Home Blog Page 100

ભાજપમાં સામેલ થયેલા સંદીપ પાઠક વિરુદ્ધ FIR: થશે ધરપકડ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP) છોડીને તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક વિરુદ્ધ પંજાબમાં બે FIR નોંધવામાં આવી છે. સંદીપ પાઠક સામે આ કાર્યવાહી પંજાબના બે અલગ-અલગ જિલ્લાઓમાં કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક વિરુદ્ધ નોંધાયેલી બંને FIR બિનજામીનપાત્ર કલમો હેઠળ છે. આવી સ્થિતિમાં હવે તેમની ધરપકડનો ખતરો ઊભો થયો છે. આ દરમિયાન સંદીપ પાઠક દિલ્હીમાં આવેલા પોતાના ઘરેથી તાત્કાલિક નીકળતા જોવા મળ્યા હતા. લગભગ આઠ દિવસ પહેલાં રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદો સાથે તેઓ ભાજપમાં જોડાયા હતા.

આ દરમિયાન સંદીપ પાઠકની પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું હતું કે મને આવી કોઈ FIR અંગે માહિતી નથી અને કોઈ પોલીસ અધિકારીએ પણ મને આ અંગે જાણ કરી નથી. મેં મારી આખી જિંદગી ઈમાનદારી અને નિષ્ઠા સાથે દેશની સેવા કરી છે. ભારત કોઈ પણ પાર્ટી કરતાં મોટું છે. હું ક્યારેય દેશ સાથે દગો નહીં કરું અને કોઈને એવું કરવા નહીં દઉં.

તેમણે આગળ કહ્યું હતું કે જો મારા જેવી વ્યક્તિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી શરૂ થઈ છે, તો તે માત્ર તેમની ભયભાવનાને દર્શાવે છે. હું આ અંગે વધુ કંઈ કહેવા માગતો નથી.

બીજી તરફ, પંજાબ પોલીસ તેમની ધરપકડ માટે દિલ્હીમાં આવેલા તેમના નિવાસસ્થાને પહોંચી હતી. જોકે આ સમગ્ર ઘટનાક્રમ અંગે હજી સુધી પોલીસ અથવા સંબંધિત એજન્સીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. કહેવાય છે કે આ મામલો જાહેર થવા પહેલાં જ સંદીપ પાઠક પોતાના ઘરેથી નીકળી ગયા હતા.

આ પહેલા ઉદ્યોગપતિ રાજિંદર ગુપ્તા વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તેઓ પણ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે. પંજાબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (PPCB) દ્વારા તાજેતરમાં તેમની ફેક્ટરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ મામલો હાઈકોર્ટમાં પહોંચતાં ચોથી મે સુધી કાર્યવાહી પર રોક લગાવવામાં આવી છે.

24 એપ્રિલે આમ આદમી પાર્ટીના સાત રાજ્યસભા સાંસદો ભાજપમાં જોડાયા અને વિલયને મંજૂરી મળ્યા બાદ હવે AAP પાસે માત્ર ત્રણ સાંસદો બાકી રહ્યા છે.

કુલભૂષણ ખરબંદાએ ‘શાકાલ’ નું પાત્ર શાનદાર રીતે ભજવ્યું!

ભારતીય સિનેમાના ઈતિહાસમાં જ્યારે પણ સૌથી સ્ટાઈલિશ, હાઈ-ટેક અને ખતરનાક વિલનની વાત નીકળે ત્યારે ‘શાન’ (1980) ફિલ્મનો ‘શાકાલ’ યાદ ન આવે એવું બની જ ન શકે. કુલભૂષણ ખરબંદાએ ભજવેલું આ પાત્ર માત્ર એક વિલન નહોતું પણ બોલિવૂડમાં વિલનગીરીની વ્યાખ્યા બદલનાર એક સીમાચિહ્ન હતું.

હિન્દી ફિલ્મોમાં 70ના દાયકા સુધી વિલન એટલે જંગલમાં રહેતો ડાકુ અથવા ગામડાનો અત્યાચારી જમીનદાર હતો. પરંતુ નિર્દેશક રમેશ સિપ્પી કંઈક અલગ કરવા માંગતા હતા. ‘શોલે’માં ગબ્બર સિંહ દ્વારા રસ્ટિક વિલનગીરીની પરાકાષ્ઠા બતાવ્યા બાદ તેમણે શાન’ માટે એક એવો વિલન વિચાર્યો જે આધુનિક હોય અને જેનો આતંક તેની લાઠીમાં નહીં પણ તેના મગજમાં હોય.

