Home Blog Page 1068

અમિતાભની ‘બાગબાન’ માં સલીમ-જાવેદનો ફાળો છે!

નિર્દેશક રવિ ચોપડાએ જ્યારે ‘બાગબાન’ (2003) બનાવી ત્યારે એમાં સલમાન ખાન ન હતો. રવિ ચોપડાના પત્ની રેણુ ચોપડાએ એક મુલાકાતમાં ‘બાગબાન’ વિશે ઘણી રસપ્રદ વાતો કરી હતી. રવિએ જ્યારે ‘બાગબાન’ બનાવવાનો વિચાર વ્યક્ત કર્યો ત્યારે પિતા બી.આર. ચોપડાએ એ વાર્તા પર ફિલ્મ બનાવવાનીના પાડી હતી. કેમકે વાર્તા એમણે 20 વર્ષ પહેલાં લખી હતી. રવિએ એ વાર્તાને નવા જમાના પ્રમાણે તૈયાર કરીને બનાવવાનો નિર્ણય કર્યો હતો.

ફિલ્મ માટે સૌથી પહેલાં અમિતાભની પસંદગી થઈ ગઈ હતી. હેમામાલિની પહેલી પસંદ ન હતા. રવિએ પહેલાં તબ્બુને ફિલ્મ કરવા કહ્યું હતું. તબ્બુએ પહેલાં વાર્તા સાંભળવાનો આગ્રહ રાખ્યો. વાર્તા સાંભળીને એ રડી પડી હતી. એને સ્ક્રિપ્ટ પસંદ આવી હતી. પરંતુ માતાની ભૂમિકા હોવાથી એ કરી શકે એમ ન હતી. એની કારકિર્દીમાં સમસ્યા આવે એમ હતી. એ પછી હેમામાલિનીનો સંપર્ક કર્યો હતો અને એમણે હા પાડી હતી. ફિલ્મનો અંત 11 પાનાનો તૈયાર કર્યો હતો. રેણુ એ વાંચીને રડી પડી હતી. પણ કહ્યું હતું કે અંત બહુ લાંબો છે.

આટલો લાંબો ક્લાઇમેક્સ જોવા દર્શકો બેસી રહેશે નહીં. રવિએ કહ્યું કે મને એ પસંદ છે અને બધું જ શુટિંગ કરીશ. એવું હશે તો પછી દ્રશ્યો કાપી નાખીશ. રવિએ ક્લાઇમેક્સના કાગળો અમિતાભને આપ્યા ત્યારે એમણે કહ્યું કે મને ત્રણ દિવસનો સમય આપો. એ પછી હું શુટિંગ કરીશ. ત્રણ દિવસ પછી શુટિંગ કરવા અમિતાભ આવ્યા ત્યારે એમણે કહ્યું કે તમારે જેટલા કેમેરા લગાવવા હોય એટલા લગાવી લો. હું એનું બીજી વખત શુટિંગ કરી શકીશ નહીં. કેમકે એ વાતોથી મારું હ્રદય ભરાય જાય છે. ક્લાઇમેક્સના શુટિંગ માટે ત્રણ કેમેરા લગાવવામાં આવ્યા એ પછી અમિતાભે સૂચના આપી કે બહુ ઓછા લોકો સેટ પર રહેશે. એમાં એમણે રવિના પત્ની રેણુને હાજર રહેવા સંમતિ આપી હતી.

અમિતાભ અંતિમ સ્ક્રિપ્ટ પ્રમાણે જ બધા સંવાદ બોલ્યા હતા. એક શબ્દ વધારે કે ઓછો ના બોલ્યા. બહુ ઓછાને ખબર હશે કે ‘બાગબાન’ નો ક્લાઇમેક્સ જાવેદ અખ્તરે લખ્યો હતો. એમણે આખી ફિલ્મ જોઈ ન હતી પણ વિચાર જાણતા હતા. ચોપરા પરિવાર સાથેના પ્રેમને કારણે જ એમણે ક્લાઇમેક્સ લખ્યો હતો અને એવી શરત કરી હતી કે એની ક્રેડિટ એમને આપવાની નહીં. કેમકે જેમણે આખી ફિલ્મ લખી છે એમને જ ક્રેડિટ મળવી જોઈએ. ફિલ્મમાં જાવેદનું જ નહીં સલીમ ખાનનું પણ થોડું પ્રદાન રહ્યું હતું. સલીમે સલમાન માટેના સંવાદ લખ્યા હતા.

