સાઇકલ ડે: અમદાવાદનું સાઇકલ બજાર

અમદાવાદ: શહેરના કાલુપુર રેલવે સ્ટેશનથી એકદમ નજીક પાંચ કુવા દરવાજાની અંદર પ્રવેશ કરો રોડ, ફૂટપાથ, બસ સ્ટેન્ડથી માંડી, ટોરેન્ટ પાવરના ડબલા ઉપરને નીચે સાઇકલોનો ‘ડીસ્પ્લે’ દેખાય. અહીંની મ્યુનિસિપલ સ્કૂલની દિવાલો અને ફૂટપાથ પણ જાણે સાઇકલનું પાથરણાં બજાર લાગે.1950ના દાયકામાં સાઇકલ હોવી એક સ્ટેટસ હતું. એ વખતે અહીં ચારથી પાંચ દુકાનો શરુ થઇ ગઈ હતી. દિવસે-દિવસે સાઇકલોની દુકાનો અને વેરાયટી બંનેમાં વધારો થયો.શહેરની મધ્યમાં આવેલા આ બજારમાં સાદી, ટ્રાઈસીકલ, પેડલ રીક્ષા માલવાહક, ગીયરવાળી, માઉન્ટેન, ઇલેક્ટ્રિકથી માંડી બાળકો માટેની અવનવી ડીઝાઇન સાથે સાઇકલો જોવા મળે.રમકડાં જેવી સાઇકલ અને બેબી સીટરમાં પણ અનેક વિવિધતા દેખાય. સમય જતાં મોડલ બદલાય અને આધુનિકતાનો ઉમેરો થાય. અહીં સાઇકલોનું સમારકામ પણ મોટા પ્રમાણમાં થાય છે. વિકસતા શહેરમાં પૂર્વ અને પશ્ચિમમાં સાઇકલના એક્સક્લુઝિવ મોલ, શો રૂમ થયાં પણ આજે પાંચ કુવા સાઇકલ બજારનું એક આગવું મહત્ત્વ છે. પર્યાવરણની જાળવણી માટે અને સ્વાસ્થ્ય માટે સાઇકલનું મહત્વ સમજતાં લોકો પણ સાઇકલ તરફ વળ્યા એટલે વેચાણ પણ વધ્યું.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)