Home Blog Page 1006

સુરતમાં નશા માટે રૂપિયા ન આપતા સગિરને ઉતાર્યો મોતને ઘાટ, 2 આરોપીની ધરપકડ

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુંડાગીરી, નશાખોરી અને અસામાજિક તત્વોનો રાજ વધતો જાય છે, જેના કારણે નાગરિકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ ફેલાયો છે. ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં જ કાયદો અને વ્યવસ્થા નામનું કશું બચ્યું નથી એવી ફરિયાદો લોકો કરી રહ્યા છે. તાજેતરમાં કાપોદ્રા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની, નશો કરવા માટે રૂપિયા ન આપવાને કારણે 17 વર્ષના યુવકની ચપ્પુના ઘા મારીને હત્યા કરી દેવાઈ. આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાવ્યો, અને મહિલાઓએ રણચંડી બનીને કાપોદ્રા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર, કાપોદ્રા વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ વાઘેલા, મૂળ અમરેલીના માલસીકા ગામના, પોતાના પરિવાર સાથે સુરતમાં રહે છે. તેઓ ફળની લારી ચલાવીને ગુજરાન ચલાવે છે. તેમનો એકમાત્ર પુત્ર પરેશ (ઉં.વ. 17) હીરાના કારખાનામાં કામ કરીને પરિવારને આર્થિક ટેકો આપતો હતો. સોમવારે રાત્રે પરેશ કારખાનેથી ઘરે પરત ફરતો હતો ત્યારે પ્રભુ શેટ્ટી (ઉં.વ. 25, રહે. લક્ષ્મણ નગર સોસાયટી, કાપોદ્રા) નામના નશેડીએ તેની પાસે નશો કરવા માટે પૈસા માગ્યા. પરેશે જણાવ્યું કે તેની પાસે માત્ર ભાડાના 10 રૂપિયા છે, જેના પર ગુસ્સે થયેલા પ્રભુએ તેની સાથે ઝઘડો કર્યો અને પેટમાં ચપ્પુ ભોંકી દીધું.

આ હુમલાથી પરેશને ગંભીર ઈજાઓ થઈ, અને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જોકે, ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું. આટલું જ નહીં, પ્રભુએ પરેશ પર હુમલો કર્યા બાદ નજીકમાં એક રિક્ષાચાલક સાથે પણ ઝઘડો કર્યો અને તેને પણ ચપ્પુના ઘા માર્યા. હાલ રિક્ષાચાલક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

આ ઘટનાએ કાપોદ્રા વિસ્તારમાં ભારે હોબાળો મચાવ્યો. લગભગ 400-500 મહિલાઓ અને સ્થાનિક રહીશોએ કાપોદ્રા પોલીસ સ્ટેશન પર ધસી જઈને ઘેરાવો કર્યો. મહિલાઓએ ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરવા અને હત્યારાને ફાંસીની સજા આપવાની માગણી સાથે નારેબાજી કરી. આ દરમિયાન પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ કે પોલીસે સ્ટેશનના દરવાજા બંધ કરી દીધા. ડીસીપી આલોક કુમાર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા અને લોકોને સમજાવીને મામલો શાંત કર્યો.

પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપી પ્રભુ શેટ્ટીની ધરપકડ કરી લીધી. આરોપીએ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલ્યો છે. ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે આ મામલે ખાસ તપાસ ટીમ (SIT) બનાવવામાં આવી છે, અને 15 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. પરેશનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ ઘટનાએ સુરતમાં વધતી નશાખોરી અને અસામાજિક તત્વોની ગુંડાગીરીનો મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે કાપોદ્રા સહિત સુરતના અનેક વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલે છે, જે ગુનાખોરીને વેગ આપે છે. નાગરિકો પોલીસ અને સરકાર પાસે આવા અડ્ડાઓ સામે કડક પગલાં લેવાની માગ કરી રહ્યા છે. જોકે, સરકારી આંકડાઓમાં ગુનાખોરી ઘટી હોવાનું દર્શાવાય છે, પરંતુ લોકોનો અનુભવ એનાથી વિપરીત છે.

