મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજાઓના રિપેરિંગ માટે આવતીકાલે, 2 એપ્રિલ 2025ના રોજ બપોરે 4 વાગ્યે બે દરવાજા 2 ફૂટ ખોલવામાં આવશે. આ પ્રક્રિયામાં શરૂઆતમાં 1300 ક્યુસેક પાણી છોડાશે, જે તબક્કાવાર વધારીને 3500 ક્યુસેક સુધી લઈ જવામાં આવશે. આના કારણે મોરબી તાલુકાના 20 અને માળિયા તાલુકાના 9 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમના રિપેરિંગ કામ માટે તેને ખાલી કરવાની જરૂર પડી છે. આવતીકાલથી આ પ્રક્રિયા શરૂ થશે, જેમાં પાણીનો પ્રવાહ નદીમાં છોડવામાં આવશે. પ્રથમ તબક્કે 1300 ક્યુસેક પાણી છોડાયા બાદ, તેને ધીમે-ધીમે વધારીને 3500 ક્યુસેક સુધી પહોંચાડાશે. આ દરમિયાન નદીના કિનારે આવેલા ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
એલર્ટ પરના 29 ગામો
મોરબી તાલુકાના ગામોમાં જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુલકા, જુના સાદુલકા, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, સોખડા, અમરનગરનો સમાવેશ થાય છે. માળિયા તાલુકાના વીરપરડા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપુર, સોનગઢ, માળિયા (મી) ગામોને પણ એલર્ટ કરાયા છે. આ ગામોના લોકોને નદીના પટમાં જવાનું ટાળવા અને સાવચેતી રાખવા જણાવાયું છે. જિલ્લા વહીવટી તંત્રે તમામ 29 ગામોના સરપંચોને આ અંગે જાણકારી આપી દીધી છે. સ્થાનિક લોકોને નદી કિનારે અવરજવર ન કરવા અને સલામત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે. આ રિપેરિંગ કામ ડેમની લાંબા ગાળાની સુરક્ષા અને સંચાલન માટે જરૂરી છે, જેથી આ પ્રક્રિયા દરમિયાન સહકારની અપેક્ષા રાખવામાં આવે છે.
નવી દિલ્હીઃ નવા ઉદ્યોગ સાહસિકોને (સ્ટાર્ટઅપ્સ- Start-Upsને) ટેકો આપવા માટે ગેઇલ ઇન્ડિયા લિ.એએ મૂડીરોકાણની પહેલ માટે ‘ગેઇલ પંખ- GAIL Pankh’નો 10મો રાઉન્ડ લોન્ચ કર્યો છે. જેના માધ્યમથી રસ ધરાવતા સ્ટાર્ટઅપ્સ મહારત્ન PSU પાસેથી ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ માટે અરજી કરી શકે છે.
જેતે સ્ટાર્ટઅપ્સ ગેઇલની વેબસાઈટ https://gailonline.com પર ‘ગેઇલ પંખ-GAIL Pankh’ લિંક મારફતે અરજી કરી શકે છે. આ 10મો રાઉન્ડ 1 એપ્રિલ, 2025 થી 31 મે, 2025 સુધી ખુલ્લો રહેશે. આમાં મુખ્યત્વે નેચરલ ગેસ, પેટ્રોકેમિકલ્સ, એનર્જી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ઈ-કોમર્સ, ફિનટેક, IoT અને ડેટા માઇનિંગ, પર્યાવરણ, આરોગ્ય, સામાજિક સુરક્ષા અને સલામતી જેવાં ક્ષેત્રોમાં સંચાલિત સ્ટાર્ટઅપ્સ ફંડિંગ માટે અરજી કરી શકે છે. કંપની પાસે તેના સ્ટાર્ટઅપ્સ કાર્યક્રમ માટે રૂ.500 કરોડનું ભંડોળ છે.
‘ગેઇલ પંખ- GAIL Pankh’ કંપનીની સંશોધન, ભાગીદારી અને અર્થપૂર્ણ સામાજિક જોડાણ દ્વારા શ્રેષ્ઠતા લાવવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ પહેલ 2017 માં લોન્ચ કરવામાં આવી હતી, અને આજ સુધીમાં કંપની નવ રાઉન્ડમાં સ્ટાર્ટઅપ્સ માટે મૂડીરોકાણના પ્રસ્તાવો આમંત્રિત કરી ચૂકી છે.
