Home Blog Page 105

એક્ઝિટ પોલમાં ભાજપને 192 બેઠકો સાથે પ્રચંડ બહુમતીનું અનુમાન

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 ના એક્ઝિટ પોલમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. ટુડેઝ ચાણક્ય અનુસાર, ભાજપને 192 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળી શકે છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ ગઠબંધન 100 બેઠકો પર સમેટાઈ શકે છે. તમિલનાડુમાં એમ.કે. સ્ટાલિનના નેતૃત્વમાં ડીએમકે (DMK) 125 બેઠકો સાથે સત્તામાં વાપસી કરી શકે છે. તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે (TVK) 63 બેઠકો મેળવીને એક મોટી શક્તિ તરીકે ઉભરી રહી છે, જે એઆઈએડીએમકે-ભાજપ ગઠબંધન માટે ચિંતાનો વિષય છે.

પશ્ચિમ બંગાળના આંકડાઓ પર નજર કરીએ તો, ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલ મુજબ ભાજપને 294 સભ્યોની વિધાનસભામાં 192 બેઠકો મળવાનો અંદાજ છે. આ આંકડો બહુમતીના સ્તરથી ઘણો ઉપર છે. વોટ શેરની બાબતમાં પણ ભાજપ 48% મતો સાથે મોખરે દેખાઈ રહ્યું છે. જો આ અનુમાન સાચું પડે છે, તો પશ્ચિમ બંગાળના ઈતિહાસમાં ભાજપની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત હશે. બીજી તરફ, સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC+) ગઠબંધનને માત્ર 100 બેઠકો મળવાનું અનુમાન છે અને તેમનો વોટ શેર 38% ની આસપાસ રહી શકે છે. અન્ય પક્ષોના ફાળે માત્ર 2 બેઠકો અને 14% વોટ શેર જવાની શક્યતા છે.

તમિલનાડુમાં રાજકીય સ્થિતિ કંઈક અલગ જ વળાંક લઈ રહી છે. 234 બેઠકો ધરાવતી તમિલનાડુ વિધાનસભામાં ડીએમકે ફરી એકવાર સત્તાના સૂત્રો સંભાળશે તેવું અનુમાન છે. સ્ટાલિનના નેતૃત્વ હેઠળની પાર્ટીને 125 બેઠકો અને 39% વોટ શેર મળવાની સંભાવના છે. જોકે, આ ચૂંટણીમાં સૌથી મોટું આશ્ચર્ય અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી ‘ટીવીકે’ (TVK) તરફથી જોવા મળી રહ્યું છે. વિજયની પાર્ટી 30% વોટ શેર સાથે 63 બેઠકો મેળવી શકે છે, જે તેને રાજ્યની બીજી સૌથી મોટી રાજકીય શક્તિ બનાવી શકે છે.

નોંધનીય છે કે તમિલનાડુમાં વિજયની એન્ટ્રીએ વિપક્ષ એઆઈએડીએમકે (AIADMK) અને ભાજપના ગઠબંધનને મોટું નુકસાન પહોંચાડ્યું હોય તેમ જણાય છે. એક્ઝિટ પોલ મુજબ, આ ગઠબંધન માત્ર 45 બેઠકો પર જ જીત મેળવી શકે છે અને તેમનો વોટ શેર 27% ની આસપાસ રહેવાની શક્યતા છે. વિજયના વધતા પ્રભાવને કારણે ડીએમકેને બદલે વિપક્ષી મતોમાં મોટું વિભાજન થયું છે, જેનો સીધો ફાયદો સ્ટાલિનને થતો દેખાય છે.

આ એક્ઝિટ પોલના આંકડાઓએ દેશના રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપનો ઉદય અને તમિલનાડુમાં પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ આવનારા રાષ્ટ્રીય રાજકારણ માટે પણ મહત્વના સંકેતો આપે છે. હવે તમામ પક્ષો અને જનતાની નજર 4 મે ના રોજ જાહેર થનારા સત્તાવાર પરિણામો પર છે, જે નક્કી કરશે કે એક્ઝિટ પોલના આ અનુમાનો કેટલા સચોટ સાબિત થાય છે.

ગુજરાતના 3 શહેરોમાં 17 નવા બસ રૂટને મંજૂરી, જાણો ક્યા છે રૂટ!

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોની સુખાકારી અને પરિવહન સુવિધામાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરી બસ સેવા યોજના અંતર્ગત રાજ્યના 3 મહત્વના શહેરો નવસારી, વાપી અને પાલનપુરમાં કુલ 17 નવા બસ રૂટ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી સ્થાનિક સ્તરે જાહેર પરિવહન વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે અને સામાન્ય જનતાને સસ્તા અને ઝડપી પરિવહનનો લાભ મળશે.ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા ટ્વીટના માધ્યમથી આ અંગેની સત્તાવાર જાણકારી આપતા જણાવ્યું હતું કે, શહેરી બસ સેવા યોજના હેઠળ નવસારી, વાપી અને પાલનપુરમાં 17 નવા રૂટ મંજૂર કરવામાં આવ્યા છે. વિગતો મુજબ, નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં સૌથી વધુ 7 નવા રૂટ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં 4 નવા રૂટ અને પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં 6 નવા રૂટને મંજૂરી આપવામાં આવી છે. આ વિસ્તરણ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વધતી જતી વસ્તી અને મુસાફરોની જરૂરિયાતોને પહોંચી વળવાનો છે. છેલ્લા ઘણા સમયથી સ્થાનિક સ્તરે બસ સેવા વધારવાની માંગ કરવામાં આવી રહી હતી, જેનો હવે સુખદ અંત આવ્યો છે.
આ નવા બસ રૂટ શરૂ થવાથી જાહેર પરિવહન વ્યવસ્થા માત્ર મજબૂત જ નહીં બને, પરંતુ સામાન્ય નાગરિકોના સમય અને પૈસાની પણ બચત થશે. ખાસ કરીને નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આ બસ સેવા આશીર્વાદરૂપ સાબિત થશે. ખાનગી પરિવહન પર નિર્ભર રહેતા લોકો હવે સુરક્ષિત અને સુગમ સરકારી બસ સેવાનો લાભ લઈ શકશે, જેનાથી તેમના ખિસ્સા પરનો ભાર ઓછો થશે. શહેરોના અંતરિયાળ વિસ્તારોને મુખ્ય બજાર અને રેલવે સ્ટેશન જેવા સ્થળો સાથે સાંકળી લેવામાં આવતા કનેક્ટિવિટીમાં મોટો સુધારો જોવા મળશે.