ફિલ્મ તૈયાર થઈ ત્યારે અમિતાભ અને હેમા જેવા જાણીતા કલાકારો હોવા છતાં એને કોઈ વિતરક ખરીદવા તૈયાર થઈ રહ્યા ન હતા. કેમકે એમને એ જૂના જમાનાની ફિલ્મ લાગી રહી હતી. અમિતાભનો સમય સારો ચાલતો ન હોવાથી એમના નામ પર વેચાય એમ ન હતી. ત્યારે રવિ ચોપરાને કોઈએ સૂચન કર્યું કે તમે સ્ટાર સલમાન ખાનને મહેમાન ભૂમિકામાં લઈ લો. રવિએ સલમાનને ત્યાં જઈને વાત કરી અને એને વિચાર ગમી ગયો હોવાથી અને ચોપરા પરિવારની ફિલ્મ હોવાથી ફી અંગે કોઈ ચર્ચા કર્યા વગર કામ કરવા તરત તૈયાર થઈ ગયો હતો. પહેલા 4 દિવસ ચાલી જ ન હતી. ત્યારે રવિને અફસોસ પણ થયો હતો કે ફિલ્મ કેમ બનાવી? પણ પછી બહુ ચાલી હતી.

ગુલકંદ – ૨૨ માર્ચ ૨૦૨૫

મગની દાળના મેંદુ વડા

સ્વાસ્થ્યપ્રદ મગ કે મગની ફોતરાવાળી દાળના મેંદુ વડા તળીને અથવા તળ્યા વગર પણ બનાવી શકાય છે.

સામગ્રીઃ

  • મગ અથવા મગની ફોતરાવાળી દાળ 1 કપ
  • રવો ½ કપ
  • દહીં ½ કપ
  • આદુ 2 ઈંચ
  • લસણની કળી 7-8
  • કાંદો 1
  • જીરૂ ½ ટી.સ્પૂન
  • લીલા મરચાં 4-5
  • કળીપત્તાના પાન 7-8
  • બેકીંગ સોડા ½ ટી.સ્પૂન
  • તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ

વઘાર માટેઃ

  • તેલ 1 ટે.સ્પૂન
  • રાઈ ½ ટી.સ્પૂન
  • ચીલી ફ્લેક્સ ½ ટી.સ્પૂન
  • કાશ્મીરી મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
  • સફેદ તલ 2 ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું

રીતઃ મગની દાળને 2-3 પાણીએથી ધોઈને 4 કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેમાંનું પાણી નિતારી લઈ મિક્સીમાં નાખી તેમાં આદુના ટુકડા તેમજ લસણની કળી ઉમેરીને પીસી લો.

આ મિશ્રણને એક મોટા વાસણમાં લઈ તેમાં રવો, દહીં ઉમેરી દો. કાંદો, લીલા મરચાં તેમજ કળી પત્તાના પાન ઝીણાં સમારીને તેમજ સમારેલી કોથમીર ઉમેરો. જીરૂ ઉમેરીને મિક્સ કરી લો. મિશ્રણ ઘટ્ટ હોવું જોઈએ. આ મિશ્રણને ઢાંકીને 10 મિનિટ રાખી મૂકો. ત્યારબાદ તળતી વખતે તેમાં બેકીંગ સોડા ઉમેરી દો.

હાથને તેલવાળા કરીને મિશ્રણમાંથી ગોળો લઈ ચપટો કરીને તેમાં વચ્ચે કાણું પાડીને એક પ્લેટમાં મૂકતા જાઓ. બધા ગોળા તૈયાર કરી લીધા બાદ કઢાઈમાં તેલ ગરમ કરી લીધા બાદ ગેસની મધ્યમ આંચે મેંદુવડા તળી લો.

જો વડા તળવા ન હોય તો કઢાઈ અથવા ઢોકળા બાફવાના વાસણમાં 1 ગ્લાસ પાણી ગરમ કરી તેમાં કાંઠો મૂકી દો. એક સ્ટીલની ચાળણી અથવા કાણાંવાળું ઢાંકણ તેલવાળું કરીને તેમાં વાળેલા ગોળા ગોઠવી દીધા બાદ આ સ્ટીલની ચાળણી કાંઠા ઉપર ગોઠવીને ઢાંકણ ઢાંકીને 15 મિનિટ સુધી મેંદુ વડા બફાવા દો.

