નવી દિલ્હીઃ ન્યાયતંત્રમાં પારદર્શિતા અને લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે સુપ્રીમ કોર્ટના તમામ જજોએ તેમની સંપત્તિની વિગતો જાહેર કરવાનો નિર્ણય લીધો છે. 1 એપ્રિલે યોજાયેલી ફુલ કોર્ટ મીટિંગમાં બધા 34 જજોએ ચીફ જસ્ટિસ એફ ઈન્ડિયા સંજીવ ખન્ના સમક્ષ તેમની સંપત્તિ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ માટે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો અને એ ભાવિ જજો પર પણ લાગુ થશે. જજોએ એમ પણ કહ્યું કે મિલકતો સંબંધિત વિગતો સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોએ તેમની સંપત્તિ જાહેર કરવાની જાહેરાત કરી છે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ પણ પોતાની સંપત્તિની વિગતો જાહેર કરવી પડશે. સુપ્રીમ કોર્ટની ફુલ કોર્ટે નિર્ણય લીધો છે કે ન્યાયાધીશોએ પદ સંભાળતાની સાથે જ તેમની સંપત્તિની સંપૂર્ણ વિગતો જાહેર કરવી જોઈએ. CJI અને ન્યાયાધીશો સ્વેચ્છાએ સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર તેમની સંપત્તિની સંપૂર્ણ વિગતો જાહેર કરશે.
હાલમાં સુપ્રીમ કોર્ટમાં CJI સહિત કુલ 30 ન્યાયાધીશોએ તેમની સંપત્તિની વિગતો જાહેર કરી છે, જેમાં CJI સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ અભય એસ ઓક, જસ્ટિસ જેકે મહેશ્વરી, જસ્ટિસ બીવી નાગરથના જેવા જજોનો સમાવેશ થાય છે.
હાલમાં જ જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાનમાંથી રોકડ રકમ મળી આવી હતી. રોકડ વસૂલાતના કેસની તપાસ કરવા માટે, CJI સંજીવ ખન્નાએ 22 માર્ચે જસ્ટિસ યશવંત વર્મા સામે ત્રણ સભ્યોની આંતરિક તપાસ શરૂ કરી હતી.
એવો આરોપ છે કે જસ્ટિસ વર્માના સત્તાવાર રહેણાંક સંકુલમાંથી નોટોના બંડલ મળી આવ્યા હતા, જ્યાં 14 માર્ચે આગ લાગી હતી. આગ બુઝાવનારી ફાયર બ્રિગેડ ટીમે સ્ટોર રૂમમાં નોટોનાં આ બંડલ જોયાં હતાં. આગને કારણે ઘણી નોટો બળી ગઈ હતી.
સુરત: છેલ્લા બે વર્ષથી સુરતના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીએ રત્નકલાકારોનું જીવન અંધકારમય બનાવી દીધું છે. રોજગારની તકો ઘટી જતાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે, જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું તેમના માટે ભારે મુશ્કેલ બની ગયું છે. આ આર્થિક સંકટની અસર એટલી ઊંડી છે કે ગત એક વર્ષમાં 65થી વધુ રત્નકલાકારોએ આપઘાત કરી લીધો છે. તાજેતરમાં કામરેજના શેખપુર ગામમાં એક રત્નકલાકારે આત્મહત્યા કરી, જેનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેણે રડતાં-રડતાં મંદીને આપઘાતનું કારણ ગણાવ્યું, જેનાથી સમાજમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ સુરતના કામરેજના શેખપુર ગામે આવેલા હરીદર્શન સોસાયટીમાં રહેતા અને મૂળ અમરેલી જિલ્લાનાં સતરાવા ગામનાં રહેવાસી 40 વર્ષીય મનસુખભાઈ ખોડાભાઈ સૌદરવા હીરા મજૂરી કરી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે હીરામાં મંદી હોવાનાં કારણે તેઓ આર્થિક સંકળામણમાં આવી ગયા હતા. જેથી તેઓ સતત તણાવમાં રહેવા લાગ્યા હતા. આખરે ગત તારીખ 1/4/2025ના રોજ તેઓએ ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું.
