Home Blog Page 1039

ટ્રમ્પના ટેરિફથી ભારતને 3.1 અબજ ડોલરના નુકસાનની શક્યતા

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા સંભવિત નવા ટેરિફના કારણે ભારતને 3.1 બિલિયન ડોલર (લગભગ 25,700 કરોડ રૂપિયા)ની નિકાસનુ નુકસાન થાય એવી શક્યતા છે, એમ કેરએજ રેટિંગ્સનો નવો રિપોર્ટ કહે છે. આ રકમ ભારતના કુલ ઘરેલુ ઉત્પાદ (GDP) ના અંદાજે 0.1 ટકાના બરાબર છે, જે ભારતીય અર્થતંત્ર માટે ચિંતાનો વિષય બની શકે છે.

રેટિંગ્સ એજન્સીનાં ડિરેક્ટર સ્મિતા રાજપુરકર અનુસાર ટેરિફ વધતા ભારતનાં મુખ્ય નિકાસ ક્ષેત્રો પર ગંભીર અસર પડી શકે છે, જેમાં ઘણા ઉદ્યોગો પણ સામેલ છે. ઉદાહરણ તરીકે  ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રી, ઓટોમોબાઈલ અને ઓટો પાર્ટ્સ, IT અને ફાર્માસ્યુટિકલ્સ. ખાસ કરીને ભારતનો મોટો ભાગનો કપડાંની નિકાસ અમેરિકામાં થાય છે, જે ટેરિફ વધવાથી અસરગ્રસ્ત થઈ શકે છે. ભારતીય ઓટો સેક્ટર પહેલેથી જ મંદીનો સામનો કરી રહ્યું છે અને નવા ટેરિફને કારણે આ ઉદ્યોગ વધુ અસરગ્રસ્ત થઈ શકે છે. ભારતની IT અને દવા કંપનીઓ અમેરિકન બજારમાંથી મોટો નફો કમાય છે, પરંતુ ટેરિફ વધવાથી ખર્ચ વધી જશે, જેને કારણે ભારતીય કંપનીઓની સ્પર્ધાત્મકતા ઘટી શકે.

જો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર ટેરિફ લગાવવાની જાહેરાત કરે તો તેની ઘણી મહત્વપૂર્ણ અસર થઈ શકે છે, જે ભારતીય અર્થતંત્ર માટે નુકસાનકારક છે. આ સાથે ટેરિફ વધવાથી ભારતીય કંપનીઓ માટે અમેરિકા મોકલાતી વસ્તુઓની કિંમત વધશે, જેનાથી તેમનાં ઉત્પાદનોની માગ ઘટી શકે.

 

 

 

 

IPL 2025 વચ્ચે રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન બદલાયો

પંજાબ કિંગ્સ સામેની મેચ પહેલા રાજસ્થાન રોયલ્સ માટે મોટા સમાચાર આવ્યા છે. ટીમના નિયમિત કેપ્ટન સંજુ સેમસન ફિટ થઈ ગયા છે અને પંજાબ સામે કેપ્ટનશીપ કરતા જોવા મળશે. સંજુ પહેલી ત્રણ મેચમાં પ્રભાવશાળી ખેલાડી તરીકે રમ્યો અને બેટથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. સંજુની ગેરહાજરીમાં, રિયાન પરાગ રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ સંભાળી રહ્યો હતો. રાજસ્થાને છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને જીતનું ખાતું ખોલ્યું હતું.

સંજુ સેમસન કેપ્ટન રહેશે

પંજાબ કિંગ્સ સામેની મેચ પહેલા રાજસ્થાન રોયલ્સ માટે સારા સમાચાર આવ્યા છે. પહેલી ત્રણ મેચમાં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમનાર સંજુ સેમસન કેપ્ટન તરીકે ટીમમાં પાછો ફર્યો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર અનુસાર, સંજુ પંજાબ સામે રાજસ્થાનની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. સંજુની ગેરહાજરીમાં, રિયાન પરાગ પ્રથમ ત્રણ મેચમાં કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો. રાજસ્થાને અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાંથી બે મેચ હારી છે, જ્યારે ટીમ માત્ર એક જ મેચ જીતી છે. સેમસનનું કેપ્ટન તરીકે પુનરાગમન રાજસ્થાન રોયલ્સ માટે રાહતના સમાચાર છે.

