નવી દિલ્હીઃચીને અમેરિકાથી આવનારી દરેક આયાત પર હવે 34 ટકાના દરે ટેરિફ લગાવવાનું એલાન કર્યું છે, જે 10 એપ્રિલથી અમલમાં આવશે. ચીન તરફથી આ એલાન ત્યારે થયું છે જ્યારે બીજી એપ્રિલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર પણ ટેરિફ લગાવવાનું એલાન કર્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે ચીન પર હવે 34 ટકાના દરે ટેરિફ લાગશે. ડ્રેગને (ચીને) એ ‘જેવા સાથે તેવાના ન્યાયે અમેરિકી આયાત પર પણ 34 ટકાના દરે ટેરિફ લગાવ્યા છે.
આ સિવાય કોમ્પ્યુટર ચિપ્સને લઈને પણ ચીન પર એક્સપોર્ટ કંટ્રોલ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફ લગાવવાનું એલાન કર્યું હતું, ત્યારે ચીની સરકારે પણ જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. હવે એ જ પગલા તરીકે 34 ટકાના દરે ટેરિફ લાગુ કરી દીધા છે.ટ્રમ્પના અગાઉના કાર્યકાળમાં પણ ચીન સાથે અમેરિકાના સંબંધો ખૂબ જ કડવાશભર્યા રહ્યા હતા. તે સમયે પણ ટ્રેડ વોર શરૂ થયું હતું, અને બંને દેશોને એનો નુકસાન થયું હતું. આ વખતે પણ ટ્રમ્પના ટેરિફના કારણે વિશ્વમાં એક નવું ટ્રેડ વોર છેડાઈ જશે.
વાસ્તવમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અન્ય દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની ઇચ્છા ધરાવતા નથી, પરંતુ તેમની મંછા વેપાર ક્ષેત્રે ખાધ ઘટાડવા પર છે, એમ એક અમેરિકી પ્રતિનિધિએ જણાવ્યું હતું.
અમદાવાદ: સાયન્સ સિટી ખાતે આવેલી એક્વેટિક ગેલેરીમાં 3 એપ્રિલ, 2025ના રોજ ‘વર્લ્ડ એક્વેટિક એનિમલ ડે’ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.અનુભવી શિક્ષકોએ માહિતીપ્રદ સત્રોનું નેતૃત્વ કર્યું, જેમાં જળચર પ્રાણીઓનું મહત્વ, તેમના ઇકોસિસ્ટમ અને પર્યાવરણીય ફેરફારોને કારણે તેમને થતા જોખમો વિશે જ્ઞાન આપવામાં આવ્યું.આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ એક્વા ક્વિઝમાં ભાગ લીધો, જેમાં તેમણે જળચર પ્રજાતિઓ અને તેમના સંરક્ષણ વિશેના જ્ઞાનની મજેદાર અને સ્પર્ધાત્મક રીતે કસોટી કરી.આ ઉજવણીએ શિક્ષણ અને મનોરંજનનું સુંદર સંયોજન કરી, જળચર ઇકોસિસ્ટમના જતનનું મહત્વ સમજાવ્યું અને યુવા મનોને વિશ્વના સમુદ્રો તથા જળમાર્ગોના રક્ષણ માટે પ્રેરિત કર્યા.આ કાર્યક્રમ બધા સહભાગીઓ માટે યાદગાર અનુભવ રહ્યો.
અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ચૂકી છે. હવામાન વિભાગ દ્વારા પર આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે. તપતા કાળઝાળ ઉનાળાની ગરમી એટલે કે સાયલન્ટ ડિઝાસ્ટર “હીટવેવ” માનવજીવનને ખૂબ પ્રભાવિત કરે છે. ઉનાળાની ગરમીમાં પોતાના પરિવારને હિટવેવની વિપરીત અસરોથી બચાવી શકે તે માટે રાહત કમિશનરની કચેરી દ્વારા “હિટવેવ” માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ઉનાળામાં હીટવેવની સંભવિત અસરોને નિવારીને રક્ષણ મેળવી શકાય તે અર્થે માર્ગદર્શિકામાં હીટવેવના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે.
