Home Blog Page 1058

આ કઇ નદીનું ઉદગમ સ્થાન છે એ જાણો છો?

સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીની નજીક કોટેશ્વર મહાદેવનું એક પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં એક કુંડ છે, જેમાં વર્ષો પહેલાં તૈયાર કરેલા ગૌમુખમાંથી પાણીનો પ્રવાહ અસ્ખલિત રીતે કુંડમાં આવે છે. બનાસકાંઠાના દાંતા તાલુકાનું આ પવિત્ર યાત્રાધામ ગૌમુખ સરસ્વતી નદીનું ઉદગમ સ્થળ માનવામાં આવે છે.

ચારે તરફ ટેકરીઓ અને કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું કોટેશ્વર મહાદેવનું આ મંદિર દાંતા તાલુકામાં અંબાજી અને કુંભારિયા નજીક આવેલું છે. આ પંથકમાં પવિત્ર ગણાતી સરસ્વતી નદી કોટેશ્વર નજીકના ડુંગરામાંથી નીકળી ગૌમુખ દ્વારા કુંડમાં થઈને વહે છે. કુંડ નજીક કોટેશ્વરનું જીર્ણોદ્ધાર કરાયેલું સાદું મંદિર છે. નજીકના વૈષ્ણવ મંદિરમાં વિષ્ણુ તથા સપ્ત માતૃકાઓની મૂર્તિઓ જળવાઈ રહી છે. મંદિરની દીવાલમાં લકુલીશની મૂર્તિ છે, જે પાશુપત સંપ્રદાયનું આ મૂળ સ્થાનક હશે એવી માન્યતા છે. અંબાજી યાત્રાધામના દર્શન કરવા આવતા યાત્રાળુઓ ગૌમુખના આ કુદરતી  જળ પ્રવાહને નિહાળવા જરૂર આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

વાલી માટે લાલબત્તી સમાન ઘટના, ગેમિગના ચક્કરમાં વિદ્યાર્થીઓએ જીવ મુક્યો જોખમમાં

અમરેલી: જિલ્લાના મોટા મુંજિયાસરમાં એક આશ્ચર્ય જનક ઘટના બની છે. જ્યાં 40 વિદ્યાર્થીઓએ પોતાના જ હાથ અને પગ પર બ્લેડના કાપા માર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તો ઈજાગ્રસ્ત વિધાર્થીઓને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ઘટના અંગે શાળાના કોઈ પણ શિક્ષકોએ જાણ ન કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. બાળકો પણ આ મામલે કંઈ કહેવા માટે તૈયાર નથી, ઉલ્લેખનીય છે કે આ બનાવ એક અઠવાડિયા અગાઉ બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વિધાર્થીઓએ જાતે જ કાપા માર્યા હોય તેવો ખુલાસો થયો છે, આ સમગ્ર ઘટનામાં સ્થાનિક પીઆઈ અને જિલ્લા શિક્ષણ અધિકારીને પણ જાણ કરવામાં આવી છે.

આ સમગ્ર ઘટનામાં વાલીઓ પણ ચિંતામાં મૂકાયા છે. વાલીઓએ પોલીસમાં ઘટના અંગે અરજી કરી છે. ઘટના પાછળનું કારણ જાણવા માટે વાલીઓએ માગ કરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે ધોરણ 7મા ભણતા એક છાત્ર જે બગસરાથી આવે છે. તેણે વીડિયો ગેમમાથી પ્રેરણા લઇ પોતાના સાથી છાત્રોને બ્લેડથી તમારા હાથ પર ચરકા કરો તો તમને 10 રૂપિયા આપુ અને ન કરો તો તમારે મને 5 રૂપિયા આપવાના તેવી વાત કરી હતી. આ સમગ્ર મામલે શિક્ષણમંત્રીનું નિવેદન સામે આવ્યું છે તેમનું કહેવું છે કે, બાળકો સામ સામે ચેલેન્જ આપી હતી. આપણા બધા માટે આ ગંભીર બાબત છે. આજે સાંજ સુધી રિપોર્ટ મળશે, બાળકોના માનસ પર એવી અસર થઇ છે. ડેન્જરસ ગેમના રવાડે બાળકો ચઢ્યા હતા. હારી જાય તો બ્લેડ મારી દેવાની તેવી ગેમ હતી. ઘટનાને એક કેસ સ્ટડી તરીકે લેવાશે, વિડિયો ગેમ પર શું કરવું તે વિચાર કરીએ છીએ. આ પ્રકારની ઘટના રોકવા ગહન ચિંતનની જરૂર છે અને અમારી સરકાર આ અંગે પગલાં લેશે. આ ઘટના અંગે DEOએ બેદરકારી ભર્યો જવાબ આપ્યો હતો અને આખી ઘટનાને સામાન્ય ગણાવી હતી.

