Home Blog Page 1016

બિહાર સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો…

નવી દિલ્હીઃ દેશમા ભરઉનાળામાં અનેક રાજ્યમાં હવામાનમાં ફેરફાર થયો છે. ગઈ કાલે સાંજે દિલ્હી- NCRમાં હળવો કમોસમી વરસાદ પડતાં લોકોને આંશિક રાહત મળી હતી. આ ઉપરાંત બિહાર, ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ભારે કમોસમી વરસાદ પડ્યો. જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. જ્યારે રાજસ્થાન, દક્ષિણ હરિયાણા, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં હીટ વેવની આગાહી કરવામા આવી છે.

હવામાન વિભાગે આજે ​​કુલ નવ રાજ્યો માટે કમોસમી વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે રાજ્યોમાં કમોસમી વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે તેમાં પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, સિક્કિમ, પૂર્વ મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ રાજસ્થાનમાં છૂટાછવાયાં સ્થળોએ ધૂળની આંધી આવવાની શક્યતા છે. ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આજે જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં કમોસમી વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આજે એટલે કે શુક્રવારે ઉત્તરાખંડમાં ગાજવીજ, વીજળી અને 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે કમોસમી વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગે 11 એપ્રિલે બિહારમાં ભારે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. 13 એપ્રિલે ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે કમોસમી વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ઘણી જગ્યાએ કરાં પણ પડી શકે છે. જ્યારે આજે પંજાબમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને યાનમ, તેલંગાણા, કર્ણાટકમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આગામી 24 કલાક દરમિયાન રાજસ્થાન, દક્ષિણ હરિયાણા, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં હીટવેવની આગાહી છે. 14થી 16 એપ્રિલ દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં અને 16 એપ્રિલે પૂર્વ રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં હીટ વેવ યથાવત રહેવાની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગો, પૂર્વ ભારતના કેટલાક ભાગો અને ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1-3 ડિગ્રી સેલ્સિયસ વધુ રહેવાની શક્યતા છે. દેશના બાકીના ભાગોમાં તે સામાન્યની નજીક અથવા સામાન્યથી નીચે  રહેશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં ગરમીનો પારો ઘટશે, જાણો હવામાનની આગાહી

અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ગરમીએ પોતાનું જોર વધાર્યું છે. દિવસેને દિવસે ગરમીનો પારો ઉપર ચડતો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગની આગાહી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે રાજ્યમાં તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતા વ્યક્ત કરી છે. જોકે, અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ઉંચુ હતું. રાજ્યના 10 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહ્યું, જેના કારણે લોકોને ગરમીનો ભારે અનુભવ થયો.

હવામાન વિભાગના અહેવાલ મુજબ, ગઈકાલે અમદાવાદમાં 43.3 ડિગ્રી, ગાંધીનગરમાં 43.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.0 ડિગ્રી, રાજકોટમાં 43.0 ડિગ્રી, ડીસામાં 41.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 40.9 ડિગ્રી, વડોદરામાં 40.8 ડિગ્રી, ભુજમાં 40.2 ડિગ્રી, કેશોદમાં 40.0 ડિગ્રી, નલિયામાં 39.8 ડિગ્રી, પોરબંદરમાં 37.2 ડિગ્રી, મહુવામાં 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત, રાજ્યના અન્ય ઘણા વિસ્તારોમાં પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહ્યું, જેના કારણે ગરમીની સ્થિતિ તીવ્ર રહી.

ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે 11 એપ્રિલથી ગુજરાત અને મધ્યપ્રદેશમાં તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. આ રાહત ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં પણ જોવા મળશે. જોકે, હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 14 અને 15 એપ્રિલે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ગરમીની નવી લહેર શરૂ થઈ શકે છે, જેની અસર ગુજરાત પર પણ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં સતત ત્રીજા દિવસે તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં હાલ વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી. જોકે, ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગો, ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં આગામી થોડા દિવસો સુધી ગરમ અને શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે.

ઈમરાન હાશ્મીએ નેપોટિઝમ પર ખુલીને વાત કરી, આલિયાને લઈ કહ્યું કે…

બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મીએ તેની પિતરાઈ બહેન આલિયા ભટ્ટની પ્રશંસા કરી છે. તાજેતરમાં રણવીર અલ્લાહબાદિયાના પોડકાસ્ટ ‘ધ રણવીર શો’માં, ઇમરાનને આલિયાની સફળતા અને નેપોટિઝમ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ઇમરાને આનો ખુલ્લેઆમ જવાબ આપ્યો અને કહ્યું કે આલિયાએ પોતાની મહેનત અને પ્રતિભાથી આ સ્થાન મેળવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે જૂની પેઢી યુવા પેઢી માટે માર્ગ મોકળો કરે છે, પરંતુ આલિયાનું સ્ટારડમ તેની પોતાની મહેનતનું પરિણામ છે.

ઈમરાને નેપોટિઝમ પર ખુલીને વાત કરી
જ્યારે રણવીરે ઈમરાનને પૂછ્યું કે શું મહેશ ભટ્ટના લાંબા કરિયરથી આલિયાને ફાયદો થયો? આનો જવાબ આપતાં, ઇમરાને ખૂબ જ સ્પષ્ટતાથી કહ્યું, “દરેક પેઢી તેના બાળકો માટે સીડી જેવું કામ કરે છે. મારા પિતા કે દાદા-દાદી પાસેથી મળેલા પાઠથી મને ઉદ્યોગને સમજવામાં મદદ મળી. તેવી જ રીતે, મહેશ ભટ્ટે પણ આલિયાને સલાહ અને અનુભવ આપ્યો હશે. જોકે, આનો અર્થ એ નથી કે આલિયાની સફળતા ફક્ત આના કારણે છે.” ઇમરાને સ્પષ્ટતા કરી કે કોઈ પણ પૃષ્ઠભૂમિ વગરના લોકો પણ ફિલ્મ ઉદ્યોગમાં સુપરસ્ટાર બન્યા છે, પરંતુ જેમને માર્ગદર્શન મળે છે, તેમના માટે રસ્તો થોડો સરળ બની જાય છે.

