મુંબઈ: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત દુનિયાભરના દેશો પર આજથી ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરીને ખળભળાટ મચાવી દીધો છે ત્યારે એશિયન શેરબજાર સહિત, જાપાન, હોંગકોંગના શેરબજારમાં પણ કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન ભારતના સ્ટોક માર્કેટ ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ કડાકો જોવા મળ્યો.
પ્રિ ઓપનિંગ સેશનમાં 800 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
સેન્સેક્સની વાત કરીએ તો ટ્રમ્પના ટેરિફ વૉરની અસર અહીં પણ જોવા મળી. પ્રિ ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સમાં 810 પોઇન્ટનો કડાકો જોવા મળ્યો હતો. જો કે પછીથી સારી એવી રિકવરી જોવા મળી. અત્યાર સુધીની માહિતી અનુસાર ગઈકાલના ક્લોઝિંગ 76,617.44 બાદ આજે સેન્સેક્સ સીધો 75,807.55 પર ખુલ્યો હતો. જો કે તેના બાદ રિકવરી મોડમાં સેન્સેક્સ 76,241.71 પર પહોંચી ગયો હતો.
નિફ્ટીની શું છે સ્થિતિ?
જ્યારે નિફ્ટીની વાત કરીએ ગઈકાલનું ક્લૉઝિંગ 23,332.35 પોઈન્ટ પર રહ્યું હતું જેમાં આજે 180 જેટલા પોઈન્ટનો કડાકો બોલાઈ જતા પ્રિ ઓપનિંગ સેશનમાં નિફ્ટી ઈન્ડેક્સ 23145.80 પર પહોંચી ગયો હતો. જો કે એમાંય રિકવરી દેખાતા નિફ્ટી 23, 231 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
અમેરિકા: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને વિશ્વભરના અન્ય દેશો પર રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી છે અને તેની અસર એશિયન બજારોમાં એક મોટા કડાકાના સ્વરૂપમાં જોવા મળી રહી છે. ટ્રમ્પે ભારત સામે પણ ટેરિફ બોમ્બ ફેંકી દીધો છે અને 26 ટકા ટેરિફ લાદી દીધો છે. જેના લીધે નકારાત્મક વૈશ્વિક સંકેતોની અસર ભારતીય શેરબજારમાં સેન્સેક્સ-નિફ્ટી પર દેખાઈ શકે છે.
ભારતના શેરબજાર માટે ચિંતાનો વિષય?
છેલ્લા કારોબારી દિવસની વાત કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત સ્થિતિમાં આગળ વધતા જોવા મળ્યા હતા, પરંતુ ટ્રમ્પ ટેરિફની જાહેરાત બાદ આજે ગુરુવારે એશિયન બજારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળી શકે છે.
રેસિપ્રોકલ ટેરિફથી શેરબજારીયાઓમાં ડર પેઠો?
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે અને આ દિવસને મુક્તિ દિવસ તરીકે નામ આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે આખી યાદી જાહેર કરી છે જેમાં કયા દેશ પાસેથી કેટલો ટેરિફ વસૂલાશે તેની વિગતો જાહેર કરવામાં આવી છે. નવા ટેરિફ દરો અનુસાર, અમેરિકા ચીન પાસેથી 34%, યુરોપિયન યુનિયન પાસેથી 20%, જાપાન પાસેથી 24% અને ભારત પાસેથી 26% ટેરિફ વસૂલાશે. જોકે ટેરિફ અંગે ટ્રમ્પની જાહેરાત સાથે એશિયન બજારોમાં ગભરાટની સ્થિતિ જોવા મળી રહી છે અને જાપાનનું શેરબજાર સૌથી ખરાબ સ્થિતિમાં હોય તેવું લાગે છે.