તમે એકલા નથી!

આ સમયમાં એકલતાનો વૈશ્વિક રોગચાળો વ્યાપેલો છે, જે માનસિક સ્વાસ્થ્યને નોંધપાત્ર રીતે અસર કરી રહ્યો છે. આપણામાંના ઘણાને જીવનની ઘણી ઘટનાઓમા પોતે પ્રેમથી વંચિત હોય તેવું લાગે છે અને એકલતા જણાય છે. તમને તમારા સાથી, બાળકો અથવા તમને જે જે મેળવવાની આકાંક્ષા હતી તે તમામ વસ્તુઓની વચ્ચે પણ એકલતા લાગી શકે છે. લોકો એવું વિચારે છે કે,”જો હું લગ્ન કરી લઉં તો મારી એકલતા જતી રહેશે.” પરંતુ તમારે પરિવાર હોય તો પણ એકલતાની ભાવના કાયમ માટે જતી રહેતી નથી. એવા સમય હોય છે જ્યારે માતાઓ, પતિઓ કે પિતાઓને એકલવાયું લાગતું હોય છે. આમ થવાનું કારણ એ છે કે કોઈનો સહવાસ તમારી એકલતા દૂર કરી શકતી નથી. જો કરી શકે તો પણ તે ટૂંકા સમય માટે જ હોય છે.

જો તમને એવું લાગતું હોય કે મને કોઈ પ્રેમ કરતું નથી તો જાણી લો કે તમે આલિંગન કરો તે માટે સૃષ્ટિ તમારી રાહ જુએ છે. તેના સર્વ સ્વરૂપોમાં — વાયુ, જળ, કલબલાટ કરતા પક્ષીઓ, ખીલતા પુષ્પોમાં તમે પ્રેમી જોઈ શકશો. આ પૃથ્વી તમને પ્રેમ કરે છે; માટે તો તે તમને તેના ગુરુત્વાકર્ષણ બળથી સીધા ઊભા રાખે છે. હવા તમને પ્રેમ કરે છે; આથી જ તમે ઊંઘતા હોવ ત્યારે પણ તે તમારા ફેફસામાંથી પસાર થાય છે. ઈશ્વર તમને ખૂબ પ્રેમ કરે છે. એક વાર તમને આ માન્યતાની પ્રતીતિ થઈ જાય તો તમને ક્યારેય એકલું નહીં લાગે.

જાગ્રત થવાનો સમય આવી ગયો છે!

જ્યારે તમે કામ કરતા કરતા ખૂબ થાકી જાવ છો ત્યારે તમારી પાસે બેસીને એકલતા વિશે વિચાર કરવાનો સમય હોય છે? જાગો! મારા વ્હાલા, તમે એકલા નથી! કદાચ તમારી પાસે સમયની ઘણી મોકળાશ છે. પોતાની જાતને વ્યસ્ત રાખો, કેટલાય કામ અને પ્રવૃત્તિઓ કરવાના હોય છે. જ્યારે તમે અન્યો પાસેથી કોઈ અપેક્ષા રાખો છો ત્યારે તમને એકલતા લાગે છે. પરંતુ જ્યારે તમે ‘જોઈએ છે’ ને બદલે ‘આપવું છે’ એવો બદલાવ લાવો છો ત્યારે તમે અન્યોને ખુશી આપતા થાવ છો. તમારો પ્રેમ પામવા માટે દુનિયા રાહ જોઈ રહી છે. જો તમે પ્રેમની ભીખ માંગતા ભટક્યા કરશો તો તમને માત્ર વધારે લપડાક મળશે. પરંતુ જો તમે કહેશો કે,”હું અહીં બધાને મદદ કરવા ઈચ્છું છું, હું તમને ખુશ કરવા માટે આવ્યો છું” તો તમે અનુભવશો કે તમે એક તદ્દન અલગ અવકાશમાંથી ક્રિયાશીલ હોવ છો.