આલિયાની મહેનતની ખૂબ પ્રશંસા થઈ
આલિયાના વખાણ કરતા ઇમરાને કહ્યું, “આલિયા પોતાના દમ પર સ્ટાર બની ગઈ છે. તેણે જે કંઈ મેળવ્યું છે તે તેની મહેનત અને પ્રતિભાનું પરિણામ છે. અભિનયની સફર ખૂબ જ એકલવાયા છે. તમારે કેમેરા સામે જઈને પોતાને અભિનય આપવો પડશે. આમાં બીજું કોઈ તમને મદદ કરી શકે નહીં.” ઇમરાને એમ પણ કહ્યું કે આલિયા ખૂબ જ મહેનતુ છે અને તે જે પણ ભૂમિકા ભજવે તેમાં જીવંતતા લાવે છે.

પહેલા શોટ પહેલા આલિયા ડરી ગઈ હતી
આ વાતચીત દરમિયાન, ઇમરાને એક જૂનો કિસ્સો પણ શેર કર્યો જે આલિયાના સંઘર્ષ વિશે જણાવે છે. તેમણે કહ્યું, “જ્યારે આલિયાને પોતાનો પહેલો શોટ આપવાનો હતો, ત્યારે તે ખૂબ જ નર્વસ હતી. તે ઓફિસ આવી અને મારી પાસે સલાહ માંગવા લાગી. તેનો પહેલો શોટ બીજા દિવસે હતો, તેથી તે ખૂબ જ નર્વસ હતી. પણ સાચું કહું તો, તેને મારી સલાહની જરૂર નહોતી. તે પોતે એક તેજસ્વી અભિનેત્રી છે.”

આલિયા ઇમરાનની પિતરાઈ બહેન
શું તમે જાણો છો કે ઇમરાન અને આલિયા પિતરાઇ કઝિન છે? ઇમરાનની દાદી મહેરબાનો મોહમ્મદ અલી (પૂર્ણિમા દાસ વર્મા તરીકે ઓળખાય છે) અને મહેશ ભટ્ટની માતા શિરીન મોહમ્મદ અલી બહેનો હતી. એટલે કે આલિયા, જે મહેશ ભટ્ટની પુત્રી છે, તે ઇમરાનની કઝિન થાય છે.

સ્ટાર્ટ્પ મહાકુંભ દ્વારા આધુનિક ભારતની ઝાંખી

આજે પણ ભારતીય માં બાપ, બાળકોને ભણાવીને એક સારી જોબ લેવા સુધી જ એમના સ્વપ્નને સિમિત રાખ્યા છે. જયારે કોઈ અભણ દીકરા-દીકરીઓ, બાપ દાદાની પેઢી સાચવીને કરોડોમાં રમતાં હોય છે…એક સમયે,આપણે એક એવો યુગનો આરંભ કર્યો હતો કે જયારે દુનિયામાં સૌથી વધુ એમ્પ્લોયીસ ભારતીય હતાં. IT ક્ષેત્રે ભારતીયોની હરણફાળ દ્વારા મોટા ભાગની મલ્ટીનેશનલ કંપનીઓના સીઈઓ ભારતીયો રહી ચુક્યા છે. પરંતુ ત્યારે હજુ પણ આપણા માટે કોઈ મલ્ટીનેશનલ કે યુનિકોર્ન કંપનીઓનું નિર્માણ કરવું એ આજ સુધી માત્ર એક સ્વપ્ન જ રહ્યું હતું. આજે પણ આપણે અંતરપ્રેન્યોર્સ ને બદલે એમ્પ્લોયી બનવાનું વધુ પસંદ કરીએ છીએ. અને એના માટે અત્યાર સુધી ઘણા કારણો જવાબદાર હતાં.

અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કોઈપણ બિઝનેસ સ્ટાર્ટ અપ માટે જમીનને લઈને કાયદાઓ સખ્ત હતાં. જેમાં કન્સ્ટ્રકશન માટે પરમીટ લેવામાં ઘણો સમય જાય છે. ઉપરાંત ઇલેક્ટ્રિસીટીની પરમિશન, પ્રોપર્ટીના રજીસ્ટ્રેશન પણ લાંબી પ્રોસિઝર હતી. ભારતમાં બિઝનેસ શરૂ કરવા માટે સેન્ટ્રલ સેલ ટેક્સ, ડિવિડન્ડ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, ફ્યુઅલ ટેક્સ, વ્હિકલ ટેક્સ, VAT, એકસાઈઝ ડ્યૂટી જેવા જુદા જુદા 33 પ્રકારના ટેક્સ 1 વર્ષ દરમ્યાન ચૂકવવા પડતાં.

સૌથી મોટી સમસ્યા હતી ફંડની, માર્ક માર્ક ઝુકરબર્ગ કે બિલ ગેટ્સ જયારે ગ્રેજ્યુએટ થયાં ત્યારથી જ તેઓ એટલા ધનવાન હતાં કે તેમણે સરકાર પાસેથી લોન લેવાની જરૂર નહોતી. તેઓ પહેલેથી જ કરોડપતિ હતા. આજ મુખ્ય કારણ હતુ કે મેટાવર્સ અને માઇક્રોસોફ્ટ આજે ખરબો ડોલરમાં રમે છે. જયારે કોઈ પણ ભારતીયને નવા બિઝનેસ સ્ટાર્ટપ માટે તો શુ, પરંતુ સારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે પણ લોન કે સ્કોલરશીપ પર આધાર રાખવો પડતો.

આવા ઘણા બધા કારણોને લીધે કોઈ પણ બિઝનેસ માટે ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે સ્ટાર્ટ અપ કરવું ઘણું અઘરું હતું. પરંતુ છેલ્લા 7 વર્ષમાં ટેકનોલોજી ક્ષેત્રે ભારતે હરણફાળ ભરી છે. તેની પાછળ ઘણી એજ્યુકેશન સિસ્ટમ, અતરંગી યુનિવર્સિટીઓ, પ્રાયવેટ ઇન્વેસ્ટર્સ અને વિવિધ ગવર્મેન્ટલ બિઝનેસ સ્ટાર્ટ અપ પ્રોગ્રામની મહેનતનો બહુ મોટો ફાળો રહ્યો છે.