શાકાલનું પાત્ર હોલિવૂડની જેમ્સ બોન્ડ ફિલ્મોના વિલન પરથી પ્રેરિત હતું. તે એક ટાપુ પર રહેતો ગંજો હતો અને તેની પાસે રિમોટ કંટ્રોલથી ચાલતા અત્યાધુનિક ગેજેટ્સ હતા. ‘શાકાલ’ ના ટેબલની નીચે એક મોટું પાણીનું ટેન્ક હતું જેમાં શાર્ક અને મગર હતા. જે પણ વ્યક્તિ તેને દગો આપે તેને તે સીધો જ બટન દબાવીને શાર્કના મોઢામાં ધકેલી દેતો. આ દ્રશ્યોએ તે સમયે સિનેમા હોલમાં લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.

શાકાલના રોલ માટે જ્યારે કલાકારની શોધ ચાલતી હતી ત્યારે ઘણા મોટા નામો ચર્ચામાં હતા. પરંતુ સિપ્પીએ શ્યામ બેનેગલની આર્ટ ફિલ્મોમાં કામ કરતા કુલભૂષણ ખરબંદાને જોયા હતા. કુલભૂષણજી તે સમયે ગંભીર ફિલ્મો માટે જાણીતા હતા. જ્યારે સિપ્પીએ રોલ ઓફર કર્યો ત્યારે કુલભૂષણજી પોતે આશ્ચર્યચકિત હતા. એક આર્ટ ફિલ્મનો કલાકાર આટલા મોટા બજેટની મસાલા ફિલ્મમાં મુખ્ય વિલન બને એ તે સમયના બોલિવૂડ માટે એક મોટો જુગાર હતો.

કુલભૂષણજીએ જણાવ્યું હતું કે તે સમયે તેઓ શ્યામ બેનેગલની ‘નિશાંત’ અને ‘મંથન’ જેવી ફિલ્મોમાં વ્યસ્ત હતા. જ્યાં અભિનયની શૈલી ખૂબ જ સ્વાભાવિક અને વાસ્તવિક હતી. જ્યારે રમેશ સિપ્પીએ તેમને બોલાવ્યા ત્યારે લાગ્યું કે કદાચ કોઈ નાની-મોટી ચરિત્ર ભૂમિકા હશે. જ્યારે ખબર પડી કે આ તો અમિતાભ બચ્ચન અને શશી કપૂર સામેનો મુખ્ય વિલન છે ત્યારે તેઓ ખરેખર સ્તબ્ધ થઈ ગયા હતા.

એક મુલાકાતમાં કુલભૂષણજીએ કહ્યું હતું કે, ‘મેં રમેશજીને પૂછ્યું પણ હતું કે તમે મને આ રોલ માટે કેમ પસંદ કર્યો? કારણ કે મેં ક્યારેય આવી કમર્શિયલ ફિલ્મમાં વિલનગીરી કરી નહોતી.’ ત્યારે રમેશ સિપ્પીએ તેમને જવાબ આપ્યો હતો કે, ‘તમારી આંખોમાં જે સ્થિરતા અને ગંભીરતા છે તે જ મને શાકાલ માટે જોઈએ છે.’ નિર્દેશકનો આ વિશ્વાસ જોઈને જ તેમણે આ પડકાર સ્વીકાર્યો હતો. તે સમયે હીરો કે વિલન માટે પોતાનું માથું ખરેખર મુંડાવવું એ મોટી વાત હતી. મોટાભાગના લોકો વિગ વાપરતા હતા.

કુલભૂષણજીને લાગ્યું કે જો તેઓ માથું મુંડાવશે તો તેમની આર્ટ ફિલ્મોની ઈમેજને અસર થશે. પરંતુ રમેશ સિપ્પીએ સમજાવ્યું કે ‘શાકાલ’ની ધાક જ તેના આ લુકમાં છે. અંતે પાત્રની જરૂરિયાત સમજીને તેઓ તૈયાર થયા હતા. કુલભૂષણ ખરબંદાએ શાકાલના પાત્રમાં એક સોફિસ્ટિકેશન ઉમેર્યું હતું. તેમના કેટલાક સંવાદો આજે પણ અમર છે: ‘યહ શાકાલ કે હાથ હૈ, જો અપને દુશ્મન કો ખીંચ લેતે હૈ…’ અને ‘શાકાલ કે પાસ હર સવાલ કા જવાબ હૈ…’