બળાત્કાર મામલે અલાહાબાદ હાઇકોર્ટને ‘સુપ્રીમ’ ફટકાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે અલાહાબાદ હાઈકોર્ટના આદેશ પર નારાજગી વ્યક્ત કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે બળાત્કાર પીડિતાએ પોતે જ મુસીબતને આમંત્રણ આપ્યું હતું. જસ્ટિસ બી.આર. ગવઈની આગેવાની હેઠળની ખંડપીઠે આ ટિપ્પણીને અત્યંત અસંવેદનશીલ ગણાવી હતી. અલાહાબાદ હાઈકોર્ટે એક વિવાદાસ્પદ આદેશમાં બળાત્કારના એક આરોપીને જામીન આપતાં કહ્યું હતું કે ફરિયાદી મહિલાએ દારૂ પીધા પછી આરોપીના ઘરે જવાનું સંમત થઈને પોતે જ મુશ્કેલીને આમંત્રણ આપ્યું હતું.

આ સમાચાર બળાત્કારના પ્રયાસના કેસમાં બીજા એક હાઈકોર્ટના ન્યાયાધીશ દ્વારા આપવામાં આવેલ અસંવેદનશીલ આદેશને રોકવા માટે સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કર્યા પછીના થોડા જ દિવસોમાં સામે આવ્યા છે. ન્યાયમૂર્તિ સંજયકુમાર સિંહ દ્વારા ગયા મહિનામાં આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે મહિલા MAની વિદ્યાર્થિની છે અને તેથી તે પોતાના વર્તનની નૈતિકતા અને મહત્વને સમજવામાં સક્ષમ છે.

કોર્ટે કહ્યું હતું કે હા, જામીન આપી શકાય, પરંતુ આ શી ચર્ચા છે કે તેણે જ મુશ્કેલીને આમંત્રણ આપ્યું વગેરે? આવી વાતો કહેતી વખતે ખાસ કરીને ન્યાયાધીશોને સાવધ રહેવું જોઈએ, એમ કહ્યું। જસ્ટિસ ગવઈએ કહ્યું હતું. આ કેસને તેમણે ચાર અઠવાડિયા પછી સૂચિબદ્ધ કર્યો હતો.

ગયા અઠવાડિયે સિવિલ સોસાયટી નેટવર્ક ‘જસ્ટ રાઈટ્સ ફોર ચિલ્ડ્રન અલાયન્સ અને પીડિતાની માતા દ્વારા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી જસ્ટિસ બી.આર. ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠ સમક્ષ સુનાવણી માટે આવી હતી.

લાતો કે ભૂત બાતો સે નહીં માનતે… બંગાળ હિંસા પર CM યોગીનું નિવેદન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બંગાળ હિંસા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જે લોકો હઠીલા છે તેઓ શબ્દો નહીં સાંભળે, પરંતુ ફક્ત લાકડીઓ સાંભળશે. સીએમ યોગીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પણ નિશાન સાધ્યું. યોગી આદિત્યનાથે કહ્યું કે બંગાળ સળગી રહ્યું છે અને ત્યાંના મુખ્યમંત્રી ચૂપ છે. ધર્મનિરપેક્ષતાના નામે, તેમણે તોફાનીઓને છૂટ આપી દીધી છે.

હરદોઈમાં એક જાહેર સભાને સંબોધતા સીએમ યોગીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા પર બધા ચૂપ છે. મુર્શિદાબાદ રમખાણો પર કોંગ્રેસ ચૂપ છે. સમાજવાદી પાર્ટી (SP) ચૂપ છે. ટીએમસી ચૂપ છે. તેઓ ધમકીઓ પર ધમકીઓ આપી રહ્યા છે. તેઓ બાંગ્લાદેશમાં જે બન્યું તેનું નિર્લજ્જતાથી સમર્થન કરી રહ્યા છે. જો તેમને બાંગ્લાદેશ ગમે છે, તો તેમણે ત્યાં જવું જોઈએ. તેઓ ભારતની ભૂમિ પર બોજ કેમ બની રહ્યા છે?

તમને જણાવી દઈએ કે શુક્રવારે મુર્શિદાબાદના ધુલિયાં વિસ્તારમાં સુધારેલા વક્ફ કાયદાના વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

સીએમ મમતાએ શું કહ્યું?