એશિયન બજારોમાં ગભરાટનો માહોલ
ડોનાલ્ડ ટ્રમ્પે ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કર્યા પછી જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 4 ટકાથી વધુ તૂટી ગયો હતો. ગુરુવારે નિક્કેઈ સ્ટોક ઇન્ડેક્સ 4.6% ઘટીને 34,102 પર પહોંચ્યો, જે છેલ્લા આઠ મહિનામાં તેનું સૌથી નીચું સ્તર છે. અમેરિકાએ જાપાન પર 24% આયાત ડ્યુટી લાદી છે. ગુરુવારે, GIFT નિફ્ટી પણ શરૂઆતના કારોબારમાં 200 પોઈન્ટથી વધુ ઘટી ગઈ હતી.
દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ તૂટ્યો
જાપાન ઉપરાંત, દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ ખુલતાની સાથે જ લગભગ 3 ટકા તૂટી ગયો હતો. બીજી બાજુ હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ તેના પાછલા બંધ કરતા નીચે 23,094 પર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 પણ 1.55% ઘટ્યો.
સેન્સેક્સ-નિફ્ટીનું શું થશે?
નિષ્ણાતોના મતે, નિફ્ટી અને સેન્સેક્સમાં ગેપ-ડાઉન ઓપનિંગની શક્યતા છે. ઓટો, આઇટી અને ફાર્મા શેરોમાં મહત્તમ અસર જોવા મળી શકે છે. ટ્રમ્પના ટેરિફથી ફાર્મા ક્ષેત્રને સૌથી વધુ અસર થવાની અપેક્ષા રાખી શકાય છે. જોકે ચોક્કસ ટેરિફ ટકાવારી વિગતવાર જણાવવામાં આવી નથી, પરંતુ ભારતીય દવા નિકાસ માટે યુએસ એક મહત્વપૂર્ણ બજાર છે. ટેરિફમાં વધારો થવાથી નિકાસ આવકમાં ઘટાડો થઈ શકે છે.
અમેરિકા: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી દીધી છે. ભારત અને ચીન સહિત અન્ય દેશોમાંથી અમેરિકા આવતા માલ પર કેટલો ટેરિફ લાગશે તેની જાહેરાત કરી દેવાઈ છે. આ નવો ટેરિફ તાત્કાલિક અમલમાં આવી ગયો છે. ઘણા એશિયન દેશો પર 30% થી 45% સુધીના ટેરિફ પણ લાદવામાં આવ્યા છે.
ચીનથી કેટલો ટેરિફ વસૂલાશે?
ટ્રમ્પની જાહેરાત મુજબ, અમેરિકા ભારત પાસેથી 26 ટકા ટેરિફ વસૂલશે. જ્યારે ચીન પર 34 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ચીન સાથે વધતી જતી વેપાર ખોટ ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
સૌથી વધુ કયા દેશ પર ટેરિફ લાગુ?
આ સાથે ટ્રમ્પ સરકારે વિયેતનામથી આયાત થતી ચીજવસ્તુઓ પર 46% ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે, જે સૌથી વધુ દરોમાંથી એક છે. યુરોપિયન યુનિયન પર 20%, સ્વિટ્ઝર્લેન્ડ પર 31% અને તાઇવાન પર 32% ટેરિફ લાદવામાં આવશે. થોડી આશ્વાસન આપનારી વાત એ છે કે યુનાઇટેડ કિંગડમથી થતી આયાત પર ફક્ત 10% ટેરિફ લાદવામાં આવ્યો છે, જે રાજકીય અને આર્થિક સંબંધોમાં સ્થિરતાને કારણે હોઈ શકે છે.
અમેરિકા વિરુદ્ધ વિશ્વ: ટેરિફ યુદ્ધ તીવ્ર બને છે
ચીન – અમેરિકા પાસેથી 67% ટેરિફ વસૂલ કરે છે, પરંતુ હવે અમેરિકાએ 34% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.
તાઈવાન – અમેરિકા પાસેથી 64% ટેરિફ વસૂલ કરે છે, હવે અમેરિકા 32% ટેરિફ લાદશે.
જાપાન – અમેરિકા પાસેથી 46% ટેરિફ વસૂલ કરે છે, અને હવે અમેરિકાએ 24% ટેરિફ લાદવાની તૈયારી કરી છે.