લૂ અથવા હિટ સ્ટ્રોકથી બચવાના ઉપાય
પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી, લીંબુ શરબત, છાશ, તાડફળી, નારીયેળનું પાણી, ખાંડમીઠાનું દ્રાવણ અને ORS જેવા પ્રવાહીનું સેવન કરવું
નાગરીકોએ વધુ પડતો શ્રમ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું પણ ટાળવું, હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું
ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખવું અને શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં.
ઉપવાસ કરવાનું ટાળવું
મંદિર, મસ્જિદ, થિયેટર, શોપીંગ મોલ જેવા ઠંડક વાળા સ્થળોએ જવું
ઘર, ઓફીસ અથવા અન્ય કામ કરતી જગ્યાએ પંખા, કુલર તેમજ ACનો ઉપયોગ કરવો.
સગર્ભા માતા, નાના બાળકો, વૃદ્ધો તેમજ અશક્ત અને બિમાર વ્યકિતઓનું ખાસ ધ્યાન રાખવું.
બહાર નીકળતા સમયે આખું શરીર અને માથું ઢંકાય તેવા સફેદ-સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરવા, અથવા તો બહાર નીકળતી વખતે ટોપી, ચશ્માં અને છત્રીનો ઉપયોગ કરવો
બાળકો માટે કેસુડાનાં ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો.
બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહી, બજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો
લગ્ન પ્રસંગે દૂધ-માવાની બનાવેલી વાનગીઓ ખાવી નહી.
ચા – કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું.
ઘરની છત પર સફેદ રંગ, સફેદ ચૂનો અથવા સફેદ ટાઇલ્સ લગાવવી, જે ઘરનું તાપમાન ઘટાડશે.
લૂ લાગવાના (હીટવેવના) લક્ષણો
માથું દુ:ખવું, પગની પીંડીઓમાં દુઃખાવો થવો
શરીરનું તાપમાન વધી જવું
ખૂબ તરસ લાગવી
શરીરમાંથી પાણી ઓછું થઈ જવું
વધુ તાવ આવવો
ગરમ અને સૂકી ત્વચા
નાડીના ધબકારા વધવા
ઉલ્ટી થવી, ઉબકા આવવા
ચકકર આવવા, આંખે અંધારા આવવા
બેભાન થઈ જવું
સુધ-બુધ ગુમાવી દેવી
અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી
હીટવેવની આગાહી દરમિયાન આવા લક્ષણ કોઈ પણ વ્યક્તિમાં જણાય તો તાત્કાલીક નજીકના ડૉક્ટર, નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. આપાતકાલીન સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સને ફોન કરવો.
લોકપ્રિય અભિનેતા રવિકુમારે દુનિયાને અલવિદા કહી દીધું છે. આજે શુક્રવાર 4 એપ્રિલના રોજ તેમનું અવસાન થયું. તે કેન્સર સામેની લડાઈ હારી ગયા અને અંતે દહે છોડી દીધો. શિવકુમાર તમિલ અને મલયાલમ ફિલ્મોમાં તેમની યાદગાર ભૂમિકાઓ માટે દર્શકોમાં લોકપ્રિય હતા. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર કલાકારોના એક સંગઠન દ્વારા તેમના મૃત્યુની જાણ કરવામાં આવી હતી.
તમિલ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું
નદીગર સંગમે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને રવિકુમારને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું, ‘મલયાલમ અને તમિલ સિનેમામાં તેમની શાનદાર કારકિર્દી માટે જાણીતા પીઢ ફિલ્મ અભિનેતા રવિકુમારનું ચેન્નાઈમાં અવસાન થયું.’ શુક્રવારે સવારે 10:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. રવિકુમારનું કેન્સરને કારણે અવસાન થયું.
શનિવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
અભિનેતાના અંતિમ સંસ્કાર કાલે શનિવાર 05 એપ્રિલના રોજ થશે. રવિકુમારની ઉંમર લગભગ 70 વર્ષની હોવાનું કહેવાય છે. તમિલમાં રવિકુમારે પીઢ અભિનેતા કે બાલાચંદર દ્વારા દિગ્દર્શિત ‘અવર્ગલ’ સહિત અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમાં લોકપ્રિય સ્ટાર્સ રજનીકાંત અને કમલ હાસન પણ સામેલ હતા.
ટીવીની દુનિયામાં પણ કામ કર્યું
આ ઉપરાંત ‘પાગલિલ ઓરુ ઇરાવુ’ અને ‘રામના’ જેવી ફિલ્મો પણ છે. રવિકુમારની મલયાલમ ફિલ્મોમાં ‘અવલુદે રાવુકલ’, ‘લિસા’, ‘સર્પમ’ અને ‘અંગાડી’નો સમાવેશ થાય છે. તેમના જીવનના છેલ્લા વર્ષોમાં અભિનેતાએ ઘણી ટીવી સિરિયલોમાં પણ અભિનય કર્યો.
અમદાવાદઃ ખરાબ વૈશ્વિક સંકેતોએ બજારનું સેન્ટિમેન્ટ ખરડ્યું હતું. જેથી સેન્સેક્સ અને નિફ્ટી તૂટીને બંધ રહ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ જોરદાર વેચવાલી થઈ હતી. FMCG સિવાય BSEના બધા સેક્ટરો ઘટીને બંધ રહ્યા હતા. રોકાણકારોના રૂ. 9.5 લાખ કરોડ સ્વાહા થયા છે.
ટ્રમ્પના વૈશ્વિક ટેરિફ વોરના ડર પછી ચીન અને કેનેડા વળતો ઘા કરવાની ઘમકી આપી છે. જેથી રોકાણકારો ગભરાયેલા છે. વિશ્લેષકોનું માનવું છે કે આ અનિશ્ચતતા લાંબા સમય સુધી રહેવાની શક્યતા છે. અમેરિકાએ ભારતીય ચીજવસ્તુઓ પર 10 ટકા આયાત શૂલ્ક લગાડ્યો છે અને અન્ય દેશો પર 10 ટકા ટેરિફ લગાડ્યો છે. જેથી સેન્સેક્સ 931 પોઇન્ટ તૂટીને 75,364ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 340 પોઇન્ટ તૂટીને 22,909.40ના સ્તરે પહોંચ્યો હતો. ફાર્મા, IT અને મેટલ શેરોમાં ભારે વેચવાલી થઈ હતી.
ટ્રમ્પે સંકેત આપ્યા હતા કે ફાર્મા સેક્ટર પર તેઓ ટૂંક સમયમાં ટેરિફ લગાડશે. જેથી ફાર્મા શેરોમાં ભારે કડાકો બોલી ગયો હતો. આ સાથે અમેરિકી સ્ટોક માર્કેટમાં 2020 પછીનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. S&P 500 ઇન્ડેક્સમાં 4.9 ટકાનો ઘટાડો થયો હતો. આશરે 2.5 અબજ ડોલરનો માર્કેટ વેલ્યુમાં ઘટાડો થયો હતો.
શેરબજારમાં જારી અસ્થિરતા વચ્ચે વિદેશી રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવતાં ફરી એક વાર વેચવાલ રહ્યા હતા. તેમણે ગઈ કાલે રૂ. 2806 કરોડના શેર વેચ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાઓએ રૂ. 221.47 કરોડના શેરોની ખરીદી કરી હતી.
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે શહેરની પોલીસ ટીમ માટે કડક નિર્દેશો જાહેર કર્યા છે. તેમના આદેશ મુજબ, શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર (PI)એ રાત્રે 12 વાગ્યા સુધી પોતાના વિસ્તારમાં હાજર રહેવું ફરજિયાત છે. આ સાથે, દરરોજ સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન તેઓએ પોલીસ સ્ટેશનમાં રહીને મુલાકાત માટે આવતા નાગરિકોની સમસ્યાઓ સાંભળવી પડશે. જો કોઈ PI આ સમયે ગેરહાજર જણાશે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત, પોલીસ કમિશનરે ખાસ પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરને પણ નિર્દેશ આપ્યા છે. તેમણે દરરોજ બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન પોતાની કચેરીમાં હાજર રહીને મુલાકાતીઓની રજૂઆતો સાંભળવાની રહેશે. જો મુલાકાતી લેખિત અરજી આપે, તો તે સ્વીકારીને કાયદેસર કાર્યવાહી કરવી પડશે. અનિવાર્ય સંજોગોમાં જો અધિકારી હાજર ન હોય, તો તેમના રીડર પો.સ.ઇ. અથવા અંગત મદદનીશે અરજદારોને મળીને તેમની વાત સાંભળવી પડશે.