હાલમાં જ કંપનીને સ્ટાર્ટઅપ્સમાં મૂડીરોકાણ માટે સારી કામગીરી બદલ 11મો PSU એવોર્ડની શ્રેણીમાં પ્રતિષ્ઠિત ‘સ્ટાર્અપ્સ એક્સલન્સ એવોર્ડ’ મળ્યો હતો. આ એવોર્ડ કંપની દ્વારા સ્ટાર્ટઅપ્સને અપાતા મૂડીરોકાણ માટેના ટેકાને અને મૂડીરોકાણની પ્રતિબદ્ધતાને માન્યતા આપે છે.
મંગળવારે, 1 એપ્રિલ 2025ની સવારે 8:10 વાગ્યે મલેશિયાની રાજધાની કુઆલાલંપુર નજીક સેલાંગોર રાજ્યના પુચોંગ શહેરમાં ગેસ પાઇપલાઇનમાં થયેલા ભયાનક વિસ્ફોટથી આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ કેટલાય કિલોમીટર દૂર સુધી દેખાઈ હતી, જેના કારણે આસપાસના વિસ્તારોમાં હડકંપ મચી ગયો. આ ઘટનામાં ઓછામાં ઓછા 112 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 63ને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે 12 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ફાયર વિભાગ અને બચાવ ટીમો ઘટનાસ્થળે આગ ઓલવવા અને લોકોને સુરક્ષિત બહાર કાઢવાનું કામ કરી રહી છે.
આ વિસ્ફોટ સ્ટેટ એનર્જી કંપની પેટ્રોનાસની 500 મીટર લાંબી ગેસ પાઇપલાઇનમાં લીકેજને કારણે થયો હતો. પેટ્રોનાસે જણાવ્યું કે આગ લાગ્યા બાદ પાઇપલાઇનનો વાલ્વ તાત્કાલિક બંધ કરી દેવાયો છે, જેનાથી આગ ધીમે-ધીમે ઓલવાઈ જશે. જોકે, આગની તીવ્રતા એટલી હતી કે 49 મકાનોને નુકસાન પહોંચ્યું છે અને નજીકના ગામડાઓમાં રહેતા લોકોને ખાલી કરાવવામાં આવ્યા છે. સેલાંગોરના મુખ્યમંત્રી અમીરુદ્દીન શારીએ જણાવ્યું કે બચાવાયેલા 82 લોકોને નજીકની મસ્જિદમાં આશ્રય આપવામાં આવ્યો છે.
આગનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેમાં આકાશમાં ઊંચે ભભૂકતી જ્વાળાઓ અને ગાઢ ધુમાડો સ્પષ્ટ દેખાય છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે ઘરના દરવાજા અને બારીઓ હલી ગયા હતા. સ્ટાર અખબારે ફાયર ડિરેક્ટર વાન મોહમ્મદ રઝાલી વાન ઈસ્માઈલને ટાંકીને કહ્યું કે ડઝનબંધ ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
આ ઘટના દરમિયાન મલેશિયામાં મુસ્લિમ સમુદાય ઈદની ઉજવણી કરી રહ્યો હતો, જેને કારણે આગની અસર વધુ ગંભીર બની. પેટ્રોનાસે જણાવ્યું કે આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ કોઈ મૃત્યુના અહેવાલ નથી, પરંતુ નુકસાનનું સંપૂર્ણ મૂલ્યાંકન બાકી છે.
નવી દિલ્હીઃ ઘરેલુ અર્થતંત્રએ નાણાં વર્ષ 2024-25ના ચોથા ત્રિમાસિકમાં સારું પ્રદર્શન કર્યું છે. માર્ચ મહિનામાં GST કલેક્શનમાં વધારો જોવા મળ્યો છે. GST કલેક્શનમાં માસિક આધારે 6.5 ટકા અને ગયા વર્ષના માર્ચ મહિનાની સરખામણીમાં 10 ટકાનો ઉછાળો થયો છે અને કલેક્શન 11 મહિનાના ઊંચા સ્તરે પહોંચી ગયું છે.
ગયા મહિને કુલ GST કલેક્શન ₹1.96 લાખ કરોડ થયું છે. ફેબ્રુઆરીમાં એ રૂ. 1.84 લાખ કરોડ હતું. આ સતત 13મો મહિનો છે, જેમાં GST કલેક્શન રૂ. 1.7 લાખ કરોડથી વધુ રહ્યું હોય. જે એક સકારાત્મક સંકેત છે. રિફંડ બાદ નેટ કલેક્શનમાં નવ ટકાનો વધારો થયો છે, જે રૂ 1.76 લાખ કરોડ રહ્યું છે. રિફંડમાં તેજ વૃદ્ધિને કારણે ગ્રોસ (કુલ) GSTની સરખામણીમાં નેટ કલેક્શન થોડું ધીમું પડ્યું છે. આ વખતે રિફંડમાં 41 ટકાનો વધારો જોવા મળ્યો છે.