અહો આશ્ચર્યમ્: નકલ કરતાં પકડાયેલા 400 વિદ્યાર્થીઓને સજાને બદલે માફી

અમદાવાદઃ પરીક્ષાઓમાં નકલ કરવા માટેના અજીબોગરીબ રસ્તાઓની ખબર ઘણા વખત સામે આવ્યા છે, પરંતુ બહુ ઓછા પ્રસંગોમાં એવું બને છે કે નકલના આવા કિસ્સાઓ શિક્ષણ વ્યવસ્થા પર જ પ્રશ્નો ઊભા કરે છે. આ વખતે ગુજરાતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) માં એવું જ થયું છે. આ વર્ષની પરીક્ષાઓ માત્ર જવાબપત્રો સુધી સીમિત રહી નથી, પરંતુ સમગ્ર શિક્ષણ પ્રણાલી સામે એક ગંભીર પ્રશ્ન ઊભો કર્યો છે કે શું વિદ્યાર્થીઓ શીખવા માટે અભ્યાસ કરે છે કે ફક્ત પાસ થવા માટે?

પ્રભારી રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામક એ. વી. ધાડુકે જણાવ્યું હતું કે પરંપરાથી હટીને ગુજરાતની આ યુનિવર્સિટીએ માર્ચમાં લેવાયેલી તેની મેડિકલ પરીક્ષાઓમાં નકલ કરતાં પકડાયેલા આશરે 400 વિદ્યાર્થીઓને દંડિત ન કરવાનો નિર્ણય લીધો છે. તેને બદલે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ‘મેલપ્રેક્ટિસિસ ઇન્ક્વાયરી કમિટી’ સમક્ષ હાજર થવા કહેશે. યુનિવર્સિટી જાણવા માગે છે કે તેમણે નકલ કેમ કરી અને ત્યાર બાદ તેમને કાઉન્સેલિંગ માટે મોકલવામાં આવશે.

ચેટGPT દ્વારા નકલ કરવાનો પ્રયાસ

કેટલાક વિદ્યાર્થીઓ મોબાઇલ ફોન છુપાવી લાવ્યા અને ChatGPT નો ઉપયોગ કરીને પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો. આ ઉપરાંત, શરીર પર નોંધો લખવી, રૂમાલ અને બેચ પર માહિતી છુપાવવી જેવી જૂની રીતો પણ જોવા મળી. સૂત્રોના જણાવ્યા મુજબ 94 વિદ્યાર્થીઓ નકલ માટે પર્ચીઓ (ચીટ્સ)નો ઉપયોગ કરતાં પકડાયા, જ્યારે 45 વિદ્યાર્થીઓ પાસે પર્ચીઓ મળી આવી. 21 વિદ્યાર્થીઓ રૂલર, રબર અને હોલ ટિકિટ પર લખેલા નોંધોનો ઉપયોગ કરતા હતા. 17 વિદ્યાર્થીઓએ પોતાના હાથ અને પગ પર જવાબો લખ્યા હતા, જ્યારે 15 વિદ્યાર્થીઓએ રૂમાલ, કપડાં અને બેન્ચ પર જવાબો લખીને નકલ કરી.

નકલ કરવાની વિવિધ રીતો

11 વિદ્યાર્થીઓ કેલક્યુલેટર અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરતા પકડાયા. છ વિદ્યાર્થીઓએ ChatGPTનો ઉપયોગ કરીને જવાબ તૈયાર કર્યા, જ્યારે ત્રણ વિદ્યાર્થીઓએ પોતાની જવાબપત્રિકામાં નોટ મૂકી પરીક્ષકોને ‘પાસ’ કરવાની વિનંતી કરી.

ધાડુકે જણાવ્યું હતું કે અમે વિદ્યાર્થીઓને બોલાવી તેમની વાત સાંભળી અને પૂછ્યું હતું કે તેમણે એવું કેમ કર્યું. વિદ્યાર્થીઓએ અમારી સામે પોતાની ભૂલ સ્વીકારી. અમે નકલ કરતા પકડાયેલા 14 વિદ્યાર્થીઓને મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ લેવાની પણ સલાહ આપી છે. ગયા વર્ષે 600થી વધુ વિદ્યાર્થીઓ નકલ કરતા પકડાયા હતા, જ્યારે આ વર્ષે આ સંખ્યા ઘટીને આશરે 400 થઈ છે.

ખડગેએ કહ્યું, પાર્ટીના બધા મહત્ત્વના નિર્ણય સોનિયા ગાંધીના હાથમાં

બેંગલુરુઃ કર્ણાટકમાં શું મુખ્ય મંત્રી બદલાશે? શું સિદ્ધારમૈયાની જગ્યાએ ડીકે શિવકુમાર આવશે? આવા અનેક પ્રશ્નો કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો વચ્ચે વારંવાર ઊઠતા રહ્યા છે. એટલું જ નહીં, ડીકે શિવકુમારના સમર્થકો પણ ઘણી વખત દાવો કરતા જોવા મળ્યા છે કે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારનો કાર્યકાળ અઢી-અઢી વર્ષનો રહેશે, પરંતુ એવું કંઈ બન્યું નથી.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ફરી એક વાર સિદ્ધારમૈયા અને ઉપમુખમંત્રી ડીકે શિવકુમારને લઈને ચાલી રહેલા વિવાદ પર નિવેદન આપ્યું છે. ખડગેએ ગુરુવારે કહ્યું હતું કે પાર્ટી આ મુદ્દાને જલદીથી ઉકેલી દેશે. આ ઘટના કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરના નિવેદનના એક દિવસ પછી સામે આવી છે, જેમાં તેમણે કહ્યું હતું કે જો ખડગે મુખ્ય મંત્રી બને તો સત્તારૂઢ કોંગ્રેસ પાર્ટીના બધા લોકો તેમનું સ્વાગત કરશે. મિડિયા સાથે વાત કરતાં ખડગેએ આ અટકળોને નકારી કાઢી અને કહ્યું હતું કે તેમના વિશેના નિર્ણય સોનિયા ગાંધી લે છે. તેમણે કહ્યું હતું કે તમે (મીડિયા), તેઓ (પરમેશ્વર) અને ઉપર બેઠેલા લોકો કહે છે કે હું મુખ્ય મંત્રી બનું તે સારું રહેશે. પરંતુ નસીબથી વધુ, મારી વિચારધારા અને પાર્ટી પ્રત્યેની મારી સેવાને આધારે સોનિયા ગાંધી મારા વિશે નિર્ણય લે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે હાલમાં તો આ પ્રશ્ન ઊભો જ થતો નથી. અહીં પહેલેથી જ મુખ્ય મંત્રી છે. જો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને હું મળીને કોઈ બદલાવ અંગે નિર્ણય લઈએ, તો તેમાં થોડો સમય લાગશે. જોઈએ શું થાય છે.ઉપમુખમંત્રી ડીકે શિવકુમારના સમર્થકો 2023ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીત પછી થયેલા સત્તા-ભાગીદારી કરાર મુજબ તેમને મુખ્ય મંત્રી બનાવવાની માગ ઉઠાવી રહ્યા છે. પાછલા વર્ષના નવેમ્બરમાં કર્ણાટકમાં કોંગ્રેસ સરકારનો અડધો કાર્યકાળ પૂર્ણ થતાં જ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે સત્તા સંઘર્ષ તેજ થયો હતો. ડીકેએસના ઘણા વિધાયકો અને એમએલસી દિલ્હીમાં ડેરા નાખીને બેઠા રહ્યા હતા, જેથી પાર્ટીના હાઇકમાન્ડ પર તેમને આગામી મુખ્યમંત્રી બનાવવા દબાણ કરી શકાય.

