘નારી શક્તિ’ના પ્રતીક સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યો છે.
નવરાત્રિમાં મહિલા અનામત પર ચર્ચાનો શો સંદેશ જશે?
રાજ્યસભાના એક વરિષ્ઠ સાંસદે જણાવ્યું કે નવરાત્રિ દરમિયાન મહિલા અનામતનો મુદ્દો ઉઠાવવાથી લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓના પ્રતિનિધિત્વ અંગે સરકારની પ્રતિબદ્ધતાનો મજબૂત સંદેશ જશે. બીજી તરફ, એક વરિષ્ઠ ભાજપ સાંસદે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નવરાત્રિ દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે આવું પગલું મહિલાઓના સશક્તીકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવશે.
शक्ति को शक्ति
नवरात्रि मेंExpecting a special session along with New Cabinet Modi 3.1
— Shrin (@ShrrinG) September 20, 2026
2027ની વિધાનસભા ચૂંટણી સાથે પણ જોડાઈ રહ્યો છે મામલો
કેટલાક એનડીએ સાંસદોનું માનવું છે કે આ પગલાની રાજકીય અસર પણ થઈ શકે છે. તેને 2027માં ઉત્તર પ્રદેશ, પંજાબ અને અન્ય પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પહેલાં મહિલા મતદારો પર અસર પાડનારા પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.