પાછલા નાણાકીય વર્ષ માટે કુલ GST કલેક્શન રૂ. 22 લાખ કરોડ થયું હતું, જે નવ ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે. માર્ચમાં કુલ ગ્રોસ રેવન્યુ કલેક્શન રૂ. 1,96,141 કરોડ (9.9 ટકાનો ઉછાળો) થયું છે, જ્યારે ફેબ્રુઆરી 2024માંમાં રૂ. 1,78,484 કરોડ હતું.
માર્ચ, 2024માં CGST- રૂ. 38,100 કરોડ, SGST- ₹49,900 કરોડ, IGST- રૂ. 95,900 કરોડ અને ઘરેલુ સેસ- રૂ. 11,116 કરોડ રહ્યો છે. GST કલેક્શનનો અત્યાર સુધીનો સૌથી ઊંચો સ્તર એપ્રિલ 2024માં નોંધાયો હતો, જ્યારે કુલ કલેક્શન રૂ. 2.1 લાખ કરોડ થયું હતું, જેમાં 15.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
ગાંધીનગર: ઇટલીના તુરીનમાં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનોદિવ્યાંગ ખેલાડીઓએ ડંકો વગાડ્યો છે. મહેસાણાના આશાબેન ઠાકોર અને દાહોદના પિન્કલબેન ચૌહાણે તુરીનમાં ફ્લોરબૉલ રમતમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને રાજ્ય તેમજ દેશનું નામ રોશન કર્યું છે. ફ્લોરબૉલ એ હોકી જેવી એક ઇન્ડોર ગેમ છે, જે હળવા પ્લાસ્ટિક બૉલ અને વિશિષ્ટ કાર્બન ફાઈબર સ્ટિક સાથે રમવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, 8થી 15 માર્ચ 2025 દરમિયાન તુરીન, ઇટલી ખાતે સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી ભારતના 30 એથ્લિટ્સે જુદી-જુદી રમતમાં ભાગ લીધો હતો, જે પૈકી આશાબેન ઠાકોર અને પિન્કલબેન ચૌહાણે ફ્લોરબૉલ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
2010થી થાય છે સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન
આંતરરાષ્ટ્રીય સંસ્થા સ્પેશિયલ ઓલિમ્પિક્સના સંદર્ભમાં ‘સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત-ગુજરાત’ એ સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા માન્યતા પ્રાપ્ત નોડલ સંસ્થા છે. વર્ષ 2010થી સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા દિવ્યાંગ કેટેગરી માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરે છે. તેમાંથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે ક્વોલિફાઇડ થાય છે અને વિવિધ દેશોમાં દર 2 વર્ષે યોજાતી વર્લ્ડ ગેમ્સ માટે તેમની પસંદગી કરવામાં આવે છે. આશાબેન અને પીન્કલબેનના આંતરરાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયન બનવા પાછળ પણ ખેલ મહાકુંભે મહત્વની ભૂમિકા ભજવી છે. આ બંને ખેલાડીઓ 2010થી ગુજરાત સરકાર દ્વારા યોજાતા સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભાગ લે છે અને વિજેતા બને છે.
રમતગમતને પ્રોત્સાહન આપવા PMએ શરૂ કર્યો હતો ખેલ મહાકુંભ
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યમાં વર્ષ 2010માં યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ જાગૃતિ આવે, શારિરીક તદુંરસ્તી જળવાઈ રહે અને ગુજરાતમાં રમતગમતની સંસ્કૃતિનું નિર્માણ થાય તે ઉદ્દેશથી ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે ખેલ મહાકુંભમાં ગ્રામ્યકક્ષાથી રાજ્યકક્ષા સુધીની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં ખેલ મહાકુંભ માત્ર ખેલ પ્રતિભાશોધ માટે નહી, પરંતુ સમગ્ર ગુજરાતમાં રમતના વિકાસનો આધારસ્તંભ બની ગયો છે. ગુજરાતમાં વર્ષ 2010માં યોજાયેલ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે 16.50 લાખ જેટલા રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જે વર્ષ 2024-25માં ખેલ મહાકુંભ 3.0માં વધીને રેકોર્ડ બ્રેક 71,30,834 સુધી પહોચ્યું છે.