 

કચ્છમાં ISIS વિચારધારા ફેલાવવાના આરોપમાં યુવકની અટકાયત

કચ્છ: જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી દેશવિરોધી પ્રવૃત્તિઓ કરનારા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ભુજ તાલુકાના લોડાઈ ગામમાં પ્રતિબંધિત આતંકી સંગઠન ISIS (ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા)ની વિચારધારાનો પ્રચાર કરવા અને ઉશ્કેરણીજનક સામગ્રી ફેલાવવા બદલ પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા એક વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

SOGની બાતમીના આધારે તપાસનો ધમધમાટ

પશ્ચિમ કચ્છ SOGને ચોક્કસ બાતમી મળી હતી કે લોડાઈ ગામનો રહેવાસી ફકીરમામદ ઈસા ગગડા નામનો શખસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શંકાસ્પદ અને દેશવિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. આ બાતમીના આધારે ટેકનિકલ સર્વેલન્સ અને તપાસ હાથ ધરતા અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ફકીરમામદ છેલ્લા ચાર વર્ષથી સોશિયલ મીડિયા પર સક્રિય હતો અને આતંકવાદી સંગઠન ISISની વિચારધારાને પ્રોત્સાહન આપતી સામગ્રી શેર કરતો હતો. તે સતત એવી ઉશ્કેરણીજનક પોસ્ટ્સ અને કન્ટેન્ટ મૂકતો હતો. જેનાથી દેશની એકતા અને અખંડિતતા જોખમાય. આ ગંભીર બાબતને ધ્યાને રાખીને પશ્ચિમ કચ્છ SOG દ્વારા આરોપી સામે પધ્ધર પોલીસ સ્ટેશનમાં વિધિવત રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

નેટવર્ક અને ડિજિટલ પુરાવાઓની તપાસ તેજ

ફકીરમામદ સામે દેશવિરોધી પ્રવૃત્તિઓ અને ઉશ્કેરણી ફેલાવવા બદલ ગુનો દાખલ કરી તેની અટકાયતની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ શખસ અન્ય કોના સંપર્કમાં હતો અને તેની પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ. હાલમાં તેના તમામ ડિજિટલ ઉપકરણો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.

ચાર વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ પછી હત્યાઃલોકોમાં ભારે આક્રોશ

પુણેઃ મહારાષ્ટ્રના ભોર તાલુકાના નસરાપુર ગામમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ચાર વર્ષની એક માસૂમ બાળકી સાથે ગંભીર ગુનો કર્યા પછી તેની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને ગુસ્સાનો માહોલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ બાળકી શુક્રવારે પોતાના ઘર બહાર રમતી હતી. એ દરમિયાન ગામની જ એક 65 વર્ષીય વ્યક્તિએ તેને લલચાવીને નજીકના પશુના વાડામાં લઈ ગયો. ત્યાં તેણે બાળકી સાથે ગેરકૃત્ય કર્યું અને બાદમાં તેની હત્યા કરી નાખી હતી.

CCTVમાં માસૂમને લઈ જતા આરોપીનો પર્દાફાશ

બપોર દરમિયાન જ્યારે બાળકી લાંબા સમય સુધી દેખાઈ નહીં, ત્યારે પરિવારજનોએ તેની શોધ શરૂ કરી. શોધખોળ દરમિયાન તેનો મૃતદેહ વાડામાં મળ્યો. ત્યાર બાદ આસપાસના CCTV ફુટેજ તપાસવામાં આવ્યા, જેમાં આરોપી બાળકીને વાડાની તરફ લઈ જતા જોવા મળ્યો, જેનાથી આ જઘન્ય ગુનાનો ખુલાસો થયો હતો.

