અવામી લીગની પ્રવૃત્તિ બદલ સજા, જેલના દરવાજે દિવ્યાંગ પુત્રના અંતિમ દર્શન

ઢાકા: બાંગ્લાદેશમાં અવામી લીગ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓના આરોપસર જેલમાં બંધ મહિલા નેતા શારમીન સુલતાના શોર્મી (Sharmin Sultana Shormi)ના ૧૫ વર્ષીય દિવ્યાંગ પુત્ર નિસ્વર્ગ હુસૈન તુરી (Niswarg Hossain Tury)નું શુક્રવારે રાત્રે અવસાન થયું છે. માતાની ગેરહાજરી અને તેમની મુલાકાત માટે વ્યાકુળ રહેલા આ કિશોરના મૃતદેહને શનિવારે જેલના દરવાજા પાસે લાવવામાં આવ્યો હતો, જ્યાં માતાને થોડી ક્ષણો માટે અંતિમ દર્શન કરવાની મંજૂરી મળી હતી.જુબો મહિલા લીગની પૂર્વ સચિવ અને કેન્દ્રીય નેતા શારમીન સુલતાના શોર્મીની ૩ ઓક્ટોબરે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ ગાઝીપુરની કાશીમપુર મહિલા કેન્દ્રીય જેલમાં બંધ છે. જન્મથી જ વિવિધ શારીરિક તકલીફો અને દિવ્યાંગતા ધરાવતા તુરીએ અગાઉ ૧૦થી ૧૨ સર્જરી કરાવી હતી અને રોજિંદી સંભાળ, ખોરાક તથા દવાઓ માટે તે પોતાની માતા પર સૌથી વધુ નિર્ભર હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ, માતાના જેલમાં ગયા બાદ તુરી તેમની મુલાકાત માટે રડતો હતો અને સારવાર તથા શિક્ષણ અંગે ચિંતિત રહેતો હતો.

શુક્રવારે રાત્રે લગભગ ૯:૩૦ વાગ્યે તુરી બાથરૂમમાં ગયા બાદ લાંબા સમય સુધી બહાર ન આવતા પરિવારે દરવાજો તોડીને જોયું તો તે બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. શનિવારે સવારે લગભગ ૧૧:૩૦ વાગ્યે એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહ જેલના દરવાજા પાસે પહોંચ્યો ત્યારે જેલ પ્રશાસને માનવીય ધોરણે માતાને થોડી મિનિટો માટે પુત્રનો મૃતદેહ જોવાની પરવાનગી આપી હતી, ત્યારબાદ તેમને ફરી જેલની અંદર લઈ જવાયા હતા. પેરોલ અરજી અંગે પરિવાર અને વહીવટી અધિકારીઓ વચ્ચે ભિન્ન દાવા સામે આવ્યા છે, જ્યારે આ ઘટનાએ કેદીઓના માનવીય અધિકારો અને દિવ્યાંગ બાળકોની સંભાળ અંગે ચર્ચા જગાવી છે.