સ્વિત્ઝર્લેન્ડ – અમેરિકા પાસેથી 61% ટેરિફ વસૂલ કરે છે, હવે અમેરિકા પણ 31% ટેરિફ વસૂલશે.
ઈઝરાયેલ – અમેરિકા પાસેથી 33% ટેરિફ વસૂલ કરે છે, હવે અમેરિકા 17% ટેરિફ લાદશે.
પાકિસ્તાન – અમેરિકા પાસેથી 58% ટેરિફ વસૂલે છે, અને હવે અમેરિકાએ 29% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.બાંગ્લાદેશ – અમેરિકા પાસેથી 74% ટેરિફ લે છે, હવે અમેરિકા 37% ટેરિફ લાદવા જઈ રહ્યું છે.
થાઈલેન્ડ – અમેરિકા પાસેથી 72% ટેરિફ વસૂલે છે, હવે અમેરિકા 36% ટેરિફ લાદશે.
અમેરિકા: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફને લઈને મોટી જાહેરાત કરી છે અને આ દિવસને લિબરેશન ડે નામ આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે અન્ય દેશો પાસેથી લગભગ અડધો ટેરિફ ચાર્જ કરીશું, જે તેઓ અમારી પાસેથી વસૂલ કરી રહ્યા છે. તેથી ટેરિફ સંપૂર્ણપણે પારસ્પરિક રહેશે નહીં. હું તે કરી શકું છું, પરંતુ ઘણા દેશો માટે તે મુશ્કેલ રહેશે. અમે તે કરવા માંગતા ન હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ કયા દેશ પાસેથી કેટલુું ટેરિફ વસૂલશે. ટ્રમ્પના ભાષણ સાથે આનો અમલ કરવામાં આવી રહ્યો છે. નવા ટેરિફ રેટ પ્રમાણે અમેરિકા ચીન પાસેથી 34%, EU પાસેથી 20%, જાપાન પાસેથી 24% અને ભારત પાસેથી 26% ટેરિફ વસૂલશે. આ ટેરિફની ભારત પર અસર ચોક્કસ થશે, આમ છતાં અગાઉ જેટલા ઊંચા ટેરિફની આશા હતી તેટલો ઊંચો ટેરિફ લાગ્યો નથી તે રાહત લેવા જેવી વાત છે.
બંને દેશ વચ્ચે છેલ્લા બે મહિનાથી ચાલતી વ્યાપક ચર્ચાના પગલે ટેરિફ ઘટાડવામાં આટલી મદદ મળી હોવાનું માનવામાં આવે છે. હજી પણ બંને વચ્ચે વ્યાપક પાયા પર અને બહુઆયામી ધોરણે વ્યાપક મંત્રણા ચાલી જ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ અને પહેલા જાહેરાત કરી હતી તેમ ઓટો સેક્ટર પર ૨૫ ટકા ટેરિફના અમલની જાહેરાત કરી છે.ટ્રમ્પે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે અમેરિકા અન્ય દેશોમાંથી આયાત થતી મોટરસાઇકલ પર ફક્ત 2.4 ટકા ટેક્સ લે છે. જ્યારે ભારત 60 ટકા, વિયેતનામ 70 ટકા અને થાઇલેન્ડ 75 ટકા ટેક્સ વસૂલે છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે દરેક દેશ પાસે ઊંચા ટેરિફ લગાવવા માટે તેના આગવા કારણ હોઈ શકે છે, પરંતુ હું આ જંગી ટેરિફને સીધો અમેરિકન અર્થતંત્ર પર અને અમેરિકન નાગરિક પર પ્રહાર તરીકે જોઉં છું.