ગુજરાતની સ્પોર્ટ્સ પોલિસી
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે સ્પોર્ટ્સ પોલિસી 2022-2027 લૉન્ચ કરી હતી જેનો હેતુ રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ડેવલપ કરવાનો છે. નવી પોલિસીથી ગુજરાત આવનારા સમયમાં સ્પોર્ટ્સમાં અગ્રણી બનશે અને રાજ્યના પ્રતિભાવાન ખેલાડીઓને તેમના સપના સાકાર કરવાની વધુ તકો મળશે. ગુજરાતમાં આજે છેલ્લા બે દાયકામાં ખેલકૂદ ક્ષેત્રે ગુજરાતના યુવાનો આગળ આવ્યા છે અને તેમની ક્ષમતામાં વધારો થયો છે. તેનો શ્રેય ગુજરાત સરકારના અથાક પ્રયાસોને જાય છે.
ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ 141 ગણુ વધ્યું
ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ખેલ મહાકુંભ, શક્તિદૂત યોજના, DLSS જેવી અનેક નવી પહેલો, કાર્યક્રમો અને નીતિઓ શરુ કરવામાં આવી હતી જેના હેઠળ એથ્લિટ્સને યોગ્ય તાલીમ, નાણાંકીય સહાય અને માન્યતા પ્રદાન કરવામાં આવે છે. વર્ષ 2002 પહેલાં ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ માત્ર ₹2.5 કરોડ હતું, જે આજે 141 ગણું વધીને ₹352 કરોડથી વધુનું થયું છે.
ભાવનગર: વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન શહેરથી 52 કિલોમીટર દૂર આવેલું છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન સમગ્ર રાજ્યનું આગવું નજરાણું છે. આ ઉદ્યાનમાં કાળીયાર સિવાય વરુ, ઝરખ, નીલગાય તેમજ અહીંના વેટલેન્ડમાં દેશ-વિદેશના વિવિધ જાતના પક્ષીઓ જોવા મળે છે. પ્રકૃતિપ્રેમીઓ માટે કાળીયાર ઉદ્યાન સ્વર્ગ સમાન છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં 5 હજાર કાળીયારમુક્ત રીતે વિચરી રહ્યા છે.
આ રાષ્ટ્રીય ઉદ્યાન તેની ઘાંસીયા ભૂમિ અને સ્થાનિક વૃક્ષોથી રચાયેલ વસાહત, કાળીયાર, નીલગાય, ભારતીય વરૂ, ઝરખ, શિયાળ, લોંકડી જેવા પ્રાણીઓ અને ખડમોર (લેસર ફલોટીકન) અને પટ્ટાઇઓ (હેરીયર્સ) જેવા યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન આશ્રયસ્થાન છે. આ સમગ્ર વિસ્તારને “ભાલ” તરીકે ઓળખવામાં આવે છે. આ ભાલ વિસ્તારને કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવેલું છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન 34.53 ચો. કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું છે. સમતળ જમીન, સૂકું ઘાસ અને હરણોના ટોળાંઓ હંમેશા આ પાર્કમાં મુલાકાતીઓને આકર્ષિત કરે છે. જેમાં એક અનન્ય ઘાસવાળી ઇકોસિસ્ટમ છે.
કાળીયાર: ભાવનગર જિલ્લાના વેળાવદરમાં જોવા મળતા કાળીયાર “Antelope cervicapra rajputanae ( વૈજ્ઞાનિક નામ)” તરીકે ઓળખાય છે. જે ભારતમાં અન્ય રાજયમાં જોવા મળતા કાળીયારો કરતાં અલગ દેહલાલીત્ય ધરાવે છે. તે ટોળામાં રહે છે અને પ્રતિ કલાક 80 કિ.મી.ની ઝડપે લાંબા અંતર સુધી દોડી શકતું એકમાત્ર પ્રાણી ચિત્તો છે. પરંતુ તે ટૂંકા અંતર માટે વધુ ઝડપથી દોડી શકે છે. જ્યારે કાળીયાર તેની પૂર્ણ ક્ષમતાએ દોડે ત્યારે તેની બે ખરીની છાપ વચ્ચેનું મહત્તમ અંતર 6.60 મી. જોવા મળે છે.
ખડમોર (લેસર ફલોરીકન): લેસર ફલોરીકન પક્ષી બસ્ટાર્ડ કૂળનું દુર્લભપક્ષી છે, જેને ખડમોર તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે ચોમાસાના વાદળો ઘેરાય ત્યાર બાદ આ પક્ષીઓનું આગમન થાય છે અને નર પક્ષી પોતાની હદ નક્કી કરી માદાને પોતાની તરફ આકર્ષવા 1.5 થી 2.0 મી. ઉંચો ફૂદકો મારે છે અને ટરરરુ જેવો અવાજ કરે છે. આ પક્ષી સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. માદા જમીન પર માળો બાંધી તેમાં ત્રણથી ચાર ઈંડા મૂકે છે અને બચ્ચાંનો ઉછેર કરે છે. તેની સંવનન સિવાયની ૠતુમાં તે કયાં વસે છે, તેના ઉપર સંશોધન થઈ રહ્યાં છે. પ્રવાસીઓ માટે આ સમય દરમ્યાન રાષ્ટ્રીય ઉદ્યાન બંધ રહેવાથી આ પક્ષીઓને નિહાળી શકાતા નથી.
પટ્ટાઇ પક્ષી વિશ્વનું સૌથી મોટું સામુદાયિક શયન સ્થાન: પટ્ટાઇ એ શિકારી કૂળનું યાયાવર પક્ષી છે, જેની કુલ ચાર જાતો આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં નોંધાયેલ છે. આ પક્ષીઓ કઝાકીસ્તાન અને સાયબીરીયા જેવા ઠંડા પ્રદેશોમાંથી શિયાળો ગાળવા અંદાજે 8000 કિ.મી. જેટલું અંતર કાપી અહીં આવે છે. તે કીટક, નાના ઉંદર જેવા પ્રાણીઓ, પક્ષીઓ, ઈયળો, ગરોળીઓ, કાંચીડા વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અલગ-અલગ વિસ્તાર અને જાતિના પટ્ટાઈઓ સમૂહમાં ઘાંસીયા ભૂમિમાં રાતવાસો કરતા હોવાથી તેને સામૂહિક શયન તરીકે ઓળખવામાં આવે છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં પટ્ટી-પટ્ટાઈ, ઉજળી પટ્ટાઇ, ઉત્તરીય પટ્ટાઇ અને પાન પટ્ટાઇ જોવા મળે છે.
ઝરખ: ઝરખ એ સફાઈ કામદાર તરીકે ઓળખાતું શ્વાનકૂળનું પ્રાણી છે. આ પ્રાણી મૃત્યુ પામેલા પ્રાણીઓના માંસ અને હાડકાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તે સામાન્ય કુતરા કરતા કદમાં મોટું અને આગળના ખંભાથી ઉંચાઈ વધારે હોય છે. જયારે પાછળના પગની ઉચાઈ ઓછી હોવાથી કદરૂપુ દેખાય છે. એના શરીર પર કાળા રંગના અનિયમિત પટ્ટા જોવા મળે છે. તેઓ રાષ્ટ્રીય ઉદ્યાનના પર્યાવરણને જાળવી રાખવા સફાઈનું કામ અસરકારક રીતે કરે છે અને મૃત્યુ પામેલા પ્રાણીઓના મોટા હાડકાને ચાવીને કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા કિંમતી પોષાક તત્વોનું રિસાયકલિંગ કરે છે.
ભારતીય વરૂ (વુલ્ફ): કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતીય વરૂની વસ્તી માટે પણ વિખ્યાત છે. આ વસાહતમાં વરુ ટોચનું શિકારી પ્રાણી છે. તેના આહારમાં 80 થી 90 ટકા ભાગ કાળીયાર હોય છે. જ્યારે અન્ય આહારમાં ખીસકોલી, સસલાં, પાણી કાંઠાના પક્ષીઓ વગેરે છે. વરૂ પણ સામાજિક પ્રાણી છે અને જૂથમાં રહે છે. એક જૂથમાં બેથી માંડીને તેર સુધીના સભ્યો જોવા મળે છે. કિશોરવયના વરૂ પુખ્ત બનતા પોતાના અલગ વિસ્તારોમાં વિસ્તરણ પામે છે.
આ ઉદ્યાન આમ તો આખું વર્ષ ખુલ્લું હોય છે. પણ ચોમાસા અને શિયાળાની વચ્ચેનો સમય (સામાન્ય રીતે મધ્ય જૂનથી માર્ચના અંત સુધીનો સમય) ફરવા માટે યોગ્ય છે. અહીં આવવાનો સૌથી ઉત્તમ સમય ડિસેમ્બરથી માર્ચ વચ્ચેનો છે. કેમ કે આ સમય દરમ્યાન ઘણાં સ્થળાંતર કરનારા પક્ષીઓ અહીં આવે છે. જેમ કે પટ્ટાઇની ત્રણ પ્રજાતિઓ લેસર ફ્લોરિકન, ગરુડ, સારસ અને અન્ય જળ પક્ષીઓ શિયાળો અહીં ગાળે છે.
કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવતા સહેલાણીઓ માટે અહીં અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. કાળીયાર નેશનલ પાર્કમાં જવા માટે સહેલાણીઓ ટિકિટ મેળવી પ્રવેશ મેળવી શકે છે. જેના ભાવ પણ બીજા નેશનલ પાર્ક કરતા ખૂબ જ ઓછા છે. અહીં જોવા આવતા લોકો માટે 15 જેટલી ગાડીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે અને સાથે 22 જેટલાં ગાઈડની સુવિધા પણ ઉપલબ્ધ છે. અહીંનો પ્રાકૃતિક વેટલેન્ડ વિસ્તાર અતિ સમૃદ્ધ છે.