ગુજરાતની શાળાઓમાં 4 મેથી 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર

ગાંધીનગર: રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વર્ષ 2026ના ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના લેટેસ્ટ પરિપત્ર અનુસાર, રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં એકસમાન તારીખોએ વેકેશનનો અમલ કરવાનો રહેશે. વેકેશનનો પ્રારંભ  04/05/2026થી ઉનાળુ વેકેશન શરૂ થશે અને 07/06/2026 સુધી વેકેશન રહેશે. જ્યારે 08/06/2026 થી શાળાઓ રાબેતા મુજબ પુનઃ શરૂ થશે. આ વર્ષે વિદ્યાર્થીઓને કુલ 35 દિવસનું વેકેશન મળશે.પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને (DPEO) સંકલનમાં રહીને આ તારીખો જાહેર કરવા સૂચના અપાઈ છે. આ આદેશનો અમલ રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ તેમજ સ્વનિર્ભર અધ્યાપન મંદિરો અને બાલ અધ્યાપન મંદિરોએ કરવાનો રહેશે.

‘પેટ્સ ઑન જુહુ બીચ’ પુસ્તકનું લોકાર્પણ…

મુંબઈ: વર્લ્ડ ફેમસ જુહુ બીચ પર દરરોજ પરોઢિયે સૂરજ પહેલાં એક સ્મિત ઊગતું. એ સ્મિત કાલુનું, એટલે કે રખડુ કૂતરા કાળિયાનું. વહેલી સવારે દરિયાકિનારે જેવાં કોઈનાં પગલાં રેતી પર પડે એટલે કાલુ દોડી આવે. આગંતુકને આવકારવા આનંદથી પૂંછડી એવી પટપટાવે, જાણે સમુદ્રનાં મોજાં એની અંદર જ વસે.– પણ એક સવારે કાલુ ન આવ્યો. જુહુ બીચના રેગ્યુલરો આવી જશે પાછો રખડતો  એમ કહીને ભૂલી ગયા, પણ દરિયાકાંઠે સવાર પડતી રહી-કાળિયાના સ્મિત વગર એટલે કાલુની શોધ ચાલી. એની તસવીર મુંબઈભરના ડૉગ (વ્હૉટ્સઍપ)  ગ્રુપમાં વાઈરલ કરવામાં આવી, પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી. અચાનક સોળમા દિવસે કાલુ મળી ગયો. હેમખેમ. બે ટપોરીબાજોએ કાલુને કિડનૅપ કર્યો હતો! પોલીસે એમને પકડી લીધા.

આ આખી ઘટનામાં કાલુની તસવીરે ચમત્કાર કર્યો હતો: એક ક્લિક અને એક અબોલ જીવ પાછો મળી ગયો.

– અને એ તસવીર લીધી હતી મૌલિક કોટકે.

ગયા રવિવાર-૧૨ એપ્રિલે, નૅશનલ પેટ્સ ડેની વળતી સવારે સદા અગ્રસર સાપ્તાહિક ચિત્રલેખા ગ્રુપના ચૅરમૅન, અવ્વલ દરજ્જાના લેન્સમૅન મૌલિક કોટકના તસવીર-સંગ્રહ પેટ્સ ઑન જુહુ બીચના લોકાર્પણ અવસરે સુખ્યાત ટેલિવિઝન પ્રોડ્યુસર પ્રીતિ સિમોસે કિડનૅપિંગ ઑફ કાલુની સત્ય કથા વર્ણવી.

જુહુ બીચથી માંડ ચારેક કિલોમીટર દૂર આવેલી ધ ક્લબમાં આયોજિત આ દબદબાભર્યા સમારંભના વિશેષ અતિથિ હતા: ઈન્વેસ્ટમેન્ટ બૅન્કર-વેન્ચર કૅપિટલિસ્ટ વલ્લભ ભણસાલી, જાણીતા કાર્ડિયાક સર્જ્યન તથા એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યૂટના સ્થાપક ડૉ. રમાકાંત પાંડા તથા એક-એકથી ચડિયાતી ટીવીસિરિયલ, ફિલ્મ, વેબ-સિરીઝના નિર્માતા-લેખક-દિગ્દર્શક વિપુલ અમૃતલાલ શાહ.પાછલાં અમુક વર્ષો દરમિયાન મૌલિકભાઈએ વહેલી સવારે જુહુ સમુદ્રકાંઠે ઝડપેલી હજારેક શ્ર્વાન તસવીરોમાંથી ૧૦૦ની ઝલક, એ તસવીરો કેવી રીતે ઝડપાઈ એની કથા, મુંબઈ, મુંબઈગરા માટે જુહુ બીચનું મહત્ત્વ, વગેરે જાણવા-માણવા મોટી સંખ્યામાં પશુપ્રેમીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત હતા.

સવારના અગિયાર વાગ્યાથી જ ધ ક્લબનું પરિસર મહેમાનોથી ઊભરાવા માંડ્યું. ચા-કૉફીની ચૂસકી ને અલ્પાહાર બાદ બરાબર પોણા બારના ટકોરે કાર્યક્રમ શરૂ થયો. આરંભમાં મૌલિક કોટકના ૨૦૧૯ના નવેમ્બરમાં પ્રકાશિત થયેલા પુસ્તક લાઈફ ઑન જુહુ બીચના લોકાર્પણ-કાર્યક્રમની ઝલક બતાવવામાં આવી. ત્યાર બાદ મૌલિકભાઈના પુત્ર તથા ચિત્રલેખા ગ્રુપના વાઈસ ચૅરમૅન મનન કોટક તથા મૌલિકભાઈની પૌત્રી તનાયા કોટકે સંવાદ સ્વરૂપે શ્રોતાઓને મીઠો આવકાર દીધો. મનનભાઈએ કહ્યું: ‘હું મારા પિતાને પ્યારથી મિસ્ટર બૉન્ડ  કહીને પુકારું છું, કેમ કે જ્યારે અમે બીચ પર ટહેલવા જઈએ ત્યારે એ સિક્રેટ એજન્ટ જેમ્સ બૉન્ડની જેમ ભીડમાં ભળી જઈ, કોઈને અણસાર પણ ન આવે એ રીતે આવી અલભ્ય તસવીરો ઝડપી લે… ક્યારે, કોણ એમના કૅમેરામાં ઝડપાઈ જાય એ કહી ન શકાય.’– તો મનનભાઈની પુત્રી તનાયાએ આ નોખા-અનોખા પુસ્તકની જન્મકથા વર્ણવતાં કહ્યું: ‘આ પહેલાં પ્રકાશિત થયેલા જુહુ બીચ વિશેના પુસ્તકમાં શ્ર્વાનની અમુક તસવીરો જોઈને મેં કહ્યું હતું, દાદા, આમ છૂટીછવાયી તસવીરોથી અર્થ નહીં સરે. એમને એમનું અલાયદું પુસ્તક આપો.  અને લો, આ રહ્યું એ પુસ્તક.’