બાફેલા વડાનો વઘાર કરવા માટે એક પેનમાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરો. ત્યારબાદ તેમાં જીરૂ ઉમેરી લીલા મરચાં લાંબી ચીરીમાં સમારેલાં ઉમેરો. હવે તેમાં ચીલી ફ્લેક્સ, કાશ્મીરી મરચાં પાઉડર, સફેદ તલ, સ્વાદ મુજબ મીઠું મેળવીને બાફેલા મેંદુ વડા મિક્સ કરીને 2-3 મિનિટ બાદ ગેસ બંધ કરીને આ વડા ખાવા માટે પીરસો.

૨૨ માર્ચ, ૨૦૨૫

પંચાંગ 22/03/2025

ચારધામ યાત્રા 2025: પહેલા દિવસે 1.65 લાખ રજિસ્ટ્રેશન કરાવ્યું

ચારધામ યાત્રા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ યાત્રાને લઈને ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, અને પહેલા જ દિવસે 1.65 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી લીધી છે. આમાં સૌથી વધુ રજિસ્ટ્રેશન કેદારનાથ ધામ માટે થયું છે. આ વર્ષે ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ થશે, જે દિવસે ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખુલશે, જ્યારે 2 મેના રોજ કેદારનાથ અને બદ્રીનાથ ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવશે.

કેટલા શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન?
પ્રવાસન વિભાગે ગુરુવારે સવારે 7 વાગ્યે ઓનલાઈન નોંધણી પોર્ટલ અને “Tourist Care Uttarakhand” મોબાઈલ એપ લોન્ચ કર્યા હતા. સાંજે 5 વાગ્યા સુધીમાં 1.65 લાખથી વધુ યાત્રાળુઓએ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવી લીધું હતું. નોંધણી માટે આધાર કાર્ડ ફરજિયાત રાખવામાં આવ્યું છે.

  • પ્રવાસન વિભાગના આંકડા મુજબ, પહેલા દિવસે કેદારનાથ માટે 53,570 શ્રદ્ધાળુઓએ નોંધણી કરી, જે સૌથી વધુ છે.
  • બદ્રીનાથ ધામ માટે 49,385 લોકોએ રજિસ્ટર કર્યું.
  • ગંગોત્રી માટે 30,933 અને યમુનોત્રી માટે 30,224 યાત્રાળુઓએ નોંધણી કરાવી.
  • હેમકુંડ સાહિબ માટે 1,180 શ્રદ્ધાળુઓએ પોતાનું નામ નોંધાવ્યું.

હેલિકોપ્ટર સેવા માટે પણ તૈયારી
ચારધામ યાત્રાને સરળ બનાવવા હેલિકોપ્ટર સેવા પણ શરૂ કરાશે. કેદારનાથ માટે હેલિસેવાનું ઓનલાઈન બુકિંગ એપ્રિલના પહેલા સપ્તાહમાં શરૂ થવાની શક્યતા છે. ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (UCADA) એ આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ગુપ્તકાશી, સિરસી અને ફાટાથી નવ ઉડ્ડયન કંપનીઓ હેલિકોપ્ટર સેવાઓ ચલાવશે. આ સેવાનું બુકિંગ IRCTC દ્વારા થશે, અને તેનો લાભ લેવા ચારધામ યાત્રાનું રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે.

  • હોટલોમાં પણ બુકિંગની ભીડ વધી રહી છે.
  • UCADAના CEO સોનિકાએ જણાવ્યું કે, હેલિસેવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે.
  • યાત્રાળુઓની સુવિધા માટે પ્રવાસન વિભાગે “Tourist Care Uttarakhand” એપ શરૂ કરી છે, સાથે જ 24 કલાક ઉપલબ્ધ ટોલ-ફ્રી નંબર 0135-1364 પણ જાહેર કર્યો છે.

તમન્ના, જેક્લિન અને વાણી એકસાથે જોવા મળ્યા, જુઓ તસવીરો

ગુરુવારે સાંજે મુંબઈમાં ઝી સિને એવોર્ડ્સ 2025 ની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા બોલિવૂડ સેલેબ્સે હાજરી આપી હતી અને પોતાના લુક્સથી ઇવેન્ટમાં ગ્લેમર ઉમેર્યું હતું. આ ઇવેન્ટના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં કાર્તિક આર્યન, તમન્ના ભાટિયા અને જેકલીન ફર્નાન્ડીઝ તેમના અદભુત લુકમાં પોતાનું આકર્ષિત દેખાય રહ્યાં છે.