પશુ વાડામાં મળ્યો બાળકીનો મૃતદેહ

આરોપીએ મૃતદેહ છુપાવવા માટે તેને ગોબરના ઢગલા નીચે દબાવી દીધો હતો. બપોરે બાળકી ઘરે પાછી ન ફરતાં પરિવારજનો ચિંતિત થયા અને ગામલોકોએ પણ શોધમાં સહકાર આપ્યો. ઘણી શોધખોળ બાદ વાડાની અંદરથી બાળકીનોં મૃતદેહ મળી આવ્યો, જેને કારણે ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો

ગામલોકોમાં ભારે રોષ

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બાળકી રજાઓમાં પોતાની દાદીના ઘરે આવી હતી. આ દુઃખદ ઘટનાને પગલે ગામલોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકોએ પોલીસ સ્ટેશન બહાર મૃતદેહ મૂકી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રસ્તા રોકી દીધા હતા. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ આકરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ ઘટના સમાજને ઢંઢોળી નાખે તેવી છે અને બાળકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

રાજ્યમાં 5 થી 8 મે દરમિયાન ફરી ગાજવીજ સાથે માવઠાની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે સામાન્ય લોકો માટે એક રાહતના સમાચાર સામેે આવ્યા છે. જોકે ખેડૂતો માટે તે ચિંતાનો વિષય બની શકે છે. ફરી વાતાવરણમાં મોટા પલટાના સંકેતો મળ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 5 થી 8 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાતાવરણમાં અચાનક પલટો આવશે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 40થી 60 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે ધૂળના વાવાઝોડા અને કરા સાથે વરસાદ લાવી શકે છે.
ક્યાં પડશે વરસાદી ઝાપટાં?
અંબાલાલ પટેલની આગાહી મુજબ, પંચમહાલ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ થવાની સંભાવના છે.

ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડશે
સૌથી વધુ અસર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે, જ્યાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા સેવાઈ રહી છે, જેના કારણે ઉનાળુ પાક લેતા ખેડૂતોમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે.

તમને આવ્યો Alert મેસેજ? ગભરાશો નહીં, નવી ડિઝાસ્ટર વોર્નિંગ સિસ્ટમની છે તૈયારી

જો તમને તમારા મોબાઇલ ફોન પર NDMA તરફથી ચેતવણી SMS મળ્યો હોય જેમાં મોટા અવાજે એલાર્મ વાગતો હોય, તો ગભરાવાની જરૂર નથી. ભારત સરકાર દેશભરમાં એક નવી આપત્તિ ચેતવણી પ્રણાલીનું પરીક્ષણ કરી રહી છે.

જો તમારો ફોન અને તમારી આસપાસના લોકોના ફોન એકસાથે વાગવા લાગે, તો ગભરાવાની કોઈ જરૂર નથી. આ ભારત સરકારના પરીક્ષણનો એક ભાગ છે. સરકાર અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સી (NDMA) દેશભરમાં એક નવી સેલ બ્રોડકાસ્ટ આપત્તિ ચેતવણી સિસ્ટમનું પરીક્ષણ કરી રહ્યા છે. આ સિસ્ટમ ભૂકંપ, સુનામી, વીજળી પડવા અને ગેસ લીક ​​જેવી કટોકટીની સ્થિતિમાં સીધા મોબાઇલ ફોન પર ચેતવણીઓ મોકલશે.

ભારત સરકારે દેશભરમાં મોબાઇલ-આધારિત આપત્તિ ચેતવણી સિસ્ટમનું પરીક્ષણ શરૂ કર્યું છે. આ પરીક્ષણ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. ઘણા લોકોને તેમના મોબાઇલ ફોન પર ફ્લેશ SMS સંદેશાઓ અને મોટા અવાજે એલાર્મ સાથે ચેતવણી સંદેશાઓ મળી રહ્યા છે, જેના કારણે યુઝર્સમાં ગભરાટ ફેલાયો છે. જો કે, સરકારે સ્પષ્ટતા કરી છે કે આ ફક્ત સિસ્ટમ પરીક્ષણનો એક ભાગ છે.

સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ શું છે?

આ એક હાઇ-ટેક ઇમરજન્સી એલર્ટ સિસ્ટમ છે જે સરકારને કોઈપણ આપત્તિ અથવા ખતરાના કિસ્સામાં સીધા મોબાઇલ ફોન પર ચેતવણીઓ મોકલવાની મંજૂરી આપે છે. તેનો ઉપયોગ માનવસર્જિત કટોકટીમાં, જેમાં ભૂકંપ, સુનામી, વીજળી પડવી, પૂર, ગેસ લીકેજ અને રાસાયણિક જોખમો શામેલ શકે છે.

આ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરશે?