પિતા-પુત્રીની ટૂંકી, પણ અસરકારક રજૂઆતે કાર્યક્રમને એક માહોલ બાંધી આપ્યો. રજૂઆતના અંતમાં મનનભાઈએ એ પછી રજૂ થનારા સરપ્રાઈઝ વિડિયોની પૂર્વભૂમિકા બાંધી આપતાં કહ્યું: ‘હવે તમારી આંખો પરદા પર ફોકસ કરજો, કેમ કે હવે આપણે મૅન ઑફ મિસ્ટરીને, સ્પાય ઑન સૅન્ડને આવકારવા જઈ રહ્યા છીએ. ચાલો, તાળીઓના ગડગડાટથી મિસ્ટર બૉન્ડને વધાવીએ.’

આ સાથે જ પરદા પર ટક્સીડો સૂટમાં સજ્જ, ઈયાન ફ્લેમિંગના અમર જાસૂસ જેમ્સ બૉન્ડની અદામાં મૌલિકભાઈની એન્ટ્રીનો વિડિયો તાદૃશ થાય છે. એમના ડાબા હાથમાં ગનને બદલે કૅમેરા છે. ધીમી, પણ મક્કમ ચાલે એ આગળ વધી રહ્યા છે અને અચાનક પોઝિશન બદલી એ દર્શકોની સન્મુખ આવે છે, કૅમેરા ફોકસ કરીને ચાંપ દાબે છે: ખટાક્!

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી તૈયાર થયેલો આ વિડિયો જોઈને આમંત્રિત મહેમાનોને ખાતરી થઈ ગઈ કે આજનો કાર્યક્રમ યાદગાર બની રહેવાનો. એ પછી સંચાલક દ્રષ્ટિ વજારે મૌલિકભાઈને એમની લાગણી વ્યક્ત કરવા આમંત્રિત કર્યા. પોતાનો પ્રતિભાવ આપતાં મૌલિકભાઈએ કહ્યું:‘પહેલાં તો મનન-તનાયાને આ સરપ્રાઈઝ બદલ આભાર. તનુને જોઈને મને મારું બાળપણ યાદ આવી ગયું. પાંચ વરસનો હતો ત્યારે એક દિવસ ધોધમાર વરસતા વરસાદમાં પલળીને થરથર ધ્રૂજતા એક ગલૂડિયાને ઘરે લાવી એને હૂંફ આપી હતી. તે દિવસથી આજની ઘડી સુધી એવાં અસંખ્ય ગલૂડિયાંને, શ્ર્વાનને ગળે લગાડ્યાં છે, એ રીતે પશુ પ્રત્યે નાતો બંધાઈ રહ્યો છે.’

મૌલિકભાઈએ ઉમેર્યું કે ફોટોગ્રાફી શીખ્યો એ પછી એકાદ-બે દાયકા મેં અમારાં સામયિકો ચિત્રલેખા, જી  માટે ફોટોગ્રાફ્સ પાડ્યા. ૧૫ વર્ષની વયે હું હિંદી સિનેમાના દિગ્ગજોની તસવીરો ઝડપતો, પરંતુ નિયમિત જુહુ બીચ પર જતો થયો ને મારી તસવીરકળાને એક નવો વળાંક, નવી દૃષ્ટિ મળી.આ અવસરે જાણીતાં ઍનિમલ કમ્યુનિકેટર અને પેટ પેરન્ટનાં મદદગાર સાક્ષી જૈન અજમેરાએ કહ્યું: ‘હું પ્રાણીઓ સાથે વાત કરી શકું છું એવી ખબર પડતાં જ લોકો મને જાતજાતના સવાલ પૂછે છે, પણ મૌલિકભાઈનો સવાલ, એમની કુતૂહલતા મને સ્પર્શી ગઈ… હું પ્રાણીઓ સાથે ટેલિપથીથી વાત કરી એમની પસંદ-નાપસંદ જાણું છું, જેમ કે ઘરનો કયો ખૂણો એને વધારે ગમે છે, કઈ વાનગીની ગંધ, સુગંધ એને નાપસંદ કે પસંદ છે, એને શરીરમાં ચોક્કસ ક્યાં દુખે છે, વગેરે.’

ત્યાર બાદ મહેમાનોની ઊર્જા અને ઉમંગને યોગ્ય દિશામાં વાળતાં કાર્યક્રમનાં સૂત્રધારે વિશેષ અતિથિઓ ડૉ. રમાકાંત પાંડા, વલ્લભ ભણસાલી અને વિપુલ અમૃતલાલ શાહને મંચ પર આમંત્રિત કર્યા, કેમ કે એ ક્ષણ આવી પહોંચી હતી, જેની સૌ આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા હતા: પુસ્તકનું લોકાર્પણ.જો કે આ બુક લૉન્ચ જરા વિશિષ્ટ રીતે થયું. મંચ પર ઉપસ્થિત ત્રણે વિશેષ અતિથિને કૅમેરા આપવામાં આવ્યા, જે એમણે જાયન્ટ સ્ક્રીન સામે તાકીને ક્લિક કર્યા. આ સાથે જ વિશાળ પરદા પર પેટ્સ ઑન જુહુ બીચ  પુસ્તક ઝળાંહળાં થઈ ઊઠ્યું… અને હૉલમાં ઉપસ્થિત લોકોના વહેતા થયેલા જયઘોષે વાતાવરણ ડોલાવી દીધું. આ યાદગાર ક્ષણ બાદ મૌલિકભાઈ, એમનાં પત્ની રાજુલ તથા પુત્ર મનન પણ લોકાર્પણમાં જોડાયાં.