ચેન્નાઈ સામે જીતનું ખાતું ખોલ્યું

સતત બે મેચમાં હારનો સામનો કર્યા બાદ રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે જીત સાથે પોતાનું ખાતું ખોલ્યું. ગુવાહાટીમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. ટીમ માટે નીતિશ રાણાએ શાનદાર બેટિંગ કરી અને 36 બોલમાં 81 રનની તોફાની ઇનિંગ રમી. નીતીશે પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. આ લક્ષ્યનો પીછો કરતા, CSK 6 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 176 રન બનાવી શક્યું. વાનિન્દુ હસરંગાએ બોલથી ભારે તબાહી મચાવી, 4 વિકેટ લીધી, જ્યારે સંદીપ શર્માએ મેચની છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ કરી.

 

સુરતમાં રામ નવમીને લઈ રેલી રૂટ અને રેલવે સ્ટેશનની આસપાસ ડ્રોન સર્વેલન્સ શરૂ

રામ નવમીનો તહેવાર નજીક આવતાં સુરત પોલીસે શહેરમાં કોમી સૌહાર્દ જળવાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે. 6 એપ્રિલ, 2025ના રોજ રામ નવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ભીડભાડવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા મજબૂત કરવા માટે ડ્રોન પેટ્રોલિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ઉધના પોલીસે ખાસ કરીને ઉધના રેલવે સ્ટેશન પર ડ્રોન સર્વેલન્સ શરૂ કર્યું છે, જ્યાં હજારો મુસાફરોની સતત અવરજવર રહે છે. આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગડબડ ન થાય તે માટે પોલીસે અદ્યતન ટેકનોલોજીનો સહારો લીધો છે. ડ્રોનની મદદથી સ્ટેશન અને તેની આસપાસના વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ પગલું ભક્તોને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવામાં મદદ કરશે. રામ નવમીના દિવસે સુરતમાં વિવિધ સંગઠનો દ્વારા રેલીઓનું આયોજન કરવામાં આવે છે. આ રેલીઓના રૂટ પર સુરક્ષા મજબૂત કરવા પોલીસે ડ્રોન સર્વેલન્સની સાથે ગ્રાઉન્ડ પેટ્રોલિંગ પણ હાથ ધર્યું છે. ખાસ કરીને સંવેદનશીલ સ્થળો અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ દળ સતત મોનીટરીંગ કરી રહ્યું છે. ઉધના રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, જેથી રેલી દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય.

શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પોલીસે પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ડ્રોન પેટ્રોલિંગ ઉપરાંત, જરૂરી સ્થળોએ પોલીસ બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો છે. સુરત પોલીસે શહેરવાસીઓને અપીલ કરી છે કે તેઓ રામ નવમીનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવે અને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહે. પોલીસની આ આગોતરી તૈયારીઓ એ સુનિશ્ચિત કરવા માટે છે કે ભક્તો નિર્ભયપણે ભગવાન રામની ભક્તિમાં લીન થઈ શકે.

જાણીતા હોલીવુડ અભિનેતા વેલ કિલ્મરનું નિધન

પ્રખ્યાત હોલીવુડ અભિનેતા વેલ કિલ્મરનું નિધન થયું છે. આ અભિનેતાએ 65 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું. કિલ્મરનું ન્યુમોનિયાથી અવસાન થયું. વેલના મૃત્યુની પુષ્ટિ તેમની પુત્રી મર્સિડીઝ કિલ્મરે કરી હતી. સમાચાર એજન્સી અનુસાર, મર્સિડીઝે એસોસિએટેડ પ્રેસને મોકલેલા ઈમેલમાં જણાવ્યું હતું કે કિલ્મરનું મૃત્યુ મંગળવાર, 1 એપ્રિલની રાત્રે લોસ એન્જલસમાં થયું હતું.