યુવા ઉદ્યોગ સાહસિકોને મદદ કરવાં માટે સરકારે 2016 માં સ્ટાર્ટ અપ ઈન્ડિયા ઈનિશિએટિવની રચના કરેલ છે. જે ઉદ્યોગ સાહસિકોને નવા આઈડિયા પર બિઝનેસ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને ફંડ પુરુ પાડે છે. 2018 માં આવા 50,000થી પણ વધુ સ્ટાર્ટ અપ સાથે ગ્રોથ 12થી15% હતો, જયારે 2019 માં વધુ 9,500 સ્ટાર્ટ અપ થયેલા હતા. આ ગ્રોથ પરથી એવુ અનુમાન લગાવામાં આવે છે કે ભારતમાં દરરોજ 2-3 ટેકનોલોજી સ્ટાર્ટ અપ થાય છે. છેલ્લા 5 વર્ષમાં 101 યુનિકોર્ન કંપનીના નિર્માણ થયેલ છે જેની વૅલ્યુએશન 1$ બિલિયન થી પણ વધુ છે. 2020માં 11અને 2021 માં 44 યુનિકોર્ન કંપનીઓ બનેલી છે જેમા ઝોમાટો, પોલિસીબજાર, પેટીએમ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

હાલ જ દિલ્હીમાં સ્ટાર્ટ્પ મહાકુંભનું આયોજન ખૂબ જ સફળ રહ્યું. જેની થીમ હતી, સ્ટાર્ટિંગ ઇન્ડિયા@ અનફોલ્ડ 2047. સાલ 2047 માં ભારત કેવી રીતે સ્ટાર્ટ્પ બિઝનેસનું હબ બનવા જઈ રહ્યું છે તેની એક નાની ઝલક અહીં જોવા મળી હતી. જ્યાં 3000 જેટલાં નવા બિઝનેસ માટે 45 જેટલાં દેશો માંથી ઇન્વેસ્ટર્સ ભાગ લઇ રહ્યા છે. જ્યાં જુદા જુદા પેનલ ડિસ્કશન દ્વારા આંતરપ્રેન્યોર્સ, એમની ક્ષમતા માટે ફન્ડિંગની વ્યવસ્થા કરી શકશે.

અહીં અલગ અલગ ક્ષેત્રો માટે 12 જેટલાં થીમ પાર્ક બનાવ્યા છે જેમાં AI, ફિનટેક, હેલ્થટેક, ક્લીનટેક, મોબિલિટી, વિભાગ મુખ્ય છે. જ્યાં ઇન્વેસ્ટર્સ, પોલિસીમેકર્સ, અને આંતરપ્રેન્યોર્સ વર્કશોપ, માસ્ટરક્લાસ અને નેટવર્કિંગ મીટ દ્વારા પોતાના સ્વપ્નોને નવી પાંખો આપી શકશે.

આ એક એગ્રીક્લચર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હેલ્થ કેર અને ગ્રામીણ વિસ્તારોમાં ટેક્નોલોજી દ્વારા ગ્લોબલ બિઝનેસ માટેની અનેક તકો પૂરી પાડે છે, જે અનેક રોજગાર ઉભા થશે, ટેક્નોલોજી દ્વારા લોકોનું જીવન ધોરણ સહેલું બનશે.

એટલું જ નહીં અહીં, દરેક મોટી કંપનીઓના સીઈઓની પ્લે બુક આકર્ષણનું કેન્દ્ર બની રહી છે, જેમાં તેઓએ પોતાના ઇન્વેસ્ટમેન્ટ માટેના મંતવ્યો રજૂ કર્યા છે. એક્ટ્રેસ સોનમ કપૂર, ભુવન બામ, ઈન્ફ્લુએન્સર કેરી મીનાતી જેવા લોકો મહાકુંભમાં મનોરંજનનું કેન્દ્ર બન્યા હતા. સૌથી ચર્ચામાં રહ્યા અનોખા આવિષ્કાર. જેમાં છે હવામાં ઊડતી ટેક્સીઓ અને સ્કિન પ્રિન્ટર્સ. જેમાં સ્કિન પર અવનવી ભાતની ડિઝાઇનોએ લોકોમાં આકર્ષણ ઉભું કર્યું હતું.

હવે એ દિવસો દૂર નથી, જ્યાં આપણે ડિજિટલ દુનિયામાં આપણું સ્થાન નક્કી કરી લેશું, જ્યાં આપણે એમ્પ્લોઈસ નહીં પણ આંત્રપ્રિન્યોરનું હબ ઉભું કરીશું. જ્યાં મલ્ટીનેશનલ કંપનીઓ સીઈઓ લેવા નહીં પણ ભારતીય સીઈઓને મળવા માટે ભારત આવશે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

ગૃહપ્રધાન હર્ષ સંઘવીની સોસાયટીમાં લાગી આગઃ 18 લોકોનું રેસ્ક્યુ

સુરતઃ સુરતના વેસુ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે. વેસુ વિસ્તારમાં આવેલા લક્ઝુરિયસ ફ્લેટમાં આગ લાગી છે. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી રહે છે તે જ સોસાયટીમાં આગ લાગી છે. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરવાના આદેશ આપ્યા છે. આગ લાગવાની ઘટના બનતાં જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હેપ્પી એન્કલેવના સાતમા માળે લાગી આગ હતી. સાતમા માળ પર આગ લાગતાં જ ફ્લેટના ત્રણ માળ આગની ચપેટમાં આવ્યા હતા. ભીષણ આગ લાગતાં જ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. પ્રાપ્ત થતી વિગતો અનુસાર આગમાં 18 લોકો ફસાયા હતા. જેમને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની 10 જેટલી ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

આ બિલ્ડિંગ નવી જ બનાવવામાં આવી હતી. જેને કારણે નવી ઘરની અંદર નવા ફર્નિચર કરવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.  ગૃહપ્રધાન હર્ષ સંઘવીની સોસાયટીમાં આગ લાગતાં મેયર, કમિશનર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ હજી આગ ક્યાં કારણોસર લાગી હતી તે અકબંધ છે. સદનસીબે આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિની થઈ ન હોવાનું સામે આવી રહ્યું છે.

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે કોઇ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી છે અને આગ કાબૂમાં છે કુલિંગની કામગીરી ચાલુ છે. 9મા માળે આગ લાગી હતી, ઘર ખાલી હતુ અને 40 લોકોને બહાર કાઢ્યા બાદ 18 લોકો અંદર હતા તેમને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવ્યા છે, તરત જ આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી, મારા અનેક મિત્રો પણ બિલ્ડિંગમાં હતા.