જ્યારે યુઝર્સને આ સંદેશ મળશે ત્યારે તેમના મોબાઇલ ફોનમાં મોટા અવાજે સાયરન જેવો અવાજ આવશે, ત્યારબાદ સ્ક્રીન પર ફ્લેશ સંદેશ આવશે. યુઝર્સને તાત્કાલિક ચેતવણી પ્રાપ્ત થશે. આ સિસ્ટમ ખાસ કરીને અસરગ્રસ્ત વિસ્તારના લોકોને તાત્કાલિક માહિતી પ્રસારિત કરવા માટે બનાવવામાં આવી છે.

SACHET સિસ્ટમ દ્વારા ચેતવણીઓ મોકલવામાં આવશે

સરકારના જણાવ્યા અનુસાર, આ ચેતવણીઓ C-DOT (સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ) દ્વારા વિકસિત સ્વદેશી ઇન્ટિગ્રેટેડ એલર્ટ સિસ્ટમ,’SACHET’ દ્વારા મોકલવામાં આવશે. આ સિસ્ટમ ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) દ્વારા ભલામણ કરાયેલ કોમન એલર્ટિંગ પ્રોટોકોલ (CAP) પર આધારિત છે.

પરંતુ ટેસ્ટ એલર્ટ શા માટે મોકલવામાં આવી રહ્યા છે?

સરકાર દેશભરમાં મોબાઇલ નેટવર્ક અને એલર્ટ સિસ્ટમ્સની વિશ્વસનીયતા ચકાસવા માંગે છે, જેથી વાસ્તવિક આપત્તિના કિસ્સામાં ચેતવણીઓ ઝડપથી અને સચોટ રીતે લોકો સુધી પહોંચી શકે. NDMA એ જણાવ્યું છે કે આ સંદેશાઓ ફક્ત એક પરીક્ષણનો ભાગ છે અને જાહેર જનતા પાસેથી કોઈ કાર્યવાહીની જરૂર નથી.

જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે ભવિષ્યમાં વાસ્તવિક આપત્તિ ચેતવણીઓ બહુવિધ ભારતીય ભાષાઓમાં બધા મોબાઇલ ફોન પર મોકલવામાં આવશે.

ફક્ત SMS જ નહીં, ડિજિટલ સુરક્ષા પણ

સરકારનું આ પગલું ફક્ત સંદેશા મોકલવા સુધી મર્યાદિત નથી; તે ભારતના ડિજિટલ આપત્તિ વ્યવસ્થાપન નેટવર્કને મજબૂત બનાવવા તરફનું એક મોટું પગલું માનવામાં આવે છે.

બોર્ડની પરિક્ષાનું પરિણામ ટૂંક સમયમાં થઈ શકે છે જાહેર

ગાંધીનગર: ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે સમય હવે નજીક આવી રહ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડ પરીક્ષાના પરિણામોને લઈને તૈયારીનો અંતિમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને ટૂંક સમયમાં પરિણામ જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.અહેવાલો મુજબ ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ 4 મે, સોમવારના રોજ જાહેર થઈ શકે છે. જ્યારે ધોરણ 10નું પરિણામ 6 મે, બુધવારે જાહેર થવાની સંભાવના છે. જોકે બોર્ડ દ્વારા હજી સુધી આ તારીખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. છતાં અંદાજોને આધારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સુકતા વધી રહી છે.પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ ઓનલાઇન માધ્યમ દ્વારા સરળતાથી પોતાનું પરિણામ ચેક કરી શકશે. પરિણામ જાહેર કરવાની સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને ઝડપી બનાવવા માટે બોર્ડે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.

મત ગણતરી મામલે મમતા બેનરજીને કોર્ટનો સુપ્રીમ આંચકો

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસ (TMC) દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કપિલ સિબ્બલે TMCનો પક્ષ રજૂ કર્યો, પરંતુ પાર્ટીને કોઈ રાહત મળી નહીં અને કોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવી હતી. કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે ચૂંટણી પંચ એકતરફી નિર્ણય લઈ શકતું નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે આશંકા વ્યક્ત કરીએ છીએ કે એડિશનલ ચીફ ઇલેક્શન ઓફિસર (ACEO)ના આદેશથી મતગણતરીમાં ગરબડ થઈ શકે છે.

TMCએ શું કહ્યું?