1984માં કારકિર્દીની શરૂઆત કરી

વેલ કિલ્મરનું ન્યુમોનિયાથી અવસાન થયું છે. વર્ષ 2014 માં, અભિનેતાને ગળાના કેન્સરનું નિદાન થયું હતું. જોકે, સારવાર બાદ તે સ્વસ્થ થઈ ગયો. અભિનેતા વેલ કિલ્મરે 1984માં ફિલ્મ ‘ટોપ સિક્રેટ’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ‘ટોપ ગન’, ‘રીયલ જીનિયસ’, ‘વિલો’, ‘હીટ’ અને ‘ધ સેન્ટ’ જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કરીને દર્શકોમાં ઓળખ મેળવી.

વેલ કિલ્મર બહુ-પ્રતિભાશાળી અભિનેતા હતા. તેણે ‘ટોપ ગન’ માં આઈસમેનની ભૂમિકા ભજવી હતી. ‘બેટમેન ફોરેવર’ માં બેટમેન તરીકે દેખાયા. ‘ધ ડોર્સ’ માં જીમ મોરિસનની ભૂમિકા ભજવી. વેલ કિલ્મરે 2021 ની દસ્તાવેજી ફિલ્મ વેલના અંતે પોતાની કારકિર્દી વિશે કહ્યું. મેં બહાદુરીથી વર્તન કર્યું છે. કેટલાક લોકો સાથે મારો વિચિત્ર વ્યવહાર રહ્યો છે. હું તેનો કોઈ પણ ઇનકાર કરતો નથી અને મને તેનો કોઈ અફસોસ નથી, કારણ કે મેં મારા પોતાના એવા ભાગો ગુમાવ્યા છે અને શોધી કાઢ્યા છે જે મને ક્યારેય ખબર નહોતી કે મારી પાસે છે.

કુણાલ કામરાએ માફી માંગી, શોમાં હાજર રહેલા વ્યક્તિને આપી શાનદાર ઓફર

વિવાદોમાં ઘેરાયેલા કોમેડિયન કુણાલ કામરાએ બુધવારે એક નવું ટ્વિટ કર્યું છે. કુણાલે લખ્યું, ‘મારા શોમાં હાજરી આપ્યા પછી તમને જે પણ અસુવિધા થઈ તે બદલ હું માફી માંગુ છું. કૃપા કરીને મને મેઇલ કરો જેથી હું તમારા માટે વેકેશનનું આયોજન કરી શકું.

શું છે સમગ્ર મામલો?

ખરેખર કુણાલ કામરાએ તેના તાજેતરના સ્ટેન્ડ અપ કોમેડી શોમાં ઘણા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. આ મામલે તેમની સામે તપાસ ચાલી રહી છે. મુંબઈ પોલીસે તાજેતરમાં કુણાલના શો દરમિયાન હાજર રહેલા લોકોને નોટિસ પણ જારી કરી હતી. કુણાલના પ્રેક્ષકોમાં મુંબઈના એક બેંકર પણ હતા. આ બેંકર તાજેતરમાં તમિલનાડુ અને કેરળના પ્રવાસે હતા. દરમિયાન, જ્યારે પોલીસે તેમને નોટિસ મોકલી, ત્યારે તેમને કેસમાં જુબાની આપવા માટે મુંબઈ પાછા ફરવું પડ્યું. હવે કુણાલ કામરાએ પોતાના ટ્વિટમાં તે જ બેંકરની માફી માંગી છે અને પોતાની ટ્રીપને સ્પોન્સર કરવાની વાત કરી છે.