ગુજરાતમાં બોગસ હથિયાર લાઇસન્સ કૌભાંડ, ATSએ 23 આરોપીઓની ધરપકડ કરી

ગુજરાત ATSએ નાગાલેન્ડ અને મણિપુરના બોગસ હથિયાર લાઇસન્સ કૌભાંડનો પર્દાફાશ કરીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 23 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી તાજેતરમાં વધુ 16 શખસો ઝડપાયા છે. ATSએ આરોપીઓ પાસેથી 15 હથિયારો અને 489 કારતૂસ કબજે કર્યા છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપીઓએ 50 હજારથી લઈને 25 લાખ રૂપિયા સુધીની રકમ ચૂકવીને આ બોગસ લાઇસન્સ મેળવ્યા હતા.

આખી વાત એમ છે કે, 3 એપ્રિલના રોજ નકલી લાઈસન્સના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભરત ભરવાડ નામના શખસની ધરપકડ કરી. તેની પાસેથી ગેરકાયદે પિસ્તોલ મળી, જેની તપાસમાં મુકેશ ભરવાડ નામનો શખસ આ રેકેટનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું. તેણે ભરતને 7 લાખ રૂપિયામાં ઓલ ઇન્ડિયા પરમિટ લાઇસન્સ અપાવ્યું હતું. આ તપાસ બાદ ATSએ 8 એપ્રિલે 7 આરોપીઓની ધરપકડ કરી, જેમની પાસેથી 6 હથિયારો અને 135 કારતૂસ કબજે કર્યા હતા. આ આરોપીઓના રિમાન્ડ દરમિયાન વધુ 16 આરોપીઓના નામ સામે આવ્યા, જેમને તાજેતરમાં ઝડપી લેવાયા.

આરોપીઓ ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં હથિયારોનું પ્રદર્શન કરી લોકોને આકર્ષતા હતા. તેઓ આધાર કાર્ડ, ઇન્કમ ટેક્સ રિટર્ન જેવા દસ્તાવેજો એકત્ર કરી થોડા દિવસોમાં જ બોગસ લાઇસન્સ અને હથિયારો આપી દેતા હતા. આ લાઇસન્સ મુખ્યત્વે નાગાલેન્ડ અને મણિપુરમાંથી બનાવવામાં આવતા હતા. હરિયાણાના નૂહમાં રહેતા સૌકત અલી, ફારૂક અલી, સોહિમ અલી અને આસિફ નામના શખસો આ લાઇસન્સ તૈયાર કરાવતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ રેકેટમાં નાગાલેન્ડ અને મણિપુરના કેટલાક અધિકારીઓની સંડોવણી હોવાની પણ શંકા છે. ઝડપાયેલા 16 આરોપીઓમાંથી 6 શખસોનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

ATSની તપાસમાં સામે આવ્યું છે કે આ રેકેટ છેલ્લા 6 વર્ષથી સક્રિય હતું. આરોપીઓએ અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 108 લોકોને બોગસ લાઇસન્સ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ કૌભાંડનો પર્દાફાશ થતાં એક ચર્ચા પણ શરૂ થઈ છે કે ગુજરાતના કેટલાક નામાંકિત વ્યક્તિઓ અને સેલિબ્રિટીઓ પાસે પણ આવા બોગસ લાઇસન્સ હોઈ શકે છે. ATSએ આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે. ATSએ 108 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે અને વધુ શખસોની શોધખોળ ચાલુ છે. હરિયાણાના નૂહમાં રહેતા ગનશોપના માલિકો સહિત કેટલાક મળતિયાઓને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. ATSના ડીઆઇજી સુનિલ જોશીના જણાવ્યા અનુસાર, આરોપીઓએ આર્થિક લાભ માટે આ રેકેટ ચલાવ્યું હતું. તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે, અને નાગાલેન્ડ-મણિપુરના તંત્રની સંડોવણીની ચકાસણી માટે પત્રવ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

તહવ્વુર રાણાની 18 દિવસની NIA કસ્ટડી મંજૂર

મુંબઈઃ 26-11ના આતંકવાદી હુમલાના આરોપીઓમાંના એક તહવ્વુર રાણાને આખરે અમેરિકાથી 17 વર્ષે ભારત લાવવામાં સફળતા મળી છે. પાકિસ્તાની મૂળના 64 વર્ષીય કેનેડિયન નાગરિકને અમેરિકાથી વિશેષ વિમાનમાં ગઈ કાલે નવી દિલ્હી લાવવામાં આવ્યો હતો, જ્યાં NIAએ સત્તાવાર રીતે તેની ધરપકડ કરી હતી અને પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કર્યો હતો.

કોર્ટે શુક્રવારે રાણાને 18 દિવસની NIA કસ્ટડીમાં મોકલ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાણાને અહીંના CGO કોમ્પ્લેક્સમાં આતંકવાદ વિરોધી એજન્સીના મુખ્યાલયની અંદર એક હાઈ સિક્યોરિટી સેલમાં રાખવામાં આવશે. રાણા 18 દિવસ સુધી NIA કસ્ટડીમાં રહેશે, જે દરમિયાન એજન્સી 2008ના ઘાતક હુમલા પાછળના સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરવા માટે તેની વિગતવાર પૂછપરછ કરશે, જેમાં કુલ 166 લોકોની હત્યા કરવામાં આવી હતી અને 238થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.

મુંબઈમાં વર્ષ 2008ના 26 નવેમ્બરે થયેલા આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવામાં તહવ્વુર રાણાની મહત્ત્વની ભૂમિકા હતી. જોકે અમેરિકાએ 2009માં ડેન્માર્કમાં એક આતંકવાદી હુમલામાં તેની ધરપકડ કરી હતી. ત્યાર પછી ભારતે રાણાને ભારત લાવવા માટે વર્ષો સુધી કાયદાકીય લડત લડી હતી. ભારતમાં પ્રત્યાર્પણ રોકવા માટેની તમામ અરજીઓ અમેરિકન કોર્ટે ફગાવી દીધા પછી અંતે રાણાને નવી દિલ્હી લાવવામાં આવ્યો હતો.

તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની સૌપ્રથમ જાહેરાત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી 2025માં અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે કરી હતી. ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે એક સંયુક્ત પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, અમે અત્યંત હિંસક માણસને ભારતને સોંપી રહ્યા છીએ, જ્યાં તે તાત્કાલિક ભારતના ન્યાયતંત્રનો સામનો કરશે. ટ્રમ્પે કહ્યું કે, અમારા તંત્રે રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. રાણા લોસ એન્જેલસમાં મેટ્રોપોલિટન ડીટેન્શન સેન્ટરમાં કેદ હતો.

