જાપાનમાં પીયૂષ ગોયલે જેક માનો દાખલો આપી ચીન પર સાધ્યું નિશાન

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જાપાન પ્રવાસ દરમિયાન વૈશ્વિક રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા માટે આહ્વાન કર્યું છે. ચીનનું નામ લીધા વિના તેના પર આડકતરો પ્રહાર કરતા તેમણે જપાની રોકાણકારોને ખાતરી આપી હતી કે ભારતમાં રોકાણકારો કે ઉદ્યોગપતિઓએ ક્યારેય અચાનક ‘ગાયબ’ થઈ જવાની ચિંતા કરવાની જરૂર નથી.

અલીબાબાના સ્થાપક જેક માના કિસ્સાનો પરોક્ષ ઉલ્લેખ કરતા પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ભારતમાં સાહસિકતા અને બિઝનેસને પ્રોત્સાહન આપવામાં આવે છે. જો તમે ભારતમાં સફળતા મેળવો છો કે કમાણી કરો છો, તો તમારે એવો ડર રાખવાની જરૂર નથી કે તમે એક દિવસ અચાનક ગાયબ થઈ જશો અને બાદમાં કોઈ વિદેશી યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સામે આવશો. ભારતમાં આવું કોઈ જોખમ નથી.

નોંધનીય છે કે વર્ષ 2020માં ચીનની નીતિઓની ટીકા કર્યા બાદ બિઝનેસમેન જેક મા મહિનાઓ સુધી જાહેર જીવનમાંથી ગાયબ થઈ ગયા હતા. ત્યારબાદ તેઓ જાપાનની ટોક્યો યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે જોવા મળ્યા હતા. પીયૂષ ગોયલે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતને માત્ર ‘ચીન પ્લસ વન’ વિકલ્પ તરીકે ન જોવું જોઈએ, પરંતુ તે પોતાનામાં જ એક મજબૂત અને સ્વતંત્ર ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન છે. તેમણે જપાની કંપનીઓને સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્લીન એનર્જી અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં રોકાણ વધારવા અપીલ કરી હતી.

ડેટા સુરક્ષા અને બૌદ્ધિક સંપદા (Intellectual Property) અંગે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે ભારતમાં ક્યારેય ટેકનોલોજી કે આઈપીઆર (IPR) ની ચોરી થતી નથી. રોકાણકારોનો ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે અને તેમના વિઝન અને સક્ષમતાનું સન્માન કરવામાં આવશે.

જાપાન ભારત માટે પાંચમો સૌથી મોટો રોકાણકાર દેશ છે. પીયૂષ ગોયલની આ 4 દિવસીય જપાન યાત્રા ભારતમાં વિદેશી રોકાણ વધારવા અને બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોને વધુ મજબૂત કરવાના દૃષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.