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં 7 માર્ચના રોજ એક પરિવારે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું. આ પરિવારમાં માતા વનિતા સસાંગિયા, પિતા ભરતભાઈ સસાંગિયા અને 30 વર્ષીય પુત્ર હર્ષ સસાંગિયાનો સમાવેશ હતો. પિતા અને પુત્ર હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા, પરંતુ મંદીના કારણે આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો. ઘરમાંથી મળેલી સુસાઇડ નોટમાં લેણદારોની હેરાનગતિથી કંટાળીને આત્મહત્યાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે. હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી ગંભીર મંદીએ રત્નકલાકારોને રોજીરોટી માટે મોહતાજ બનાવી દીધા છે. નાનકડી આવક મેળવવા માટે પણ તેઓ બીજા પર નિર્ભર થઈ ગયા છે. હીરાની ચમક પાછળ છુપાયેલા આ આર્થિક સંકટે ઘણા રત્નકલાકારોને અન્ય વેપાર-ધંધા તરફ વળવા મજબૂર કર્યા છે. જે લોકો પરિવારનું પેટ ભરવા વતન છોડી સુરત આવ્યા હતા, તેમાંથી ઘણા હવે હંમેશા માટે સુરતને અલવિદા કહી ચૂક્યા છે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મમતા બેનરજીની સરકારને મોટો આંચકો આપ્યો છે. કોર્ટે મમતા સરકારને શિક્ષણ ભરતી કૌભાંડ મામલે મોટો ઝટકો આપતાં સરકારી સ્કૂલોમાં 25,000 શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી રદ કરવાના કોલકાતા હાઈકોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો છે.
કોર્ટે આ મામલે કડક વલણ અપનાવતાં કહ્યું હતું કે શિક્ષકોની નિમણૂક કરવાની પ્રક્રિયા યોગ્ય નહોતી. કોલકાતા હાઈકોર્ટે 2016ની સંપૂર્ણ જોબ પેનલ જ રદ કરી નાખી હતી. ખરેખર આરોપ હતો કે ભરતી માટે લોકો પાસેથી પાંચથી 15 લાખ રૂપિયા સુધીની વસૂલાત કરવામાં આવી હતી. કોલકાતા હાઈકોર્ટે પણ ભરતી પ્રક્રિયામાં અનેક ગરબડ પકડી પાડી હતી.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરતાં CBIને ભરતી કૌભાંડની તપાસ ચાલુ રાખવા આદેશ કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે 23 લાખ જવાબવહીઓમાંથી કોની-કોની ચકાસણી કરવામાં આવી હતી તેના વિશે કોઈ ચોક્કસ માહિતી નહોતી. આ સાથે કોર્ટે પરીક્ષા સંબંધિત જવાબવહીઓના પુનઃમૂલ્યાંકનનો પણ આદેશ આપ્યો હતો.
2016માં સ્ટેટ સ્કૂલ સર્વિસ કમિશનના માધ્યમથી થયેલી ભરતી માટે 23 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 25,000થી વધુ ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે હવે આગામી ત્રણ મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે.
સુપ્રીમ કોર્ટે ચુકાદામાં માનવીય આધાર પર એક દિવ્યાંગ કર્મચારીઓની નોકરી યથાવત્ રાખી છે. બાકીના દિવ્યાંગ કર્મચારીઓને નવી ભરતી પ્રક્રિયામાં થોડી રાહત આપવા પણ નિર્દેશ આપ્યા છે.
સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું છે કે અમે તથ્યોની સમીક્ષા કરી છે. આ ભરતી પ્રક્રિયા જ હેરફેર અને છેતરપિંડીથી દૂષિત છે જેને કારણે વિશ્વસનીયતા સમાપ્ત થઈ ગઈ છે. નિયુક્ત થયેલા ઉમેદવારોએ અત્યાર સુધીનું વેતન પરત આપવાની જરૂર નથી.
સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. તેમણે ‘દેશદ્રોહી’ નિવેદન આપ્યું ત્યારથી તેઓ વિવાદોમાં રહ્યા છે. હવે શિવસેના યુવા સેનાના મહાસચિવ રાહુલ કનાલે BookMyShow ને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ કુણાલ કામરાને તેમના ભવિષ્યના શો માટે ટિકિટિંગ પ્લેટફોર્મ ન આપે.
રાહુલ કનાલે પત્રમાં શું લખ્યું?
રાહુલ કનાલે પત્રમાં કુણાલ કામરાને એક રીઢો ગેરવર્તણૂક ગણાવ્યો અને કહ્યું, “હું એક જવાબદાર નાગરિક તરીકે બુક માય શોને આ પત્ર લખી રહ્યો છું જેથી આ કામગીરી સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ જાહેર હિતના મુદ્દા પર તમારું ધ્યાન દોરવામાં આવે. મારા ધ્યાનમાં આવ્યું છે કે બુક માય શોએ અગાઉ કુણાલ કામરાને તેના શો માટે ટિકિટ વેચવામાં મદદ કરી છે. કામરા એક એવી વ્યક્તિ છે જે રીઢો ગેરવર્તણૂક કરતી રહી છે. કામરાએ ઘણીવાર ભારતના વડા પ્રધાન, મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ અને અન્ય સેલિબ્રિટીઓને નિશાન બનાવ્યા છે અને બદનામ કર્યા છે. આ કાર્ય ચોક્કસપણે ગુનાહિત ષડયંત્રનો ભાગ છે, જે મનોરંજન અથવા હાસ્યના અવકાશની બહાર છે.”
ચેનલે વધુમાં લખ્યું છે કે કુણાલ કામરાએ પોતાના લખેલા દુર્ભાવનાપૂર્ણ નિવેદનો દ્વારા ઘણી વખત નૈતિક અને કાનૂની મર્યાદાઓ ઓળંગી છે. આવી ટિપ્પણીઓ માત્ર સામાન્ય લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે એટલું જ નહીં પરંતુ સામાજિક સૌહાર્દને બગાડવાની શક્યતા પણ વધારે છે.
કુણાલ કામરાને પ્લેટફોર્મ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો
રાહુલ કનાલે એક વિનંતી લખી હતી કે આ બાબતોને ધ્યાનમાં રાખીને, તેઓ ઇચ્છે છે કે બિગ ટ્રી એન્ટરટેઈનમેન્ટ અને બુક માય શો તેમના પ્લેટફોર્મ પર કુણાલ કામરાના શોનું બુકિંગ કે ટેલિકાસ્ટ કરવાનું ટાળે. તેમના કાર્યક્રમો માટે ટિકિટ વેચાણને સરળ બનાવવાનું ચાલુ રાખવું એ તેમના વિભાજનકારી વક્તવ્યને સમર્થન આપવા તરીકે અર્થઘટન કરી શકાય છે, જે શહેરમાં જાહેર લાગણીઓ અને વ્યવસ્થા પર ઊંડી અસર કરી શકે છે. તેમણે અંતમાં ઉમેર્યું, “મને વિશ્વાસ છે કે તેના દર્શકો અને સમાજના કલ્યાણ માટે જવાબદાર સંસ્થા તરીકે, BookMyShow આ બાબતને ગંભીરતાથી જોશે અને શાંતિ અને સુમેળ જાળવવાના હિતમાં કાર્ય કરશે.”
શું છે આખો મામલો?