પોતાના પર વિશ્વાસ નથી? ઍલાર્મની જરૂર શા માટે પડે છે?’

`ભગવાનને નમસ્કાર કર, થેન્ક્યુ કહે અને તારે જે સમયે ઊઠવાનું હોય તે ભગવાનને કહે, તે આપણને જગાડે છે, બરોબર તે જ સમયે જાગી જઈશું. હા, પણ મનથી કર આ પ્રાર્થના અને વિશ્વાસ રાખ.’ દાદા-દાદીઓએ અને માતા-પિતાઓએ આપણી ભાવિ પેઢીને આપેલો આ કાનમંત્ર મને પણ મળ્યો હતો અને આજ સુધી તેનો અનુભવ હું લઈ રહી છું. અમારા બેડરૂમમાં ઍલાર્મ ક્લૉક નથી. મોબાઈલે આપણી પર કબજો જમાવ્યા પછી સુધીરના મોબાઈલ પર તેણે સાડાપાંચનું ઍલાર્મ સૅટ કરી રાખ્યું છે. `ઈન કેસ.’ સુધીર એટલે અમારા ઘરની કાળજીવાહક સરકાર, તેથી `ઈન કેસ જાગી નહીં જવાયું તો’તે માટે તેનો આ એક સાવધાનીનો ઉપાય છે. અર્થાત ઍલાર્મ વાગવાના બહુ અગાઉથી અમારો દિવસ શરૂ થયેલો હોય છે. આપોઆપ જાગી જવાય છે. ભગવાન પર વિશ્વાસ મૂકેલો હોય છે ને. આથી કે કેમ ઍલાર્મ લગાવવાનો વિચાર આવતાં જ મારું એક મન બીજા મનને પૂછવા લાગે છે, `તારો પોતાની પર વિશ્વાસ નથી? તને ઍલાર્મની જરૂર શા માટે પડે છે? તને જો તારા સવારે જાગવાની, એટલે કે, નૈસર્ગિક રીતે જાગવાની ખાતરી નહીં હોય તો તું ટીમને શું ખાક ખાતરી આપશે? પોતાની પર નહીં પણ ભગવાન પર તો વિશ્વાસ રાખ.’ આ દ્વંદ્વયુદ્ધ ત્યારે જ અટકે છે જ્યારે હું નક્કી કરી નાખું છું કે, `ઍલાર્મ નથી લગાવવો, હું જાગી જઈશ.’ અને નક્કી થયા પ્રમાણે જાગી જાઉં છું. ક્યારેક ઍલાર્મ લગાવવો પડે છે અને હું પણ તે લગાવું છું.

મને યાદ છે એક વાર હું લંડનમાં ગઈ હતી. ફક્ત એક દિવસ માટે, નહીં-નહીં એક રાત માટે, મારે `ચિટી ચિટી બેંગ બેંગ’ નાટક જોવું હતું. તે અમારા પર્યટકોને બતાવવાનું હતું. પણ `તેમને તે ગમશે ખરું?’ તે જોવા માટે હું રાતની ફ્લાઈટથી નીકળી પડી. સવારે લંડનમાં પહોંચી, બપોરે અમારા એસોસિયેટ સાથે મિટિંગ કરી. રાત્રે શો જોઈને હોટેલ પર આવી, સવારે છની ફ્લાઈટ હતી, પરોઢિયે ત્રણ વાગ્યે નીકળવાનું હતું. વિંટર હોવાથી ભારતના અને યુ.કે.ના ટાઈમમાં સાડા પાંચ કલાકનો ફરક હતો. એક દિવસમાં બૉડી ઍડપ્ટ કરવાનું શક્ય નહોતું. ટાઈમ ડિફરન્સને લીધે શરીરની થયેલી હાલાકીથી મારો પોતાની પરનો અને ભગવાન પરનો વિશ્વાસ ડગમગી ગયો. મેં હોટેલ રિસેપ્શન પર ફોન કરીને તેમને મૉર્નિંગ ઍલાર્મ આપવા કહ્યું. મારા મોબાઈલ પર ઍલાર્મ લગાવ્યું અને તે છતાં ખાતરી નહોતી તેથી મેં અમારા સેવિયર સુધીરને ફોન લગાવ્યો. `સુધીર, પ્લીઝ તારા, એટલે કે, ઈન્ડિયન ટાઈમ પ્રમાણે સવારે સાડા આઠ વાગ્યે મને જગાડી દેજે. મોબાઈલ પર ફોન કર અથવા હોટેલમાં ફોન કરીને મારા રૂમને કનેક્ટ કરવા કહેજે.’ સુધીરે હસતાં હસતાં `આ શું મૂર્ખામી છે’ કહીને ફોન મૂક્યો અને હું શાંતિથી ઊંઘી ગઈ. આ પછી જ્યારે મેં આ બાબતનો વિચાર કર્યો ત્યારે એવું જણાયું કે, ઍલાર્મ નહીં લગાવવો મારા માટે કેટલી આસાન બાબત હતી પણ તે જ ઍલાર્મ લગાવવાનો હોય તો એટલો સ્ટ્રેસ આવે છે કે પૂછશો જ નહીં. ટૂંકમાં નેચરલી જાગી જવું તે મારા માટે સ્ટ્રેસ ફ્રી હતું છતાં ઍલાર્મ લગાવવો એ બાબત બહુ એન્ગ્ઝાઈટી નિર્માણ કરનારી હતી.