ટ્રમ્પે તેમના ભાષણમાં જણાવ્યું હતું કે અમે આ પગલાંથી અમેરિકામાં કારખાના અને નોકરીઓ પરત લાવીશું અને આપણા શ્રમિકોને તેના લીધે ન્યાય મળશે. ટ્રમ્પના ભાષણના પહેલા વ્હાઇટ હાઉસના સેક્રેટરી કેરોલિન લેવિટે પણ ભારત અમેરિકન કૃષિ ઉત્પાદનો પર 100 ટકા ટેરિફ લગાવે છે તેની આકરી ટીકા કરી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો કોઈ પણ દેશ ઇચ્છતો હશે કે તેના પર ટેરિફ ઘટે તો તેમણે અમારા પર ટેરિફ ઘટાડવો પડશે. જો શૂન્ય ટકા ટેક્સની ઇચ્છા હોય તો અમેરિકામાં ઉત્પાદન શરૂ કરો.
2 એપ્રિલ 2025, અમેરિકાના આ લિબરેશન ડેની જાહેરાત અમેરિકાના રાજકીય અને નાણાકીય ઇતિહાસ જ નહીં પરંતુ વિશ્વના રાજકીય ઇતિહાસમાં મહત્ત્વની નીવડી છે, એમ કેરોલિન લેવિટે જણાવ્યું હતું. કદાચ અમેરિકા આ એક જ પગલાં દ્વારા આખા વિશ્વની નાણાકીય નીતિને નવેસરથી જ આકાર આપવાની ફરજ પાડી શકે છે. ટ્રમ્પનો દાવો છે કે આનાથી અમેરિકામાં ઉત્પાદનને વેગ મળશે અને અમેરિકાને વર્ષોથી લૂંટનારાઓને સજા થશે. આમ ગ્રેટ ગેમ્બલર ટ્રમ્પે તેમની કારકિર્દીનો સૌથી મોટો રાજકીય અને આર્થિક જુગાર ખેલી નાખ્યો છે. વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઇઝર પીટર નેવરોએ સૂચવ્યું હતું કે નવા ટેરિફના લીધે વર્ષે 600 અબજ ડોલરથી વધારે આવક થશે, જે બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી ટેક્સ ઇન્કમ હશે.
રિપબ્લિકનોના આ દાવાથી વિપરીત ડેમોક્રેટ્સમાં અગાઉ બાઇડેન શાસનમાં ઇકોનોમિક એડવાઇઝર્સના સભ્ય હીથર બોશલીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ અગાઉના શાસનકાળ વખતે આ પ્રકારનો પ્રયોગ કરી ચૂક્યા છે અને તેમાં તેમને નિષ્ફળતા મળી હતી. તેથી આ વખતે પણ તેમને સફળતા મળશે તેવો તેમના જ પક્ષના ઘણા લોકોને વિશ્વાસ નથી.આના લીધે અમેરિકાના દરેક કુટુંબ દીઠ 3,600થી 4,200 ડોલરનો બોજો આવશે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પ જેમના પર ટેરિફ લાદશે તેઓ પણ અમેરિકાની સામે ટેરિફ લાદશે.
આ ઉપરાંત સેનેટના ડેમોક્રેટિક લીડર ચક શુમરે સ્થાનિક અખબારને જણાવ્યું હતું કે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવનારો રેસિપ્રોકલટેક્સ બીજું કઈ નહીં પરંતુ અમેરિકાના કરોડપતિઓને છાવરવા માટે લેવાયેલું પગલું છે. ટ્રમ્પના આ પગલાંથી સામાન્ય અમેરિકનના માથા પર મોંઘવારી વધશે, પરંતુ અમેરિકન અબજપતિઓને બખ્ખા થઈ જશે. ટેસ્લાના શેરમાં આવેલો ઉછાળો તેનું ઉદાહરણ છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે બાઇડેનના શાસનમાં અમેરિકામાં 90 હજાર ફેક્ટરીઓ બંધ થઇ ગઇ, અમારા ટેરિફના નિર્ણય અમેરિકન મજૂરોની સ્થિતિ સુધારવા માટે છે.