બોલિવૂડના યુવા પ્રતિભાશાળી સ્ટાર્સમાંના એક કાર્તિક આર્યન પણ ઝી સિને એવોર્ડ્સની પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા અને હંમેશની જેમ ડેશિંગ દેખાતા હતા. રેડ કાર્પેટ પર જતા પહેલા, તેણે તેના ચાહકો સાથે ઘણી બધી તસવીરો ક્લિક કરી.

તમન્ના ભાટિયા જે લાંબા સમયથી પોતાના બ્રેકઅપને લઈને હેડલાઇન્સમાં રહી છે, તે પણ આ ઇવેન્ટમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. આ સાથે જ જેક્લિન અને વાણી કપૂર પણ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતાં.

(તસવીરો: દીપક ધૂરી)

આણંદમાં ભાજપ નેતાની પત્નીનો કેનાલમાંથી મળ્યો મૃતદેહ, મોડલના મોતનું રહસ્ય અકબંધ

ગુજરાતના આણંદ જિલ્લામાંથી એક ચોંકાવનારી  ઘટના સામે આવી છે. લાંભવેલ નજીકથી પસાર થતી કેનાલમાં રિદ્ધિ સુથાર નામની યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. રિદ્ધિ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હતી અને તેણે બોરીયાવી નગરપાલિકાના ચેરમેન તથા ભાજપ નેતા રૂષિન પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ દંપતીને દોઢ વર્ષનું એક બાળક પણ છે. આ ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે અને આ મૃત્યુ આત્મહત્યા છે કે હત્યા તેની શંકાઓ પર પણ તપાસનું જોર છે.

શું બન્યું હતું?
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, શુક્રવારે (21 માર્ચ) વહેલી સવારે આણંદના લાંભવેલ વિસ્તાર નજીકની કેનાલમાંથી રિદ્ધિ સુથારનો મૃતદેહ મળી આવ્યો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. નડિયાદ ગ્રામ્ય પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને આ કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. રિદ્ધિના આ અચાનક મૃત્યુથી તેના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

પોલીસની તપાસનો ધમધમાટ
રૂષિન પટેલ, જેઓ હાલમાં જ બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેન બન્યા હતા, તેમણે રિદ્ધિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ દંપતીનું દોઢ વર્ષનું બાળક પણ છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ આદરી છે. આ મામલો આત્મહત્યા છે કે હત્યાનું ષડયંત્ર, તેની સ્પષ્ટતા પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ થશે. રિદ્ધિના મૃત્યુએ ઘણા સવાલો ઉભા કર્યા છે, અને ખાસ કરીને તેના પતિની રાજકીય પૃષ્ઠભૂમિને કારણે આ ઘટના વિવાદમાં આવી શકે તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે.

સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરને ‘ઓવરટાઇમ’ના પૈસા નહીં મળે, જાણો કારણ

સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને સમય કરતાં વધુ સમય અવકાશમાં વિતાવવા બદલ કોઈ ઓવરટાઇમ પગાર મળશે નહીં. ‘ન્યૂ યોર્ક ટાઈમ્સ’ના એક અહેવાલ મુજબ નાસાના નિયમો મુજબ, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને તેમના અણધાર્યા લાંબા અવકાશ રોકાણ માટે કોઈ ઓવરટાઇમ મળશે નહીં. જ્યારે પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમને તેના માટે ઓવરટાઇમ પેમેન્ટ પણ મળશે.

તમને જણાવી દઈએ કે બંને અવકાશયાત્રીઓ 286 દિવસ અવકાશમાં વિતાવ્યા પછી મંગળવારે પૃથ્વી પર પાછા ફર્યા હતા. તેમના અવકાશયાનમાં ખામી સર્જાયા બાદ, તેમણે અપેક્ષા કરતાં 278 દિવસ વધુ અવકાશમાં વિતાવ્યા. “તેમને આકસ્મિક ખર્ચ માટે દરરોજ પાંચ યુએસ ડોલર મળે છે,” અખબારે જણાવ્યું હતું. ન્યૂ યોર્ક ટાઇમ્સે જણાવ્યું હતું કે, તેમના દૂરના સ્થળ અને અવકાશ યાત્રાના જોખમો હોવા છતાં, જ્યારે પગારની વાત આવે છે ત્યારે અવકાશયાત્રીઓ સાથે “બિઝનેસ ટ્રીપ પર અન્ય કોઈપણ સરકારી કર્મચારીની જેમ વ્યવહાર કરવામાં આવે છે”.