અમારી ટુર્સ પર જો કે `પર્યટકોને મૉર્નિંગ ઍલાર્મ આપવું’ એ મહત્ત્વની બાબત છે અને તેનું કારણ ટાઈમ ડિફરન્સ છે. વિમાન પ્રવાસની ખટપટને લીધે બૉડી ક્લૉકની ઐસી-તૈસી થઈ જાય છે. `મને જૅટ લેગ થતું નથી’ એવો મારો અભિમાન મારી પહેલી USAની મુલાકાતમાં અને પહેલી ઓસ્ટ્રેલિયાની મુલાકાતમાં ચકનાચૂર થઈ ગયો હતો તે હજુ યાદ છે. આ બંને વખત હું અને નીલ અમે બંને માતા-પુત્ર ગયાં હતાં અને બંને ઠેકાણે પહેલાં જ દિવસે અમે અમારા ટુર પ્રોગ્રામની એવી વાટ લગાવી દીધી કે પૂછશો જ નહીં. તે સમયે શાણપણ આવ્યું કે અમસ્તા જ હોશિયારી મારવામાં કોઈ અર્થ નથી. જૅટ લૅગ લાગે છે, લાગી શકે છે. અર્થાત તે લાગવાનો નહીં હોય તો થોડી તૈયારી કરીને રાખવી પડે છે. પૂર્વ બાજુના દેશોમાં જ્યાં આપણાથી અગાઉ સવાર થાય છે એવા જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, હોંગકોંગ, સિંગાપોર દેશોમાં જતી વખતી કમ સે કમ એક મહિના પૂર્વે વહેલા જાગી જવાની આદત પાડવી જોઈએ. ભારતના અને આપણે જવાના હોઈએ તે દેશમાં ટાઈમ ડિફરન્સ કેટલો છે તે જોઈને, ત્યાં જવા પૂર્વે એક મહિનો રોજ પંદર-પંદર મિનિટ વહેલા જાગી જવાનું અને જવાના એક અઠવાડિયા પૂર્વે તે દેશનો ટાઈમ જો આપણા બૉડી ક્લૉક સાથે એડજસ્ટ કરી શકાય તો નિશ્ચિત જ આપણે જૅટ લૅગ પર કંટ્રોલ કરી શકીએ છીએ. સવારે વહેલા જાગનારને પૂર્વ બાજુના દેશોના સમય સાથે ઍડજસ્ટ કરવાનું મુશ્કેલ પડતું નથી. ઊલટું પશ્ચિમ બાજુના દેશોમાં, એટલે કે, દુબઈ મિડલ ઈસ્ટર્ન અથવા યુરોપિયન દેશો બાજુ જવાના એક મહિના પૂર્વે થોડું-થોડું આળસી બનવાની શરૂઆત કરવાની. રાત્રે મોડેથી સૂવાનું અને સવારે મોડેથી ઊઠવાનું. પર્યટકોનો વિચાર કરીએ તો વધુમાં વધુ પર્યટકો માર્ચથી ઓક્ટોબર દરમિયાન પ્રવાસ કરે છે. તે સમયે,એટલે કે, માર્ચના છેલ્લા અઠવાડિયાથી ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયા સુધી આપણા અને મોટા ભાગના બધા યુરોપિયન દેશોમાં સાડા ત્રણ કલાકનો અથવા થોડું આપણી બાજુના, એટલે કે, ગ્રીસ ટર્કી દેશોમાં અઢી કલાકનો ફરક હોય છે. શિયાળાના મહિનાઓમાં આ ફરક સાડા ચાર અને સાડા ત્રણ કલાકનો થઈ જાય છે. યુ.કે., લંડનની બાબતમાં તો સાડા પાંચ અને સાડા ચાર કલાક થઈ જાય છે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ તેનો વિચાર કરીને એક મહિના અગાઉથી જો આપણી બૉડીને આદત પાડીએ તો ત્યાં ગયા પછી તે વાતાવરણ સાથે સુમેળ સાધવાનું થોડું આસાન બને છે. ટૂંકમાં સવારે વહેલા જાગનારા પૂર્વાભિમુખ લોકોને પૂર્વ બાજુના દેશોમાં જવાનું સગવડદાયી લાગે છે, જ્યારે સવારે મોડેથી જાગનારા પશ્ચિમાભિમુખ લોકોને પશ્ચિમ બાજુના દેશોમાં જવાનું સારું લાગે છે. વધુ એક બાબત વિમાન પ્રવાસમાં પોતાને ઍડજસ્ટ કરવાની હોય છે. આપણે જે દેશમાં ઊતરીશું તે દેશમાં દિવસ હોય તો વિમાનમાં મસ્તઊંઘ કાઢવાની. ઍરહોસ્ટેસને કહેવાનું`ડુ નૉટ ડિસ્ટર્બ પ્લીઝ.’ ઊલટું આપણે જે દેશમાં જવાના હોઈએ તે દેશમાં જો આપણે રાત્રે પહોંચવાનાં હોઈએ તો વિમાનમાં ઊંઘવાનું નહીં. એકાદ પુસ્તક વાંચવાનું, ફિલ્મ જોવાની.

અગાઉ મારી સાથે અનેક વાર પદ્માતાઈ વાઘ પર્યટક તરીકે અનેક દેશોમાં આવતાં. તેઓ ન્યૂઝ પેપરમાં વાંચવાનું રહી ગયું હોય તેની કાપલીઓ લઈને આવતાં અને આવા પ્રવાસમાં તે વાંચી કાઢતાં. એકંદરે વિમાન પ્રવાસમાં જાગતા રહેવાનું હોય તો પોતાની વ્યવસ્થા પોતે જ કરી રાખવી જોઈએ. કહેવાનો મુદ્દો એ છે કે પર્યટકો માટે મૉર્નિંગ ઍલાર્મ મહત્ત્વનો હોય છે અને અમારા ટુર મેનેજર્સ તેની કાળજી રાખે છે. ઍલાર્મ અસ્તિત્વમાં નહોતું ત્યારે લોકો આ જ રીતે ભગવાન પર વિશ્વાસ રાખતા, સૂર્યોદય પૂર્વે જાગી જતા અથવા રાત્રે ભરપૂર પાણી પીને સૂઈ જતા, જેથી સવારે લઘુશંકા કરવા જવા માટે જાગી જવાતું. આમ છતાં જનરલી `સવારે અમુક સમયે તે સમયે લોકો કઈ રીતે જાગી જતા વારુ’ આ ગૂગલને પૂછતાં જાણવા મળ્યું કે ઍલાર્મ ક્લૉક પહેલી વાર અસ્તિત્વમાં 1787માં આવ્યો. લેવી હચિન્સ નામે અમેરિકન નાગરિકે સવારે કામે જવાનું હોવાથી પોતાના માટે ઍલાર્મ બનાવ્યું. જો કે તે ફક્ત સવારે ચાર વાગ્યે જ વાગતું. તે પછી અનેક વર્ષ બાદ, એટલે કે, 1847માં ફ્રેન્ચ ઈન્વેન્ટર એન્ટોન ડિયરે પ્રથમ મેકેનિકલ ઍલાર્મ ક્લૉક બનાવ્યું અને તેનું પેટન્ટ લીધું. તે પૂર્વે સેંકડો વર્ષ એસ્ટ્રોનોમિકલ ક્લોક, વોટર ક્લોક, ટાઉન સ્ક્વેરમાંની બેલ, ફેક્ટરી વ્હિસલ્સ અથવા જેને આપણે ભૂંગળા કહેતા તે બધાનો ઉપયોગ લોકો કરતા હતા. અમારા નાનપણમાં આ ભૂંગળા વાગતાં અમે સાંભળ્યાં છે. ભૂંગળું વાગે એટલે કેટલા વાગ્યા છે તે અમે એકબીજાને કહેતાં હતાં. ફ્રેન્ચમેને પેટન્ટ લીધું, પણ ઍલાર્મ ક્લૉકનું માસ પ્રોડકશન 1876માં અમેરિકન ઈન્વેન્ટર સેથ થોમસની કંપની દ્વારા શરૂ કરાયું. ઈન્ડસ્ટ્રિયલ રિવોલ્યુશન પછી `કામે સમયસર જવાનું’ ફરજિયાત બન્યું તેમજ બીજા મહાયુદ્ધમાં સૈનિકોએ પણ સમયસર જાગવાનું કમ્પલ્સરી બની ગયું અને ઍલાર્મ ક્લૉક ઈન્ડસ્ટ્રી ફૂલવા-ફાલવા લાગી. હવે તો અલગ અલગ અવાજોના ઍલાર્મ આવ્યાં છે. જો કે મને લાગે છે કે ઍલાર્મ સિવાય જાગી શકાવું જોઈએ.