પોલીસે ત્રીજું સમન્સ જારી કર્યું

આ પહેલા, સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાને મહારાષ્ટ્ર પોલીસે ત્રીજો સમન્સ જારી કર્યો હતો. પોલીસે કામરાને ૫ એપ્રિલે પોલીસ સમક્ષ હાજર થવા જણાવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે ૩૬ વર્ષીય કામરાને મુંબઈના ઉપનગરીય વિસ્તારમાં ખાર પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ગયા મહિને અહીં તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આ પહેલા પોલીસે તેને બે વાર સમન્સ પાઠવ્યું હતું. અનેક સમન્સ મળ્યા છતાં, કામરા હજુ સુધી પોલીસ સમક્ષ હાજર થયા નથી.

વરુણ ગ્રોવરે ટેકો આપ્યો

હાસ્ય કલાકાર અને બોલિવૂડ પટકથા લેખક અને ગીતકાર વરુણ ગ્રોવરે હાસ્ય કલાકાર કુણાલ કામરાને ટેકો આપ્યો છે. કુણાલે જે કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું તેમાં સામેલ લોકોને મુંબઈ પોલીસે સમન્સ મોકલ્યા છે. પોલીસ આ લોકોની પૂછપરછ કરી રહી છે. ગ્રોવરે આ વાત પર કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે દર્શકોને સમન્સ મોકલવાને બદલે, મુંબઈ પોલીસે પોતે જ કાર્યક્રમમાં જોડાવું જોઈએ. તેમણે કહ્યું કે લોકોને પૂછવાને બદલે, તેમણે તેમના મજાક પર પોતાનો નિર્ણય આપવો જોઈએ.

શું છે આખો મામલો?

તમને જણાવી દઈએ કે તાજેતરમાં કુણાલ કામરાએ મહારાષ્ટ્રના એક નેતા પર ટિપ્પણી કરી હતી. આ પછી, શિવસેનાના કાર્યકરોએ કાર્યક્રમનું આયોજન કરતા સ્ટુડિયોમાં તોડફોડ કરી. મુંબઈ અને શિંદેના રાજકીય ગઢ ગણાતા થાણેના અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ કામરા વિરુદ્ધ અલગ અલગ FIR નોંધવામાં આવી છે.

અહીં રચાયો હતો આનંદનો ગરબો!

અમદાવાદના મુખ્ય એસ.ટી.ડેપો ગીતામંદિર રોડથી ભૂલાભાઇ પાર્ક તરફ જતાં નવાપુરામાં બહુચરાજી માતાજીનું એક અનોખું ઐતિહાસિક મંદિર છે. આ આસ્થાનું એવું કેન્દ્ર છે, જ્યાં મા બહુચરાજીની આસ્થા, વલ્લભ ભટ્ટની રસ-રોટલી જમાડવાની કથા અને આનંદના ગરબાની રચનાની વાતો જોડાયેલી છે. અહીં મંદિર સંકુલમાં પ્રવેશતા જ જુદા જુદા મંદિરો, રમતા કુકડાઓ અને જળાશયને જોઇ શ્રધ્ધાળુઓને અલગ જ પ્રકારની અનુભૂતિ થાય છે.

મંદિરની સ્થાપના માગશર સુદ બીજના રોજ કરવામાં આવી છે. એક માન્યતા પ્રમાણે, શહેરની રચના થઇ ત્યારે સર્વપ્રથમ નવ “પરા” વસ્યા હતા. આ નવ પરાના સૌથી પ્રાચીન દેવી હતા મા બહુચર.‌ સમય જતાં નવાપરાનું અપભ્રંશ થઈ નવાપુરા નામ પ્રચલિત બન્યું.