હિંસા પર સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે દરેકને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ કોઈએ પણ કાયદો પોતાના હાથમાં ન લેવો જોઈએ. મમતાએ લોકોને ધર્મના નામે બિન-ધાર્મિક પ્રવૃત્તિઓમાં સામેલ ન થવા વિનંતી પણ કરી. મમતાએ કહ્યું કે, દરેક વ્યક્તિને પરવાનગી સાથે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાનો લોકશાહી અધિકાર છે. હું લોકોને વિનંતી કરીશ કે કાયદો પોતાના હાથમાં ન લે. કાયદાનું રક્ષણ કરવા માટે આપણી પાસે રક્ષકો છે અને આપણને કોઈ રાક્ષસોની જરૂર નથી.

 

ટીમ ઇન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસની જાહેરાત

ભારતીય ક્રિકેટ ટીમના બાંગ્લાદેશ પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસ આ વર્ષે ઓગસ્ટમાં થશે. જ્યાં કુલ 6 મેચ રમાશે. પહેલા ODI શ્રેણીનું આયોજન કરવામાં આવશે, ત્યારબાદ T20 મેચ રમાશે. 17 ઓગસ્ટથી પહેલી વનડે ત્યારબાદ, 20 ઓગસ્ટ અને 23 ઓગસ્ટના રોજ ODI મેચો રમાશે. આ પછી 26 ઓગસ્ટ, 29 ઓગસ્ટ અને છેલ્લે 31 ઓગસ્ટના રોજ T20 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે. આ દ્વિપક્ષીય શ્રેણી બે દક્ષિણ એશિયાઈ પડોશીઓ વચ્ચે વધતી જતી ક્રિકેટ સ્પર્ધાને વધુ મજબૂત બનાવશે.

આ પ્રવાસ ભારતના ઇંગ્લેન્ડના ટેસ્ટ પ્રવાસ અને ઘરઆંગણાની સીઝન વચ્ચે થશે. ભારત જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ઇંગ્લેન્ડ સામે 5 મેચની શ્રેણી રમશે. આ શ્રેણી 4 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. ભારતની સ્થાનિક સિઝન ઓક્ટોબર મહિનામાં શરૂ થશે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમો ભારતના પ્રવાસે આવશે. ભારતની ઘરઆંગણેની સીઝન 2 ઓક્ટોબરે વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી સાથે શરૂ થશે, ત્યારબાદ તેઓ નવેમ્બર-ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી20 મેચ રમશે. ભારત બે ઘરઆંગણે રમાનારી શ્રેણી વચ્ચે ઓસ્ટ્રેલિયામાં ત્રણ વનડે અને પાંચ ટી20 મેચ રમશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ મહિનાની શરૂઆતમાં શ્રેણીનો સમયપત્રક જાહેર કર્યો હતો, જેમાં 19 ઓક્ટોબરથી વનડે અને 29 ઓક્ટોબરથી ટી20 મેચ રમાશે.

ભારત અને બાંગ્લાદેશ શ્રેણી 2025

વનડે

  • પહેલી વનડે – 17 ઓગસ્ટ, રવિવાર – મીરપુર
  • બીજી વનડે – 20 ઓગસ્ટ, બુધવાર – મીરપુર
  • ત્રીજી વનડે – 23 ઓગસ્ટ, શનિવાર – ચિત્તાગોંગ

ટી20

  • પહેલી ટી20 – 26 ઓગસ્ટ, મંગળવાર – ચિત્તાગોંગ
  • બીજી ટી20 – 29 ઓગસ્ટ, શુક્રવાર – મીરપુર
  • ત્રીજી ટી20 – 31 ઓગસ્ટ, રવિવાર – મીરપુર

શું બિહારમાં CM ચહેરો હશે તેજસ્વી યાદવ?

પટનાઃ બિહારમાં આ વર્ષની અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. તે પહેલાં દિલ્હીમાં મહાગઠબંધનમાં સામેલ કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના મોટા નેતાઓની મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યા હતા, જયારે RJD તરફથી તેજસ્વી યાદવ અને મનોજ ઝા ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક બાદ તેજસ્વી યાદવે કહ્યું હતું કે મને ખબર નથી પડતી કે તમે બધા CMના ચહેરાને લઈને કેમ આટલા ચિંતિત છો, અમે નક્કી કરીશું. એ તો નક્કી છે કે બિહારમાં NDA સરકાર નહીં બને.

બિહારના ભૂતપૂર્વ નાયબ CM અને RJD નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે અમે બેઠક કરી અને સકારાત્મક ચર્ચા થઈ છે. અમે 17 એપ્રિલે પટનામાં ફરી મળશું. અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ અને બિહારને આગળ લઈ જવા માગીએ છીએ. રાજ્યમાં NDA સરકારે 20 વર્ષ સુધી શાસન કર્યા બાદ પણ બિહાર સૌથી ગરીબ રાજ્ય છે. અહીં વ્યક્તિદીઠ આવક સૌથી ઓછી છે, ખેડૂતની આવક પણ ઓછી છે અને સૌથી વધુ લોકોનું સ્થળાંતર થાય છે. અમે તમામ મુદ્દાઓ પર ચૂંટણી લડવા માગીએ છીએ. અમે વિપક્ષમાં છીએ અને સરકારે જે ખામીઓ છુપાવી છે તેને લોકો સમક્ષ લાવવાની અમારી ફરજ છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આ વખત બિહારમાં પરિવર્તન નિશ્ચિત છે. આજે અમે બિહારના ભૂતપૂર્વ ઉપ CM તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી હતી અને મહાગઠબંધનની મજબૂતી પર ચર્ચા કરી હતી. બિહારમાં આ વખતે  ખૂબ જ રસપ્રદ મુકાબલો જોવા મળવાની શક્યતા છે. જેમાં એક તરફ રાષ્ટ્રીય લોકતંત્ર ગઠબંધન (NDA) છે, જેમાં CM નીતીશકુમારના નેતૃત્વ હેઠળની જનતા દળ યુનાઈટેડ અને ભારતીય જનતા પાર્ટી સામેલ છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ અને ડાબેરી પક્ષો છે.

પંજાબ કિંગ્સને લાગ્યો મોટો ઝટકો, સ્ટાર બોલર થયો ઘાયલ

IPL 2025માં શાનદાર પ્રદર્શન કરી રહેલી પંજાબ કિંગ્સને મોટું નુકસાન થયું છે. ટીમનો ઝડપી બોલર લોકી ફર્ગ્યુસન ઈજાને કારણે આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. આ વાતની પુષ્ટિ ટીમના કોચ જેમ્સ હોપ્સે સોમવારે કરી હતી. પંજાબ આવતીકાલે, એટલે કે મંગળવારે, પોતાના ઘરઆંગણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે.

લોકી ફર્ગ્યુસનને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની અગાઉની મેચ દરમિયાન ઈજા થઈ હતી. તે આ મેચમાં માત્ર બે બોલ જ ફેંકી શક્યો હતો અને ત્યારબાદ તેને મેદાન છોડવું પડ્યું હતું. આ ઘટનાએ ટીમની ચિંતામાં વધારો કર્યો છે. કોલકાતા સામેની મેચ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોચ જેમ્સ હોપ્સે જણાવ્યું, “લોકી ફર્ગ્યુસનને ગંભીર ઈજા થઈ છે અને તે અનિશ્ચિત સમય માટે ટીમથી બહાર રહેશે. સીઝનના અંત સુધીમાં તેની વાપસી થવાની શક્યતા ખૂબ ઓછી લાગે છે.” ફર્ગ્યુસને આ સીઝનમાં ચાર મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી.

પંજાબ કિંગ્સ પાસે હાલમાં ફર્ગ્યુસન જેવા ઝડપી બોલરની જગ્યા ભરવા માટે સીધો વિકલ્પ નથી. ટીમ અફઘાનિસ્તાનના અઝમતુલ્લાહ ઓમરઝાઈ અથવા વિજયકુમાર વિશાકને તક આપી શકે છે. કોલકાતા સામેની મેચમાં આ બેમાંથી કોઈ એક ખેલાડીને પસંદ કરવાનો નિર્ણય લેવામાં આવશે.

પંજાબ કિંગ્સે અત્યાર સુધી IPLનું એક પણ ટાઈટલ જીત્યું નથી. ટીમે 2014માં એકમાત્ર વખત ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ તેમાં તેને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીઝનમાં શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ટીમ ઉમદા ફોર્મમાં છે અને ટાઈટલ જીતવાની મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે. જોકે, ફર્ગ્યુસનની ગેરહાજરી ટીમ માટે મોટો પડકાર બની શકે છે.