ઍલાર્મ લગાવ્યા પછી તો કોઈ પણ જાગી શકે છે પણ જે સમયે એકાદ કામથી, એકાદ પ્રોજેક્ટથી, એકાદ ધ્યેયથી આપણે બંધાયેલા હોઈએ ત્યારે આપો-આપ જાગી જવાય છે. રાતભરની ઊંઘથી-આરામથી શરીર ચાર્જ થાય છે અને મન `ચલો, આજ ઔર અચ્છા, કલ સે બઢકર બેહતર કુછ કરતે હૈ,આગે જાતે હૈ’ કહીને આપણે ઉત્સાહમાં જાગી જઈએ છીએ. સવારે જાગ્યા પછી ગાદલામાંથી તુરંત ઊઠવા જેવું લાગતું હોય તો `વી આર ઑન ધ રાઈટ ટ્રેક. વી રિયલી લૂક ફોર્વર્ડ ટુ સમથિંગ મોર મિનિંગફુલ’ એવું કહેવામાં કોઈ વાંધો નથી. આપણે પોતાને તપાસવાના. એટલે કે, ઍલાર્મ નહીં લગાવતાં જાગી શકાવું જોઈએ. દવા નહીં લેતાં તબિયત સારી રહેવી જોઈએ (અમુક બીમારીઓ અપવાદ છે), લાફિંગ ક્લબના મેમ્બર બન્યા વિના મન મૂકીને હસતાં આવડવું જોઈએ. `ટુ બી ઑર નૉટ ટુ બી’ નું યુદ્ધ નહીં થતાં મોર્નિંગ વૉક પર જઈ શકાવું જોઈએ. ગરમ પાણી, ચા એવી કોઈ પણ બ્રાઈબ નહીં આપતાં સવારે પેટ સાફ થવું જોઈએ, ટેન્શન વિના, તાણ-તણાવ વિના પ્રગતિ કરી શકાવી જોઈએ, સહજ રીતે નીતિ-નિયમોનું પાલન કરી શકાવું જોઈએ. બહુ મહેનત નહીં લેતાં માનસિક અને શારીરિક સંતુલન રાખી શકાવું જોઈએ, ભગવાને એક સુંદર જીવન આપણને બહાલ કર્યું છે તેનું સૌંદર્ય વધુ વધારવા અને ખીલવતા આપણને આવડવું જોઈએ.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

Opinion: શું પેકેજ્ડ લેબલના મોટા અક્ષરોથી લોકો સાવધાન થશે?

ગુજરાત સહિત ભારતમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હ્દયને લગતા રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. નિષ્ણાંતોના મતે અવ્યવસ્થિત ખોરક જ આ પ્રકારના રોગ થવાનું મૂળભૂત કારણ બની શકે છે. પેકેજ્ડ ફૂડના વધતા વપરાશ વચ્ચે લોકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી રહી છે. આવા ખાદ્ય પદાર્થોમાં સુગર અને ફેટનું પ્રમાણ કેટલું હોય છે, તેની જાણકારી ગ્રાહકો સુધી પહોંચે તે આજના સમયની મોટી જરૂરિયાત છે. આ સાથે જાણકારી મેળવવાની જાગૃતતા ગ્રાહકોમાં આવવી તે પણ મોટો પડકાર છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ ગંભીરતા દાખવી છે અને ત્રણ મહિનામાં પેકેજ્ડ ફૂડ પર સુગર અને ફેટની માત્રા દર્શાવતા લેબલ લગાવવા માટે નિયમો ઘડવાનો આદેશ આપ્યો છે.

આ પગલું લોકોને તેમના આહાર વિશે સભાન કરવા અને મેદસ્વિતા, ડાયાબિટીસ જેવી સમસ્યાઓથી બચાવવા માટે મહત્વનું પગલુ માનવામાં આવે છે. ઘણી વખત ગ્રાહકો લેબલ પરની જટિલ માહિતીને સમજી શકતા નથી, જેના કારણે તેઓ અજાણતાં જ અસ્વસ્થ ખોરાકનું સેવન કરી લે છે. પરંતુ પ્રશ્ન એ થાય કે, આ નવો નિયમ લાગુ થશે તો ખાદ્ય ઉદ્યોગોમાં પારદર્શિતા આવશે? શું લોકો અખાદ્ય ખોરાક ખાતા અટકશે?

ડૉ. ધારા લાખાણી, આયુર્વેદિક અને ડાયટ કન્સલ્ટન્ટ

કોઈ પણ ફૂડ પેકેજ્ડમાં “શૂગર ફ્રી” લખ્યું હોવા છતાં તેમાં અલગ અલગ નામની ખાંડ છૂપાયેલ હોય છે, જેમ કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, કોર્ન સિરપ. આ ઉપરાંત “0% ટ્રાન્સ ફેટ” હોય તો પણ પાર્શિયલી હાઈડ્રોજેનેટેડ ઓઈલના રૂપે ફેટ હોય છે, જે હૃદય માટે ખૂબ ખરાબ હોય છે. કેટલાક પેકેજ્ડમાં રંગ અને ફ્લેવર તો લાજવાબ લાગે છે, પણ તે કેમિકલથી બનેલા હોય છે, જે ત્વચા, લિવર અને દિમાગ પર અસર કરે છે. આ ઉપરાંત પામ ઓઈલ, સસ્તું હોય છે, તેથી બજારના પેકેજ્ડમાં વધારે તે જ ઓઈલ વપરાઈ છે, પણ તેનાથી શરીરમાં સોજો અને કોલેસ્ટ્રોલ વધી જવાની બીમારી થવાની સંભાવના રહે છે. ઘણી વખત વેપાર વધારવા માટે પેકેજ્ડમાં પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે શરીરમાં લાંબા ગાળે ઝેરનું કામ કરે છે.

