અમદાવાદ: નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરતા ઝાયડસ વેલનેસ લિમિટેડે 31 ટકાના વધારા સાથે રૂ. 6,429 મિલિયનના ચોખ્ખા વેચાણો નોંધાવ્યા હતા. આ સમયગાળા માટે એબિટા વાર્ષિક ધોરણે 17.3 ટકા વધીને રૂ. 230 મિલિયન રહી હતી. નવા હસ્તગત કરેલા એકમોની મજબૂત વેચાણ કામગીરીના લીધે કંપનીએ પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં તેના ચોખ્ખા વેચાણોમાં 12.8 ટકાનો વધારો પણ નોંધાવ્યો હતો. જેણે સિઝનલ પ્રોડક્ટ્સની અસરને ઓફસેટ કરી હતી.
ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીએ કમ્ફર્ટ ક્લિક લિમિટેડ અને તેની પેટાકંપનીઓને હસ્તગત કરી હતી અને યુકે, યુરોપિયન યુનિયન અને યુ.એસ.એ.માં મહત્વના બજારોમાં તેની આંતરરાષ્ટ્રીય હાજરી મજબૂત બનાવી હતી. આ હસ્તાંતરણ ઝાયડસ વેલનેસનું પહેલું વિદેશી હસ્તાંતરણ છે અને આ સાથે તેણે ઝડપથી વિકસી રહેલી વિટામિન્સ, મિનરલ્સ અને સપ્લીમેન્ટ્સ (વી.એમ.એસ.) કેટેગરીમાં પ્રવેશ કર્યો છે.
સુગર ફ્રી બ્રાન્ડે 96.2 ટકાના બજાર હિસ્સા સાથે સુગર સબ્સ્ટીટ્યૂટ કેટેગરીમાં તેનું નેતૃત્વ જાળવી રાખ્યું છે, જે વાર્ષિક ધોરણે 97.9 બેસિસ પોઈન્ટનો વધારો દર્શાવે છે. સુગર ફ્રી ગ્રીને છેલ્લા સતત 18 ત્રિમાસિક ગાળાથી ડબલ ડિજિટ વૃદ્ધિ દર જાળવી રાખ્યો છે.
સ્ક્રબ્સમાં 48.5 ટકા અને પીલ-ઓફ માસ્કમાં 76.6 ટકા હિસ્સા સાથે એવરયુથ અગ્રસ્થાને છે અને 7.9 ટકા હિસ્સા સાથે ફેશિયલ ક્લિન્ઝિંગ સેગમેન્ટમાં પાંચમા ક્રમે છે. નાયસિલ સાથે પ્રિકલી હીટ પાવડર કેટેગરીએ 32.9 ટકાના બજાર હિસ્સા સાથે તેનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. એવરયુથે એન્ટી-પોલ્યુશન સ્ક્રબ સેશે લોન્ચ કર્યું છે.