TMCએ દલીલ કરી હતી કે કાઉન્ટિંગ સુપરવાઇઝર તરીકે રાજ્યના કર્મચારીઓની નિમણૂક કેમ કરવામાં આવી રહી નથી? બંધારણની કલમ 324નું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ચૂંટણી પંચ મનમાની કરી રહ્યું છે અને રાજ્યના કર્મચારીઓની નિષ્ઠા પર સવાલ ઉઠાવી રહ્યું છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા આક્ષેપો કરી શકાતા નથી. રાજ્ય કે કેન્દ્ર – બંનેના કર્મચારીઓ ચૂંટણી પંચના નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે ત્યાં માત્ર કાઉન્ટિંગ સુપરવાઇઝર જ નહીં હોય, પણ ઉમેદવારોના પ્રતિનિધિઓ અને અન્ય અધિકારીઓ પણ હાજર રહેશે. તેથી કોઈ ગરબડની આશંકા માટે પૂરતો આધાર નથી.

TMCને સુપ્રીમ કોર્ટથી ઝટકો

TMCને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે સુપ્રીમ કોર્ટે એડિશનલ CEOના નિર્ણયમાં દખલ કરવા ઈન્કાર કર્યો છે.

ચૂંટણી પંચે શું કહ્યું?

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે એક કર્મચારી રાજ્ય સરકાર તરફથી પણ રહેશે. આ જવાબની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી, પરંતુ પંચના સર્ક્યુલરમાં કોઈ દખલ કરી નથી.

TMCને રાહત નહીં

TMCને કોઈ રાહત મળી નથી અને તેની અરજી ફગાવી દેવામાં આવી છે.

ચોથી મેએ આવશે પરિણામો

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી—પ્રથમ તબક્કો 23 એપ્રિલે અને બીજો તબક્કો 29 એપ્રિલે યોજાયો હતો. ચૂંટણીનાં પરિણામો ચોથી મેએ જાહેર કરવામાં આવશે.

‘AI ડેટા સેન્ટર્સ અવકાશમાં બનાવવાશે,’ સુંદર પિચાઈની યોજના પર મસ્કની પ્રતિક્રિયા

સુંદર પિચાઈ અવકાશમાં ડેટા સેન્ટર સ્થાપવાની તૈયારી કરી રહ્યા છે.સ્પેસએક્સના સીઈઓ મસ્કે પિચાઈની યોજના પર પ્રતિક્રિયા આપી છે.

ગુગલના સીઈઓ સુંદર પિચાઈ અવકાશમાં AI ડેટા સેન્ટર સ્થાપિત કરવાની તૈયારી કરી રહ્યા છે. પિચાઈએ તાજેતરમાં આ મહત્વાકાંક્ષી યોજનાનો ખુલાસો કર્યો હતો. અવકાશમાં તરતા ડેટા સેન્ટર સ્થાપિત કરવાથી પર્યાવરણને ફાયદો થશે. આ ડેટા સેન્ટરોને સૂર્યમાંથી સતત વીજળી મળશે. સુંદર પિચાઈની યોજના પર એલોન મસ્કે પ્રતિક્રિયા આપી છે.

XPRIZE ના એક્ઝિક્યુટિવ ચેરમેન પીટર એચ. ડાયમંડિસે X પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે સમજાવ્યું કે સુંદર પિચાઈએ તાજેતરમાં કહ્યું હતું કે અવકાશમાં ડેટા સેન્ટર સ્થાપવા એ હવે નવી સામાન્ય બાબત છે. મસ્કે એક દાયકા પહેલા આનો ઉલ્લેખ કર્યો હતો. આના જવાબમાં મસ્કે લખ્યું “સાચું.” આ પોસ્ટ અનુસાર એલોન મસ્ક બાદ હવે સુંદર પિચાઈ અવકાશમાં AI ડેટા સેન્ટર સ્થાપવાના પક્ષમાં છે.

અવકાશ-આધારિત ડેટા સેન્ટર શું છે?

સુંદર પિચાઈ અને એલોન મસ્ક ભવિષ્યમાં AI ની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અવકાશમાં ડેટા સેન્ટર બનાવવાનું વિચારી રહ્યા છે. આ ડેટા સેન્ટરો પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે જેથી તેઓ સૂર્યના કિરણોમાંથી સતત શક્તિ મેળવી શકે. વધુમાં, અવકાશમાં ડેટા સેન્ટરને ઠંડુ કરવા માટે વધુ વીજળીની જરૂર પડશે નહીં કારણ કે તાપમાન જેટલું ઊંચું હશે, ડેટા સેન્ટર ઠંડું રહેશે. આનાથી પાણીની પણ બચત થઈ શકે છે.

