હવામાન વિભાગની નવી આગાહી મુજબ, આગામી 24 કલાક પછી ગુજરાતમાં ફરી ગરમીનો પ્રકોપ વધશે. રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે લોકોને તીવ્ર ગરમીનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિ આગામી પાંચ દિવસ સુધી ચાલુ રહેવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે બફારાનો અનુભવ થશે, જોકે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી.
હવામાન વિભાગ પ્રમાણે, હાલમાં ગુજરાત પર ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર દિશામાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે, જે આગામી 24 કલાક સુધી યથાવત્ રહેશે. પરંતુ 24 માર્ચે ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે, જેના પરિણામે ગુજરાતમાં તાપમાનમાં વધારો જોવા મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વાતાવરણ શુષ્ક રહેશે, અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. ગઈકાલે અમદાવાદમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો હતો, પરંતુ 24 કલાક બાદ ફરીથી 2થી 3 ડિગ્રીનો વધારો થશે. આ ગરમીના મોજાથી રાજ્યના રહેવાસીઓએ સાવચેત રહેવું પડશે.
ગુજરાતમાં ઠેર ઠેર ગુનાખોરીની પ્રવૃત્તિઓ દિવસે-દિવસે વધી રહી છે. શાંતિમય સમાજમાં આતંક અને ડર ફેલાવવાનો જાણે ટ્રેન્ડ બની ગયો છે. અત્યારના સમયમાં દેખાવ કરવો, લોકોને ડરાવી-ધમકાવી પોતાનું કામ કઢાવવું જાણે સામાન્ય બની ગયું છે. ઘણા એવા લોકો છે, જે પોતાનું વર્ચસ્વ બનાવવા માટે નાના માણસને કચળી નાખે છે. એવી જ એક ઘટના અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં બની, જ્યાં અમુક લુખ્ખા તત્વોએ રાહદારીઓ પર તલવાર અને છરીથી હુમલો કર્યો. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો.
આવી ઘટનાઓથી સામાન્ય નાગરિકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે, પણ સાથે સુરક્ષા અને કાયદા-વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે. અસામાજિક તત્વોમાં કાયદાનો ડર ઊભો કરવો અનિવાર્ય છે, જેથી ગુનાખોરી પર અંકુશ આવે. પરંતુ આવી ઘટનાઓને રોકવા માટે સમાજ, સરકાર અને કાયદાના રક્ષકોએ સંયુક્ત રીતે કેવાં પગલાં લેવાં જોઈએ, તેની ચર્ચા જરૂરી બની છે. આ વખતના ઓપિનિયન વિભાગમાં જાણો અલગ-અલગ વર્ગના લોકો આ મામલે શું કહે છે…
પ્રમીલા રામજીભાઈ, ASI, અમદાવાદ અસામાજિક તત્વો સામે કાયદા તો બનાવવામાં આવ્યા છે, અને આ કિસ્સાથી પોલીસ તંત્રને પણ સમજાયું છે કે કડક કાર્યવાહી વિના આ લોકો સુધરશે નહીં. આપણા ગુજરાતને જે સુરક્ષિત રાજ્યની ગરિમા મળી છે, તે યથાવત્ રાખવાની છે. એટલા માટે જ સરકાર સાથે મળીને પોલીસ પૂરા એક્શન મોડમાં આવી છે. જેમ કે, આવા અસામાજિક તત્વોની જાણ થતાં જ તેમને તાત્કાલિક પાસા કરી દેવા, દરેક પોલીસ સ્ટેશનમાં તેમની જાણ કરી દેવી. આવાં પગલાંથી અસામાજિક તત્વોમાં ભય પેદા થયો છે. આવા લોકોને પોલીસ દ્વારા છોડવામાં આવતા નથી, અને જેમ બને તેમ વધુ કડક કાર્યવાહી કરવામાં આવે છે.