નવી દિલ્હી: મોડી રાત્રે લોકસભામાં વક્ફ સંશોધન બિલ પસાર થઈ ગયું છે. કેન્દ્ર સરકારે વકફ કાયદામાં સુધારા માટેનું બિલ લોકસભામાં રજૂ કર્યું હતું, જેના પર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ધારદાર દલીલો થઇ હતી. વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને આ બિલનો વિરોધ કર્યો હતો, જ્યારે એન.ડી.એ.ના પક્ષોએ બિલનું સમર્થન કર્યું હતું. બિલને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ દ્વારા રજૂ કરાયું હતું, જેના પર બપોર 12 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી ચર્ચા થઇ હતી. ચર્ચાના અંતે આ બિલ લોકસભામાં મોડી રાત્રે લગભગ 2 વાગ્યે પસાર થયું હતું. વક્ફ બિલ સંશોધનના પક્ષમાં 288 મત પડ્યા હતા અને વિરોધમાં 232 મત પડ્યા હતા. હવે ગુરૂવારે રાજ્યસભામાં બિલ રજૂ કરાય તેવી શક્યતા છે.લોકસભા બાદ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. જ્યાં આ બિલ પસાર થયા બાદ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને મોકલવામાં આવશે. તેમની મંજૂરી મળતા જ વક્ફ (સંશોધન) બિલ 2025 કાયદો બની જશે.
લોકસભાની કાર્યવાહી રાત્રે 10 વાગ્યા સુધી વધારવામાં આવી હતી. ત્યારબાદ વક્ફ સંશોધન બિલ 2025 પસાર ન થાય ત્યાં સુધી કાર્યવાહીનો સમય લંબાવાયો હતો. આમ, 2 એપ્રિલે ત્રણ વખત લોકસભાની કાર્યવાહીનો સમય વધારાયો હતો. બીજી તરફ, રાજ્યસભામાં 3 એપ્રિલ, 2025 બપોરે એક વાગ્યે વક્ફ સંશોધન બિલ પર ચર્ચા કરવામાં આવશે.
વક્ફ બિલમાં કયા સુધારા થશે?
1. જિલ્લા કલેક્ટર પાસે વક્ફ મિલકતોની નોંધણી કરાવવી, જેથી તેની સાચી કિંમત અને સ્થિતિનું મૂલ્યાંકન કરી શકાય તથા મિલકતોના સંચાલનમાં પારદર્શકતા અને કાર્યક્ષમતા આવે.
2. વક્ફ બોર્ડના સભ્યોની પસંદગી ચૂંટણી દ્વારા કરવાને બદલે સરકાર દ્વારા નિમણૂક થશે. પ્રત્યેક બોર્ડમાં ઓછામાં ઓછા બે સભ્યો બિન-મુસ્લિમ હશે. બિન-મુસ્લિમને પણ બોર્ડના સી.ઈ.ઓ. બનવાની તક મળશે.
3. સામુદાયિક સમાનતા લાવવા માટે વક્ફ બોર્ડમાં મહિલાઓને પણ સભ્યપદ અપાશે.
વિપક્ષ અને મુસ્લિમ સમાજ શા માટે વિરોધમાં?
સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વક્ફ બિલના સુધારાનો મુસ્લિમ સમુદાય અને વિપક્ષ વિરોધ કરી રહ્યા છે. આ બાબતે તેમણે કેટલાંક મુદ્દા આગળ કર્યા હતા, જે નીચે મુજબ છે.
2. મુસ્લિમ સમુદાયની સ્વતંત્રતા પર પણ અસર થશે અને તેમના અધિકારો નબળા પડશે. પોતાની સંપત્તિ સ્વેચ્છાએ વક્ફને દાન કરવાના મુસ્લિમ વ્યક્તિના હક ઉપર પ્રતિકૂળ અસર પડશે.
4. હિન્દુ મંદિરો અને ટ્રસ્ટોના બોર્ડમાં બિન-હિંદુઓને સ્થાન નથી મળતું, તો પછી વક્ફમાં બિન-મુસ્લિમોને પ્રવેશ આપવાનો આગ્રહ કેમ? – એવો પ્રશ્ન મુસ્લિમો કરી રહ્યા છે.