તાજેતરમાં કુણાલ કામરાએ મહારાષ્ટ્રના એક વરિષ્ઠ નેતાનું નામ લીધા વિના તેમના પર ટિપ્પણી કરી હતી અને એક ગીત દ્વારા તેમને દેશદ્રોહી કહ્યા હતા. શિવસેના સમર્થકોને આ ગમ્યું નહીં. આ પછી, શિવસેનાના કાર્યકરોએ કાર્યક્રમનું આયોજન કરતા સ્ટુડિયોમાં તોડફોડ કરી. કામરા વિરુદ્ધ મુંબઈ, એકનાથ અને શિંદેના રાજકીય ગઢ ગણાતા થાણેના અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ અલગ અલગ FIR નોંધવામાં આવી છે.
થોડા સમય પહેલા હિંદી ફિલ્મ મડગાંવ એક્સપ્રેસનું એક પાત્ર કંચન કોંબડી ખૂબ વખાણાયેલું, આ નામ પક્ષીનું મરાઠી નામ “પાણ કોંબડી” પરથી કદાચ પ્રેરીત હોય શકે એવું લાગે છે.
મરાઠીમાં “પાણ કોંબડી”, હિંદીમાં “જલમુર્ગી” અને ગુજરાતીમાં “સંતાકૂકડી” પક્ષી એટલે “વ્હાઈટ બ્રેસ્ટેડ વોટરહેન” (White-Breasted Waterhen). આ પક્ષી સામાન્ય રીતે નાના મોટા તળાવ, કીચડ વાળા વિસ્તાર અને તળાવની આસપાસની જમીન પર નાની વનરાજિ વાળા વિસ્તારમાં જોવા મળે.
લગભગ ભારતના દરેક ક્ષેત્રમાં આ પક્ષી જોવા મળે છે. કોઈ માણસ કે પ્રાણીને આવતા જોઈને ઘાસ કે વનરાજિમાં છુપાઈ જાય અને આસપાસની હલચલ શાંત થતા ફરી બહાર આવે. કદાચ આ આદતના કારણે જ ગુજરાતી તેનું નામ સંતાકુકડી પડયું હશે.
પાણીની વનસ્પતિ, નાની માછલી, જીવજંતુ વગેરેને ખોરાકમાં લેતુ આ સુંદર પક્ષી આપણી આસપાસ સરળતાથી જોવા મળી જાય છે.
આજના છાપામાં સમાચાર વાંચ્યા કે સ્વ. રતન તાતા એમના ઘરનોકરો માટે આશરે સાડાત્રણ કરોડ રૂપિયા, રસોઈયા માટે એક કરોડ અને જર્મન શેફર્ડ શ્વાન માટે વીસ લાખ રૂપિયા મૂકીને ગયા છે. હયાતીમાં અબજો રૂપિયાનાં દાન કરનારા તાતા એમના ઘરનોકરોને ન ભૂલ્યા. આને કહેવાય પારસીશાઈ ખાનદાની.
આ સમાચાર વાંચીને ૧૯૭૦ના દાયકાનો એક પ્રસંગ યાદ આવે છે. એક નિર્ધન અમેરિકન યુવાન પાર્ટાઈમ છૂટક કામ કરીને પોતાના ભણતરની ફી ને અન્ય ખર્ચા કાઢતો. એક વાર સતત ૧૦ દિવસ સુધી કંઈ કામ ન મળતાં તેની પાસે ખાવા માટેના પણ પૈસા ન રહ્યા. કામ માટે તેણે એક પછી એક ઘરના દરવાજા ખખડાવ્યા, પણ નિષ્ફળ. ઘર ઘર ભટકીને હવે એને સખ્ખત ભૂખ લાગી હતી. એટલે એણે નક્કી કર્યું કે હવે જે ઘરે જઈશ ત્યાં પહેલાં કંઈ ખાવાનું મળે એવી રિક્વેસ્ટ કરીશ. આવો નિર્ધાર કરી એણે એક ઘરનો બેલ વગાડ્યો. બારણું ખોલી એક બહેને આવકાર આપ્યો. યુવાનનું દયામણું મુખ જોઈને પૂછ્યું, “તમે ભૂખ્યા લાગો છો? તમારા માટે કંઈક લાવું?”