કોંગ્રેસ નેતાને અફીણ કેસમાં કોર્ટે ફટકારી જેલની સજા

અમદાવાદઃ રાજ્યના કોંગ્રેસ નેતાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીને રાજસ્થાન પોલીસની કાર્યવાહી બાદ ઠાકરશી રબારીને જેલ ભેગા કરવામાં આવ્યા છે. રાજસ્થાન પોલીસે અફીણ કેસમાં ઠાકરશી રબારીની ધરપકડ કરવામાં આવી હતી.  હાલમાં કોર્ટના આદેશ બાદ રાજસ્થાનની સ્વરૂપગંજ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ઠાકરશી રબારી પાસેથી પીરવાડા નજીક કારમાંથી મળેલા અફીણ કેસમાં ઠાકરશી રબારીનું નામ ખૂલ્યું હતું.

રાજસ્થાન પોલીસે ત્રણ કિલોગ્રામ અફીણના કેસમાં કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરશી રબારીની ધરપકડ કરી હતી, કોંગ્રેસનાં સાંસદ ગેનીબહેનના અંગત ગણાતા ઠાકરશી રબારીને થરાદની રબારી સમાજની હોસ્ટેલમાંથી રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી. હવે આ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. બનાસકાંઠા કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીને રાજસ્થાનની સ્વરૂપગંજ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પીરવાડા પાસે કારમાંથી મળેલા અફીણ કેસમાં ઠાકરસી રબારીનું નામ ખૂલ્યું હતું, આ પછી પોલીસે રિમાન્ડની માગ ના કરતાં કોર્ટે જેલમાં ધકેલવા આદેશ કર્યો હતો.

ઉત્તર ગુજરાતના કોંગ્રેસના કિસાન મોરચાના પૂર્વ ચેરમેન અને ખેડૂત આગેવાન ઠાકરશી રબારીને NDPSના ગુનામાં રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી. રાજસ્થાન પોલીસ સ્ટેશનમાં ધરપકડ બાદ ઠાકરસીનો વિડિયો જાહેર કર્યો છે. મધ્ય પ્રદેશના બે આરોપીઓની કારમાંથી નવ એપ્રિલે અફીણનો 3.390 કિલો અફીણનો રસ મળ્યો હતો. મધ્ય પ્રદેશના આરોપીઓએ આ મુદ્દા માલ વાવના ઠાકરસી રબારીએ મગાવ્યો હોવાનો ખુલાસો કર્યો હતો. મુખ્ય આરોપીઓની કબૂલાત નિવેદન બાદ ઠાકરસી રબારીની ધરપકડ થઇ  હતી.

TMKOCમાં દયાબેનની સો ટકા વાપસી થશે, અસિત મોદીએ કરી પુષ્ટિ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા સમયથી ‘દયાબેન’ને લઈને ચર્ચામાં છે. દિશા વાકાણી લોકપ્રિય સિટકોમમાં ‘દયાબેન’નું પાત્ર ભજવી રહી હતી, પરંતુ તેણે થોડા વર્ષો પહેલા આ શો છોડી દીધો હતો. ત્યારથી, દર્શકો શોમાં દયાબેનના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. એવામાં તારક મહેતાના આ લોકપ્રિય પાત્ર અંગે એક નવું અપડેટ આવ્યું છે. દયાબેન ટૂંક સમયમાં શોમાં પાછા ફરવા જઈ રહ્યા છે. શોના નિર્માતા અસિત મોદીએ આ ભૂમિકા માટે કેટલીક અભિનેત્રીઓને શોર્ટલિસ્ટ કરી છે.

અસિત મોદીએ દયાબેનના પરત આવવાની પુષ્ટિ કરી
શોના નિર્માતા અસિત કુમાર મોદીએ પોતે શોમાં દયાબેન વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આખી ટીમ શોમાં આ પ્રતિષ્ઠિત પાત્રને પાછું લાવવામાં વ્યસ્ત છે. તેમણે એ પણ ખુલાસો કર્યો કે દિશા વાકાણી શોમાં પાછી ફરી રહી નથી પરંતુ કોઈ અન્ય અભિનેત્રી તેની જગ્યાએ લેશે. આ માટે કેટલીક અભિનેત્રીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે અને અમે ટૂંક સમયમાં તેમને મળવાની શક્યતા છે.