વધુમાં, પોલીસ ઈન્સ્પેક્ટરે સાંજે 6થી રાત્રે 9 વાગ્યા દરમિયાન પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, ગુનેગારોની તપાસ, નાસતા-ફરતા આરોપીઓનું ચેકિંગ અને હિસ્ટ્રીશીટરોની દેખરેખ જેવી કામગીરી કરવી પડશે. આ નિયમોનું પાલન થાય છે કે નહીં, તેની ખાતરી કરવા નાયબ પોલીસ કમિશનરોને તેમના તાબા હેઠળના પોલીસ સ્ટેશનોની અચાનક મુલાકાત લઈને તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન ઘણીવાર તેમના બ્લોગમાં ઘણી બધી વાતો શેર કરે છે. આ સાથે તે કેટલાક મુદ્દાઓ પર પણ પોતાનો અવાજ ઉઠાવે છે અને આ વખતે પણ તેણે કંઈક આવું જ કર્યું. આ વખતે તેમણે રિલાયન્સ જિયો નેટવર્ક વિશે વાત કરી અને તેમની ઇન્ટરનેટ સેવાઓ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા.
અમિતાભ બચ્ચનની બ્લોગ પોસ્ટ
હકીકતમાં, ગઈકાલે રાત્રે 3 એપ્રિલ, 2025 ના રોજ, અમિતાભ બચ્ચને રિલાયન્સ જિયો નેટવર્કમાં વારંવાર થતી સમસ્યાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી. બિગ બીએ પોતાના તાજેતરના બ્લોગમાં જિયોની સેવા પર સવાલ ઉઠાવતા લખ્યું, ‘હે જિયો વાળા , થોડી દયા કરો. ઘડિયાળમાં અડધી રાત થવાના સમયે જ તમારું નેટવર્ક બંધ થઈ જાય છે. અમે લોકો જે રાતે કામ કરવાવાળા છીએ, એક મોટી સમસ્યા ઊભી થઈ જાય છે. કૃપા કરો.’ આ પોસ્ટ દ્વારા તેમણે લાખો વપરાશકર્તાઓની સમસ્યાઓનો અવાજ ઉઠાવ્યો જેઓ Jio નેટવર્કની અનિયમિત સેવાનો સામનો કરી રહ્યા છે.
બિગ બી જિયો હોટસ્ટારના કાર્યક્રમમાં હાજરી આપશે
અમિતાભ બચ્ચનની આ પોસ્ટ વચ્ચે રસપ્રદ વાત એ છે કે બે દિવસ પછી 6 એપ્રિલે રામ નવમીના અવસર પર અમિતાભ જિયો-હોટસ્ટારના એક ખાસ કાર્યક્રમમાં રામ કથા સંભળાવવાના જવાના છે. અમિતાભ બચ્ચન તેમના વ્યસ્ત સમયપત્રક અને રાત્રે કામ કરવાની ટેવ માટે જાણીતા છે. તે ઘણીવાર પોતાના બ્લોગ અને સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે જોડાય છે, પરંતુ જિયો નેટવર્કની આ સમસ્યા તેમના માટે મુશ્કેલીનું કારણ બની ગઈ છે. તેમની ફરિયાદ એવા સમયે આવી છે જ્યારે Jio વપરાશકર્તાઓ છેલ્લા કેટલાક મહિનાઓથી નેટવર્ક આઉટેજ અને ધીમી ઇન્ટરનેટ સ્પીડની ફરિયાદ કરી રહ્યા છે. અમિતાભનું આ સ્પષ્ટવક્તા નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.