તમને એકલું લાગે છે કારણ કે તમે ક્યારેય તમારા પોતાના ઊંડાણમાં ઉતર્યા નથી.જે ક્ષણે તમે સજાગ થાવ છો અને પોતાના આંતરિક સાચા સ્વરૂપને પિછાણો છો ત્યારે તમામ ડર અને નકારાત્મકતાઓ અદ્રશ્ય થઈ જાય છે. ઘણા લોકોને એ ખ્યાલ નથી આવતો કે એકલવાયું લાગવું એ આશીર્વાદ હોઈ શકે છે–કારણ કે એનો અર્થ એ થાય છે કે તમે અન્ય યાત્રા કરવા માટે,કંઈક વિશિષ્ટ છે તેને જોવા માટે,તૈયાર છો.

પરંતુ જો તમે એકલતાની ભાવનામાંથી સહેલાઈથી બહાર નથી આવીશ શકતા તો બેસીને આંખો બંધ કરો અને એ અવકાશમાં પહોંચો જ્યાં તમે, માત્ર તમે જ, છો. એ એકાંતમાંથી તમે સમસ્ત સૃષ્ટિ સાથે સંકળાઈ શકશો. તમે પરમાનંદ બની જાવ છો અને આવું માત્ર ધ્યાન થકી જ કરી શકાય છે. ધ્યાન ઉચ્ચતમ કક્ષાની ખુશી આપે છે. તે એ આનંદ છે જે એક ઊંડા, રહસ્યમય સ્રોતમાંથી ઉદ્દભવે છે–જે ઈન્દ્રિયજન્ય તથા સર્જનાત્મક ખુશીથી પણ ચઢી જાય છે. આ આનંદ ગહેરો હોય છે અને સૃષ્ટિ સાથે ઐક્યની ભાવના આપે છે. આ આનંદ માત્ર ગહેરા ધ્યાનની અવસ્થામાંથી જ ઉદ્ભવે છે જ્યાં વ્યક્તિ શાંતિ, મુક્તિ અને મનની મર્યાદાઓથી પણ અધિક સમજણનો અનુભવ કરે છે. શાસ્ત્રોમાં પણ વર્ણવ્યું છે કે આ આનંદ કોઈ પણ શારીરિક આનંદના કરતાં હજારો ઘણો વધારે હોય છે.

હંમેશા યાદ રાખો કે તમે અહીં માત્ર આનંદનો પ્રસાર કરવા આવ્યા છો. તમારી સાથે કંઈક સમાનતા હોય તેવા લોકોને મિત્રો બનાવો અને એકબીજાની ઉન્નતિ કરો. જ્ઞાન સાથે મિત્રતા કેળવો. પડકારભર્યા સમયમાં તમારામાંથી શ્રેષ્ઠ નીપજે અને સારો સમય તમને દુનિયાનું શ્રેષ્ઠ આપે છે. જીવન આ બન્નેનું સંયોજન છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

સુંશાંત સિંહ કેસ મામલે રાહત મળી ત્યાં ફરી અભિનેત્રી રિયા સામે FIR દાખલ

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી તાજેતરમાં તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસને લઈને સમાચારમાં હતી. આ કેસમાં સીબીઆઈએ રિયાને ક્લીનચીટ આપી દીધી છે. છેલ્લા 4 વર્ષથી પેન્ડિંગ રહેલા આ કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ રિયા ખુશ હતી, પરંતુ હવે તેની મુશ્કેલીઓ ફરી વધવા લાગી છે. રિયા વિરુદ્ધ બીજા એક કેસમાં FIR નોંધવામાં આવી છે.મુંબઈ પોલીસે આ માહિતી આપી છે.

સેલિબ્રિટી મેનેજર દિશા સલિયનનું વર્ષ 2020માં અવસાન થયું હતું. આ અંગે ઘણો હોબાળો થયો હતો. હવે 4 વર્ષ પછી દિશાના પિતાએ મંગળવારે આ જ કેસમાં પોલીસ કમિશનર અને જોઈન્ટ કમિશનરને લેખિત ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. આ ફરિયાદમાં આદિત્ય ઠાકરે, દૂની મૌર્ય, સૂરજ પંચોલી, પરમબીર સિંહ, સચિન વાઝે અને રિયા ચક્રવર્તીને આરોપી બનાવવામાં આવ્યા છે.