દયાબેન તારક મહેતામાં પ્રવેશ કરશે…
ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં અસિત મોદીએ શોમાં દયાબેનના પાત્રની વાપસી પર પ્રતિક્રિયા આપી. આ વિશે વાત કરતાં તેમણે કહ્યું- ‘દયાબેન’ ચોક્કસપણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં પરત ફરશે. અમે ચોક્કસપણે દયા ભાભીનું પાત્ર પાછું લાવીશું. લોકો કહે છે કે દયા ભાભી શો છોડીને ગયા ત્યારથી તેઓ શોનો આનંદ માણી રહ્યા નથી. હું આ સાથે સંપૂર્ણપણે સંમત છું. અમારી આખી ટીમ શોમાં દયા ભાભીના પાત્રને શક્ય તેટલી વહેલી તકે પાછું લાવવાનો પ્રયાસ કરી રહી છે.

દયાબેનના રોલ માટે શોર્ટલિસ્ટ થયેલી અભિનેત્રીઓ
અસિત મોદીએ આગળ કહ્યું, ‘મેં દયાબેનના રોલ માટે કેટલીક અભિનેત્રીઓને શોર્ટલિસ્ટ કરી છે અને તમે બધા તેમને ટૂંક સમયમાં મળશો.’ દિશા વાકાણીને શો છોડ્યાને પાંચ વર્ષ થઈ ગયા છે અને અમને હજુ પણ તેની યાદ આવે છે. તેણી તેના સાથી કલાકારો અને ક્રૂ સભ્યોની ખૂબ કાળજી રાખતી હતી. અમારો ઉદ્દેશ્ય દિશા વાકાણી જેવી વ્યક્તિને શોધવાનો છે.

દયાબેન ક્યારે પાછા આવશે?
દિશા વાકાણી આ શોમાં ‘દયાબેન’નું પાત્ર ભજવી રહી હતી, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તે પડદાથી દૂર છે અને પોતાનો બધો સમય તેના પરિવારને આપી રહી છે. પરંતુ, દિશા વાકાણીના ચાહકો હજુ પણ તેને પડદા પર દયાબેનની ભૂમિકામાં જોવા માટે ઉત્સુક છે. બીજી તરફ, દિશા વાકાણી માટે પરિવાર અને બાળકોની જવાબદારીઓ વચ્ચે પડદા પર પાછા ફરવું મુશ્કેલ બની રહ્યું છે. ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે દિશા ટૂંક સમયમાં પડદા પર પાછી ફરશે.

ગુજરાતમાં સંભવિત જળસંકટ! 207 જળાશયોમાં માત્ર 56.50 ટકા પાણીનો જથ્થો

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ રાજ્યના જળાશયોમાં પાણીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે, જે આગામી દિવસોમાં પાણીની અછતનું સંકટ ઊભું કરી શકે છે. રાજ્યના 207 જળાશયોમાં હાલ માત્ર 56.50 ટકા પાણીનો જથ્થો બાકી છે, જે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. વિવિધ વિસ્તારોમાં જળસંગ્રહની સ્થિતિ અલગ હોવા છતાં, એકંદરે પરિસ્થિતિ ગંભીર બની રહી છે.

ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં માત્ર 34.55 ટકા પાણી બાકી છે, જે રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીએ સૌથી ઓછું છે. આ વિસ્તારમાં આગામી સમયમાં પાણીની તંગીની સમસ્યા વધુ ગંભીર બની શકે છે. તેવી જ રીતે, કચ્છના 20 જળાશયોમાં 40.39 ટકા અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 42.44 ટકા જળસંગ્રહ નોંધાયો છે. આ બંને વિસ્તારોમાં પણ જળસ્તર સામાન્યથી નીચું છે, જે ખેતી અને પીવાના પાણીની જરૂરિયાતને અસર કરી શકે છે.

રાજ્યનું સૌથી મહત્વનું સરદાર સરોવર ડેમ હાલ 62.42 ટકા પાણીના સંગ્રહ સાથે સંતોષજનક સ્થિતિમાં છે. જોકે, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 54.63 ટકા અને દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 60.27 ટકા જળસંગ્રહ છે. આ આંકડા દર્શાવે છે કે રાજ્યના મોટાભાગના જળાશયોમાં પાણીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે, જે ખાસ કરીને ખેડૂતો માટે ચિંતાનો વિષય છે.