રામ નવમી પર Jio-Hotstar સાથે ખાસ કાર્યક્રમ
અમિતાભ બચ્ચન 6 એપ્રિલે રામ નવમી નિમિત્તે જિયો હોટસ્ટારના કાર્યક્રમમાં રામ કથા સંભળાવશે. આ કાર્યક્રમમાં અયોધ્યા અને ચિત્રકૂટથી આરતી અને ધાર્મિક વિધિઓનું લાઇવ પ્રસારણ પણ કરવામાં આવશે. અહેવાલો અનુસાર આ શો ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે અને અમિતાભનો બુલંદી અવાજ અને પ્રભાવશાળી પ્રદર્શન દર્શકોને મોહિત રાખશે.
દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ અને અરૂણાચલ પ્રદેશના રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં ઊજવાતો માધવપુર ઘેડ મેળો પૂર્વોત્તર અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિઓને એક કરે છે. રામનવમીના પવિત્ર દિવસથી શરૂ થતો આ પરંપરાગત મેળો પાંચ દિવસ સુધી ચાલે છે. જોઈએ તસવીરી ઝલક..
અમેરિકામાં સરકાર બનાવતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ સમચાર માધ્યમોમાં રોજબરોજની હેડલાઈન બની ગયા છે. સરકાર બનતાની સાથે એમણે ધડાધડ એટલા નિર્ણય પર હસ્તાક્ષર કર્યા છે કે તેમણે નિર્ણયો લેવાનો વર્ષોનો રેકોર્ડ તોડી પાડ્યો છે.
હવે એમાં ઉમેરો થયો છે ટેરિફ અંગે લેવાયેલા નિર્ણયનો. ટ્રમ્પના આ નિર્ણયથી વિશ્વભરના દેશોની આયાત-નિકાસ પર અસર પડવાની છે અને કેટલાય દેશોના અર્થતંત્રની હાલત બદલાઇ શકે છે.
ભારત પણ એમાંથી બાકાત નથી. ટ્રમ્પ સરકારે ભારત પર 26% ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો છે. તેમણે અગાઉ નિવેદનમાં કહ્યું હતું કે જેટલો ટેરિફ ભારત વસૂલ કરે છે તેટલો જ ટેરિફ અમે પણ વસૂલ કરીશું. હા, એ વાત છે કે તેમણે ભારત જેટલો ટેરિફ વસૂલવાની જગ્યા પર અડધો ટેરિફ લાદવાની વાત કરી છે.
પરંતુ પ્રશ્ન એ થાય છે આ નિર્ણય પછી ભારતનો અમેરિકા સાથેનો વ્યાપાર સંબંધ કેવો હશે? ખાસ કરીને ભારતની અર્થતંત્ર પણ આ નિર્ણયની કેવી અસર થશે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના વિવિધ દેશો ઉપર “રેસિપ્રોકલ ટેરિફ” નાંખીને અમેરિકાના “લિબરેશન ડે” ની ઉજવણી કરી હતી. જેનો મુખ્ય હેતુ અમેરિકાની વેપાર ખાધ ઘટાડવાનો છે. જો કે જે દેશો સાથેના વેપારમાં અમેરિકાને વેપાર પુરાંત છે જેમ કે યુ.