લોકાર્પણ બાદ વેળા આવી ત્રણેય મુખ્ય અતિથિઓના પ્રતિભાવની, પરંતુ અહીં પ્રતિભાવ પણ જરા હટકે હતા. ત્રણેય અતિથિએ પુસ્તકમાંની એમની પ્રિય તસવીર પસંદ કરી પસંદગીનાં કારણ આપ્યાં.જેમ કે વલ્લભ ભણસાલીએ એમના શાળાના સહપાઠી રહી ચૂકેલા મૌલિકભાઈની વિશિષ્ટતા વર્ણવતાં જણાવ્યું: ‘હંમેશાં ધીર-ગંભીર-શાંત રહેતા મૌલિકભાઈને આજે મીઠું મલકતાં જોઈને મને આનંદ થયો…’ એ પછી એમણે પોતાની પસંદગીની તસવીર વિશે કહ્યું કે આ તસવીરમાં ઓલિયા સાધુ કૃષ્ણદાસ યોગની મુદ્રામાં છે. એક શ્ર્વાન એમને આસન કરતાં કુતૂહલતાથી જોઈ રહ્યો છે, જ્યારે બીજો શ્ર્વાન પેલા શ્ર્વાનને જોઈ રહ્યો છે. આ તસવીર મને ગમી ગઈ એના કમ્પોઝિશન માટે. આ તસવીર કેટલું બધું કહી જાય છે: જાણે પેલો શ્ર્વાન પણ યોગાસન શીખવા માગતો હોય.

એ પછી વારો હતો ડૉ. રમાકાંત પાંડાનો. પદ્મવિભૂષણથી સમ્માનિત ડૉ. પાંડા પોતે વન્યજીવનને કૅમેરામાં કેદ કરવા માટે જાણીતા છે. પ્રાણીકલ્યાણનાં કાર્યો સાથે સંકળાયેલા તથા મૌલિકભાઈ અને ચિત્રલેખા  સાથે ગાઢ સંબંધ ધરાવતા ડૉ. પાંડાએ કહ્યું: ‘આમ તો મને આ પુસ્તકમાંની બધી જ તસવીરો ગમી ગઈ, પરંતુ એક તસવીરમાં શ્ર્વાનની લાક્ષણિક અદા, એની જીવંત આંખો, એની આસપાસ ઊછળતો દરિયો જે રીતે ઝડપાયાં છે એ કમાલનાં છે. બીજું, શ્ર્વાનની આસપાસ ઘણું બધું બની રહ્યું હોવા છતાં એ શાંત છે, હૅપી છે. મારી દૃષ્ટિએ આ પિક્ચર હૅપિનેસનું છે. શ્ર્વાન તમને કશીયે અપેક્ષા વિના ખુશી આપશે, શાંતિ આપશે.’

– તો લેખક-નિર્માતા-દિગ્દર્શક વિપુલ અમૃતલાલ શાહે પોતાના પ્રતિભાવ આપતાં જણાવ્યું: ‘ચિત્રલેખા  અને મૌલિકભાઈ સાથે મારો સંબંધ જરા જુદો છે. વર્ષો પહેલાં હું હરકિસન મહેતાની નવલકથા પરથી ભેદ-ભરમ  ટીવીસિરિયલ બનાવતો હતો ત્યારે અવારનવાર ચિત્રલેખાની ઑફિસે જતો. તે વખતે ઓછાબોલા, પણ કામમાં વ્યસ્ત રહેતા મૌલિકભાઈને જાણતો-સમજતો થયો…’

એ પછી જાણે જમ્પ કટ લેતા હોય એમ વિપુલભાઈએ કહ્યું: ‘આ અને આ પહેલાંના પુસ્તકથી મને એક નવા જ મૌલિકભાઈનો પરિચય થયો. એ સારા ફોટોગ્રાફર છે એ તો મને ખબર હતી જ, પણ આ બન્ને પુસ્તકની તસવીરો જોઈને જે પહેલી ચીજ મારી સામે આવી એ છે એમની સેન્સિટિવિટી… આ પુસ્તકની મારી પસંદગીની તસવીરની વાત કરું તો આ બાલિકા અને એણે છાતીસરસો ચાંપેલો પબ શ્ર્વાન. બન્નેના ચહેરાના હાવભાવ તમે ધ્યાનથી નિહાળો તો ખયાલ આવશે કે શ્ર્વાનના મોં પર ચિંતા નથી, ભય નથી, કેમ કે એને ખબર છે કે એ સુરક્ષિત હાથોમાં છે. બાલિકાના મોં પર સ્મિત છે, આનંદ છે. નિર્દોષ બાળા અને શ્ર્વાનનો સંબંધ જાણે આપણને કહે છે કે આ પૃથ્વી પરના દરેક કાળા માથાના માનવીનો પ્રાણી સાથે આવો જ વર્તાવ હોવો જોઈએ. મારી દૃષ્ટિએ આ તસવીર અમર આશાની તસવીર છે…’લોકાર્પણ સમારોહના આ નોખા-અનોખા કાર્યક્રમમાં જાણીતા કલાકાર, ઍનિમલ ફેમ, સિદ્ધાંત કર્ણિકનો આ કૉફી ટેબલ બુક તથા કોટકપરિવાર સાથેના પોતાના સંબંધ વિશેનો ઉમળકો અને જાણીતા સિંગર-સોન્ગરાઈટર ગૌરવ સજ્જનહાર દ્વારા બે મજેદાર ગીતની રજૂઆત, જેમ કે યે દોસ્તી હમ નહીં તોડેંગે, જુહુ બીચ પે મિલકે હમ મૌલિકભાઈ કે સાથ ઘૂમેંગેં…કાર્યક્રમના અંતમાં મનન કોટકે ઋણસ્વીકાર કરતાં જણાવ્યું કે આ એક સરસ સંયોગ છે કે આજથી બરાબર એક વર્ષ પહેલાં આજના જ દિવસે એટલે કે ૧૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ આ જ જુહુ વિસ્તારમાં ચિત્રલેખાના અમૃત મહોત્સવની ઉજવણી તથા પંચોતેરમા વાર્ષિક વિશેષાંકના લોકાર્પણનો કાર્યક્રમ દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, પીયૂષ ગોયલ જેવાં અનેક સમ્માનનીય વ્યક્તિત્વોની ઉપસ્થિતિમાં શાનદાર રીતે ઊજવાયો. એ પછી ૧૩ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ અમદાવાદમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ભગવદ્ કથાકાર ભાઈશ્રી રમેશ ઓઝા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમૃત મહોત્સવની ઉજવણી થઈ, જેનું ઔર એક આકર્ષણ હતું પાર્થિવ ગોહિલ સાથે સંગીતમયી સાંજ. આ વર્ષના ફેબ્રુઆરીમાં મુંબઈમાં નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં સિદ્ધહસ્ત ઈન્વેસ્ટમેન્ટ બૅન્કર વલ્લભ ભણસાલીના મૂડીબજાર વિશેનાં સિદ્ધાંત-સૂત્રો, એમની આધ્યાત્મિકતાના નિચોડ સમા પુસ્તકનું લોકાર્પણ થયું. આમ ૨૦૨૫થી શરૂ થયેલા પંચોતેરમા પ્રવેશના જશનની આજે પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે સાડા સાત દાયકાની અમારી સફરના સહપ્રવાસી એવા અમારા વાચકો, વિજ્ઞાપનકારો, વિતરકો તથા સ્પૉન્સર્સના આભારી છીએ…

આ ટૂંકા ઋણસ્વીકાર બાદ ફરી એક વાર એઆઈની મદદથી મૌલિકભાઈએ પુસ્તકમાંની તસવીરો કેવી રીતે ઝડપી હશે એવું શ્રોતાઓનું કુતૂહલ શમાવતો વિડિયો દર્શાવવામાં આવ્યો.