જળાશયોમાં ઘટતા પાણીના સ્તરે ખેડૂતો અને સામાન્ય લોકોમાં ચિંતા વધારી છે. કાળઝાળ ગરમીમાં પાણીની માગ સૌથી વધુ હોય છે, પરંતુ આ સમયે જ જળાશયોમાં પાણીનો જથ્થો ચિંતાજનક રીતે ઓછો થઈ રહ્યો છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધતાં પાણીનો વપરાશ પણ વધ્યો છે, જેમાં સામાન્ય લોકો, ખેતી અને ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આવા સમયે જળસંગ્રહની ઘટતી સ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા પગલાં લેવાની જરૂર છે.

હજુ ઉનાળાની શરૂઆત છે અને આગામી બે મહિના રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધુ રહેવાની શક્યતા છે. આ સમયગાળામાં પાણીની અછતનું સંકટ વધુ ગંભીર બની શકે છે. જો યોગ્ય આયોજન અને પાણીના સંચયના પગલાં નહીં લેવાય તો ખેતી, ઉદ્યોગો અને રોજિંદા જીવન પર તેની ગંભીર અસર પડી શકે છે.

ઇરાન પરમાણુ હથિયારોને ભૂલી જાય નહીં તો થશે હુમલોઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપતાં કહ્યું છે કે જો તે પોતાનો પરમાણુ કાર્યક્રમ નહીં છોડે તો તેમણે પરિણામ ભોગવવાં પડશે. ટ્રમ્પના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે શનિવારે અમેરિકા-ઈરાન વાટાઘાટો પહેલાં પત્રકારોને આ વાત કહી હતી.

તેમણે કહ્યું હતું કે ટ્રમ્પની પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે ઈરાન ક્યારેય પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત ન કરે. ટ્રમ્પ રાજદ્વારી અધિકારીઓ દ્વારા ઉકેલ લાવવાનું સમર્થન કરે છે, પરંતુ જો રાજદ્વારી નિષ્ફળ જાય તો કડક પગલાં લેવા પણ તૈયાર છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે આ મામલે બધા વિકલ્પો ખુલ્લા છે. ઈરાન પાસે બે વિકલ્પો છે, જેમાં કાં તો તે ટ્રમ્પની માગ સ્વીકારે, અથવા ગંભીર પરિણામોનો સામનો કરવા માટે તૈયાર રહે. આ મુદ્દા પર ટ્રમ્પનો આ મક્કમ અભિપ્રાય છે.

અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ શનિવારે ઓમાનમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીને મળશે. એક દાયકાથી વધુ સમયમાં અમેરિકા અને ઈરાન વચ્ચે આ પહેલી ઔપચારિક પરમાણુ વાટાઘાટો હશે. ઈરાનના સરકારી મિડિયા અનુસાર ઓમાનના વિદેશ મંત્રી બદર અલ-બુસૈદી આ વાતચીતમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવશે.

ટ્રમ્પે ઈરાનને નવા પરમાણુ કરાર પર સંમત થવા માટે 60 દિવસનો સમય આપ્યો છે અથવા લશ્કરી કાર્યવાહીની ધમકી આપી છે. આ ચેતવણી ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખોમેનીને પત્ર દ્વારા મોકલવામાં આવી હતી, એમ અહેવાલ કહે છે.

આ પત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તેહરાને વોશિંગ્ટન સાથે વાટાઘાટો કરવા માટે તૈયાર રહેવું જોઈએ, ભલે વાટાઘાટો સીધી હોય. નહિંતર, એવાં પરિણામો આવશે જે ઈરાની સરકારની સ્થિરતાને જોખમમાં મૂકી શકે છે. આ પહેલાં 30 માર્ચે ટ્રમ્પે ઈરાનને ધમકી આપી હતી કે જો તે તેના પરમાણુ કાર્યક્રમ પર કોઈ સમજૂતી નહીં કરે તો અમેરિકા તેના પર બોમ્બમારો કરી શકે છે. ટ્રમ્પે ઈરાન પર સેકન્ડરી ટેરિફ લાદવાની ધમકી પણ આપી હતી.