આજે 1 એપ્રિલ 2025 ના રોજ, નવું નાણાકીય વર્ષ 2025-26 શરૂ થયું. દેશભરમાં ઘણા મોટા ફેરફારો પણ લાગુ કરવામાં આવ્યા. જોકે, આજે શેરબજારમાં સુસ્તી જોવા મળી હતી. સરકારના પગલા પછી, વોડાફોન-આઈડિયાના શેર સૌથી વધુ વધ્યા. બજારના મુખ્ય સૂચકાંકો બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી દિવસભર લાલ નિશાનમાં કારોબાર કરતા રહ્યા. આજે સવારે શેરબજારની શરૂઆત લાલ નિશાન પર થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 1390 પોઈન્ટ ઘટીને 76,024 પર બંધ થયો. આ ઉપરાંત નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં પણ ઘટાડો નોંધાયો હતો. NSE નિફ્ટી 353 પોઈન્ટ ઘટીને 23,165 પર બંધ થયો.
આજે BSE સેન્સેક્સમાં Idea, Salasar, Hbleengine, Mahseamles અને Allcargo ટોપ ગેઇનર્સ બન્યા છે. જ્યારે યુકો બેંક, વોલ્ટાસ, ઇપ્કલ લેબ, સુવેનફાર અને પ્રુડેન્ટનો સમાવેશ ટોચના નુકસાનકર્તાઓની યાદીમાં થયો હતો.
આ સાથે, આજે NSE નિફ્ટીમાં ભારે વેચવાલી નોંધાઈ છે. NSE નિફ્ટીમાં ટોપ ગેઇનર્સની યાદીમાં વોડાફોન-આઈડિયા પણ ટોચ પર છે. આ ઉપરાંત, કાનાનીઇન્ડ, હેસ્ટરબિયો, રેડિયન્ટસીએમએસ અને ઓર્ચાસ્પ આજના ટોચના લાભકર્તા બન્યા છે. આ ઉપરાંત, PSB, UCO બેંક, Onesource, Vaishali અને Drcsystems ટોપ લુઝર બન્યા છે.
નિફ્ટીમાં સેક્ટર્સની સ્થિતિ કેવી હતી?
આજે 1 એપ્રિલના રોજ, NSE નિફ્ટીમાં મીડિયા સેક્ટર લીલો રહ્યો. મીડિયા સેક્ટર 2.24 ટકા વધીને બંધ થયું. જ્યારે, રિયલ્ટી, આઇટી અને હેલ્થ કેરમાં ભારે ઘટાડો નોંધાયો હતો. રિયલ્ટી સેક્ટર આજે 3 ટકાથી વધુ ઘટ્યું છે. આ ઉપરાંત, આઇટી અને આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં પણ લગભગ 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ગઈકાલે શેરબજાર કેવું રહ્યું?
આ પહેલા 28 માર્ચ એટલે કે શુક્રવારે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. બીએસઈ સેન્સેક્સ 191 પોઈન્ટ ઘટીને 77,414 પર અને એનએસઈ નિફ્ટી 72 પોઈન્ટ ઘટીને 23,519 પર બંધ થયો. 28 માર્ચે શેરબજારમાં ઘટાડો યુએસ ટેરિફની અસરને કારણે થયો હતો. 28 માર્ચે NSE નિફ્ટીમાં મીડિયા સેક્ટર સૌથી વધુ ઘટ્યું છે. મીડિયા સેક્ટરમાં 2.29%નો ઘટાડો થયો હતો. અમેરિકન ટેરિફની અસરને કારણે ઓટો સેક્ટરમાં પણ વેચવાલી જોવા મળી. આજે ઓટો સેક્ટરમાં 1 ટકાનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત આજે સ્મોલ કેપ અને મિડ કેપમાં સારો વધારો જોવા મળ્યો.
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા, જેમણે પોતાની કેપ્ટનશીપ હેઠળ T-20 વર્લ્ડ કપ 2024 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતાડી, તેમજ વિરાટ કોહલી BCCIના 2024-25 સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં A+ ગ્રેડમાં જ રહેશે. BCCIના સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને ખેલાડીઓએ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસ લીધો હોવા છતાં, તેમનું A+ ગ્રેડ જાળવી રાખવામાં આવશે. આ ઉપરાંત, શ્રેયસ અય્યર પણ આ લિસ્ટમાં પુનરાગમન કરવા જઈ રહ્યો છે.
રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ જીત્યા બાદ આ ફોર્મેટને અલવિદા કહ્યું હતું, જ્યારે વિરાટ કોહલીએ પણ તે જ મેચ બાદ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. જોકે, BCCI માને છે કે આ બંને ખેલાડીઓએ ભારતીય ટીમની સફળતામાં અણમોલ યોગદાન આપ્યું છે. તેથી, ટી20માંથી રિટાયરમેન્ટ છતાં તેમને A+ ગ્રેડમાં રાખવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ફેબ્રુઆરી 2024માં જાહેર થયેલા લિસ્ટમાં રોહિત, વિરાટ, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા A+ ગ્રેડમાં સામેલ હતા, અને આ ચારેયનું સ્થાન અકબંધ રહેવાની શક્યતા છે. શ્રેયસ અય્યરને ગયા વર્ષે ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ ન લેવાના કારણે BCCIએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાકાત કર્યો હતો. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં તેણે 5 ઈનિંગમાં 243 રનનું શાનદાર પ્રદર્શન કરીને ટીમની જીતમાં મહત્વનો ફાળો આપ્યો. આ પ્રદર્શનના આધારે તે હવે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પાછો ફરવા માટે તૈયાર છે. બીજી તરફ, ઈશાન કિશનનું નસીબ આ વખતે પણ બદલાય તેવું લાગતું નથી. 2023 પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ગેરહાજર રહેલા ઈશાનને ગયા વર્ષે અય્યરની સાથે બહાર કરાયો હતો અને આ વખતે પણ તે લિસ્ટમાં સ્થાન નહીં મેળવે તેવી શક્યતા છે.
નવી દિલ્હીઃ ફૂડ અને ગ્રોસરી ડિલિવરી કરવાવાળી કંપની ઝોમેટોએ એક વર્ષમાં 600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. કંપનીએ 600થી વધુ કસ્ટમર સપોર્ટ કર્મચારીઓને હાયર કર્યાના એક વર્ષની અંદર જ નોકરીમાં કાઢી મૂક્યા હતા. ફૂડ ડિલિવરી બિઝનેસ ગ્રોથમાં ઘટાડો થતાં કંપનીએ ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. બીજી બાજુ, ક્વિક કોમર્સ કંપની બ્લિન્કિટને પણ વધતા નુકસાનનો સામનો કરી રહી છે. કંપનીએ ખર્ચ ઘટાડવા માટે અને ગ્રાહક સપોર્ટ પ્રક્રિયાને ઓટોમેટેડ બનાવવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ વધારવાનો નિર્ણય કર્યો છે.
કંપનીના ગુરગાંવ સ્થિત હેડક્વાર્ટરએ અંતર્ગત 1500 કર્મચારીઓને ગ્રાહક સપોર્ટ સિસ્ટમ માટે ભરતી કરી હતી. તેમને વેચાણ, ઓપરેશન, પ્રોગ્રામ મેનેજમેન્ટ, સપોર્ટ, સપ્લાય ચેઈન અને કેટેગરી ટીમમાં ટ્રાન્સફર થવાની તક આપવામાં આવી હતી. તેમ છતાં, મોટા ભાગના કર્મચારીઓના કરારને રિન્યુ નથી કરવામાં આવ્યા.
અહેવાલ મુજબ આ કર્મચારીઓને માત્ર એક મહિનાનો પગાર આપવામાં આવ્યો છે અને તેમને કોઈ નોટિસ પિરિયડ વગર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.
કંપની ZAAP પ્રોગ્રામ હેઠળ ભરતી કરાયેલા મોટા ભાગના કર્મચારીઓને ગયા સપ્તાહમાં કોઈ સ્પષ્ટ માહિતી આપ્યા વિના કાઢી મૂક્યા છે. આ કર્મચારીઓને ગુરગાંવ અને હૈદરાબાદ ઓફિસમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.
કર્મચારીઓએ આરોપ મૂક્યો છે કે કંપનીએ Nugget નામનો AI આધારિત ગ્રાહક સપોર્ટ પ્લેટફોર્મ લોંચ કર્યા બાદ કંપનીની ગ્રાહક સપોર્ટ ટીમ પરની નિર્ભરતા ઘટી છે, જેના કારણે નોકરીઓ જતી રહી છે. આ પહેલાં કંપનીની છેલ્લી મોટી છટણી ડિસેમ્બર, 2022માં થઈ હતી, ત્યારે કંપનીએ પ્રોડક્ટ, ટેકનોલોજી, કેટલોગ અને માર્કેટિંગ જેવા વિભાગોમાંથી 100 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા, જે કંપની વર્કફોર્સના લગભગ ચાર ટકા હિસ્સો હતો.