યુવકે સંકોચ સાથે કહ્યું, “મને માત્ર પાણી આપો.”
એની ઈચ્છા તો ભોજનની હતી, પણ માગણી પાણીની કરી. બહેન સમજી ગયાં. એમણે ઘરમાંથી દૂધનો ગ્લાસ લાવીને યુવકને આપ્યો. યુવકે તેનાં દામ પૂછતાં બહેને કહ્યું, “સેવા અને દયાનું ક્યારેય વળતર ન લેવાય.”
બહેનની ઉદાત્ત ભાવનાને મનોમન વંદન કરી યુવાને ત્યાંથી વિદાય લીધી.
આ વાતને ૨૦-૨૫ વર્ષ વીતી ગયાં. પેલાં બહેનને કંઈ ગંભીર રોગ થતાં ગામમાં યોગ્ય સારવારના અભાવે બોસ્ટન ખાતેની વિશ્વવિખ્યાત ની જ્હૉન હૉપકિન્સ રીસર્ચ હૉસ્પિટલના ફાઉન્ડિંગ ફાધર ડૉ. હાવર્ડ કેલી પાસે લઈ જવામાં આવ્યાં. દર્દીને જોતાં જ એ બહેનને ઓળખી ગયા. તેમણે પોતાની હૉસ્પિટલમાં મહિલાને બે મહિના રાખ્યાં, એમની મન દઈને સારવાર કરી. સામાન્ય પરિસ્થિતિવાળાં આ બહેનને બિલ ચૂકવવાની ચિંતા હતી. તેમણે ચિંતા સાથે સારવારનું બિલ પુછાવ્યું, પરંતુ આશ્ચર્ય. ડૉ. કેલીએ બિલ મોકલાવ્યું, સાથે નોંધ લખીઃ પેઈડ ઈન ફુલ વિથ અ ગ્લાસ ઑફ મિલ્ક અર્થાત્ દૂધના એક ગ્લાસ સાથે તમે પૂરું બિલ ચૂકવી દીધેલું છે! બહેન માટે તો આ ચમત્કાર જ હતો.
ખરું જોતાં આ ચમત્કાર છે સેવાનો, બીજાને મદદ કરવાની શુદ્ધ ભાવનાનો. જેનો મંત્ર છે, હું તમને શું આપી શકું? અથવા હું તમારી શું સહાય કરી શકું?
એક વખત પૂર્વ રાષ્ટ્રપતિ, પ્રખર વિજ્ઞાની ડૉ. અબ્દુલ કલામને પૂછવામાં આવ્યું કે આપ મોટી ઉંમરે પણ આટલો બધો ઉત્સાહ-ઉમંગ કઈ રીતે ધરાવી શકો છો? ક્ષણાર્ધમાં એ કહે, “આ રહસ્ય હું મહાપ્રમુખસ્વામીજી પાસેથી શીખ્યો છું. એ પોતાના સમગ્ર જીવન દરમિયાન સૌને આપતા જ રહ્યા છે. મેં પણ એ જ નક્કી કર્યું છે.”
સેવાભાવનાની આ જ વિશેષતા જેની સેવા કરવામાં આવે તે તો લાભ મેળવે જ છે, પરંતુ સેવા કરનાર તેનાથી વિશેષ પામે છે. એટલું જ નહીં, આ સેવાભાવનાની કદર કરનાર પણ તેમાંથી પ્રેરણા મેળવીને ધન્ય બને છે. સેવાનું ફળ હંમેશાં સ્થૂળ વળતરરૂપે જ મળે એવું જરૂરી નથી. સેવાનું ફળ ભગવાન આપણને અંતરમાં શાંતિ રૂપે પણ આપે છે, જેનું મૂલ્ય સ્થૂળ વળતર કરતાં અનેક ગણું વધારે હોય છે.