5. વક્ફ પ્રોપર્ટીને સરકારી મેનેજમેન્ટ દ્વારા નિયંત્રિત કરીને સરકાર લાંબે ગાળે અમુકતમુક મિલકતો પોતાને હસ્તક લઈ લેશે.
કયા કારણસર વક્ફ બિલ લાવી સરકાર?
1. 1995ના કાયદામાં વક્ફ પ્રોપર્ટી, ટાઈટલ વિવાદો અને વક્ફ જમીનના ગેરકાયદે કબજાના નિયમન સંબંધિત કેટલીક છટકબારી છે. આ છટકબારી સુધારીને વક્ફ પ્રોપર્ટીના સંચાલનમાં પારદર્શકતા લાવીને તેના સંચાલનને વધુ અસરકારક બનાવવું જરૂરી છે.
2. વક્ફ પ્રોપર્ટીની કોઈ ન્યાયિક દેખરેખ નથી, વ્યવસ્થિત મૂલ્યાંકન થતું નથી.
3. વક્ફ બોર્ડના બંધારણમાં મર્યાદિત વિવિધતા છે.
4. બોર્ડના વર્તમાન નિયમો સત્તાનો દુરુપયોગ કરવાની તક આપે છે.
5. વક્ફ બોર્ડ અને સ્થાનિક મહેસૂલ સત્તાવાળાઓ વચ્ચે અસરકારક સંકલનનો અભાવ છે.
6. મિલકત પર દાવો કરવા માટે વક્ફ બોર્ડને વ્યાપક સત્તા અપાઈ છે, જે વિવાદો અને કોર્ટ કેસની સ્થિતિમાં પરિણમે છે.
વિવાદાસ્પદ વક્ફ મિલકતોનો કબજો સરકાર લેશે?
અત્યાર સુધી એવું થતું આવ્યું છે કે, કોઈ પ્રોપર્ટી અમુક સમયગાળા માટે ધાર્મિક હેતુસર મુસ્લિમો દ્વારા ઉપયોગમાં લેવામાં આવી હોય તો વક્ફ તે પ્રોપર્ટીને પોતાને હસ્તક લઈ લેતું હતું. આ રીતે સરકારી જમીનો પણ વક્ફ હસ્તક જતી રહી છે. નવું બિલ આ મુદ્દે તપાસ કરવાની છૂટ આપશે. એના અંતર્ગત કાયદેસર વક્ફ સંપત્તિ તો વક્ફ પાસે જ રહેશે, પણ જે સંપત્તિ ફક્ત વપરાશને કારણે વક્ફ હસ્તક લઈ લેવાઈ છે, એ સરકાર પાછી લઈ શકશે.
સરકારના ઈરાદા સામે શંકા
વક્ફ બિલ મુદ્દે સરકારના ઈરાદા પર શંકા કરતો નિષ્ણાતોનો એક વર્ગ એમ પણ કહે છે કે, દેશના અન્ય વધુ જરૂરી મુદ્દા પરથી પ્રજા અને મિડીયાનું ધ્યાન હટાવવા માટે આ સમગ્ર ખેલ રચાયો છે. મોંઘવારી, બેરોજગારી, સતત તૂટતો રૂપિયો તેમજ અમેરિકા સાથેનું ટેરિફ યુદ્ધ જેવી બાબતો પરથી ધ્યાન હટાવવા માટે અને બિહારની ચૂંટણીમાં મતોનું ધ્રુવીકરણ કરવા સરકારે આ મુદ્દો ઉઠાવ્યો છે.
ધન એક એવી આકર્ષક વસ્તુ છે કે તેની પ્રાપ્તિ માટે મનમાં લોભવૃત્તિ હાજર જ હોય છે. આજે ધર્મસ્થાનો અને સંપ્રદાયો વધુ ને વધુ આર્થિક ઉપાર્જન કરી ભવ્ય મંદિરો, મઠો, આશ્રમો અને સંસ્થાઓનું નિર્માણ કરવા તત્પર છે. આના કારણે સંપ્રદાયમાં વિખવાદો થાય છે જે હિંસા સુધી જાય છે.
