શું જબરદસ્તી નોબેલ પુરસ્કાર લેશે ટ્રમ્પ?: રાષ્ટ્રપતિએ આપી ધમકી

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે સાત વૈશ્વિક સંઘર્ષોને સમાપ્ત કરવામાં ભૂમિકા ભજવી છે. તેમ છતાં જો તેમને નોબેલ પુરસ્કાર આપવામાં નહીં આવે તો તે અમેરિકાના માટે મોટું અપમાન ગણાશે. અમેરિકન સેનાના ટોચના અધિકારીઓને સંબોધતાં તેમણે કહ્યું હતું કે જો સોમવારે જાહેર થનારી ગાઝા સંઘર્ષને સમાપ્ત કરવાની તેમની યોજના સફળ થાય છે તો તેમણે થોડા જ મહિનામાં આઠ સંઘર્ષો ઉકેલી નાખ્યા છે. તેમણે કહ્યું હતું કે આઠ કરાર કરવાનું ખરેખર સન્માનની વાત છે.

તેમણે કહ્યું હતું કે આ આપણા દેશ માટે મોટું અપમાન ગણાશે. હું તમને કહી દઉં છું કે હું આ નથી ઇચ્છતો. હું ઇચ્છું છું કે આ દેશને મળે. આ સન્માન દેશને મળવું જ જોઈએ કારણ કે આવું ક્યારેય બન્યું નથી. આ વિશે ચોક્કસ વિચારશો. મને લાગે છે કે આ (ગાઝા સંઘર્ષને સમાપ્ત કરવાની યોજના) સફળ થશે. હું આ વાત હળવાશમાં નથી કહેતો, કારણ કે કરારો વિષે હું કોઈનાથી પણ વધારે જાણું છું. તેમણે કહ્યું હતું  કે આઠ કરાર કરવાનું ખરેખર સન્માન છે.

નોબેલ શાંતિ પુરસ્કાર એવી વ્યક્તિ, સંસ્થા અથવા આંદોલનકારકને આપવામાં આવે છે જેણે રાષ્ટ્રો વચ્ચે ભાઈચારો, સ્થાયી સેનાઓના ઉન્મૂલન કે ઘટાડો અને શાંતિ પરિષદોના આયોજન અને પ્રચાર માટે સૌથી વધારે કે શ્રેષ્ઠ કાર્ય કર્યું હોય. નોર્વેની સંસદ દ્વારા નિમાયેલ પાંચ સભ્યોની નોર્વેજિયન નોબેલ સમિતિ લાંબી સમીક્ષા પછી વિજેતાની પસંદગી કરે છે. એક રિપોર્ટમાં જણાવાયું છે કે આ સંસ્થા પરંપરાગત રીતે લોબિંગના વિરોધમાં રહી છે. એ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવાની માગ યુક્રેનના કેટલાક સાંસદોએ ઉઠાવી છે. સાંસદોએ મોસ્કો-કીવના સંઘર્ષમાં મધ્યસ્થી બનવાના અમેરિકન રાષ્ટ્રપતિના પ્રયાસોની પ્રશંસા કરી છે. યુક્રેનના સાંસદોના એક જૂથે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જેમાં તેમની વ્યૂહાત્મક દૂરંદેશી તથા મોસ્કો અને કીવ વચ્ચેનો સંઘર્ષ ઉકેલવાના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી છે.