ગુજસેલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર ઝડપાયો

Ahmedabad Cyber Crime Arrests Event Manager for Sending Bomb Threats to Airport and Schools

અમદાવાદ: ગુજસેલ એરપોર્ટ અને શહેરની વિવિધ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી ભાવેશ પટેલે બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલો છે. કન્સ્ટ્રક્શન તેમજ ઈવેન્ટ મેનેજમેન્ટ જેવા વ્યવસાય સાથે સંકળાયેલો છે. 

અમદાવાદ એરપોર્ટ પર આવેલા ગુજસેલને 25 માર્ચ, 2026ના રોજ ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો.જેમાં ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે સાઇબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સાઈબર ક્રાઇમે ટેક્નિકલ એનાલિસિસના આધારે ધમકી ભર્યો ઇમેલ કરનાર ભાવેશ પટેલની ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમ DCP ડો. લાવિના સિન્હાના માર્ગદર્શન હેઠળ તપાસ કરતા જાણવા મળ્યું કે, આ મેઈલ ‘bhavesh4518′ જીમેઈલ આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો. પોલીસે ભાવેશ પટેલની અટકાયત કરી તેના મોબાઈલની તપાસ કરતા, રિસાયકલ બિનમાંથી ડિલીટ કરી દેવાયેલા મેઈલના પુરાવાઓ મળી આવ્યા હતા. આરોપીએ કબૂલાત કરી છે કે આ મેઈલ તેના જ ડિવાઈસ પરથી મોકલવામાં આવ્યો હતો.’

આરોપી ભાવેશ પટેલનું બેકગ્રાઉન્ડ તપાસતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, તે કન્સ્ટ્રક્શનના મોટા વ્યવસાય સાથે જોડાયેલો છે અને આર્થિક રીતે સદ્ધર છે. ભાવેશ તેના મિત્રની કંપની સાથે મળીને એ જ ગુજસેલ એરપોર્ટ પર યોજાતા વિવિધ કાર્યક્રમોના ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ પણ કરતો હતો. પ્રાથમિક તપાસમાં એરપોર્ટના કામકાજને લગતી કોઈ અંગત અદાવતમાં તેણે આ પગલું ભર્યું હોવાની આશંકા છે.