કે., બ્રાઝિલ, સિંગાપુર તેવા દેશો ઉપરના ટેરિફમાં ટ્રમ્પે વધારો કર્યો છે. આમ જોવા જઈતો નિકાસના સંદર્ભમાં ભારતના પ્રતિસ્પર્ધી દેશોની સરખામણીએ ભારત પર ઓછો ટેરિફ લગાવવામાં આવ્યો છે. જ્યારે મલેશિયા અને યુરોપિયન યુનિયન દેશ પર ભારત કરતા ઓછો ટેરિફ લગાવવામાં આવ્યો છે. ટેક્સટાઈ, ટેલિકોમ, ફૂડ પ્રોડક્ટ, ઓઈલ અને ગેસ પ્રોડક્ટ્સ પર ટેરિફની માઠી અસર જોવા મળશે કેમ કે ભારતની નિકાસ અમેરિકામાં મોંઘી બનશે. તેની સામે ફાર્માસ્યુટીકલ્સ ઉપરના ટેરિફમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. ગોલ્ડ જ્વેલરીમાં ભારતને ફટકો પડી શકે છે જ્યારે ડાયમંડ અને સિલ્વર જેવલરીમાં ભારતને ફાયદો થશે કેમ કે થાઇલેન્ડ કરતાં 10% ઓછો ટેરિફ ભારત ઉપર નાખવામાં આવ્યો છે. ભારતને ફૂટવેર, ટેક્ટાઈલ, કેમિકલ્સ જેવા ક્ષેત્રોમાં ફાયદો થવાની શક્યતા છે કેમ કે આપણા પ્રતિસ્પર્ધી દેશોમાં ટેરિફ વધારે છે પરંતુ તેની સાથે જ અન્ય ક્ષેત્રો જેવાં કે કાર્પેટ અને રેડીમેડ ગાર્મેન્ટમાં નુકસાન જશે કેમ કે બીજા દેશો કરતાં ભારત ઉપર વધુ ટેરિફ નાખવામાં આવ્યો છે. એક અંદાજ મુજબ દેશની GDP ને 0.1% થી 0.6% ની અસર પહોંચવાની શક્યતાઓ છે. અહીં મહત્વનો મુદ્દો એ છે કે જો અન્ય દેશો પણ અમેરિકાની નિકાસ ઉપર ટેરિફ વધારશે તો વિશ્વમાં “ટેરિફ વોર” શરૂ થશે જેની નકારાત્મક અસર બંને દેશો ઉપર પડશે અને તે રીતે વૈશ્વિક સ્તરે પણ તેની નકારાત્મક અસરો જોવા મળશે.
આ નિર્ણય પાછળ બે-ત્રણ મુખ્ય વસ્તુઓ અસર કરે છે. પહેલું, ટ્રમ્પે ટેરિફ લગાવવાનો નિર્ણય લીધો છે, પરંતુ તે અંતિમ નથી. તેઓ ઈચ્છે છે કે વૈશ્વિક સ્તરે દેશો તેમની તરફેણ રહે છે અને તેમના સૂચનોને માન્યતા આપે છે તો અમેરિકા તેમના માટે ટેરિફ ઘટાડી પણ શકે છે. આ સાથે જો કોઈ દેશ તેમના સૂચન સામે કોઈ પગલુ ભરશે તેમના માટે અમેરિકા ટેરિફ વધારવાનો નિર્ણય પણ કરી શકે છે. પરિણામે, ઘણા દેશો અમેરિકા સામે બોલી શકશે નહીં અને તેમના દબાણ હેઠળ આવશે. તેમના નિર્ણયોને માન્યતા આપવી પડશે. ભારત એક એવો દેશ છે જે અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર સંબંધ ધરાવે છે. આ નિર્ણય “મેક અમેરિકા ગ્રેટ અગેઈન”ની દિશામાં પગલું છે. હાલમાં દેશો પોતાની પ્રોડક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. સ્થાનિક અર્થવ્યવસ્થા સારું પ્રદર્શન કરે છે. રોકાણ માટે સ્થાનિક કંપનીઓ મને સારી લાગે છે.
