હૂતી વિદ્રોહીઓનો યમનના રાષ્ટ્રપતિ ભવન પર મોટો હુમલો, 4 ના મોત

યમનમાં ચાલી રહેલા સત્તા સંઘર્ષ વચ્ચે હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરબના સમર્થનવાળી સરકારને મોટો ઝટકો આપ્યો છે. હૂતીઓએ યમનની અસ્થાયી રાજધાની અદન (Aden) માં આવેલા રાષ્ટ્રપતિ ભવન સંકુલ પર એક પછી એક અનેક મિસાઈલો દાગી હતી. આ ભીષણ હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે, જેમાં બે સુરક્ષાકર્મીઓ પણ સામેલ છે. રોયટર્સના અહેવાલ મુજબ યમનના સૂચના મંત્રાલયે આ હુમલાની પુષ્ટિ કરી છે. સદનસીબે હુમલા સમયે પ્રધાનમંત્રી અને અન્ય મંત્રીઓ સંકુલમાં જ હાજર હોવા છતાં તમામ શીર્ષ અધિકારીઓ આ માંડ માંડ બચ્યા હતા.

મળતી માહિતી અનુસાર, રાષ્ટ્રપતિ ભવન સંકુલની આસપાસ ઓછામાં ઓછા પાંચ શક્તિશાળી ધડાકાઓ સાંભળવામાં આવ્યા હતા. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. હૂતી સૈન્ય પ્રવક્તાએ આ હુમલાની જવાબદારી સ્વીકારતા દાવો કર્યો છે કે તેમણે અદનમાં સાઉદી અરબના સૈન્ય અભિયાન મુખ્યાલયને નિશાન બનાવ્યું છે.

સાઉદી સમર્થિત સેના અને હૂતીઓ વચ્ચે તણાવ વધ્યો

સાઉદી સમર્થિત યમનની સેનાએ આક્ષેપ કર્યો છે કે હૂતીઓએ સાઉદી અરબના અનેક એરપોર્ટ, બંદરો અને તેલ ઠેકાણાઓને નિશાન બનાવવાની કોશિશ કરી છે. છેલ્લા એક સપ્તાહમાં હૂતીઓએ સાઉદીના મહત્વપૂર્ણ વિસ્તારો પર બેલેસ્ટિક મિસાઈલો અને ડ્રોનથી હુમલા કર્યા છે. સૌદી નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધનના પ્રવક્તા તુર્કી અલ-મલિકીએ પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે આ મહિને હૂતીઓએ રિયાદના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૨૦ હુમલા કર્યા છે, જેમાં 17 લોકોના મોત થયા છે અને 333 લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત અભા એરપોર્ટ પર થયેલા હુમલામાં પણ ત્રણ લોકોના મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. ગઠબંધને દાવો કર્યો છે કે તેમણે યમનના પહાડી વિસ્તારોમાં હથિયારો છુપાવવાના 127 ઠેકાણાઓ અને મિસાઈલ લોન્ચિંગ સાઇટ્સને નષ્ટ કરી દીધી છે.