વકીલે ગંભીર આરોપ લગાવ્યા

દિશા સલિયાનના પિતા સતીશ સલિયાનના વકીલ નીલેશ ઓઝાએ જણાવ્યું હતું કે,’આજે અમે સીપી ઓફિસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે અને જેસીપી ક્રાઇમે તેને સ્વીકારી લીધી છે. આ ફરિયાદ હવે એક FIR છે જેમાં આરોપીઓ આદિત્ય ઠાકરે, ડીનો મોરિયા, સૂરજ પંચોલી અને તેમના અંગરક્ષકો, પરમ બીર સિંહ, સચિન વાઝે અને રિયા ચક્રવર્તી છે. આ મામલાને છુપાવવા પાછળ પરમબીર સિંહ મુખ્ય સૂત્રધાર હતો. તેમણે આદિત્ય ઠાકરેને બચાવવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી અને જુઠ્ઠાણા ફેલાવ્યા. બધી વિગતો FIR માં છે. NCB તપાસ પત્ર સાબિત કરે છે કે આદિત્ય ઠાકરે ડ્રગ્સના વેપારમાં સામેલ હતા, તે વિગતનો ઉલ્લેખ આ FIRમાં કરવામાં આવ્યો છે.’

દિશા સલિયન કોણ હતી?

દિશા સલિયન બોલિવૂડમાં સેલિબ્રિટી મેનેજર તરીકે કામ કરતી હતી. દિશાને સુશાંત સિંહ રાજપૂતની મેનેજર તરીકે પણ ઓળખવામાં આવે છે. દિશા સલિયનનું 2020 માં અવસાન થયું હતું. 8 જૂનના રોજ દિશા 14મા માળેથી પડી ગઈ અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. પોલીસે આ કેસની તપાસ કરી અને તેને આત્મહત્યા ગણાવી. પરંતુ દિશાના પિતા સતીશ સલિયાને એક વખત આ અંગે ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાં તેણે કહ્યું હતું કે મારી પુત્રી પર સામૂહિક બળાત્કાર થયો હતો અને તેને આયોજનબદ્ધ હત્યા ગણાવી હતી. હવે દિશાના પિતાએ ફરીથી આ જ મામલે FIR નોંધાવી છે. જેમાં રિયા ચક્રવર્તીનું નામ સામેલ છે. હવે સુશાંત સિંહ રાજપૂત કેસમાં ક્લીનચીટ મેળવનાર રિયાની મુશ્કેલીઓ ફરી વધી ગઈ છે.

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત, 2 હજાર કર્મચારીઓ બરખાસ્ત, ઉગ્ર આંદોલનની ચિમકી

ગાંધીનગર: અનેકવાર રજૂઆત કર્યા પછી પણ પ્રશ્નો ઉકલાયાં નથી પરિણામે આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ પાડી છે.  દસ દિવસ પછી પણ અચોક્કસ મુદતની હડતાળ યથાવત રહી છે. આ દરમિયાન,  ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીએ વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યુ છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ગાંઘીનગરમાં ધામા નાખ્યા છે.

સરકારે પણ માગો ન સ્વીકારવાનું જાણે નક્કી કરી લીધું છે ત્યારે હવે આંદોલનકારી  આરોગ્ય વિભાગના કર્મચારીઓ સામે પગલાં ભરવાનું રાજ્ય સરકારે શરૂ કર્યુ છે. જેના ભાગરૂપે આઠ જિલ્લામાંથી કુલ મળીને બે હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ જોતાં આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે ટકરાવ વકર્યો છે.  આરોગ્ય કર્મચારીઓએ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવા ચિમકી ઉચ્ચારી છે.