ભરબપોરે કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ મૌલિકભાઈને મળવા, એમની સાથે તસવીર, સેલ્ફી લેવા તથા પેટ્સ ઑન જુહુ બીચ  પુસ્તક પર એમના હસ્તાક્ષર મેળવવા રીતસર પડાપડી થઈ.

અંતે સ્વાદિષ્ટ ભોજન આરોગી સૌ ધીરે ધીરે છૂટા પડ્યા ત્યારે દરેકના ચહેરા પર જાતજાતના ભાવ હતા. કોઈએ સ્મૃતિને પકડી રાખી હતી, તો કોઈએ લાગણીને. મહેમા

નો માટે આ માત્ર એક કૉફી ટેબલ બુક નહોતી, પણ જુહુકિનારે દોડતાં નિર્દોષ પગલાંઓની જીવંત સ્મૃતિ હતી. કદાચ આ જ આ પુસ્તકની સૌથી મોટી સફળતા છે, કારણ કે કેટલીક વાર્તાઓ બોલાતી નથી-માત્ર આંખો ભીંજવી હૃદયસ્થ થઈ જાય છે.

(કેતન મિસ્ત્રી – મુંબઈ)

(તસવીરો: દીપક ધુરી, માનસ સોમપુરા)

૬૬મા ‘ગુજરાત ગૌરવ દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રીનો પ્રજાજોગ સંદેશ

ગાંધીનગર: મુખ્યમંત્રીએ ગુજરાત સ્થાપના દિન નિમિતે સંદેશો પાઠવતા જણાવાયું હતું કે, મહાત્મા ગાંધી, સરદાર સાહેબ, સ્વામી દયાનંદ સરસ્વતી, શ્યામજી કૃષ્ણ વર્માના આશીર્વાદ, પૂજ્ય રવિશંકર મહારાજ, ઈન્દુચાચા જેવા અનેક મહાપુરુષોની પ્રેરણા અને માર્ગદર્શન, લોકોનો અવિરત કઠોર પરિશ્રમ બધાના સહયોગથી ગુજરાતે પોતાની વિકાસ યાત્રા શરૂ કરી હતી. આજે એ સૌના ઋણ સ્વીકાર કરવાનો અવસર છે.

તેમણે ઉમેર્યુ કે, ગુજરાત 1લી મે 1960ના દિવસે જ્યારે મુંબઈથી અલગ રાજ્ય બન્યું ત્યારે સૌના મનમાં પ્રશ્ન હતો કે માત્ર રણ, દરિયો અને ડુંગર ધરાવતું રાજ્ય કેવી રીતે આગળ વધશે. પરંતુ,1960થી 2000ના ચાર દાયકાની ગુજરાતની વિકાસયાત્રા અને વર્ષ 2001 પછીના અઢી દાયકાની અવિરત વિકાસયાત્રાનો દીવા જેવો સ્પષ્ટ ફરક સૌ કોઈ આજે જોઈ શકે છે. ગુજરાત આજે વિકાસની એવી ઊંચાઈ પર છે કે વિશ્વ આખું ગુજરાત તરફ  આકર્ષાયું છે. તેના મૂળમાં છે આપણને મળેલું નરેન્દ્ર મોદી જેવું વિઝનરી નેતૃત્વ અને વિકાસ માટેની પ્રતિબદ્ધતા.

મુખ્યમંત્રીએ કહ્યુ કે, મોદી સાહેબે વિકાસની રાજનીતિનો યુગ ગુજરાતમાં વિકસાવ્યો. ગુજરાત તેમની પ્રેરણાથી આજે દેશના વિકાસનું રોલ મોડલ બની ગયું છે. જનતા જનાર્દને પણ આ અવિરત વિકાસ યાત્રાને સતત આગળ ધપાવવા માટે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં અપાર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે. એ જ ભરોસો અને વિશ્વાસ તમે સૌએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની તાજેતરની ચૂંટણીઓમાં પણ અમને પ્રચંડ સમર્થન આપીને અકબંધ રાખ્યો છે.આ પ્રેમનો નત મસ્તકે અમે ઋણ સ્વીકાર કરીએ છીએ.

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાને ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવવા દરેક ક્ષેત્રે વિકાસની ચરમસીમા પાર કરીને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે.વડાપ્રધાનશ્રીએ વિજળી, પાણી, રોડ નેટવર્ક, આરોગ્ય, શિક્ષણ અને સામાજિક સેવાઓની બેઝિક જરૂરીયાતો સંતોષવા ઉપર ફોકસ કરીને આ બધા ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે. આજે ‘જ્યોતિગ્રામ યોજના’થી 24 કલાક સતત થ્રી ફેઇઝ વીજળી રાજ્યના અંતરિયાળ વિસ્તારોના ગામો સુધી મળી રહી છે. વીજળી ઉત્પાદનની ક્ષમતા 8,750 મેગાવૉટમાંથી વધીને લગભગ 53 હજાર મેગાવોટ થઈ છે. ગુજરાત દેશનું એક માત્ર રાજ્ય છે, જ્યાં ગેસ ગ્રીડ, વોટરગ્રીડ અને ઇલેક્ટ્રીસિટી ગ્રીડનું નિર્માણ થયું છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ઔદ્યોગિક-સાંસ્કૃતિક-સામાજિક વિકાસની સાથે આપણે અર્બન ડેવલપમેન્ટને વધુ ગતિ આપવા 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું અને શહેરી વિકાસ માટેનું બજેટ 40 ટકા વધાર્યુ છે. વેપારી રાજ્ય તરીકે ઓળખાતા ગુજરાતમાં મૂડીરોકાણ વધે, નવા વેપાર ઉદ્યોગો વિકસે તે માટે નરેન્દ્રભાઈએ 2003થી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની શરૂઆત કરાવી હતી. વાઈબ્રન્ટ સમિટની સતત સફળતાને પગલે ગુજરાત આજે ‘ગ્લોબલ ગેટ-વે ટુ ધી ફ્યુચર’ અને દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતું રાજ્ય બન્યું છે. આપણા દરેક જિલ્લાની પોતાની આગવી પ્રોડક્ટ અને વિશેષ સ્ટ્રેન્થ છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આપણે આ સ્ટ્રેન્થને ‘વોકલ ફોર લોકલથી ગ્લોબલ પ્લેટફોર્મ’ આપવા વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ શરૂ કરી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશની આવી કોન્ફરન્સને જ્વલંત સફળતા મળી છે, હવે દક્ષિણ ગુજરાત પ્રદેશની વી.જી.આર.સી.નો ગુજરાત સ્થાપના દિવસથી સુરતમાં પ્રારંભ થયો છે.