રવિ દિયોરા, માર્કેટ એક્સપર્ટ અને કુંવરજી ગ્રુપના હેડ ઓફ રિસર્ચ, અમદાવાદ
ટેરિફનો નિર્ણય ભારત માટે મોટી ચિંતા નથી. આપણા દેશમાં ટેક્સટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલરી, ઈલેક્ટ્રોનિક્સ જેવા સેક્ટર છે, જ્યાં મશીનરી કરતાં લેબર વર્ક વધુ છે. આ ઉદ્યોગો અમેરિકા સાથે સારો વેપાર કરે છે, પરંતુ 26% ટેરિફથી નિકાસ મોંઘી થઈ શકે છે. જોકે, ભૌગોલિક તણાવથી સેક્ટરોમાં મંદી છે, અને હવે ટેરિફનો માર પણ પડશે. તેમ છતાં, ભારત અમેરિકાનું વિશ્વસનીય ટ્રેડ પાર્ટનર છે. આ નિર્ણય બાદ વ્યાપારની દ્રષ્ટીએ આપણી પાસે એક સારી તક છે. મારા મતે, આ ટેરિફ રેટ વાજબી છે, કારણ કે બીજા દેશોની તુલનાએ ભારત પર ઓછો ટેરિફ છે. અમેરિકામાં લેબરની કમી છે, જ્યારે ભારત સસ્તું લેબર અને સુવિધાઓ આપે છે. આપણે ચીનની 54% ટેરિફની સરખામણીએ 26% પર સસ્તી નિકાસ અને ટ્રાન્સપોર્ટેશન આપી શકીએ છીએ. આપણે એક બિલિગ પોઈન્ટ પણ બંને દેશો વચ્ચે બની શકીએ. શરૂઆતમાં ટેરિફથી મુશ્કેલી લાગશે, પરંતુ ભવિષ્યમાં સકારાત્મક પરિણામ મળી શકે છે. ગ્લોબલ અર્થતંત્ર પર અસર પડશે, પરંતુ ટેક્નોલોજી, મેટલ્સ અને એનર્જી સેક્ટરમાં અસર વધુ જોવાશે. ભારતનું માર્કેટ સ્થિર છે, અને સ્થાનિક માંગ તેને સપોર્ટ કરશે. પરંતુ બીજા દેશોના માર્કેટની સરખામણીએ આપણું માર્કેટ ઘણું સ્ટેબલ રહ્યું છે. હા એ વાત ગ્લોબલી માર્કેટ સુધરે નહીં, આપણું માર્કેટ પોઝીટીવ તો નહીં જ થાઈ.
ભાવિક રાઠોડ, ખાનગી કંપનીમાં ટેલેન્ટ એન્ડ બિઝનેસ ટ્રાન્સફોર્મેશન લીડ, રાજકોટ
ટ્રમ્પના 26% ટેરિફના નિર્ણયથી ભારતના વેપાર દૃષ્ટિકોણમાં ફેરફાર થઈ શકે છે. અમેરિકા, જે ભારતનું મુખ્ય નિકાસ બજાર છે, ત્યાં ટેક્સટાઈલ, જ્વેલરી અને ઈલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોને ફટકો પડશે, કારણ કે નિકાસ મોંઘી થશે. આનાથી ટૂંકા ગાળામાં નફાકારકતા અને સ્પર્ધાત્મકતા પર અસર થશે. જોકે, ચીન અને વિયેતનામ જેવા દેશો પર વધુ ટેરિફ હોવાથી ભારતને પ્રમાણમાં ફાયદો થઈ શકે છે. ભારતની મજબૂત સ્થાનિક માંગ અને ઓછી વેપાર નિર્ભરતા તેને સ્થિર રાખશે. સરકારે અમેરિકા સાથે વાટાઘાટો અને નવા બજારો શોધીને આ પડકારનો સામનો કરવો જોઈએ. લાંબા ગાળે, આ નિર્ણય ભારતને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં મજબૂત સ્થાન આપી શકે છે.
હિતેશ પટેલ, બિઝનેસમેન, અમદાવાદ
ટ્રમ્પનો 26% ટેરિફનો નિર્ણય ભારતના વેપાર દૃષ્ટિકોણને ટૂંકા ગાળામાં નુકસાન પહોંચાડશે. અમેરિકા અમારું મોટું બજાર છે, અને ટેક્સટાઈલ, જ્વેલરી જેવા ઉદ્યોગોમાં નિકાસ મોંઘી થશે, જેનાથી નફો ઘટશે. પરંતુ ચીન પર 54% ટેરિફ હોવાથી, ભારતને સ્પર્ધામાં ફાયદો થઈ શકે છે. અમેરિકામાં લેબરની કમી છે, જ્યારે ભારત સસ્તું લેબર અને સુવિધાઓ આપી શકે છે, જે લાંબા ગાળે ફાયદાકારક રહેશે. ભારતે અન્ય બજારો જેમ કે યુરોપ અને દક્ષિણ-પૂર્વ એશિયા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સરકારે અમેરિકા સાથે વાટાઘાટો કરીને ટેરિફ ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ. આ નિર્ણયથી શરૂઆતમાં મુશ્કેલીઓ આવશે, પરંતુ યોગ્ય વ્યૂહરચના સાથે ભારત આ પડકારને તકમાં ફેરવી શકે છે
બોલીવુડમાં દેશભક્તિપૂર્ણ ફિલ્મો બનાવવાનો શ્રેય મનોજ કુમારને જાય છે. એમણે પોતાની કારકિર્દીમાં તમામ પ્રકારની ફિલ્મો કરી, પરંતુ એમની દેશભક્તિની ફિલ્મો કંઈક અલગ જ હતી.