દરમિયાન, રાજ્ય આરોગ્ય વિભાગે એક હજારથી વધુ કર્મચારીઓની ખાતાકીય તપાસના આદેશ જારી કર્યાં છે. તપાસના અંતે ટર્મીનેટ કરવા હુકમ કરવામાં આવશે. આરોગ્ય વિભાગના અલ્ટીમેટમને પગલે ઘણાં કર્મચારીઓ ફરજ પર હાજર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી બાજુ, આરોગ્ય કર્મચારી સંઘે પણ ચિમકી ઉચ્ચારી છે, બે દિવસ દરમિયાન જો સરકાર વાટાઘાટો માટે આમંત્રણ નહી પાઠવે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરાશે. હાલ આઠ જિલ્લામાંથી 2 હજારથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરાયાં છે.  પાંચ હજારથી વધુ કર્મચારીઓને શો કોઝ નોટિસ અપાઇ છે.

દક્ષિણ કોરિયાના જંગલમાં વિકરાળ આગ લાગી, મૃત્યુઆંક 18 પર પહોંચ્યો

દક્ષિણ કોરિયા: અમેરિકાના કેલિફોર્નિયામાં વિનાશ સર્જ્યા બાદ હવે દક્ષિણ કોરિયામાં જંગલમાં લાગેલી આગની ઘટનાએ ભારે તબાહી મચાવી છે. દેશના દક્ષિણ વિસ્તારમાં લાગેલી આ આગમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે.

દ.કોરિયાના ઈતિહાસની સૌથી ભયાનક આગ 

અધિકારીઓના જણાવ્યા અનુસાર, 18 મૃતકોમાં ચાર ફાયરબ્રિગેડના અને એક સરકારી કર્મચારીનો પણ સમાવેશ થાય છે. બુધવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે આગમાં 200થી વધુ ઇમારતો રાખ થઈ ગઈ હતી. જ્યારે 27 હજારથી વધુ લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. આ આગને દ.કોરિયાના ઈતિહાસમાં જંગલમાં લાગેલી સૌથી ભીષણ આગ ગણાવવામાં આવી રહી છે.

કાર્યવાહક પ્રમુખનું મોટું નિવેદન 

દક્ષિણ કોરિયાના કાર્યવાહક પ્રમુખ હાન ડક-સૂએ કહ્યું છે કે આ આગ ગયા શુક્રવારે લાગી હતી અને તે પહેલા કરતા વધુ ખતરનાક બની ગઇ છે. હાને કહ્યું, “નુકસાન વધી રહ્યું છે. આટલી મોટી આગ પહેલા ક્યારેય જોવા મળી નથી. આ અઠવાડિયે અમારે અમારી તમામ ક્ષમતા સાથે આગને ઓલવવાનો પ્રયાસ કરવો પડશે.”

ફક્ત ATM જ નહીં, UPI દ્વારા પણ PFના પૈસા ઉપાડી શકો છો, જાણો ક્યારથી?

નવી દિલ્હી: PF ખાતાધારકો માટે મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO ​​મે મહિનાના અંતથી સભ્યોને એક મોટી સુવિધા પૂરી પાડવા માટે તૈયાર છે. ખાસ વાત એ છે કે અગાઉ ATMમાંથી PF ઉપાડવા અંગે ચર્ચા થઈ હતી, પરંતુ સંગઠને જણાવ્યું છે કે PFના પૈસા ફક્ત ATM દ્વારા જ નહીં પરંતુ UPI દ્વારા પણ ઉપાડી શકાય છે. આ માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
EPFO એ ભલામણને મંજૂરી આપી
અહેવાલો અનુસાર, શ્રમ અને રોજગાર મંત્રાલયે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ની ભલામણને મંજૂરી આપી દીધી છે. મંત્રાલય સચિવ સુમિતા દાવરાએ આ સંદર્ભમાં એક મોટી અપડેટ શેર કરી છે અને કહ્યું છે કે EPFO ​​સભ્યો આ વર્ષે મે અથવા જૂનના અંત સુધીમાં UPI અને ATM દ્વારા PFના પૈસા ઉપાડી શકશે. તેઓ UPI પર સીધા જ તેમના PF ખાતાનું બેલેન્સ ચકાસી શકશે અને જો યોગ્ય હોય તો 1 લાખ રૂપિયા સુધી ઉપાડી શકશે, અને તેમના PFના પૈસા તેમના પસંદગીના બેંક ખાતામાં ટ્રાન્સફર પણ કરી શકશે.