૧૦ વર્ષની એક છોકરી બગીચામાં રમીને ઘરે આવી. બગીચામાંથી પાછા ફરતી વખતે લાવેલાં ફૂલ તેણે પોતાના વૃદ્ધ પડોશીને પૂજા માટે આપ્યાં. આ દશ્ય જોઈ બાળકીની માતાએ તેને કહ્યું, “હવે તારા હાથ સૂંઘ!” બાલિકાએ કુતૂહલતાથી પોતાના હાથ સૂંધ્યા તો ગુલાબની સુગંધ અનુભવી. તેનું મન મલકી ઊઠ્યું. માતાએ સરળ છતાં શાશ્વત અને બુદ્ધિગમ્ય બોધ આપતાં કહ્યું કે, “ફૂલો હંમેશાં આપનારના હાથ પર સુગંધ છોડી જતાં હોય છે.”
જીવનમાં માત્ર પૈસા, પદાર્થ, પદવી, પ્રશંસા પ્રાપ્ત કરવી જ પર્યાપ્ત નથી, પરંતુ કોઈના માટે નિઃસ્વાર્થ ભાવનાથી સેવા કરવાથી પણ જીવનમાં સુખ અને શાંતિ મળે છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
જૂનાગઢઃ ઉનાળાનો પ્રારંભ થતાં જ લોકો કેરીની આતુરતાથી રાહ જુએ છે. જૂનાગઢ અને ગીર-સોમનાથ તેમ જ અમરેલી જિલ્લામાં કેસર કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. યાર્ડમાં આજથી ગીરની કેસર કેરીની આવકના શ્રીગણેશ થયા છે. આજે સીઝનમાં પ્રથમ વાર ગીર પંથકમાંથી કેરીનાં 40 બોક્સ આવ્યા હતા અને દસ કિલોના બોક્સના 1200થી 1800 રૂપિયા લેખે વેચાણ થયું હતું.
આ વર્ષે કેસર કેરી બજારમાં આવશે પણ ઉત્પાદન ઓછું રહશે તેવી ખેડૂતોની ધારણા છે અને શરૂઆતમાં ભાવ પણ ખૂબ ઊંચા જોવા મળશે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અને તાલાળા યાર્ડ આ બે યાર્ડ કેસર કેરીનાં હબ મનાય છે અને પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં કેસર કેરીના બોક્સની આવક રહે છે. આ વર્ષે કેસર કેરીની સીઝનમાં જાન્યુઆરીમાં જે આંબા પર ફ્લાવરિંગ થયું હતું તે કેરી વહેલી આવી છે. માર્કેટિંગ યાર્ડના વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે કેસર કેરીનું સમયસર જ આગમન થયું છે. જોકે નિયમીત કેસર કેરીની આવક થતાં હજુ એક-બે સપ્તાહ થાય તેવી શક્યતા છે.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી અને હાફૂસ કેરીની આવક શરૂ થઈ છે. માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો ભાવ 3000થી 5500 રૂપિયા સુધી બોલાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કુલ ચાર ક્વિન્ટલ કેરીની આવક નોંધવામાં હતી. જેમાં બે ક્વિન્ટલ કેસર કેરીની આવક નોંધવામાં આવી હતી. આ ઉપરાંત હાફૂસ કેરીની આવક પણ નોંધાઈ હતી. હાફૂસ કેરીનો ભાવ 3500થી 5800 રૂપિયા સુધી નોંધાયો હતો. બે ક્વિન્ટલ હાફૂસ કેરીની આવક નોંધાઈ હતી. હાફૂસ કેરીનો 5400 સરેરાશ ભાવ બોલાવ્યો હતો. ચાલુ સીઝનમાં કેસર કેરી કરતાં હાફૂસ કેરીના ભાવ 300 વધુ છે.
અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર કેસર કેરીની સાથે ચીકુની આવક નોંધાઈ હતી. ચીકુનો ભાવ રૂ. 600થી 1200 સુધી નોંધાયો હતો. ચીકુની 20 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. દાડમનો ભાવ રૂ. 1200થી 2100 સુધી નોંધાયો હતો. દાડમની 10 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. મોસંબીનો ભાવ 500થી એક હજાર રૂપિયા સુધી નોંધાયો હતો. મોસંબીની 20 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી.
જૂનાગઢ: ગુજરાતના જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીની આવકનો શ્રી ગણેશ થઈ ગયો છે. આ સિઝનની શરૂઆતમાં 200 થી 300 બોક્સની આવક નોંધાઈ છે, જે કેરીના શોખીનો માટે આનંદના સમાચાર છે. ઉનાળાની શરૂઆત સાથે જ લોકો આતુરતાથી કેરીની રાહ જોતા હોય છે, અને આ વખતે તાલાળાની કેસર કેરી વેચાણ માટે યાર્ડમાં પહોંચી છે. હરાજીમાં 10 કિલોના બોક્સનો ભાવ 1000 થી 1500 રૂપિયા સુધી મળ્યો છે. જોકે, નિષ્ણાતોના મતે, ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણની અનિશ્ચિતતાને કારણે આ વર્ષે કેરીનું ઉત્પાદન ગત વર્ષની સરખામણીએ ઓછું રહેવાની શક્યતા છે.
બીજી તરફ, અમરેલી માર્કેટિંગ યાર્ડમાં પણ કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. અમરેલી, જે કેસર કેરીના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર ગણાય છે, ત્યાં કેસર અને હાફૂસ કેરીની પધરામણી થઈ છે. અહીં બે ક્વિન્ટલ કેસર કેરીની આવક નોંધાઈ, જેનો ભાવ 3000 થી 5500 રૂપિયા સુધી બોલાયો, જ્યારે સરેરાશ ભાવ 4800 રૂપિયા રહ્યો.
છેલ્લા 8-10 વર્ષથી ગ્લોબલ વોર્મિંગની અસર કેસર કેરીના ઉત્પાદન પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. વારંવાર મોર ફૂટવા, કમોસમી વરસાદ અને રોગજન્ય જીવાતોના કારણે ખેડૂતોને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય બન્યો છે. જોકે, સરકાર દ્વારા મગફળી જેવા પાકો માટે વળતર આપવામાં આવે છે, પરંતુ કેસર કેરીના ખેડૂતો માટે આવી કોઈ નીતિ હજુ સુધી જોવા મળી નથી.
અમદાવાદ: ગુજરાતમાં ગરમી જોર આજ થી વધ્યું છે. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત અહીં તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી સુધી જવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. બુધવારે રાજ્યમાં સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું. એપ્રિલ મહિનો શરૂ થતા જ રાજકોટમાં ગરમી અગનગોળા વરસાવી રહી છે. 1 એપ્રિલે રાજકોટમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ પ્રમાણે આગામી સાત દિવસ દરમિયાન રાજકોટમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આંકડાઓનું માનીયે તો રાજકોટમાં વર્ષ 2017માં એપ્રિલ મહિનામાં મહત્તમ તાપમાન 44.8 નોંધાયું હતું.
ગુજરાતના શહેરોમાં તાપમાનના પારમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે અમદાવાદ અને વડોદરામાં 39 ડિગ્રી, અમરેલીમાં 41 ડિગ્રી, ભાવનગર અને સુરતમાં 38 ડિગ્રી, ભુજ અને રાજકોટમાં 43 ડિગ્રી, ડીસામાં 42 ડિગ્રી, નલિયા અને પોરબંદરમાં 40 ડિગ્રી નોંધાયું છે, જ્યારે દ્વારકા અને ઓખામાં તાપમાન ક્રમશઃ 30 અને 32 ડિગ્રી રહ્યું. 2 એપ્રિલે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી, રાજકોટમાં 42.1 ડિગ્રી, ગાંધીનગરમાં 40.8 ડિગ્રી, ભુજમાં 41.4 ડિગ્રી, ડીસામાં 41.3 ડિગ્રી અને વડોદરા, પોરબંદરમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દ્વારકા અને દીવમાં તાપમાનની તીવ્રતા ઓછી રહી હતી, જ્યાં અનુક્રમણિક 30.4 અને 33.0 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યભરમાં ઉનાળાની કડકડતી ગરમીનો પ્રભાવ વર્તાઈ રહ્યો છે, જેથી ગરમીથી બચવા સાવચેતી રાખવાની તજજ્ઞો સલાહ આપી રહ્યાં છે.