મંદિરમાં સરસ મજાનું જળાશય છે, જેને માનસરોવર તરીકે ઓળખવામાં આવે છે. મા બહુચરાજીની ભક્તિ સાથે જોડાયેલો પ્રસિધ્ધ આનંદનો ગરબો વલ્લભ ભટ્ટજીએ અહીં રચ્યો હતો. માતાજીના ગોખમાં લાડુ ધરાવવાની પરંપરા પણ અહીંથી પ્રચલિત થઈ હોય એવું માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન હજારો ભક્તો અહીં દર્શનાર્થે આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

પુંચમાં પાકિસ્તાની ઘૂસણખોરીનો સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુંચ જિલ્લામાં પાકિસ્તાની સેના દ્વારા ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દરમિયાન પાકિસ્તાની સેનાએ ગોળીબાર પણ કર્યો હતો. પાકિસ્તાનની આ હરકતનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ કૃષ્ણા ઘાટી વિસ્તારમાં પાકિસ્તાની સેનાની ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન એક લેન્ડ માઇનમાં વિસ્ફોટ થયો. ત્યાર બાદ પાકિસ્તાની સેનાએ ભારે ગોળીબારી શરૂ કરી અને સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું.

પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબાર અને ઘૂસણખોરીના પ્રયાસોની વચ્ચે ભારતે અસરકારક કાર્યવાહી કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જોકે આ ગોળીબારમાં ચાર ભારતીય જવાન ઘાયલ થયા છે.

જમ્મુ સ્થિત સેનાના અધિકારી લેફ્ટેનન્ટ કર્નલ સુનીલ બર્તવાલે નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે LoC પર પાકિસ્તાની સેનાની ઘૂસણખોરીના પ્રયાસને કારણે કૃષ્ણા ઘાટી સેક્ટરમાં લેન્ડ માઇનમાં વિસ્ફોટ થયો હતો. ત્યાર બાદ પાકિસ્તાની સેનાએ કોઈ પણ ઉશ્કેરણી વિના ગોળીબાર કરી અને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ભારતીય સેનાએ સંયમિત અને સંતુલિત રીતે અસરકારક જવાબ આપ્યો છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને એની ચાંપતી નિગરાની રાખવામાં આવી રહી છે. ભારતીય સેનાએ નિયંત્રણ રેખા (LoC) પર શાંતિ જાળવી રાખવા માટે 2021ના ડિરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGsMO) વચ્ચે થયેલી સમજૂતીના સિદ્ધાંતોનું પાલન કરવાની મહત્વતાને પુષ્ટિ આપી છે.

રાજકોટમાં ફરી આગનો તાંડવ, પરમિશન વગર ધમધમતી સાબુની ફેક્ટરી બળીને ખાખ

રાજકોટમાં TRP અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળવાની રાહ જોવાઈ રહી છે, ત્યાં શહેરમાં ફરી એક ભયંકર આગની ઘટના સામે આવી છે. સોમવારે કુવાવડા રોડ પર નવાગામ (આણંદપર)ના રાજારામ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં દિવેલીયાપરા વિસ્તારમાં આવેલી જે. કે. કોટેજ નામની સાબુ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ઘટનામાં મોટો ખુલાસો થયો છે કે, આ ફેક્ટરી વર્ષોથી RUDA (રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) અને GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ની મંજૂરી વિના ચાલી રહી હતી.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, જે.કે.કોટેજ ફેક્ટરી લાંબા સમયથી કોઈપણ કાયદેસર મંજૂરી વિના કામ કરી રહી હતી. ફેક્ટરી પાસે ન તો RUDAની પરવાનગી હતી, ન તો GPCBની મંજૂરી હતી, અને ન જ ફાયર NOC હતું. આમ છતાં, તંત્રની ઘોર બેદરકારીને કારણે આ ફેક્ટરી નિરંતર ચાલતી રહી. TRP અગ્નિકાંડના પીડિતોને હજુ ન્યાય નથી મળ્યો, ત્યાં આ ઘટનાએ તંત્રની નિષ્ક્રિયતા પર ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે. આ અંગે ફેક્ટરી માલિકે જણાવ્યું કે, “જ્યારે અમે બિલ્ડિંગ બનાવ્યું ત્યારે GPCB કે RUDAની મંજૂરી લેવાની જરૂર છે કે નહીં તેની અમને જાણ નહતી. તંત્રે અમને ક્યારેય કોઈ નોટિસ આપી નથી.” આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તંત્રની નજર નીચે આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી રહી.

