ઝાયડસને એનિમિયા માટે Desidustatની ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી

અમદાવાદઃ ઈનોવેશન આધારિત ગ્લોબલ લાઈફસાયન્સ કંપની ઝાયડસ લાઈફસાયન્સિસ લિમિટેડ (ઝાયડસ)ને સિકલ સેલ ડિસીઝના દર્દીઓ માટે Desidustatની ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવાની મંજૂરી મળી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના સહયોગથી હાથ ધરાનારા આ 203 દિવસના અભ્યાસમાં એનિમિયાની સારવાર માટે Desidustat ઓરલ ટેબ્લેટની અસરકારકતા અને સલામતીનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ ટ્રાયલમાં સિકલ સેલ ડિસીઝનું નિદાન થયેલા કુલ 164 દર્દીઓને સામેલ કરવામાં આવશે.

દેશમાં સિકલ સેલ ડિસીઝ જાહેર આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય છે, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં, જ્યાં તેનો પ્રસાર વધુ જોવા મળે છે. નેશનલ હેલ્થ મિશનના અંદાજ મુજબ દેશમાં આશરે બે કરોડ લોકોને આ રોગ છે અને દર વર્ષે અંદાજે 50,000 બાળકો સિકલ સેલ એનિમિયા સાથે જન્મે છે. હાઈડ્રોક્સિયુરિયા જેવી દવાઓ અને બ્લડ ટ્રાન્સફ્યુઝન જેવી સારવાર ઉપલબ્ધ હોવા છતાં તેની મર્યાદિત ઉપલબ્ધતા, દરેક દર્દીમાં સમાન અસર ન થવી અને તેની સાથે જોડાયેલાં જોખમો હજુ પણ મોટા પડકારો છે.

ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચના સેક્રેટરી અને ICMRના ડિરેક્ટર જનરલ ડો. રાજીવ બહલે જણાવ્યું હતું કે અમે કંપનીના સહયોગથી સિકલ સેલ ડિસીઝમાં Desidustatનો બીજા તબક્કાનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. હાઈડ્રોક્સિયુરિયા સિવાય સારવારના મર્યાદિત વિકલ્પો ધરાવતા દર્દીઓ માટે આ ખરેખર એક મહત્ત્વપૂર્ણ પ્રગતિ છે. હવે જ્યારે અમે ત્રીજા તબક્કાની ટ્રાયલ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આરોગ્ય સંબંધિત આ ગંભીર પડકારનો સામનો કરવામાં ભારતની આ નવીન શોધમાં અમને ખૂબ મોટી સંભાવનાઓ દેખાઈ રહી છે. આ સહયોગ મજબૂત જાહેર-ખાનગી ભાગીદારી દ્વારા ક્લિનિકલ સંશોધનને આગળ વધારવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ વિકાસ અંગે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ડો. શર્વિલ પટેલે જણાવ્યું હતું કે સિકલ સેલ ડિસીઝ લાખો લોકોના જીવન પર ગંભીર અસર કરે છે અને તેની અસરકારક સારવારની ખૂબ મોટી જરૂરિયાત છે. સિકલ સેલ ડિસીઝ સાથે જીવન જીવતા દર્દીઓ માટે નવી અને અસરકારક સારવારના વિકલ્પો વિકસાવવા માટે ICMR સાથે સહયોગ કરતાં અમને આનંદ થાય છે. ઝાયડસ રિસર્ચ સેન્ટરમાં શોધાયેલી અને વિકસાવવામાં આવેલી Desidustat નવીન સંશોધનને આગળ વધારવા અને દર્દીઓના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.