શનિવારવાડામાં મહિલાઓ દ્વારા નમાજ અદા કરવાથી રાજકીય વિવાદ

પુણેઃ ઐતિહાસિક શનિવારવાડા પરિસરમાં કેટલીક મહિલાઓએ નમાજ અદા કર્યાનો વિડિયો વાયરલ થતાં શહેરમાં રાજકીય અને સામાજિક ખળભળાટ મચી ગયો છે. મરાઠા સામ્રાજ્યની શૌર્યગાથાનું પ્રતીક માનવામાં આવતા આ ઐતિહાસિક સ્મારક સ્થાને નમાજ વાંચવાની ઘટનાએ રવિવારે આખા મહારાષ્ટ્રમાં ચર્ચા અને વિરોધની લહેર ઊઠી હતી.

વાયરલ થયેલા વિડિયોમાં ત્રણ મહિલાઓ શનિવારવાડાના ખુલ્લા વિસ્તારમાં નમાજ અદા કરતી જોવા મળી છે. આ વિડિયો સોશિયલ મિડિયામાં ઝડપથી ફેલાતાં  હિંદુ સમાજ અને પતિત પાવન સંસ્થાએ આનો આકરો વાંધો ઉઠાવ્યો હતો.સોમવારે આ સંસ્થાઓએ સ્થળ પર જઈને ‘શિવવંદન’ અને ‘શુદ્ધીકરણ’ અનુષ્ઠાન યોજ્યું, જેને તેમણે ‘મરાઠા ગૌરવની રક્ષા’નું પ્રતીક ગણાવ્યું હતું

આવી પ્રવૃત્તિ સ્વીકાર્ય નથીઃ ભૂતપૂર્વ ભાજપ સાંસદ

ભાજપ નેતા અને ભૂતપૂર્વ સાંસદ ડો. મેધા કુલકર્ણીએ આ ઘટનાને ‘જાણબૂજીને કરાયેલું પગલું’ ગણાવતાં જણાવ્યું હતું કે શનિવારવાડા કોઈ સામાન્ય સ્થાન નથી, આ છત્રપતિ શિવાજી મહારાજની પરંપરાનું પ્રતીક છે. અહીં આ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ સ્વીકાર્ય નથી.

એ જ રીતે ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ પણ આકરો વિરોધ વ્યક્ત કરતાં રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.

પુણે પોલીસે ASIની ફરિયાદને આધારે ત્રણ અજ્ઞાત મહિલાઓ સામે કેસ નોંધ્યો છે. પોલીસે શનિવારવાડાના CCTV ફુટેજ જપ્ત કરી લીધા છે અને વિડિયો સાચો છે કે નહીં તથા તેમાં દેખાતી મહિલાઓની ઓળખ કરવા પ્રયાસો શરૂ કર્યા છે.

પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ અફવા કે ઉશ્કેરણીજનક સંદેશાઓમાં વિશ્વાસ ન કરે.

પોલીસે જણાવ્યું છે કે આ ઘટનાની દરેક દિશામાં તપાસ ચાલી રહી છે અને કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાની મંજૂરી આપવામાં નહીં આવે.