તેમણે ઉમેર્યુ કે, હવેનો જમાનો સોલાર, વિન્ડ અને હાઈબ્રીડ રીન્યુઅલ એનર્જીનો અને ગ્રીન હાઈડ્રોજનથી ગ્રીન ગ્રોથનો છે. ગુજરાતે તો એ દિશામાં ક્યારનુંય આયોજન કરી દીધું છે. આપણી રિન્યુએબલ એનર્જી કેપેસિટી દેશની કુલ કેપેસિટીના 15 ટકા થઈ છે. સોલાર રૂફટોપ યોજનામાં ગુજરાત ત્રણ લાખથી વધુ ઘરો આવરી લઈને બહુ આગળ નીકળી ગયું છે.

એટલું જ નહીં, પરંપરાગત ઉદ્યોગોથી આગળ વધીને આપણે રાજ્યમાં હાઈટેક ઇન્ડસ્ટ્રીઝ સ્થાપનાને વેગ આપ્યો છે. રાજ્યમાં બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયા છે અને બે હજુ થવાના છે. સાણંદ અને ધોલેરા સેમિકોન ઈન્ડસ્ટ્રીના હબ બનવાના છે. AI આધારિત ઉદ્યોગોને વેગ આપવા માટે ગિફ્ટ સિટી ખાતે એ.આઈ. સેન્ટર ઓફ એકસેલન્સની સ્થાપના કરી છે. તેમણે કહ્યુ કે, રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં ઇન્ફ્રાસ્ટક્ચર ડેવલપમેન્ટની પણ એટલી જ મહત્વની ભૂમિકા છે. નીતિ આયોગની મદદથી સુરત અને તેની આસપાસના વિસ્તારના સ્ટ્રેટેજીક ડેવલોપમેન્ટ માટે સુરત ઈકોનોમિક રિજીયન ડેવલોપમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પણ આવા 6 રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર થઈ રહ્યા છે.

વિકાસની તકો વધારવાની સાથે સાથે લોકોનું જીવનધોરણ સરળ બને તે માટે આપણે ‘અર્નિંગ વેલ લિવિંગ વેલ’ પર ફોકસ કરીને 2047ના વિકસિત ગુજરાતનો રોડમેપ ઘડ્યો છે. દેશમાં એક માત્ર આપણું ગુજરાત જ એવું રાજ્ય છે જેને આવું આગવું વિકાસ વિઝન વિકસાવ્યું છે. ‘અર્નિંગ વેલ અને લિવિંગ વેલ’ની વિભાવના સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે પર્યાવરણ અનુકૂળ વિકાસનું આપણું લક્ષ્ય છે. પર્યાવરણ જાળવણીથી ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવા વડાપ્રધાનશ્રીએ ‘મિશન લાઈફ’ની પ્રેરણા આપી છે. એનો પ્રતિસાદ આપતાં આપણે વરસાદી પાણીના સંચય માટે ‘કેચ ધ રેઈન’ની રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે.

‘એક પેડ માં કે નામ’ અન્વયે વધુને વધુ વૃક્ષો વાવીને ધરતી માતાને હરિયાળી બનાવી છે. પર્યાવરણ જાળવણી સાથે સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે રમત-ગમતને પણ પ્રોત્સાહન આપીએ છીએ.

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહના સફળ પ્રયાસોથી ગુજરાતને ‘કોમનવેલ્થ ગેમ્સ’ની યજમાની કરવાનો અવસર મળ્યો છે. આ કોમનવેલ્થ ગેમ્સથી વિશ્વને ભારતને આંગણે આવકારવા અને ગુજરાતને સ્પોર્ટ્સ હબ બનાવવા આપણે ઉચ્ચ કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યાં છીએ. દેશની આઝાદીના 100 વર્ષ 2047માં પૂર્ણ થાય ત્યાં સુધીમાં વિકસિત ભારત 2047નું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યુ છે. 2047 સુધીના આ સમયને તેમણે દેશનો અમૃતકાળ કહ્યો છે. આ અમૃતકાળમાં ગુજરાતને તો તેની સ્થાપનાના 75 વર્ષ અમૃત મહોત્સવ 2035માં ઉજવવાની એક મોટી તક મળી છે. વર્ષ 2035 સુધીમાં આપણે ગુજરાતને દુનિયાને વિકાસનું દિશાદર્શન કરાવનારું મોડેલ સ્ટેટ બનાવવું છે.

આપણો તો એક જ સંકલ્પ છે, ગરીબ, અન્નદાતા, યુવાઓ, નારી શક્તિ, વંચિત અને નાનામાં નાના માનવીને, પીએમ કિસાન સન્માન નિધિ, પીએમ આવાસ યોજના, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના અને જરૂરતમંદ સૌને આયુષ્માન ભારતનું વડાપ્રધાનનું આરોગ્ય રક્ષા કવચ પણ પૂરું પાડીને તંદુરસ્ત સમાજથી વિકાસની મુખ્યધારામા લાવીને ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’થી ગુજરાત વિકાસના દરેક ક્ષેત્રોમાં પ્રથમ ક્રમે રહે. આજના ગુજરાત ગૌરવ દિવસે વિકસિત ભારત@2047 માટે વિકસિત ગુજરાતનો અને ગુજરાતના વિકાસ માટે સમર્પિત થવાનો સૌ સાથે મળીને સંકલ્પ કરીએ. ફરી એકવાર, સૌને ‘ગુજરાત ગૌરવ દિવસ’ની અનેક અનેક શુભેચ્છાઓ. ભારત માતા કી જય… વંદે માતરમ્…જય જય ગરવી ગુજરાત…

અમદાવાદમાં મોટી દુર્ઘટના: ક્રેનનો કેબલ તૂટતા બે પટકાયા, એકનું મોત

અમદાવાદ: શહેરના પોશ વિસ્તાર ગણાતા ઇસ્કોન-આંબલી રોડ પર આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ગુરૂવારે સવારના સમયે કામકાજ દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો. સાઇટ પર ક્રેનનો કેબલ અચાનક તૂટી પડતા બે શ્રમિકો ઊંચાઈએથી નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?