જાણો શું છે નિયમો
“અવકાશમાં હોવા છતાં, નાસાના અવકાશયાત્રીઓ ફેડરલ કર્મચારીઓ તરીકે સત્તાવાર મુસાફરી પર હોય છે,” એજન્સીના સ્પેસ ઓપરેશન્સ મિશન ડિરેક્ટોરેટના પ્રવક્તા જીમી રસેલે ધ ન્યૂ યોર્ક ટાઇમ્સને ઇમેઇલ દ્વારા જણાવ્યું. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર મૂળભૂત રીતે નવ મહિનાથી વધુ સમય માટે તેમના કાર્યસ્થળ છોડી શક્યા ન હતા. પરંતુ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર અવકાશયાત્રીઓને કોઈ ઓવરટાઇમ, રજા કે સપ્તાહાંતનો પગાર મળતો નથી, રસેલે જણાવ્યું હતું. રસેલે ઉમેર્યુ હતું કે, તેમના પરિવહન, ભોજન અને રહેવાનો ખર્ચ ચૂકવવામાં આવે છે, અને કાર્યસ્થળ પરના અન્ય ફેડરલ કર્મચારીઓની જેમ, તેમને દૈનિક “આકસ્મિક” ભથ્થું મળે છે. રસેલે કહ્યું કે કોઈપણ જગ્યાએ મુસાફરી માટે આકસ્મિક ભથ્થું દરરોજ પાંચ ડોલર છે.

આ કારણે વધારાનું ભથ્થું આપવામાં આવશે નહીં
ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, આનો અર્થ એ થયો કે નાસા અનુસાર વિલ્મોર અને વિલિયમ્સને તેમના વાર્ષિક પગાર $152,258 ઉપરાંત 286 દિવસના અવકાશમાં રહેવા માટે લગભગ $1,430ની રકમ મળી. યુએસ જનરલ સર્વિસીસ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, પૃથ્વીથી 250 માઇલ ઉપર ભ્રમણકક્ષામાં હતા ત્યારે વિલ્મોર અને વિલિયમ્સે કયા આકસ્મિક ખર્ચ કર્યા હશે તે સ્પષ્ટ નથી. સામાન્ય રીતે આ ખર્ચમાં “પોર્ટર્સ, લગેજ કેરિયર્સ, હોટેલ સ્ટાફ અને જહાજોના સ્ટાફને ચૂકવવામાં આવતી ફી અને ટિપ્સ”નો સમાવેશ થાય છે. સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરે ખરેખર તેમના લાંબા રોકાણને મુશ્કેલી તરીકે જોયું નહીં. સુનિતા વિલિયમ્સે સપ્ટેમ્બરમાં પત્રકારોને જણાવ્યું હતું, “આ મારા માટે ખુશીનું સ્થળ છે, મને અવકાશમાં રહેવું ગમે છે. મજા આવે છે, ખબર છે?.”

ભારતમાં મ્યુનિસિપલ બોન્ડ માર્કેટ માટે એનએસઈની વેબસાઇટ લોન્ચ

સેબીના પૂર્ણકાલિન સભ્ય અશ્વની ભાટિયાએ આજે ​​મ્યુનિસિપલ બોન્ડ્સ માટે એનએસઈની સમર્પિત વેબસાઇટ લોન્ચ કરી હતી. આ વેબસાઇટ બજારના સહભાગીઓ માટે એક સેન્ટ્રલાઇઝ હબ બની રહેશે, જે ભારતના પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ ઇન્ડેક્સ – નિફ્ટી ઈન્ડિયા મ્યુનિસિપલ બોન્ડ ઇન્ડેક્સના ઐતિહાસિક પર્ફોર્મન્સ સાથે ઇશ્યૂ, ક્રેડિટ રેટિંગ્સ, ટ્રેડિંગ વોલ્યુમ, ઇન્ટ્રિસ્ટિક યીલ્ડ અને કિંમતો  સહિત ભારતીય મ્યુનિસિપલ બોન્ડ માર્કેટ પર વ્યાપક ડેટા પ્રદાન કરશે.

આ પહેલનો હેતુ ભારતમાં મ્યુનિસિપલ બોન્ડ્સ માર્કેટમાં પારદર્શિતા, સુલભતા અને રોકાણકારોની જાગૃતિ વધારવાનો છે. પદ્ધતિસરની માહિતી અને સંબંધિત અપડેટ્સ પ્રદાન કરીને, આ પહેલ એક સક્ષમ રોકાણ સાધન તરીકે મ્યુનિસિપલ બોન્ડ્સમાં વિશ્વાસ મજબૂત કરવા માટે તૈયાર છે.

