જિનપિંગ-ટ્રમ્પ મુલાકાત પહેલા ચીનની અમેરિકાને ચેતવણી

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે યોજાનારી હાઈ-પ્રોફાઈલ બેઠક પહેલા જ બંને દેશો વચ્ચે રાજનૈતિક તણાવ ફરી એકવાર સપાટી પર આવ્યો છે. જિનપિંગના અમેરિકા પ્રવાસ અગાઉ ચીનના રાજદૂત શે ફેંગે (Xie Feng) 23 September ના રોજ સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીના સત્તાવાર અખબાર ‘પીપલ્સ ડેલી’ મારફતે અમેરિકા માટે 4 સ્પષ્ટ ‘રેડ લાઈન્સ’ જાહેર કરી દીધી છે.

ચીનની 4 ‘રેડ લાઈન્સ’ કઈ છે?

ચીની રાજદૂત શે ફેંગે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે બંને દેશો વચ્ચેના મતભેદોનો ઉકેલ પરસ્પર સન્માન અને સદ્ભાવના પર નિર્ભર કરે છે. તેમણે 4 મુખ્ય બાબતો ગણાવી હતી જેને ચીન પોતાની ‘રેડ લાઈન’ માને છે:

તાઈવાનનો મુદ્દો: તાઈવાન પર ચીનના સાર્વભૌમત્વ સામે કોઈ સવાલ ઉઠાવી શકાશે નહીં.

લોકશાહી અને માનવાધિકાર: આ મુદ્દે ચીન પર કોઈ પણ પ્રકારનું દબાણ સહન કરવામાં નહીં આવે.

ચીનની રાજકીય વ્યવસ્થા: ચીનનો વિકાસ પથ અને તેની રાજકીય પ્રણાલી તેનો આંતરિક વિષય છે.

વિકાસનો અધિકાર: ચીનના આર્થિક અને તકનીકી વિકાસને રોકવાનો કોઈ પ્રયાસ સ્વીકાર્ય રહેશે નહીં.

તેમણે ઉમેર્યું કે આ ચારેય મુખ્ય બિંદુઓને કોઈ પણ સંજોગોમાં પડકારી શકાય નહીં.

વોશિંગ્ટનને કડક શબ્દોમાં ચેતવણી

ચીની રાજદૂતે અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે, ચીનના વિકાસને અટકાવવા માટે રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક અસંતુલન કે બંધુઆ મજૂરી જેવા ઉપજાવી કાઢેલા બહાના બનાવવાનું અમેરિકાએ હવે બંધ કરવું પડશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે ચીન અને અમેરિકા પરસ્પર સહયોગ કરે છે ત્યારે બંને દેશોને મોટો ફાયદો થાય છે, પરંતુ જો બંને સામસામે ટકરાશે તો બંને દેશોએ ભારે નુકસાન વેઠવું પડશે.

ચીને ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની સાર્વભૌમત્વ, સુરક્ષા અને વિકાસના હિતો સાથે કોઈ પણ ભોગે બાંધછોડ કરશે નહીં. ચીન શાંતિપૂર્ણ વિકાસના માર્ગે આગળ વધવા પ્રતિબદ્ધ છે અને અમેરિકા પણ આ જ સકારાત્મક દિશામાં આગળ વધે તેવી અપેક્ષા રાખે છે. જોકે, તાઈવાન સરકારના ભારે વિરોધ છતાં ચીન સતત તાઈવાનને પોતાનો જ અવિભાજ્ય અંક ગણાવી રહ્યું છે.