ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ સિટી ખાતે વર્લ્ડ સાયન્સ ડે ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટની ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગુજરાત રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી તથા વન, પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાયન્સ સિટીના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર વિમલ પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં મોઢવાડિયાએ International Year of Quantum Science 2025 બુકલેટ અને ધોરણ 9 ના અભ્યાસક્રમ અનુસાર વિદ્યાર્થીઓ માટે DIY STEM Kitનું વિમોચન કર્યું. એમણે વર્લ્ડ સાયન્સ ડેના મહત્વ પર પ્રકાશ પાડતાં કહ્યું કે, વિજ્ઞાનએ શાંતિ અને વિકાસનો મુખ્ય આધારસ્તંભ છે. તેમણે વૈશ્વિક સ્તરે તેમજ ભારત અને ગુજરાતમાં વિજ્ઞાન ક્ષેત્રે થયેલી પ્રગતિની વિગતવાર ચર્ચા કરી. આ સાથે તેમણે ક્વૉન્ટમ સાયન્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા ભવિષ્યનિર્ધારક ક્ષેત્રોમાં થતા વિકાસ વિશે સરળ અને રસપ્રદ રીતે વાત કરી.

કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વિજ્ઞાન સંબંધિત પૂછવામાં આવેલા પ્રશ્નોના મોઢવાડિયાએ ખૂબ જ સરળ અને સમજાય તેવી ભાષામાં જવાબ આપ્યા. બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી વિકસે તે માટે પ્રોત્સાહન આપતાં તેમણે કહ્યું કે, ગુજરાત આજે સંશોધન, નવીનતા અને વિજ્ઞાન પ્રસારના ક્ષેત્રે દેશનું આગેવાન રાજ્ય બની રહ્યું છે.
મોઢવાડિયાએ સાયન્સ સિટી પરિસરની પણ મુલાકાત લીધી હતી. તેમણે એક્વેટિક ગેલેરી અને એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી સહિતના અનેક આકર્ષણોની મુલાકાત લઈ વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત પ્રદર્શનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેનેજમેન્ટ અને સમગ્ર કાર્યપદ્ધતિની પ્રશંસા કરી.

કાર્યક્રમના અંતે તેમણે હજાર બાળકો સાથે સંવાદ કર્યો હતો અને તેમની સાયન્સ પ્રત્યેની જિજ્ઞાસા તથા રસ અંગે જાણકારી મેળવી. તેમણે બાળકોને વિજ્ઞાન ક્ષેત્રે નવી શોધ અને નવતર વિચારોથી દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરીત કર્યા.
ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ સિટી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 500થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વિજ્ઞાનપ્રેમીઓ તથા રસ ધરાવતા મુલાકાતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.