એપ્રિલથી જૂન સુધી દેશમાં તાપમાન સામાન્યથી ઉપર રહેવાની શક્યતા છે. મધ્ય અને પૂર્વ ભારત અને ઉત્તરપશ્ચિમ મેદાની વિસ્તારોમાં ગરમીનું મોજું લાંબા સમય સુધી ચાલુ રહેવાના સમાચાર છે. IMD એટલે કે ભારતીય હવામાન વિભાગે સોમવારે આ વાત કહી. સામાન્ય રીતે ભારતમાં એપ્રિલથી જૂન સુધી ચાર થી સાત દિવસ સુધી ગરમીનું મોજું રહે છે.
IMD ના જણાવ્યા અનુસાર પશ્ચિમ અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારો સિવાય દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેશે. પશ્ચિમ અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહેવાની શક્યતા છે. તેમણે કહ્યું કે મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન પણ સામાન્યથી ઉપર રહેવાની શક્યતા છે. એપ્રિલથી જૂન દરમિયાન, ઉત્તર અને પૂર્વ ભારત, મધ્ય ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં સામાન્ય કરતાં બે થી ચાર દિવસ વધુ ગરમીનો અનુભવ થવાની સંભાવના છે.
જે રાજ્યોમાં સામાન્ય દિવસો કરતાં વધુ સમય સુધી ગરમીનું મોજું રહેવાની શક્યતા છે તેમાં રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટક અને તમિલનાડુના ઉત્તરીય ભાગોનો સમાવેશ થાય છે. મહાપાત્રાએ જણાવ્યું હતું કે પૂર્વી ઉત્તર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ અને ઓડિશા સહિત કેટલાક રાજ્યોમાં આ સમયગાળા દરમિયાન 10 થી 11 દિવસ સુધી ગરમીનું મોજું રહેવાની શક્યતા છે.
એપ્રિલમાં ભારતના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેવાની શક્યતા છે. જોકે, દૂર દક્ષિણ અને ઉત્તરપશ્ચિમ પ્રદેશોના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહી શકે છે. દેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેશે, ઉત્તરપશ્ચિમ અને ઉત્તરપૂર્વના કેટલાક સ્થળો સિવાય, જ્યાં તાપમાન સામાન્ય અથવા સામાન્યથી થોડું નીચે રહી શકે છે.
ગયા અઠવાડિયે, કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું હતું કે તેઓ તપાસ કરે કે તેમની હોસ્પિટલો વધતા તાપમાન વચ્ચે હીટ સ્ટ્રોક અને ગરમી સંબંધિત બીમારીઓનો સામનો કરવા માટે તૈયાર છે કે નહીં. સત્તાવાર માહિતી દર્શાવે છે કે ગયા વર્ષે ઉનાળા દરમિયાન ભારતમાં હીટ સ્ટ્રોકના 41,789 શંકાસ્પદ કેસ નોંધાયા હતા અને હીટ સ્ટ્રોક અને ગરમીના હવામાનને લગતા રોગોને કારણે 143 લોકો મૃત્યુ પામ્યા હતા. નિષ્ણાતોએ કહ્યું છે કે ભારતમાં મજબૂત ડેટા કલેક્શન સિસ્ટમના અભાવે હીટસ્ટ્રોક સંબંધિત મૃત્યુની સંખ્યા ઓછી નોંધાઈ શકે છે.
heatwave
2025 માં, ઉનાળો ગયા વર્ષ કરતા વહેલો આવ્યો. 2024માં, 5 એપ્રિલે ઓડિશામાં પહેલી ગરમીનો અનુભવ થયો હતો, પરંતુ આ વર્ષે 27-28 ફેબ્રુઆરી સુધીમાં કોંકણ અને દરિયાકાંઠાના કર્ણાટકના કેટલાક ભાગોમાં ગરમીનો અનુભવ થયો હતો.
નિષ્ણાતોએ કહ્યું છે કે ભારતે આ ઉનાળામાં વીજળીની માંગમાં 9 થી 10 ટકાના વધારા માટે તૈયાર રહેવું જોઈએ કારણ કે ગરમીના દિવસોની સંખ્યા વધી શકે છે. ગયા વર્ષે, 30 મેના રોજ દેશભરમાં ટોચની વીજળીની માંગ ૨૫૦ ગીગાવોટને વટાવી ગઈ હતી, જે આગાહી કરતા 6.3 ટકા વધુ હતી. વીજળીની માંગમાં વધારો થવા પાછળનું એક મુખ્ય પરિબળ વાતાવરણમાં પરિવર્તન છે.