આ વેબસાઇટ www.IndiaMunicipalBonds.com પર ક્લિક કરીને માહિતી મેળવી શકાય છે.

વેબસાઇટના મહત્વના ભાગો નીચે મુજબ છે

બોન્ડ્સની માહિતી મેળવવીઃ યુઝર્સ ક્રેડિટ રેટિંગ, મેચ્યોરિટી, યીલ્ડ વગેરે વગેરે જેવા પરિમાણોના આધારે મુદતમાં બાકી રહેલા મ્યુનિસિપલ બોન્ડ્સને ફિલ્ટર અને વિશ્લેષણ કરી શકે છે અને આ પરિમાણોના આધારે વિવિધ બોન્ડ્સની તુલના કરી શકે છે.

મ્યુનિસિપલ બોન્ડ ઇન્ડેક્સ: યુઝર્સ નિફ્ટી ઈન્ડિયા મ્યુનિસિપલ બોન્ડ ઇન્ડેક્સનો ઉપયોગ કરીને મ્યુનિસિપલ બોન્ડ માર્કેટના ઐતિહાસિક પર્ફોર્મન્સને ટ્રેક કરી શકે છે અને તેના ઐતિહાસિક પર્ફોર્મન્સની તુલના અન્ય સંબંધિત બોન્ડ સૂચકાંકો સાથે કરી શકે છે.

માર્કેટ એક્ટિવિટીઃ યુઝર્સ વિવિધ સમયગાળા માટે મ્યુનિસિપલ બોન્ડ ઇશ્યૂઅર્સમાં એગ્રીગેટ અને એવરેજ ડેઇલી ટ્રેડિંગ વેલ્યુઝ ટ્રેક કરી શકે છે.

સંસાધનોઃ આ સેક્શનમાં મ્યુનિસિપલ બોન્ડ્સ માર્કેટને લગતા વિવિધ રિપોર્ટ્સ, આર્ટિકલ્સ, માર્ગદર્શિકાઓ અને નિયમનોનો સમાવેશ થાય છે.

આ સીમાચિહ્નરૂપ પહેલ અંગે સેબીના પૂર્ણકાલિન સભ્ય અશ્વની ભાટિયાએ કહ્યું કે “એક સમર્પિત મ્યુનિસિપલ બોન્ડ વેબસાઇટનું લોન્ચિંગ એ એક મહત્વની પહેલ છે જે ભારતમાં મ્યુનિસિપલ બોન્ડ માર્કેટની વિશ્વસનીયતા અને વિઝિબિલિટીમાં નોંધપાત્ર વધારો કરશે. આ વેબસાઇટ માહિતીના અંતરને દૂર કરવામાં અને શહેરી વિકાસ પ્રોજેક્ટ્સને ધિરાણ આપવામાં ભાગ લેવા રોકાણકારોને આકર્ષવામાં મદદ કરશે. મ્યુનિસિપાલિટીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ફંડ એકત્ર કરવાનો પ્રયાસ કરતી હોવાથી, મજબૂત મ્યુનિસિપલ બોન્ડ માર્કેટ સુનિશ્ચિત કરવા માટે આવા પગલાં મહત્વપૂર્ણ છે.”

વધુમાં એ ઉમેરે છે કે, “અમે મ્યુનિસિપલ બોન્ડ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા અને ટકાઉ શહેરી વિકાસને આગળ વધારવા માટે આ પ્લેટફોર્મનો લાભ લેવા આતુર છીએ.”

એનએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે, “આ વેબસાઇટનું લોન્ચિંગ ભારતમાં મ્યુનિસિપલ બોન્ડ માર્કેટના વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. સ્ટ્રક્ચર્ડ ડેટા અને વધુ બજાર પારદર્શકતા પ્રદાન કરીને, અમે રોકાણકારોને જાણકાર રોકાણ નિર્ણયો લેવા માટે જરૂરી જ્ઞાન અને આંતરદ્રષ્ટિ સાથે સશક્ત બનાવી રહ્યા છીએ. આ પહેલ એનએસઈના હેતુ અને દ્રષ્ટિકોણ સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે જે વધુ કાર્યક્ષમ, પ્રવાહી અને સુવ્યવસ્થિત બોન્ડ માર્કેટને પ્રોત્સાહન આપીને લોકોની નાણાંકીય સુખાકારીમાં સુધારો કરે છે. આ પહેલ સંસ્થાકીય અને રિટેલ રોકાણકારોની વધુ ભાગીદારીને પ્રોત્સાહિત કરશે, જે છેવટે શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં મદદ કરશે.”