ઘટના બાદ કુવાવડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વીડિયોગ્રાફી દ્વારા પુરાવા એકઠા કરવાનું શરૂ કર્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે ફેક્ટરી માલિકની બેદરકારી અંગે પણ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ એક મોટો સવાલ ઉભો કર્યો છે કે, તંત્ર ક્યાં સુધી મોટી દુર્ઘટનાની રાહ જોતું રહેશે? ડીસામાં પણ આવી જ ગેરકાયદે ફેક્ટરીના કારણે 21 લોકોના જીવ ગયા હતા, અને અનેક પરિવારો ઉજડી ગયા હતા. ત્યારે આવી ઘટનાઓનું પુનરાવર્તન ક્યાં સુધી ચાલશે? આ ઘટના ફરી એકવાર તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારીને ઉજાગર કરે છે. TRP અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે તે પહેલાં જ નવાગામની આ ઘટનાએ સુરક્ષા નિયમોના અમલ પર સવાલો ઉભા કર્યા છે. જો તંત્ર સમયસર જાગે નહીં, તો આવી દુર્ઘટનાઓનો સિલસિલો ચાલુ રહેશે.

વક્ફ બિલ પર લોકસભામાં અખિલેશ-શાહ આમને-સામને થયા

વકફ સુધારા બિલ 2024 લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. આ અંગે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અને સપા પર વળતો પ્રહાર કર્યો. બિલ રજૂ કરતી વખતે, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ લોકોના પ્રશ્નોના જવાબ આપ્યા. ભાજપ સરકાર આ બિલને મુસ્લિમોના હિતમાં સુધારાવાદી પગલું ગણાવી રહી છે, ત્યારે વિપક્ષે તેનો જોરદાર વિરોધ કર્યો છે. બિલ રજૂ કરતી વખતે, સપાના વડા અખિલેશ યાદવે કહ્યું કે ભાજપ પોતાના પ્રમુખની પસંદગી કરી શકતી નથી, જેના જવાબમાં અમિત શાહે જવાબ આપ્યો કે બધી પાર્ટીઓએ પોતાના પરિવારમાંથી રાષ્ટ્રપતિ પસંદ કરવા પડશે. કોંગ્રેસના સમયમાં, એવી સમિતિઓ હતી જે મંજૂરીની મહોર લગાવતી હતી. આપણી સમિતિઓ લોકશાહી સમિતિઓ છે. આના પર અખિલેશે હાથ જોડી દીધા.

અમિત શાહે આકરી ટીકા કરી

અખિલેશ યાદવે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની અંદર એક સ્પર્ધા ચાલી રહી છે. સૌથી ખરાબ હિન્દુ કોણ છે? ભાજપનો અધ્યક્ષ કોણ હશે તે પાર્ટી નક્કી કરી શકતી નથી. અખિલેશનું નિવેદન સાંભળીને અમિત શાહ ઉભા થયા અને યોગ્ય જવાબ આપ્યો. અમિત શાહે કહ્યું કે અખિલેશજી, આ પાંચ લોકોની પાર્ટી નથી. આ કરોડો લોકોની પાર્ટી છે, તેથી રાષ્ટ્રપતિની પસંદગી લોકશાહી રીતે થાય છે. અમિત શાહ અહીં જ અટક્યા નહીં. તેમણે કહ્યું, જાઓ, તમે 25 વર્ષ સુધી સપાના પ્રમુખ રહેશો.