દરરોજ પેકેજ્ડ ફૂડ ખાવાથી લાંબા સમયે મેદસ્વિતા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ રોગ, કિડનીની તકલીફો અને બાળકોમાં એકાગ્રતાના અભાવ જેવી બીમારીનો સામનો કરવો પડી શકે છે. આપણે પેકેજ્ડ લેતા પહેલા તેને યોગ્ય રીતે વાંચવું જોઈએ. દરેક વખતે કંપનીઓ “serving size” એવું લખે છે જે ખાવાની માત્રા કરતા બહુ ઓછી હોય, એટલે ખોટી રીતે ઓછું જોવા મળે. તમે આખું પેકેટ ખાધું તો ખાંડ અને મીઠું બધું બમણું થાઈ. ખાતા પહેલા એક general rule રાખવો જોઈએ કે, જો પેકેટ પર 5 કરતાં વધુ એવી વસ્તુઓ લખેલી હોય જે તમે સમજી ના શકો, તો એ પેકેટ તમારી પ્લેટ માટે નહીં હોય. આપણે લેબલ વાંચવાનું શીખવું જોઈએ અને આપણે સાથે બાળકોને પણ આ સમજણ આપવી જોઈએ.

રાજુભાઈ સરવૈયા, સામાજિક કાર્યકર, અમદાવાદ

સુપ્રીમ કોર્ટનો પેકેજ્ડ ફૂડ પર સુગર અને ફેટની માત્રા દર્શાવતા લેબલ લગાવવાનો આદેશ એક સકારાત્મક પગલું છે. ગુજરાત સહિત ભારતમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદયરોગના કેસ વધી રહ્યા છે અને આનું મુખ્ય કારણ અવ્યવસ્થિત ખોરાક છે. આ નિયમથી ગ્રાહકોને જાણકારી મળશે, પણ માત્ર લેબલથી કામ નહીં ચાલે; જાગૃતિ ફેલાવવી અનિવાર્ય છે. આ માટે આપણે શાળાઓ, કોલેજો અને ગામડાઓમાં અભિયાન ચલાવીને લોકોને લેબલ વાંચવાનું અને સ્વસ્થ આહારનું મહત્ત્વ સમજાવવું જોઈએ. સોશિયલ મિડીયા પર વિડીયો અને ઇન્ફોગ્રાફિક્સ દ્વારા યુવાનો સુધી પહોંચી શકાય. સરકારે પણ ખાદ્ય ઉદ્યોગો પર કડક નિયંત્રણ લાવવું જોઈએ અને અતિશય ખાંડ-ચરબીવાળા ઉત્પાદનો પર ટેક્સ વધારવો જોઈએ. સ્થાનિક સ્તરે સ્વસ્થ ખોરાકના વિકલ્પોને પ્રોત્સાહન આપવા બજારોમાં જાગૃતિ મેળાઓ યોજાય. નાના વેપારીઓને પણ સામેલ કરીને પૌષ્ટિક ખાદ્યપદાર્થોનું ઉત્પાદન વધારવું જોઈએ. આ નિયમનો અમલ થાય તેની ખાતરી માટે સમાજે સરકાર પર દબાણ રાખવું પડશે. જાગૃતિ અને પગલાંથી જ આપણે આરોગ્યની આ કટોકટીને રોકી શકીશું.

અલ્પા ચૌહાણ, ગૃહિણી, અમદાવાદ

પેકેજ્ડ ફૂડ પર સુગર અને ફેટની માત્રા દર્શાવતા લેબલ ફરજિયાત થવાથી ઘણો ફાયદો થશે. આજે બજારમાંથી ખરીદેલી વસ્તુઓ ઘરમાં લાવીએ છીએ, પણ તેમાં શું છે તેની પૂરી જાણકારી નથી હોતી. સુપ્રીમ કોર્ટનો આદેશ લોકોને સભાન કરશે અને અમને પરિવાર માટે સ્વસ્થ ખોરાક પસંદ કરવામાં મદદ કરશે. પણ માત્ર લેબલથી કામ નહીં ચાલે; ગ્રાહકોમાં જાગૃતિ પણ જરૂરી છે. ખાદ્ય ઉદ્યોગો પારદર્શી બને તો સારું, પરંતુ ગૃહિણીઓએ પણ લેબલ વાંચીને સમજવાની આદત રાખવી પડશે. આ નિયમથી બાળકો અને મોટેરાંને અખાદ્ય ખોરાકથી બચાવી શકાશે, જે આરોગ્ય માટે શ્રેષ્ઠ પગલું છે.

માધવ ફિચડીયા, એન્ટરપ્રેન્યોર, જૂનાગઢ

પેકેજ્ડ ફૂડ પર સુગર અને ફેટની માત્રા દર્શાવતા લેબલ લગાવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ ખૂબ જરૂરી છે. આજના યુવાનો, જેમાં હું પણ સામેલ છું, નાનપણથી જ ચિપ્સ, ચોકલેટ, ફાસ્ટ ફૂડ જેવી પેકેટની વસ્તુઓ ખાઈને મોટા થયા છે. પણ આની અસર ભવિષ્યમાં સ્થૂળતા, ડાયાબિટીસ કે હૃદયરોગ તરીકે સામે આવી શકે છે, જે ચિંતાજનક છે. આ નિયમથી અમને ખબર પડશે કે અમે શું ખાઈએ છીએ, અને ખોટી આદતો સુધારવાની તક મળશે. ખાદ્ય ઉદ્યોગો પારદર્શી બને તો સારું, પણ યુવાનોએ પણ જવાબદારી લઈને સ્વસ્થ વિકલ્પો તરફ વળવું પડશે. માત્ર લેબલ નહીં, જાગૃતિ અને સંયમથી જ આપણે ભવિષ્યમાં બીમારીઓથી બચી શકીશું.

(તેજસ રાજપરા, અમદાવાદ)

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો