Home Blog Page 1064

હિરોઈનને વાંધો નથી, તેના પિતાને વાંધો નથી તો પછી…સલમાને રશ્મિકાને લઈ કહ્યું આવું

સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘સિકંદર’ માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ ફિલ્મ ઈદના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેમની સાથે રશ્મિકા મંદાન્ના પણ છે. ફિલ્મનું ગીત અને ટીઝર પહેલાથી જ રિલીઝ થઈ ચૂક્યું છે.એવામાં ગત રોજ એટલે કે રવિવારે મુંબઈમાં એક ઈવેન્ટમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં સલમાને ખાને તેના અને રશ્મિકાના એજ ગેપ પર વાત કરી હતી.

Photo: Manas Sompura

ઈન્ટરનેટ યુઝર્સ આરોપ લગાવી રહ્યા છે કે અભિનેતા સલમાન ખાન અને અભિનેત્રી રશ્મિકા વચ્ચે 31 વર્ષનો ઉંમર તફાવત છે. રવિવારે ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન સલમાને આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ફિલ્મ ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં સલમાન ખાનના પિતા સલીમ ખાને પણ હાજરી આપી હતી.

સલમાન ખાન દર્શકો પર ગુસ્સે થયો

‘સિકંદર’ના ટ્રેલર લોન્ચ દરમિયાન સલમાન ખાને દર્શકોને કહ્યું કે તેઓને ઉંમરના તફાવત પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. ભાઈજાને કહ્યું કે “આજકાલ સોશિયલ મીડિયા પર લોકો મને ફોલો કરવાનું શરૂ કરે છે. હવે લોકો કહી રહ્યા છે કે અભિનેત્રી અને મારી વચ્ચે 31 વર્ષનો ઉંમરનો તફાવત છે. અરે, જ્યારે હિરોઈનને કોઈ પ્રોબ્લમ નથી. હિરોઈનના પિતાને કોઈ વાંધો નથી, તો તમને શા માટે સમસ્યા છે? કાલે જ્યારે તેના લગ્ન થશે, તેના બાળકો થશે તો તેની સાથે પણ કામ કરીશું, મંજૂરી તો મળી જ જશે ને?

સિકંદરનું ટ્રેલર રિલીઝ થયું છે.
રવિવારે ફિલ્મ સિકંદરનું ટ્રેલર રિલીઝ થયું. ટ્રેલર જોઈને લાગે છે કે આ ફિલ્મ સલમાન ખાનની સૌથી મોટી ફિલ્મ બનવા જઈ રહી છે. ટ્રેલરમાં જબરદસ્ત એક્શન છે. આ પહેલા ફિલ્મનું ટીઝર અને ગીત રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું ગીત ‘જોહરા જબીન’ લોકોને ખૂબ ગમ્યું.

‘સિકંદર’ ફિલ્મનું દિગ્દર્શન એઆર મુરુગાદોસ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલા છે. આ ફિલ્મમાં સલમાન ખાન, રશ્મિકા મંદાન્ના, કાજલ અગ્રવાલ, પ્રતીક બબ્બર, સત્યરાજ અને શરમન જોશી છે. આ ફિલ્મ 30 માર્ચે સિનેમાઘરોમાં આવશે.

VIDEO: માણેક ચોકમાં વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાશાયી, બે લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ: કોટ વિસ્તારમાં માણેકચોક ખાતે આવેલા ઘાંચીની પોળમાં જૂનું જર્જરિત મકાન ધરાશાયી થઈ છે. જૂનું મકાન પડી જવાની ઘટનામાં યુવતી સહિત બે લોકો દટાયા હતા. જેને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે.

વર્ષો જૂનું મકાન હોવાના કારણે અચાનક જ ધરાશાયી થયું હતું. આ ઘટનાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનનો એસ્ટેટ વિભાગ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ શહેરના માણેકચોક વિસ્તારમાં આવેલી ઘાંચીની પોળમાં વર્ષો જૂનું એક મકાન જે જર્જરિત હાલતમાં હતું. બપોરના સમયે અચાનક જ પડી ગયું હોવા અંગેનો મેસેજ કંટ્રોલરૂમમાં મળ્યો હતો. જેથી, ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી.મકાન પડવાની ઘટનામાં બે લોકો દટાયા હોવાની જાણકારી મળી હતી. જેથી, ફાયર બ્રિગેડના રેસ્ક્યુ ટીમ દ્વારા કાટમાળ હટાવી અને યુવતી અને અન્ય એક વ્યક્તિને બહાર કાઢ્યા હતા. વર્ષો જૂનું મકાન હતું જેથી મકાન પડી ગયું હોવાની ઘટના બની હતી. હાલમાં એસ્ટેટ વિભાગ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે.

કર્ણાટકમાં મુસ્લિમો માટે અનામતના મુદ્દે હોબાળા વચ્ચે રાજ્યસભા દિવસભર માટે સ્થગિત

નવી દિલ્હી: સંસદની કાર્યવાહી શરુ થતાં જ કર્ણાટક અનામત મુદ્દે આજે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. કર્ણાટકમાં સરકારી ટેન્ડરમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને 4% આરક્ષણ આપવામાં આવ્યું છે. આ મામલે ભાજપ આક્રમક છે. ભાજપનું કહેવું છે કે કર્ણાટકની કોંગ્રેસ સરકારે અનામતનો ભંગ કર્યો છે. રાજ્યસભામાં ભાજપે મલ્લિકાર્જુન ખડગે પાસેથી સ્પષ્ટતા માંગી હતી. આ દરમિયાન હંગામો વધતાં રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. લંચ બ્રેક બાદ ફરી ગૃહ મળ્યું ત્યારે ફરીથી ગૃહ બીજી વખત ફરી શરૂ થયું ત્યારે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઓઇલફિલ્ડ્સ (નિયમન અને વિકાસ) સુધારા બિલ, 2024માં લોકસભા દ્વારા કરવામાં આવેલા સુધારાઓનું વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. નારેબાજી વચ્ચે ગૃહ સમગ્ર દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું.ધર્મના આધારે અનામત આપી શકાય નહીં: જે. પી. નડ્ડા

કર્ણાટકમાં સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમોને અનામત આપવાના નિર્ણયને લઈને સોમવારે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, ‘બંધારણમાં લખ્યું છે કે, ધર્મના આધારે અનામત આપી શકાય નહીં. પરંતુ કર્ણાટક સરકારે એક બિલ પસાર કર્યું છે જેમાં જાહેર કરારમાં 4 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, ‘આ મહત્ત્વપૂર્ણ બાબત અમારા ધ્યાન પર આવી છે કે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ નિવેદન આપ્યું છે કે તેઓ બંધારણમાં સુધારો કરશે જેથી મુસ્લિમ સમુદાયને અનામત આપી શકાય. આ નિવેદન બંધારણ પર હુમલો છે.’ અમે આ સહન નહીં કરીએ. કોંગ્રેસ અધ્યક્ષે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. આ મામલે સંસદમાં વધુ હોબાળો થવાની શક્યતા છે.તેમજ આ મામલે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, ‘મુસ્લિમ આરક્ષણનો મુદ્દો ઉઠાવીને કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકરના બંધારણની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે. આજે જ નાયબ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરો.’

‘ગદ્દાર’ને ‘ગદ્દાર’ કહેવું એ હુમલો નથી’: ઉદ્ધવ ઠાકરેએ કુણાલ કામરાનું સમર્થન કર્યું

મહારાષ્ટ્ર: નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કોમેડિયન કુણાલ કામરાના વિવાદાસ્પદ નિવેદન બાદ ભારે હોબાળો મચી ગયો છે. આ દરમિયાન શિવસેના (ઉદ્ધવ જૂથ) નેતા ઉદ્ધવ ઠાકરે કુણાલ કામરાના સમર્થનમાં ખુલીને આવ્યા છે. તેમણે કહ્યું કે, ‘મને નથી લાગતું કે કુણાલ કામરાએ કંઈ ખોટું કહ્યું છે. જે ગદ્દાર છે તે ગદ્દાર જ છે. ગીતમાં કંઈ જ ખોટું નથી.’ બીજી તરફ એકનાથ શિંદેના જૂથની શિવસેના દ્વારા કુણાલ કામરાને જ્યાં મળે ત્યાં મારવાની ધમકીઓ આપવામાં આવી રહી છે તે વચ્ચે ઉદ્ધવ ઠાકરેનું આ મોટું નિવેદન સામે આવ્યું છે.

જયા બચ્ચન પણ કામરાના સમર્થનમાં

સપા સાંસદ જયા બચ્ચન પણ કામરાના સમર્થનમાં આવ્યા હતા. તેમણે કહ્યું, ‘વાણી સ્વાતંત્ર્ય ક્યાં છે? જ્યારે હોબાળો થાય ત્યારે જ કાર્યવાહી કરવાની સ્વતંત્રતા હોય છે. તમે (એકનાથ શિંદે) સત્તા માટે તમારો મૂળ પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાયા. શું આ બાલાસાહેબ ઠાકરેનું અપમાન નથી?’

 શું છે સમગ્ર વિવાદ?

સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાએ એક હોટલમાં કોમેડી કરતા સમયે શિવસેનાના અધ્યક્ષ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કટાક્ષ કરતાં ગીત પર પેરોડી બનાવી હતી. જેમાં તેમણે શિંદે પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમને ગદ્દાર ગણાવ્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં શિવસેનાના કાર્યકારો રોષે ભરાયા હતા.

શિંદે જૂથના શિવસૈનિકો વિડીયો જોયા બાદ નારાજ થયા હતા અને તેમણે રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં સ્થિત સ્ટુડિયો અને હોટલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરી હતી. શિવસૈનિકોએ દાવો કર્યો છે કે, આ સ્ટુડિયોમાં કુણાલનો વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. શિંદે સેનાના ધારાસભ્ય મુરાજી પટેલે એમ.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં કુણાલ કામરા વિરૂદ્ધ એફ.આઇ.આર. નોંધાવી છે.

સરકારને ઘી-કેળા! ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ પછી, 3324 લિટર દારૂનું થયું વેચાણ

ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણથી સરકારને થયેલી આવક અંગે સવાલ ઉઠ્યો હતો.

ઉપરાંત સામાન્ય વહીવટ, સુધારણા, તાલીમ, આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, મહેસૂલ, શહેરી વિકાસ તેમજ શહેરી ગૃહ નિર્માણ વિભાગો સાથે જોડાયેલા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રમતગમત, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન અને જેલ વિભાગોના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. આ સાથે, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા તેમજ જળ સંપત્તિ, પાણી પુરવઠો અને કલ્પસર વિભાગની માંગણીઓ પર પણ વિચારણા કરવામાં આવી.

વિધાનસભામાં ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણથી સરકારને થયેલી આવક અંગે  સરકારે કહ્યું કે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપ્યા બાદ એક વર્ષમાં 94.19 લાખ રૂપિયાની આવક થઈ છે. આ સમયગાળા દરમિયાન ગિફ્ટ સિટીમાં 19,915 લિટર બિયર અને 3,324 લિટર દારૂનું વેચાણ નોંધાયું છે. સરકારે એમ પણ જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં ધ ગ્રાન્ટ મર્ક્યુરી હોટલ અને ગિફ્ટ સિટી ક્લબને દારૂ પીરસવાની પરવાનગી આપવામાં આવી છે.

ગુજરાતમાં દારૂબંધીના કડક નિયમો હોવા છતાં, સરકારે ડિસેમ્બર 2023માં ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં આ નિયમોમાં થોડી રાહત આપવાનો નિર્ણય લીધો હતો. આ હેઠળ, ગિફ્ટ સિટીમાં કામ કરતા અધિકૃત કર્મચારીઓ અને મુલાકાતીઓને “વાઈન એન્ડ ડાઈન” સુવિધા દ્વારા દારૂનું સેવન કરવાની છૂટ મળી છે. આ પગલું ગિફ્ટ સિટીને વૈશ્વિક વેપાર અને ટેક્નોલોજી હબ તરીકે વધુ આકર્ષક બનાવવા માટે લેવાયું હતું, જેથી વિદેશી રોકાણકારો અને કંપનીઓને આકર્ષી શકાય. હાલમાં ગિફ્ટ સિટીમાં દારૂનું વેચાણ નિયંત્રિત રીતે ચાલે છે અને તેનો ઉપયોગ ફક્ત ખાસ પરવાનગી ધરાવતા લોકો જ કરી શકે છે.

શું છે એ જોક જેના પર મચ્યો હાહાકાર, કૉમેડિયને શું કહી દીધું શિંદેને?

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કોમેડિયન કુણાલ કામરાની ટિપ્પણીએ રાજકીય તોફાન મચાવી દીધું છે. એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ હાસ્ય કલાકાર સામે મોરચો ખોલ્યો છે, તો ભાજપે કુણાલ કામરાનો ચહેરો કાળો કરવાની પણ અપીલ કરી છે. વાસ્તવમાં, કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના રાજકારણ અને એકનાથ શિંદેના શિવસેનાથી અલગ થવા પર એક પેરોડી ગીત બનાવ્યું છે.

આ ગીતમાં કુણાલ કામરાએ શિંદેનું નામ નથી લીધું પણ તેમણે દેશદ્રોહી શબ્દનો ઉપયોગ કર્યો છે. ઉદ્ધવ ઠાકરે જૂથ શિંદે પર હુમલો કરવા માટે દેશદ્રોહી શબ્દનો ઉપયોગ કરતો આવ્યું છે. એવામાં કુણાલ કામરાની ટિપ્પણી શિંદે માટે છે. આવો સંદેશ મોકલ્યા પછી, શિવસેનાએ કુણાલ કામરાનો કાર્યક્રમ તે જગ્યાએ બંધ કરી દીધો જ્યાં તે હાજર હતો. ત્યાં તોડફોડ બાદ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે

એવું તો શું કહ્યું કુણાલ કામરાએ?

કુણાલ કામરાએ કહ્યું હતું કે ન્યાયાધીશના આદેશમાં લખ્યું છે કે તેમણે મહારાષ્ટ્ર ચૂંટણીમાં શું કર્યું છે. આપણે તેના વિશે વાત કરવી પડશે. આ પછી, કામરાએ પોતાના શોમાં કહ્યું કે શિવસેના ભાજપમાંથી બહાર આવી અને પછી શિવસેના શિવસેનામાંથી બહાર આવી. એનસીપીમાંથી એનસીપી બહાર આવ્યું. એક મતદારને નવ બટન આપવામાં આવ્યા હતા. બધા મૂંઝાઈ ગયા. તેની શરૂઆત એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. થાણે મુંબઈનો ખૂબ જ સારો જિલ્લો છે, હું ત્યાંથી આવું છું. આ પછી કુણાલ કામરા સંગીતના સૂર પર એક ગીત ગાય છે.

 

View this post on Instagram

 

A post shared by Kunal Kamra (@kuna_kamra)

પેરોડી ગીતમાં શું કહેવામાં આવ્યું હતું?

મહારાષ્ટ્રના રાજકારણ પર ટિપ્પણી કર્યા પછી, કુણાલ કામરા તેના શોમાં એક ગીત ગાય છે જેમાં તે કહે છે કે થાણેની રિક્ષા… થાણેકી રિક્ષા, ચહેરે પે દાઢી, આંખો મેં ચશ્મા… થાણે કી રિક્ષા, ચહેરે પે દાઢી, આંખોમેં ચશ્મા… એક ઝલક દિખલાયે કભી ગુવાહાટીમે છુીપ જાએ… મેરી નજર છે તુમ દેખો ગદ્દાર નજર વો આએ. થાણે કી રિક્ષા, ચહેરે પે દાઢી, આંખો મેં ચશ્મા. મંત્રી નહીં વો, દલબદલુ હૈ ઔર કહા ક્યા જાએ… જીસ થાલીમેં ખાએ ઉસીમેં છેદ કર જાએ… મંત્રાલય સે જ્યાદા ફડણવીસ કી ગોદીમેં મિલ જાએ… તીર કમાન મીલા હૈ ઈસકો બાપ મેરા યે ચાહે…થાણે કી રિક્ષા…ચહેરે પે દાઢી, આંખો મેં ચશ્મા.”શિવસેનાએ આ પેરોડી ગીત પર શિવસેનાએ હંગામો કર્યો છે. રાજનીતિમાં આવ્યા પહેલા એકનાથ શિંદે થાણેમાં રિક્ષા ચલાવતા હતાં.

‘વિરાસત ભી, વિકાસ ભી’નો વધુ એક અભિગમ વડનગરમાં સાકાર થશે!

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અલગ અલગ હેરિટેજ સ્થળો, પૌરાણિક-ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થાનો તથા જુદા જુદા મોન્યુમેન્ટ્સની વિરાસત જાળવી રાખીને વધુને વધુ પ્રવાસીઓ-લોકોને તેના ઇતિહાસ, સંસ્કૃતિ અને અન્ય મહાત્મયથી પરિચિત કરાવવા “વિરાસત ભી, વિકાસ ભી”નો અભિગમ અપનાવવાની પ્રેરણા આપી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે વડાપ્રધાનના આ અભિગમને વડનગરના હાટકેશ્વર મંદિરના નવનિર્મિત લાઈટ એન્ડ સાઉન્ડ શોથી સાકાર કર્યો છે.

હાટકેશ્વર મંદિરના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ આ મંદિરના પૌરાણિક ઇતિહાસને સુપેરે જાણી શકે તે હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા રૂપિયા 5.53 કરોડના ખર્ચે અદ્યતન લાઈટ એન્ડ સાઉન્ડ શોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

 

મુખ્યમંત્રીએ વડનગરમાં યોજાઈ રહેલા ત્રિ-દિવસીય મહોત્સવમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ તેમજ સુવર્ણ શિખર અને ધ્વજારોહણ તથા નવી નિર્માણ થયેલી યજ્ઞશાળાના લોકાર્પણ કર્યા હતા.

આ અવસરે મુખ્યમંત્રી શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તિ ભાવપૂર્વક સહભાગી થયા હતા. તેમજ હાટકેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કર્યું હતું અને સુવર્ણ શિખરના દાતા પરિવારોને સન્માનિત કર્યા હતા.

એમણે કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વતન ભૂમિ વડનગર પુરાતત્વીય અનુભવાત્મક મ્યુઝિયમ, કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, તાનારીરી પાર્ક, બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી, થીમ પાર્ક જેવી વિરાસતોને પરિણામે દેશ-વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.”

 

હવે આ આકર્ષણમાં વધુ એક નજરાણું પુરાણ પ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવની ગાથા વર્ણવતા અદ્યતન લાઈટ એન્ડ સાઉન્ડ શો દ્વારા ઉમેરાયું છે.

વધુમાં એ કહે છે કે, “ગુજરાતના મહત્વપૂર્ણ તીર્થસ્થાનોમાં ગણાતા વડનગર ખાતેના હાટકેશ્વર મહાદેવ મંદિરનું ધાર્મિક તેમજ ઐતિહાસિક મહત્વ અજોડ છે. ભગવાન શિવ સ્વયંભૂ રૂપે પાતાળ લોકમાંથી પૃથ્વી પર પ્રગટ થયેલા હાટકેશ્વર મહાદેવના આ મંદિરનું પુરાતન ઇતિહાસ ‘નાગરખંડ’ તથા ‘સ્કંદ પુરાણ’માં પણ ઉલ્લેખિત છે.” નાગર જ્ઞાતિના કુળદેવતા તરીકે જાણીતા હાટકેશ્વર મહાદેવનું આ મંદિર વિશ્વભરમાં આસ્થા માટે આગવું સ્થાન ધરાવે છે.

આ પુરાતન મંદિરની શિલ્પકલા વૈભવમય છે, જ્યાં વિશાળ મંડપ, શિલ્પો દ્વારા દર્શાવાયેલ વિષ્ણુના દશાવતાર તથા પાંડવોના અરણ્યવાસથી સંકળાયેલા શિલ્પો દર્શનાર્થીઓનું ધ્યાન ખેંચે છે. આજે પણ દેશ-વિદેશથી નાગર સમુદાય સહિત હજારો ભક્તો દર વર્ષે હાટકેશ્વર મહાદેવના દર્શનાર્થે આવે છે.

મંદિરની આવી પૌરાણિકતા અને ગૌરવમય વારસાને વધુ ઊંડાણપૂર્વક સમજાવવા માટે હવે અહીં પ્રવાસન વિભાગ દ્વારા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ શો ભક્તોને હાટકેશ્વર મહાદેવના ઇતિહાસ સાથે જીવંત રીતે જોડશે અને ભક્તિભાવના સાથે તેમની યાત્રાને વધુ મર્મસ્પર્શી પણ બનાવશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાન મોદીની આ વતન ભૂમિ આજે દેશ વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે. આ વર્ષે 6 લાખ જેટલા લોકો વડનગર ની મુલાકાત લઈને આ નગરના ઐતિહાસિક અને પૌરાણિક મહત્તા થી પરિચિત થયા છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. વડનગરનું હાટકેશ્વર મંદિર લાઇટ એન્ડ સાઉન્ડ શોની સુવિધા ધરાવતું રાજ્યનું સાતમું યાત્રા પ્રવાસનધામ બન્યું છે.

રાજ્યમાં સોમનાથ, અંબાજી ,શામળાજી અને મોઢેરા જેવા યાત્રાધામો તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કચ્છના ધોરડો જેવા વિશ્વ પ્રવાસન સ્થળોની મુલાકાતે આવતા લાખો પ્રવાસીઓને આ સ્થળોના ઇતિહાસ અને ભવ્ય ગાથા લાઈટ એન્ડ સાઉન્ડ શોના માધ્યમથી માણવા મળે છે.

ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં હવે એ પરંપરાને આગળ ધપાવતાં ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા વડનગરમાં પણ હાટકેશ્વર મંદિરનો આ લાઈટ એન્ડ સાઉન્ડ શો પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવ્યો છે.

આ લોકાર્પણ અવસરે સામાજિક અગ્રણી સોમભાઈ મોદી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, પ્રવાસન અગ્ર સચિવ ડો. રાજેન્દ્ર કુમાર અને પ્રવાસન નિગમના એમ.ડી, સાંસદ હરિભાઈ તેમજ ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનો, વડનગર નગરપાલિકા પ્રમુખ અને પદાધિકારીઓ તેમજ હાટકેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ, નાગરિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

24 માર્ચે જ’વિશ્વ ક્ષય દિવસ’ઉજવવા પાછળનું કારણ શું છે?

દર વર્ષે 24 માર્ચે ‘વિશ્વ ક્ષય દિવસ’ (World TB Day) ઉજવવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ તારીખ શા માટે પસંદ કરવામાં આવી? હા, ટીબી અંગે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ શા માટે નક્કી કરવામાં આવ્યો?

આપણે જાણીએ છીએ કે ટીબી એક ગંભીર ચેપી રોગ છે, જે દર વર્ષે લાખો લોકોના જીવ લે છે. જોકે, આ રોગ સંપૂર્ણપણે સાધ્ય છે અને તેને અટકાવી પણ શકાય છે, પરંતુ આ માટે તેને યોગ્ય સમયે ઓળખીને સારવાર માટે આગળ વધવું જરૂરી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અને અન્ય સંસ્થાઓ આ દિવસની ઉજવણી કરીને ટીબી સામેની લડાઈને મજબૂત બનાવવાનો પ્રયાસ કરે છે. ચાલો જાણીએ કે 24 માર્ચે ‘વિશ્વ ક્ષય દિવસ’ શા માટે ઉજવવામાં આવે છે? તેનો ઇતિહાસ શું છે અને આ વર્ષે આ દિવસ માટે કઈ થીમ રાખવામાં આવી છે (વિશ્વ ક્ષય દિવસ 2025 થીમ).

વિશ્વ ક્ષય દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
વિશ્વ ક્ષય દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ક્ષય રોગની ગંભીરતા વિશે જાગૃત કરવાનો અને તેના નિવારણ અને સારવારને પ્રોત્સાહન આપવાનો છે. આ દિવસે વિવિધ આરોગ્ય સંસ્થાઓ, સરકારો અને તબીબી સંસ્થાઓ ટીબીના લક્ષણો, સારવાર અને નિવારણ સંબંધિત માહિતી પૂરી પાડે છે, જેથી આ રોગને નાબૂદ કરી શકાય.

વિશ્વ ક્ષય દિવસ ફક્ત 24 માર્ચે જ કેમ ઉજવવામાં આવે છે?
24 માર્ચ, 1882ના રોજ ડૉ. રોબર્ટ કોચે ટીબીનું કારણ બનતા માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયાની શોધ કરી. આ શોધ તબીબી જગત માટે એક મોટી સિદ્ધિ હતી, કારણ કે તેનાથી ટીબીની સારવારનો માર્ગ ખુલ્યો.ડૉ. કોચની આ ઐતિહાસિક શોધની યાદમાં 1982માં વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અને આંતરરાષ્ટ્રીય ક્ષય રોગ અને લંગ રોગો વિરુદ્ધ સંઘ (IUATLD) એ મળીને દર વર્ષે 24 માર્ચે ‘વિશ્વ ક્ષય દિવસ’ ઉજવવાનું નક્કી કર્યું.

ટીબી શું છે અને તે કેવી રીતે ફેલાય છે?
ટીબી એ ટીબી બેક્ટેરિયા (માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ) થી થતો ચેપી રોગ છે.
તે મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે, પરંતુ તે શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે.
ટીબી હવા દ્વારા ફેલાય છે. જ્યારે ટીબીથી સંક્રમિત વ્યક્તિ ખાંસે છે, છીંકે છે અથવા મોટેથી બોલે છે, ત્યારે બેક્ટેરિયા હવામાં ફેલાય છે.
જો કોઈ સ્વસ્થ વ્યક્તિ એ જ હવા શ્વાસમાં લે છે, તો તેને પણ ટીબી થઈ શકે છે.
ટીબી નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ઝડપથી અસર કરે છે.

ટીબીના સામાન્ય લક્ષણો
2 અઠવાડિયાથી વધુ સમય સુધી સતત ઉધરસ રહેવી
ગળફામાં લોહી
વજન ઘટાડવું
રાત્રે પરસેવો થવો
ખૂબ તાવ અને શરદી
ભૂખ ન લાગવી
જો આ લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

વિશ્વ ક્ષય દિવસ 2025 થીમ
દર વર્ષે વિશ્વ ક્ષય દિવસ એક ખાસ થીમ સાથે ઉજવવામાં આવે છે જે ક્ષય રોગ નાબૂદી માટે જાગૃતિ લાવવા પર કેન્દ્રિત છે. 2025 ની થીમ “હા! આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ!” પર આધારિત છે, જેનો અર્થ એ છે કે સાથે મળીને આપણે આ રોગને નાબૂદ કરી શકીએ છીએ. તમને જણાવી દઈએ કે, ભારત સરકારે 2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

ટીબીથી બચવાના 5 રસ્તાઓ
બીસીજી રસી લો: બાળકોને ટીબીથી બચાવવા માટે આ રસી જરૂરી છે.
ચેપગ્રસ્ત વ્યક્તિથી અંતર જાળવો: જો કોઈને ટીબી હોય, તો તેની ખૂબ નજીક ન જાઓ.
માસ્ક પહેરો અને સ્વચ્છતા જાળવો: ખાંસી કે છીંક ખાતી વખતે તમારા મોંને ઢાંકો અને માસ્ક પહેરો.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવો: પૌષ્ટિક આહાર લો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો.
જો તમને ટીબીના લક્ષણો દેખાય, તો તાત્કાલિક પરીક્ષણ કરાવો: વહેલા ઓળખવાથી સારવાર સરળ બને છે.

એકનાથ શિંદે વિરુદ્ધ બોલવા બદલ કોમેડિયન કુણાલ કામરા સામે કેસ દાખલ

સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા ફરી એકવાર વિવાદમાં ફસાઈ ગયો છે. કામરા પર મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેના પક્ષના વડા એકનાથ શિંદે વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. આ કેસમાં મુંબઈ પોલીસે સોમવારે કુણાલ કામરા વિરુદ્ધ FIR નોંધી છે. મુંબઈના MIDC પોલીસ સ્ટેશનના એક અધિકારીએ માહિતી આપી હતી કે સોમવારે વહેલી સવારે કામરા વિરુદ્ધ BNSની વિવિધ કલમો હેઠળ FIR નોંધવામાં આવી હતી, જેમાં 353(1)(b) (જાહેર ઉપદ્રવ પેદા કરતા નિવેદનો) અને 356(2) (માનહાનિ)નો સમાવેશ થાય છે, પોલીસે જણાવ્યું હતું.

શું છે આખો વિવાદ?
વાસ્તવમાં, કુણાલ કામરાએ મુંબઈના ખાર વિસ્તારમાં સ્થિત હેબિટેટ સ્ટુડિયોમાં ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના એક ગીતના સંશોધિત સંસ્કરણનો ઉપયોગ કરીને એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો હતો. કુણાલ કામરાએ દેશદ્રોહી શબ્દનો ઉપયોગ કરીને એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો હતો. એકનાથ શિંદે વિરુદ્ધ કથિત રીતે અપશબ્દોનો ઉપયોગ કરતો કામરાનો વીડિયો વાયરલ થયા બાદ ઘણો વિવાદ થયો હતો. શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર લગભગ 2 મિનિટના આ વીડિયોમાં કામરાએ NCP અને શિવસેનાની મજાક ઉડાવી છે.

હેબિટેટ સ્ટુડિયોમાં તોડફોડ

એકનાથ શિંદે પરની ટિપ્પણીથી ગુસ્સે ભરાયેલા શિવસેનાના કાર્યકરોએ મુંબઈના ખાર વિસ્તારમાં હેબિટેટ સ્ટુડિયો (જ્યાં વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો) માં તોડફોડ કરી હોવાના અહેવાલ છે. પોલીસે શિવસેનાના લગભગ 40 કાર્યકરો સામે કેસ નોંધ્યો છે. મળતી માહિતી મુજબ, રવિવારે રાત્રે મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકરો હોટેલ યુનિકોન્ટિનેન્ટલ (જ્યાં ક્લબ આવેલી છે) ની બહાર આવ્યા અને ક્લબ અને હોટલ પરિસરમાં તોડફોડ કરી. તમને જણાવી દઈએ કે હેબિટેટ ક્લબ એ જ જગ્યા છે જ્યાં ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોનું શૂટિંગ પણ થયું હતું.

અજિત પવારનું નિવેદન આવ્યું

કોમેડિયન કુણાલ કામરા વિવાદ પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું,”કોઈએ પણ કાયદા, બંધારણ અને નિયમોની બહાર ન જવું જોઈએ. તેમણે પોતાના અધિકારમાં રહીને બોલવું જોઈએ. મતભેદો હોઈ શકે છે, પરંતુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આમાં પોલીસની જરૂર ન હોવી જોઈએ.”

રાજકોટની વધુ એક નમકીન બનાવતી કંપનીમાં વિકરાળ આગ

રાજકોટ: થોડા મહિનાઓ અગાઉ રાજકોટની જાણીતી ગોપાલ નમકીનની કંપનીમાં ભીષણ આગની ઘટના બાદ આજે સવારે અમદાવાદ હાઈવે ઉપર નાકરાવાડી ગામ પાસે આવેલી બીજી એક કંપનીમાં ભારે આગ લાગી છે. રાજકોટથી પાંચ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી રહી છે.

આજે સવારે 9.30 કલાક આસપાસ KBZ નામની નમકીન બનાવતી કંપનીમાં આગ લાગ્યાની જાણ થતા રાજકોટથી ફાયર બ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ રવાના કરવામાં આવી છે. નજીકમાં વાંકાનેરથી પણ ફાયર અને મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ કંપનીમાં 50 જેટલા માણસો કામ કરતા હતા. હાલ તેઓ સલામત હોવાનું કહેવાય છે. તંત્ર માલિકો પાસેથી વિગતો મેળવી રહ્યું છે. કંપની મોટાભાગની બળીને ખાખ થઈ ગઈ છે.

રાજકોટમાં ગેમ ઝોનની દુર્ઘટના બાદ પણ આગની ઘટનાઓ અટકતી નથી. તંત્ર આગ લાગે ત્યારે કૂવો ખોદે તેવી રીતે કામગીરી કરી રહી હોવાનો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે લાગેલી આગમાં કોઈ જાન હાની થઈ નથી જયારે નુકશાનનો આંકડો પણ હજુ બહાર આવ્યો નથી.

(દેવેન્દ્ર જાની-રાજકોટ)