બિલનો વિરોધ કરતા અખિલેશ યાદવે કહ્યું કે આ બિલ નિષ્ફળતાઓનું બિલ છે. ભાજપ સરકારે પણ નોટબંધીનો નિર્ણય લીધો હતો, પરંતુ આજે પણ ઘણી જગ્યાએથી નોટો પાછી ખેંચી લેવામાં આવી રહી છે. ખેડૂતોના સંદર્ભમાં પણ નિષ્ફળતા છે. તે ફુગાવા વિશે પણ છે. શું ગંગા સ્વચ્છ થઈ ગઈ છે? શું તે સ્માર્ટ સિટી બની ગયું છે? આ વખતે નિષ્ફળતાનો પડદો વક્ફ બિલ બની ગયો છે, જેના પર નિર્ણય લેવાનો છે, તેમના મંતવ્યોને મહત્વ આપવામાં આવ્યું ન હતું. કહ્યું કે જ્યારે પણ ભાજપ નવું બિલ લાવે છે, ત્યારે તે પોતાની નિષ્ફળતા છુપાવે છે.

શ્રીમદ્ રાજચંદ્રજીની ધરમપુર પધરામણીના 125 વર્ષની ભવ્ય ઉજવણી..

ગુડી પાડવાના પવિત્ર દિવસે ભારતના મહાન સંત, અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીની ધરમપુરમાં પધરામણીને 125 વર્ષ થયા એ પ્રસંગને ઉજવતાં ધરમપુરમાં એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું.

ભગવાન મહાવીર અને શ્રીમદ્ રાજચંદ્રજીના રથથી  શોભાયમાન આ શોભાયાત્રામાં ગુરૂદેવ રાકેશજી પણ એક રથમાં બિરાજમાન હતા. ભગવાનના આગમનની છડી પોકારતાં ઢોલ નગારાં સાથે હાથી, ઘોડા, ઊંટ, મ્યુઝિક બેન્ડ સાથે માનવ મહેરામણ ઉમટ્યો હતો. સ્ત્રીઓ માથા પર કળશ લઈને, શ્રીમદ્ રાજચંદ્રજી લિખિત વચનામૃતજીનું પવિત્ર પુસ્તક લઈને પોતાનો અહોભાવ દર્શાવતાં ચાલી રહી હતી. ધરમપુરની જે શેરીઓમાંથી આ શોભાયાત્રા પસાર થઇ રહી હતી ત્યાં ત્યાં નગરજનો દર્શન સ્વાગત કરી રહ્યા હતાં.  સ્થાનિક સંગઠનો, મંડળો પણ ગુરૂદેવનું બહુમાન કરી રહ્યા હતા. અબાલવૃદ્ધ સહુ કોઈ અત્યંત ધર્મોલ્લાસપૂર્વક નાચતાં ગાતાં ધરમપુરના માર્ગો પર ઉત્સવનું વાતાવરણ  સર્જી રહ્યાં હતાં. આ મંગલ પ્રસંગે સમગ્ર ધરમપુરના કતલખાના બંધ રાખવામાં આવ્યા હતાં.

ઉચ્ચ આત્મદશાવાન શ્રીમદ્ રાજચંદ્રજી ઈ.સ. ૧૯૦૦માં ગુડી પડવાના શુભ દિને ધરમપુરમાં પધાર્યા હતા અને ૩૫ દિવસ અહીં  રહ્યા હતા. ધરમપુરની જે મોહનગઢ ટેકરી પર તેઓએ સાધના કરી હતી, આજે ત્યાં જ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ છે, જે તેમના પરમ ભક્ત ગુરૂદેવ રાકેશજી સંસ્થાપિત શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરનું આંતરરાષ્ટ્રીય મુખ્યમથક છે. ગુરુદેવની પ્રેરણાથી આ પવિત્ર અવસરે વિશ્વભરમાંથી આવેલ હજારો ભાવિકોએ આશ્રમમાં શ્રીમદ્ રાજચંદ્રજી પધરામણી અષ્ટાહ્નિકા મહોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી. ગુરુદેવના સત્સંગ, ભક્તિ કાર્યક્રમો, ધ્યાન પ્રયોગ, શ્રીમદ્જી જે સ્મશાનમાં સાધના કરતાં હતાં ત્યાં જાપ વગેરે અનેકવિધ અનુષ્ઠાનો દ્વારા ભક્તજનોએ શ્રીમદ્જીને સ્મરણાંજલિ અર્પી હતી.