અંબાણી પરિવારનો નાનો દીકરો અનંત અંબાણી આ દિવસોમાં દ્વારકાના પ્રવાસે છે. સામાન્ય લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અનંત દરરોજ રાત્રે પદયાત્રા કરી રહ્યા છે. અનંત અંબાણી જામનગરથી દ્વારકા સુધીની પગપાળા યાત્રા પર નીકળ્યા છે. આ દરમિયાન તે રસ્તામાં ધાર્મિક સ્થળોની મુલાકાત પણ લઈ રહ્યા છે. તો બીજી તરફ આકાશ અંબાણી પણ ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા. રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણી શ્રી વેંકટેશ્વર સ્વામીના દર્શન કરવા માટે આંધ્રપ્રદેશના તિરુમાલા મંદિર પહોંચ્યા. આકાશ અંબાણીનો તિરુમાલા મંદિર પહોંચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આકાશ અંબાણી તિરુમાલા મંદિર પહોંચ્યા
પરંપરાગત પોશાક પહેરીને આકાશ અંબાણીએ ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો અને મંદિરમાં પ્રાર્થના કરી. આ પછી તેમણે ગાયની સેવા પણ કરી. તેમણે ગાયોને ચારો ખવડાવ્યો અને તેમની પૂજા પણ કરી. આ ઉપરાંત, તે હાથીની સેવા કરતા પણ જોવા મળ્યા અને પછી મંદિરના પૂજારીઓ પાસેથી આશીર્વાદ લીધા. આકાશ અંબાણીને દર્શન બાદ શ્રીવરી તીર્થ પ્રસાદમ અને રેશમી શાલ આપવામાં આવી હતી.
આકાશ અંબાણીએ ગાયની પૂજા કરી
સેલિબ્રિટી પાપારાઝી વિરલ ભાયાણી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં, આકાશ અંબાણી ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા મંદિરના પૂજારીઓ અને ભક્તોને મળતા અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેતા જોઈ શકાય છે. તેમણે મંદિરમાં સ્થિત ગૌશાળાની પણ મુલાકાત લીધી. આ પહેલા આકાશ અંબાણી પણ પોતાના પરિવાર સાથે મહાકુંભમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. આ દરમિયાન અંબાણી પરિવારના અન્ય સભ્યો પણ તેમની સાથે હાજર હતા.
અનંત અંબાણી પદયાત્રા પર ગયા
બીજી તરફ, અનંત અંબાણી દ્વારકા માટે પગપાળા યાત્રા પર નીકળ્યા છે. અનંત અંબાણી જામનગરથી દ્વારકા લગભગ 140 કિલોમીટર ચાલીને જશે. અનંત અંબાણીની પદયાત્રા વિશે વાત કરીએ તો, યાત્રાના પાંચમા દિવસે, તેઓ વડત્રા ગામ નજીક સ્થિત વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળા પણ પહોંચ્યા, જ્યાં તેમણે સ્થાપક મગનભાઈ રાજગુરુના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. તેમણે આ યાત્રા 28 માર્ચે શરૂ કરી હતી અને 10 એપ્રિલે તેમના જન્મદિવસે દ્વારકા પહોંચવાની યોજના બનાવી રહ્યા છે. લોકોને કોઈ અસુવિધા ન થાય તે માટે, તેઓ રાત્રે મુસાફરી કરી રહ્યા છે.