ઓટો ક્લેમ સેવા તેને સરળ બનાવશે
દાવરાના મતે, નવી સુવિધા હેઠળ, 1 લાખ રૂપિયા સુધીના દાવાઓ પહેલાથી જ સ્વચાલિત થઈ જશે. PF ખાતાધારકો પાસે EPFO ​​ખાતાને તેમના UPI (Google Pay, PhonePe, અથવા Paytm) સાથે લિંક કરવાની સુવિધા હશે. ઓટો ક્લેમ સેવા દ્વારા સભ્યોને મોટી રાહત મળવાની છે, અત્યાર સુધી PF ક્લેમ પ્રોસેસિંગમાં લગભગ 3 દિવસ લાગે છે, પરંતુ યુપીઆઈ દ્વારા આ કામ તાત્કાલિક થઈ શકે છે.‘નિયમોમાં સતત છૂટછાટ આપવામાં આવી રહી છે…’

ATM અને UPI દ્વારા PF ઉપાડની સુવિધા વિશે બોલતા, શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા દાવરાએ જણાવ્યું હતું કે EPFO ​​એ તેની બધી પ્રક્રિયાઓને ડિજિટાઇઝ કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, PF ઉપાડને સરળ અને વ્યવસ્થિત બનાવવા માટે 120 ડેટાબેઝ એકત્રિત કરવામાં આવ્યા છે, હવે 95 ટકા દાવાઓ સ્વચાલિત છે અને આ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે સતત કામ ચાલી રહ્યું છે.

પેન્શનરોને આ સુવિધા આપવામાં આવી છે
દાવરાએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરના સુધારાઓથી દેશના પેન્શનરોને પણ ઘણો ફાયદો થયો છે. ડિસેમ્બર 2024થી, લગભગ 78 લાખ પેન્શનરોને કોઈપણ બેંક શાખામાંથી થાપણો ઉપાડવાની સુવિધા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે અગાઉ તે કેટલીક પસંદગીની બેંકો સુધી મર્યાદિત હતું, પરંતુ આ મર્યાદા દૂર કરવામાં આવી છે. શ્રમ સચિવના મતે, આવા સુધારાઓ પર આગળ વધવું સરળ નહોતું.

ટ્રમ્પે ચૂંટણીને લઈને રાતોરાત મોટો ફેરફાર કર્યો, મતદાન માટે નાગરિકતાનો પુરાવો ફરજિયાત

અમેરિકા: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં વ્યાપક ફેરફારો અંગેના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ નવા આદેશ સાથે, ચૂંટણીમાં મતદાન કરવા માટે હવે અમેરિકન નાગરિકતા ફરજિયાત બનશે. આનો અર્થ એ થયો કે ફેડરલ ચૂંટણીઓમાં મતદાન માટે નોંધણી કરાવવા માટે નાગરિકતા દસ્તાવેજનો પુરાવો આપવો જરૂરી રહેશે. 
ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં કહ્યું કે એક અગ્રણી સ્વ-શાસિત દેશ હોવા છતાં, અમેરિકા અમેરિકન ચૂંટણીઓમાં મૂળભૂત અને જરૂરી સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યું છે. ઉદાહરણ તરીકે, ભારત અને બ્રાઝિલ વોટર આઈ.ડી.ને બાયોમેટ્રિક ડેટાબેઝ સાથે જોડી રહ્યા છે. જ્યારે યુ.એસ. નાગરિકતા માટે સ્વ-પ્રમાણન પર ખૂબ આધાર રાખે છે.

ટ્રમ્પનો નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર શું છે?

રાષ્ટ્રપતિ ટ્રમ્પના નવા આદેશ હેઠળ, અમેરિકામાં મતદાર નોંધણી ફોર્મમાં સુધારાની વાત ચાલી રહી છે. મતદારોએ હવે નાગરિકતાનો પુરાવો દસ્તાવેજ સ્વરૂપમાં આપવો પડશે, જેમ કે યુએસ પાસપોર્ટ અથવા જન્મ પ્રમાણપત્ર. રાજ્યોએ તેમની મતદાર યાદી અને મતદાર યાદી જાળવણી રેકોર્ડ સમીક્ષા માટે ગૃહ સુરક્ષા વિભાગ અને સરકારી કાર્યક્ષમતા વિભાગ (DOGE) ને સબમિટ કરવા આવશ્યક છે.