આશ્રમમાં આ પ્રસંગને ઉજવવા અન્ય અનેક સંતો પણ પધાર્યા હતાં. આ શુભ અવસરે આશ્રમમાં 450 તેમ જ ધરમપુર નગરમાં 70થી વધુ શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાજી તથા ચિત્રપટની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ ઉજવણીઓ નિમિત્તે નીકળેલી ભવ્ય શોભાયાત્રાના અંતે આશ્રમમાં એક દિવ્ય સંગીતમઢયા કાર્યક્રમ દ્વારા શ્રીમદ્ રાજચંદ્રજીની પધરામણીને લોકોએ અત્યંત ધર્મોલ્લાસથી વધાવી લીધી હતી. અને સાંજે ભક્તોએ રાસ ગરબા રમી પુલક મનાવ્યો હતો.

આ પવિત્ર અવસરના નિમિત્તે ગુરુદેવ રાકેશજીએ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે ખાસ ધરમપુરવાસીઓને સત્સંગનો લાભ આપ્યો હતો, જેનાથી લોકોને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા મળી હતી. ધરમપુરના લેડી વિલ્સન મ્યુઝિયમમાં શ્રીમદ્ રાજચંદ્રજીના ધરમપુર સાથેના સંબંધ  પર એક પ્રદર્શની શરુ કરવામાં આવી હતી.

આ પાવન પ્રસંગની મુખ્ય વિશેષતા એ પણ રહી હતી કે  શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુરમાં સ્થાપિત શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનો મહામસ્તકાભિષે સહુ કોઈ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ વાત વાયુવેગે ફેલાતાં વિશ્વભરમાંથી લોકો આશ્રમમાં આવ્યા હતાં અને 50,000થી વધુ મહામસ્તકાભિષેક થયા હતા. 13મી એપ્રિલ સુધી આ લાભ સર્વ કોઈ લઇ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અવસરે ધરમપુર નગરવાસીઓ માટે ૩૫ દિવસ સુધી અનેક સેવાકાર્યો અને વિવિધ ઉજવણીઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આનંદોત્સવનો શુભારંભ સંપૂર્ણપણે ફ્રી મેડિકલ કેમ્પ અને ગીતા રબારીના લોકડાયરાથી થયો હતો. ત્યારબાદ  અનેકવિધ કાર્યક્રમો જેમ કે સામાજિક નાટક, ‘ધરમપુર ગૉટ ટૅલેન્ટ’ સ્પર્ધા, પુરુષો અને મહિલાઓની ક્રિકેટ ટુર્નામેન્ટ, આંતર-ગ્રામીણ રમતગમતની સ્પર્ધાઓ, મહિલાઓ માટે સ્પર્ધાઓ, બાળકો માટે આનંદમેળો, મહિલા દિવસની ઉજવણી, વલસાડ જિલ્લાની અનેક શાળાઓમાં ૬ થી ૮ ધોરણના વિદ્યાર્થીઓ માટે શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનદર્શન પર આધારિત ક્વિઝ, શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવનચરિત્ર વર્ણવતી રાજ કથા, આંગણવાડીઓનું નવીનીકરણ તથા ત્યાં બાળકો માટે મનોરંજન અને ભેટ,  ધરમપુર અને તેની આસપાસના આંતરિયાળ ગામોમાં શિક્ષણ, આરોગ્ય તથા પ્રાણીસેવાના વિવિધ કાર્યક્રમો યોજાયા  હતા. વિજેતાઓને પુરસ્કારો તેમ જ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં. આ શુભ નિમિત્તે અનેક વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવી હતી.