પોતાની ફિલ્મો દ્વારા એમણે દેશ અને સમાજનું સત્ય દર્શકો સમક્ષ ઉજાગર કર્યું. મનોજ કુમારની આ ફિલ્મો સદાબહાર છે અને આજે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અહીં એમની એવી ફિલ્મો વિશે જાણીએ જેમાં દેશ, સમાજ અને પરિવારના મુદ્દાઓને દર્શાવવામાં આવ્યા હતા.
શહીદ
૧૯૬૫માં શહીદ ફિલ્મ રિલીઝ થઈ હતી. જેમાં મનોજ કુમારે શહીદ ભગતસિંહની ભૂમિકા ભજવીને દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું હતું. આ ફિલ્મ એમની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. શહીદને બિંદીની શ્રેષ્ઠ ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.
ઉપકાર
મનોજ કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ ઉપકાર, 1967 માં રિલીઝ થઈ હતી. એ જય જવાન જય કિસાન પર આધારિત હતી. આ ફિલ્મમાં મનોજ કુમારે પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. એમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. આ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, પટકથા અને સંવાદ શ્રેણીઓમાં ફિલ્મફેર પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. આ ફિલ્મ બ્લોકબસ્ટર બન્યા પછી, મનોજ કુમારનું નામ ભારત કુમાર રાખવામાં આવ્યું.
પૂરબ ઔર પશ્વિમ
૧૯૭૦માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’નું દિગ્દર્શન પણ મનોજ કુમારે જ કર્યું હતું. આ ફિલ્મે લોકોમાં દેશભક્તિના ઉત્સાહને ભરી દીધો. આ ફિલ્મ વિદેશમાં રહેતા ભારતીયોની સ્ટોરી પર આધારિત હતી.
રોટી, કપડાં ઔર મકાન
મનોજ કુમારની ફિલ્મ “રોટી કપડા ઔર મકાન” ૧૯૭૬માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર-ડુપર હિટ પણ રહી હતી. આમાં, ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી દેશની બગડતી પરિસ્થિતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં સામાન્ય માણસની રોટી, કપડાં અને રહેઠાણ જેવી મૂળભૂત જરૂરિયાતો દર્શાવવામાં આવી હતી.
ક્રાંતિ
મનોજ કુમારની ૧૯૮૧ની ફિલ્મ ક્રાંતિ પણ દેશભક્તિ પર આધારિત ફિલ્મ છે. આમાં ભારતીયો પર અંગ્રેજોના અત્યાચારો દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં મનોજ કુમાર, દિલીપ કુમાર, હેમા માલિની, શત્રુઘ્ન સિંહા અને શશિ કપૂરે મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મના બધા જ ગીતો સુપર હિટ રહ્યા હતા. આજે પણ આ ફિલ્મના દરેક ગીત લોકોના દીલો-દિમાગ પર રાજ કરે છે.
આ ઉપરાંત પણ મનોજ કુમારની અનેક એવી ફિલ્મો આવી જેમાં ક્યાંકને ક્યાંક એનું કનેક્શન દેશપ્રેમને સ્પર્શતું હોય છે. ઉપરાંત એમની ફિલ્મો સમાજને સાચો અરીસો બતાવવાનું પણ કામ કરે છે.