ટ્રમ્પના મતે, આ આદેશનો હેતુ ચૂંટણીમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવાનો છે. આ આદેશ હેઠળ, મતદારો નાગરિકતાના દસ્તાવેજી પુરાવા વિના ફેડરલ ચૂંટણીઓમાં મતદાન કરવા માટે નોંધણી કરાવી શકશે નહીં અને ચૂંટણીના દિવસ સુધીમાં બધા મતપત્રો પ્રાપ્ત થવાના રહેશે.

ChatGPT નિર્માતા OpenAIની મોટી જાહેરાત, GPT-4oમાં મળશે વધુ વાસ્તવિક પિક્ચર્સ

અમેરિકા: OpenAIએ તેના ચેટબોટને નોંધપાત્ર રીતે અપગ્રેડ કર્યું છે, જેના પછી પ્લેટફોર્મ ટેક્સ્ટ-આધારિત વાતચીતોથી આગળ વધીને એડવાન્સ પિક્ચર્સ જનરેશન તરફ આગળ વધ્યું છે. ChatGPT બનાવતી કંપની OpenAIએ ભારતીય સમય મુજબ મંગળવારે મોડી રાત્રે એક મોટી જાહેરાત કરી. આ અંગે, OpenAIના CEO સેમ ઓલ્ટમેને એક્સ પ્લેટફોર્મ (જૂનું નામ ટ્વિટર) પર પોસ્ટ કરીને માહિતી શેર કરી છે.

OpneAI એ નવી ઇમેજ જનરેશન 4o ઇમેજ જનરેશનની જાહેરાત કરી છે. 25 માર્ચે, OpenAIએ તેની સત્તાવાર વેબસાઇટ પર જણાવ્યું હતું કે તે 40 ઉપયોગી અને મૂલ્યવાન પિક્ચર્સ જનરેટ કરશે. આ પિક્ચર્સ વધુ ચોક્કસ, સચોટ અને વાસ્તવિક આઉટપુટ આપશે.

OpneAIએ કહ્યું, રોલઆઉટ ટૂંક સમયમાં શરૂ થશે
OpenAI એ કહ્યું કે 4o ફિચર્સ ટૂંક સમયમાં રોલ આઉટ કરાશે. જે ChatGPT Plus સભ્યો અને ફ્રી વર્ઝનવાળા યુઝર્સને પણ મળશે. સેમ ઓલ્ટમેન દ્વારા આ વિશે કરાયેલી પોસ્ટ વાયરલ થઈ રહી છે. કંપનીએ કહ્યું કે તે અત્યાર સુધીનો સૌથી અદ્યતન ઇમેજ જનરેટર છે.

આ અંગે, કંપનીએ કહ્યું કે તે લાંબા સમયથી માને છે કે ઈમેજ મોડેલ તેની લેંગ્વેજ મોડેલોની પ્રાયમરી કેપિબિલિટઝ  હોવી જોઈએ. આ કારણોસર, કંપનીએ અત્યાર સુધીનો સૌથી અદ્યતન ઇમેજ જનરેટર તૈયાર કર્યું છે અને તેને GPT-4o સાથે રજૂ કર્યું છે.
ચોકસાઈ સાથે ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત 

કંપનીએ વધુમાં જણાવ્યું કે ઇમેજ જનરેશન ટૂલ્સનો હેતુ ફક્ત સુંદર ફોટોગ્રાફ્સ બનાવવાનો નથી પણ તેમને ઉપયોગી બનાવવાનો પણ છે. આ અંગે, કંપનીએ એક ડેમો વિડીયો પણ તૈયાર કર્યો છે, જેમાં આ નવું ઇમેજ જનરેશન ટૂલ કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવવામાં આવ્યું છે.

એક ફોટો હજાર શબ્દો વર્ણવે છે

OpenAIએ તેના ઓફિસિયલ પોર્ટલ પર સૂચિબદ્ધ વિગતોમાં જણાવ્યું છે કે એક ચિત્રનું મૂલ્ય હજારો શબ્દો જેટલું હોય છે. પરંતુ કેટલીકવાર યોગ્ય જગ્યાએ થોડા શબ્દોનો ઉપયોગ તેના અર્થને વધારી શકે છે. 4oમાં દ્રશ્ય સંદેશાવ્યવહારને વધારે તેવા ચોક્કસ પ્રતીકો સાથે છબીઓ બનાવવાની ક્ષમતા છે.

૨૬ માર્ચ ૨૦૨૫