શ્રમિકો ક્રેન દ્વારા કરવામાં આવતી કામગીરીમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક ટેકનિકલ ખામી કે અન્ય કારણોસર ક્રેનનો લોખંડી કેબલ તૂટી પડ્યો હતો. કેબલ તૂટવાને કારણે ત્યાં કામ કરી રહેલા બે શ્રમિકો સંતુલન ગુમાવી બેઠા હતા અને સીધા નીચે પટકાયા હતા. ઇજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં તેની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષાના સાધનો તેમજ નિયમોનું પાલન કરવામાં આવતું હતું કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે.

વેબ સિરીઝ ‘લુખ્ખે’નું ટ્રેલર લૉન્ચ ઈવેન્ટની ગ્લેમરસ તસવીરો

રાશિ ખન્ના સ્ટારર વેબ સિરીઝ ‘લુખ્ખે’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ સિરીઝમાં રાશિ ખન્ના સાથે પલક તિવારી, કિંગ, લક્ષવીર સિંહ સરન અને શિવંકિત સિંહ પણ છે. આ મ્યુઝિકલ સિરીઝ એક્શનથી ભરપૂર છે.

વેબ સિરીઝ’લુખ્ખે’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. મુંબઈમાં એક ભવ્ય ઈવેન્ટમાં ટ્રેલક લૉન્ચ કરવામાં આવ્યું. અપરાધ, ડ્રગ્સ, મ્યુઝિક અને બદલા પર આધારિત આ સિરીઝ એક્શનથી ભરપૂર છે. જેમાં રાશિ ખન્ના ખાખી યુનિફોર્મ પહેરેલી જોવા મળે છે. પોલીસ અધિકારી તરીકે રાશિ ડ્રગ્સ રિંગનો પર્દાફાશ કરવા માટે નીકળે છે.આ સિરીઝમાં પલક તિવારી અને અભિનેતા કિંગ છે.વેબ સિરીઝ ‘લુખ્ખે’ 8 મેના રોજ પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે

વેબ સિરીઝ ‘લુખ્ખે’ 8 મે, 2026 ના રોજ પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે. તેનું દિગ્દર્શન હિમાંક ગૌર દ્વારા કરવામાં આવ્યું છે.આ સિરીઝ ‘એમસી બદનામ’ (કિંગ) અને ‘એમસી ઓજી’ વચ્ચેના સંઘર્ષ અને ગુનાની આસપાસ ફરે છે. શ્રેણીમાં રોમાંસ, એક્શન અને રોમાંચ પણ છે. કિંગ આ શ્રેણી દ્વારા ડેબ્યૂ કરી રહ્યા છે.

કિંગ અભિનયની શરૂઆત કરી રહ્યા છે. ફિલ્મમાં કિંગને પ્રખ્યાત રેપર એમસી બદનામ તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેમની સામે પલક તિવારી છે. ટ્રેલર ખૂબ જ રસપ્રદ છે. સંવાદો શક્તિશાળી છે. આ શ્રેણી એક મ્યુઝિકલ એક્શન ડ્રામા હોવાથી, દરેક દ્રશ્યમાં સંગીતના ધબકારા પણ છે.

(તમામ તસવીરો: માનસ સોમપૂરા)

કરિશ્મા કપૂરનાં બાળકોની દિલ્હી હાઇકોર્ટમાં મોટી જીત

નવી દિલ્હીઃ બોલિવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરનાં બાળકોને હાઇકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે સંજય કપૂરની સંપત્તિ પર ત્રીજા પક્ષના હકો બનાવવા પર સ્ટે મૂક્યો છે અને સમગ્ર સંપત્તિ પર યથાવત્ સ્થિતિ (સ્ટેટસ કો) જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. હવે કાનૂની વિવાદ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંપત્તિનું વેચાણ કે ટ્રાન્સફર થઈ શકશે નહીં.

 વિદેશી ખાતાં અને ક્રિપ્ટો પર પણ કાર્યવાહી

કોર્ટે માત્ર સ્થાવર સંપત્તિ સુધી મર્યાદિત ન રહી, પરંતુ આર્થિક વ્યવહારો પર પણ કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સંજય કપૂરના વિદેશી બેંક ખાતાંઓ અને ક્રિપ્ટોકરન્સી ઓપરેશન્સ પર તાત્કાલિક અસરથી રોક લગાવી છે. એ સાથે જ પ્રતિવાદીઓને તેમનાં બેંક ખાતાઓની વિગતો અને સ્ટેટમેન્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટનું માનવું છે કે કેસની સંવેદનશીલતા ધ્યાનમાં રાખીને નાણાકીય પારદર્શિતા ખૂબ જ જરૂરી છે.

શંકાસ્પદ પરિસ્થિતિઓ અને વસિયત પર પ્રશ્નો

આ સુનાવણી દરમિયાન રજૂ થયેલી દલીલો પર ધ્યાન આપતાં કોર્ટે જણાવ્યું હતું કે કેસમાં અનેક “શંકાસ્પદ પરિસ્થિતિઓ” દેખાઈ રહી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હવે પ્રતિવાદી નંબર એક પ્રિયા સચદેવ  પર આ શંકાઓ દૂર કરવાની જવાબદારી રહેશે અને સંપત્તિ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી પડશે. ન્યાયાધીશે જણાવ્યું હતું કે અરજદારોએ મજબૂત કાનૂની દલીલો મૂકી છે, તેથી પ્રતિવાદીઓને તમામ શંકાસ્પદ બાબતો અંગે સ્પષ્ટતા કરવી પડશે.

 સંપત્તિ સંરક્ષણ પર કડક વલણ

કોર્ટે નોંધ્યું હતું કે કાનૂની કાર્યવાહી લાંબી ચાલી શકે છે અને આ દરમિયાન સંપત્તિમાં ફેરફાર થવો ન્યાયના હિતમાં નથી. કોર્ટે જણાવ્યું હતું કે સંપત્તિનું સંરક્ષણ જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈના હકોનું નુકસાન ન થાય. આ વચગાળાના આદેશ દ્વારા કોર્ટે કરિશ્મા કપૂરનાં બાળકોનાં હિતોની સુરક્ષા તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

મિલકત વિવાદ અને કેસ

જૂન, 2025માં સંજય કપૂરના અચાનક નિધન બાદ લગભગ રૂ. 30,000 કરોડની સંપત્તિને લઈને કાનૂની વિવાદ શરૂ થયો. મુખ્ય મુદ્દો તેમની વસિયતને લઈને છે, જેમાં કહેવાય છે કે સંપત્તિ પ્રિયા સચદેવને નામે કરી દેવામાં આવી છે. કરિશ્માનાં બાળકો સમાયરા અને કિયાનએ આ વસિયતને “નકલી” ગણાવીને કોર્ટમાં પડકાર્યો છે અને પોતાનો હક માગ્યો છે.