ધન માટે મઠાધિપતિની કે તેના દ્વારા કરાવવામાં આવતી હત્યાના પ્રસંગો બનતા રહે છે. આવા ભવ્ય મકાનોમાં દિવ્ય પ્રવૃત્તિઓ થાય છે તેવું નથી. દાન, જ્ઞાન અને પરોપકાર માટે નહીં પણ પોતાનાં માન અને શાન વધારવા ધનનું વરવું પ્રદર્શન થાય છે.
કબીરજી તેથી સ્પષ્ટ કરે છે કે, સાચો સાધુ પોતાના અનુયાયીની ભાવના જુએ છે. આ ભાવ જ ભવસાગર તરવાની નાવ છે. જે સાધુ ભાવના કરતાં લક્ષ્મીને વધારે મહત્ત્વ આપે છે તે સાધુ જ નથી. સાધુને ધન સમાજ આપે છે. સાધુમાં વૈરાગ્ય હોવો જરૂરી છે. આથી સમાજમાંથી પ્રાપ્ત થતું તમામ ધન માનવસેવાના કાર્યમાં જ વપરાય તે જોવાનું કર્તવ્ય સાધુનું છે. ધનસંચયથી સાધુતા લાજે છે. ધન જરૂરી છે પણ ધન અનેક અનર્થનું મૂળ ન બને તે જોવું જરૂરી છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
ગુજરાતના જામનગર જિલ્લામાં બુધવારે રાત્રે એક મોટો અકસ્માત થયો. ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર પ્લેન કાલાવડ રોડ પર સુવરદા ગામની સીમમાં ક્રેશ થયું હતું. ફાઇટર પ્લેન ક્રેશ થયા પછી, સમગ્ર વિસ્તાર ધુમાડાથી છવાઈ ગયો હતો. ધુમાડો જોઈને સુવર્દા ગામના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને અકસ્માતની જાણ કરી. માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
गुजरात के जामनगर में एक और फाइटर जेट गिरा—एक पायलट शहीद, दूसरा जख्मी।
— VeeR SuLTan SinGh Azad (@VeerTaa007) April 2, 2025
કહેવામાં આવી રહ્યું છે કે જગુઆર ફાઇટર પ્લેન બુધવારે રાત્રે ઉડાન ભરી હતી. જ્યારે તે જામનગરમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે સુવરદા ગામ નજીક અચાનક ક્રેશ થયું. વિમાન જમીન પર પડતાની સાથે જ તેના ટુકડા થઈ ગયા અને ભીષણ આગ લાગી ગઈ. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. જોરદાર અવાજ અને ધુમાડો જોઈને ગામલોકો ઘટનાસ્થળે પહોંચી ગયા.
અંધારાને કારણે લોકો કંઈ સમજી શક્યા નહીં, તેથી તેઓએ તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનને અકસ્માતની જાણ કરી. માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવી હતી. જ્યારે પોલીસને ખબર પડી કે તે ભારતીય વાયુસેનાનું ફાઇટર પ્લેન હતું જે ક્રેશ થયું હતું, ત્યારે પોલીસ સ્ટેશને તાત્કાલિક તેના વરિષ્ઠ અધિકારીઓને ઘટના વિશે જાણ કરી.
માહિતી મળતા જ જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એસપીએ ઘટનાસ્થળનું સ્થળ પર નિરીક્ષણ કર્યું. હાલમાં ઘટના સ્થળ નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગામલોકોને ત્યાંથી દૂર કરવામાં આવ્યા છે. કોઈને નજીક આવવા દેવામાં આવી રહ્યું નથી. આ ઘટના અંગે ભારતીય વાયુસેનાને પણ જાણ કરવામાં આવી છે. એસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું છે.