યોગી પોતાને PM મોદીના ઉત્તરાધિકારી માને છેઃ ખડગે

પટનાઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પટનાના સદાકત આશ્રમમાં યોજાયેલી CWCની બેઠકમાં સત્તાધારી પક્ષ પર તીખા હુમલા કર્યા હતા. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, બિહારના CM નીતીશકુમાર અને ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ પર પણ કડક પ્રહાર કર્યા હતા. ખડગેએ કહ્યું હતું કે કેન્દ્રની મોદી સરકાર સાથે-સાથે અન્ય રાજ્યોની ભાજપ સરકારો પણ ધાર્મિક ધ્રુવીકરણ અને સાંપ્રદાયિક ભાવનાઓને સળગતી રાખવાના મોકા શોધતી રહે છે.

તેમણે કહ્યું હતું કે ભાજપે જાન્યુઆરી, 2024માં ફરી નીતીશકુમારને સમર્થન આપી બિહારમાં NDAની સરકાર બનાવી હતી. નીતીશ સરકારે વિકાસના વાયદા કર્યા હતા, પરંતુ બિહારનું અર્થતંત્ર પાછળ પડી રહ્યું છે. ડબલ એન્જિનની સરકારનો દાવો પોકળ સાબિત થયો છે, કેન્દ્ર તરફથી કોઈ ખાસ પેકેજ મળ્યું નથી.

નીતીશને હવે બોજ માનતો ભાજપ

ખડગેએ કહ્યું હતું કે CWCની આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ છે. અમે એવા સમયમાં મળી રહ્યા છીએ, જ્યારે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે ભારત ખૂબ જ પડકારજનક અને ચિંતાજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે આગળ કહ્યું હતું કે NDA ગઠબંધનમાં આંતરિક મતભેદ હવે ખુલ્લા થઈ ગયા છે. ભાજપે નીતીશકુમારને માનસિક રીતે નિવૃત્ત કરી દીધા છે. હવે ભાજપ તેમને બોજ તરીકે જોવાનું શરૂ કરી ચૂકી છે.

ખડગેએ UPના CM યોગી આદિત્યનાથ પર પણ કડક પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે સૌથી અજાયબી વાત એ છે કે યુપીના CM પોતાને વડા પ્રધાનના ઉત્તરાધિકારી માને છે. તેમણે અગાઉ અનામતના વિરોધમાં લેખ પણ લખ્યો હતો. હવે તેમણે જાતિના નામે થતી રેલીઓને પ્રતિબંધિત કરી દીધી છે.