એલોન મસ્ક અને સુંદર પિચાઈ બંને સ્પેસ ડેટા સેન્ટરના વિચારને સમર્થન આપે છે. પિચાઈએ ફોક્સ ન્યૂઝ સાથેની મુલાકાતમાં આનો ઉલ્લેખ કર્યો હતો. ગૂગલ હાલમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ પર કામ કરી રહ્યું છે. આ માટે અવકાશમાં ડેટા સેન્ટરની જરૂર પડશે.આ ડેટા સેન્ટરો સૂર્યની નજીક સ્થિત હોઈ શકે છે.અહેવાલો અનુસાર આ તરફના પ્રથમ પગલાં આવતા વર્ષે લઈ શકાય છે. એલોન મસ્કની કંપની, સ્ટારલિંક, પહેલાથી જ હજારો ઉપગ્રહો અવકાશમાં લોન્ચ કરી ચૂકી છે.

ડીલ કરો અથવા વિનાશ માટે તૈયાર રહોઃ ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એ ઇરાન સાથે ચાલી રહેલા સૈન્ય અને કૂટનીતિ તણાવ પર પોતાનું વલણ વધુ આકરું કર્યું છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હવે ઈરાન સામે માત્ર બે જ વિકલ્પ છે—અમેરિકા સાથે મજબૂત અને નવી સમજૂતી કરવી અથવા સંપૂર્ણ વિનાશ માટે તૈયાર રહેવું. પાકિસ્તાન મારફતે આવેલ ઈરાનના તાજેતરના શાંતિ પ્રસ્તાવથી તેમને સંતોષ નથી અને તેને તેમણે નકારી કાઢ્યો છે. ઈરાનના નેતૃત્વમાં સ્થિરતા અને સંકલનની કમી છે. જોકે અગાઉ ટ્રમ્પે કોંગ્રેસને ‘સક્રિય દુશ્મની’ સમાપ્ત થવાની માહિતી આપી હતી, પરંતુ તેમના તાજેતરના “બ્લાસ્ટ ધ હેલ આઉટ ઓફ ધેમ” જેવાં નિવેદનોએ ખાડી વિસ્તારમાં ફરી સૈન્ય કાર્યવાહી થવાની શક્યતાઓ વધારી દીધી છે.

 ઈરાનના પ્રસ્તાવથી અસંતુષ્ટ ટ્રમ્પ

શુક્રવારે તેમણે ઈરાન સાથે સમજૂતી થવાની શક્યતા પર શંકા વ્યક્ત કરતાં કહ્યું હતું કે તહેરાન તરફથી આવેલ પ્રસ્તાવોથી તેઓ ખુશ નથી, કારણ કે ચર્ચા ખૂબ લાંબી ખેંચાઈ રહી છે. વ્હાઇટ હાઉસમાં વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ નિશ્ચિત નથી કે અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ સમજૂતી થઈ શકશે કે નહીં.

 વૈશ્વિક ઊર્જા સંકટ અને સહયોગીઓ સાથે વધતો તણાવ

આ સંકટના આર્થિક પાસા પર ભાર મૂકતાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન સાથેનો વિવાદ ઉકેલાતા જ વૈશ્વિક બજારમાં ઓઇલ અને ગેસના ભાવમાં મોટો ઘટાડો આવશે. હાલ સ્ટ્રેઝ ઓફ હોર્મુઝમાં ચાલી રહેલા તણાવને કારણે ઓઇલ પુરવઠો પ્રભાવિત થયો છે. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ પણ જહાજને ઈરાનને ગેરકાયદે ટોલ આપવાની જરૂર નથી.

આ દરમિયાન, ટ્રમ્પે જર્મનીમાંથી 5000 અમેરિકન સૈનિકોને પરત બોલાવવાનો નિર્ણય લીધો છે, જેને નાટોના સહયોગી દેશો માટે મોટો ઝટકો માનવામાં આવે છે. તેમણે યુરોપિયન દેશો, ખાસ કરીને જર્મની પર અમેરિકાને પૂરતું સમર્થન ન આપવાનો આરોપ લગાવ્યો અને સંકેત આપ્યો કે જો સહયોગી દેશો જવાબદારી વહેંચતા નથી, તો અમેરિકા પોતાની વ્યૂહરચના સ્વતંત્ર રીતે નક્કી કરશે.