પાર્થ રાવલ, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ, સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ અસામાજિક પ્રવૃત્તિઓમાં દારૂ, ડ્રગ્સ, જુગાર, સ્મગલિંગ, હપ્તા ઉઘરાવવા, વ્યાજખોરી વગેરેનો સમાવેશ થાય છે. જે લોકો રસ્તા પર ઉતરીને આતંક મચાવતા હોય છે, તે મુખ્ય સૂત્રધાર કે માસ્ટર માઇન્ડ વ્યક્તિ હોતા નથી. કોઈ પણ ઘટનાના માસ્ટર માઇન્ડ પોલીસ ખાતાના જ અમુક ઉચ્ચ અધિકારીઓની રહેમરાહે આવી પ્રવૃત્તિ કરતા હોય છે. મુખ્ય વ્યક્તિ અને તેના માણસોનું મુખ્ય આર્થિક પીઠબળ તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી થતી આવક છે. આતંક મચાવાની ઘટનાઓ પર નિયંત્રણ લાવવું હોય તો ગેરકાયદેસર ધંધા સદંતર બંધ કરવા ખૂબ આવશ્યક છે. હાલમાં અસામાજિક તત્વો પર કાયદેસર કાર્યવાહી તેમજ તેમની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવવામાં આવે છે. પરંતુ આવા લોકોના માસ્ટર માઇન્ડને પકડી પાડવા અને જે અધિકારીઓની રહેમરાહે તેઓ આગળ વધતા હોય, તે અધિકારીઓ સુધી પહોંચીને તેમના પર કાર્યવાહી કરવાની જરૂર છે. અત્યારે માત્ર સરકારના દબાણ હેઠળ ઉપરછલ્લી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘટનાના મુખ્ય સૂત્રધાર કે માસ્ટર માઇન્ડની જેની સાથે સાંઠગાંઠ છે, તેમના પર તો કાર્યવાહી થતી હોય એવું લાગતું નથી, જે થવું ખૂબ જરૂરી છે. તથા મારામારી અને શરીરને લગતા ગુનાઓ કરતા આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટી (પાસા), તડીપાર તથા એકસરખા વધુ ગુનાઓ ધરાવતા ગુનેગારોની જામીન રદ કરવાની કાર્યવાહી કરીને અસામાજિક તત્વો પર અંકુશ લાવી શકાય છે.
ડિમ્પલ વરિંદાની, પ્રેસિડેન્ટ, હેલ્પીંગ હેન્ડ્સ ટ્રસ્ટ આવા કિસ્સાઓમાં પોલીસે થોડું કડક બનવું પડશે, જેથી એક ઉદાહરણ ઊભું કરી શકાય કે આવી ગુનાખોરીની પ્રવૃત્તિનો ભાગ બનશો તો પોલીસ અને કાયદો છોડશે નહીં. પોલીસે પેટ્રોલિંગમાં પણ વધારો કરવો જોઈએ. પોલીસ પોતાની રીતે પોતાનું કામ તો કરશે જ, પરંતુ આપણે પણ આપણાં બાળકોને આવી પ્રવૃત્તિઓનો ભાગ ન બને તે માટે સમજાવવાં જોઈએ. આપણે દરેક વસ્તુ સરકાર અને અધિકારીઓ પર ઢોળી દઈએ એ કેમ ચાલે? ક્યાંક આપણી પણ જવાબદારી છે. સમાજ સુધારણાની શરૂઆત ઘરથી જ થાય છે. જો આપણા ઘરમાં એવી માનસિકતા ધરાવતા લોકો હશે, તો સમાજ કેમ સુરક્ષિત રહેશે? એટલે આવા કિસ્સાઓથી થોડું સમજીને આપણે એવું કરવું જોઈએ કે આપણાં બાળકો આવી પ્રવૃત્તિઓમાં ન જોડાય.
પ્રિયા દવે, ડિરેક્ટર ઓફ હોમ અફેર્સ, અમદાવાદ કોઈપણ જગ્યાએ બે વસ્તુઓ સામાન્ય રીતે જોવા મળે છે, એક સારી અને એક ખરાબ. ખરાબ વસ્તુ જેને આપણે અસામાજિક તત્વો કહીએ છીએ તે છે. આ પ્રકારના લોકો માટે પોલીસ અને સરકાર કાર્યરત હોય જ છે. એવું નથી કે કાયદા બન્યા નથી, કાયદા તો છે, પણ ઘણી વખત એવું બને છે કે કોઈ ને કોઈ કારણસર આ લોકો હાથમાંથી છૂટી જાય છે. જ્યારે પણ મારા પરિવારનો સદસ્ય ઘરની બહાર હોય ત્યારે આવા લોકોને કારણે હું ચિંતામાં રહું છું. સરકારે અને પોલીસે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે ઓછા લોકોમાં પણ આખા શહેર પર ચાંપતી નજર રહે. ટેકનોલોજીના ઉપયોગથી આ શક્ય બનાવી શકાય છે. આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી આવું કરનારાઓમાં ભયનો માહોલ ફેલાય. આ ઉપરાંત જ્યાં સુધી પોલીસ પહોંચે ત્યાં સુધી આપણે એકબીજાની મદદ કરવી જોઈએ. આખરે આવા લોકોની સંખ્યા કેટલી હોય છે? એક, બે, ત્રણ કે દસ… તેની સામે સારા લોકોની સંખ્યા હંમેશા વધુ જ હોય છે. બીજી બાજુ, આપણે બાળકોને નૈતિક મૂલ્યો શીખવવાં જોઈએ, જેથી આપણું બાળક આવી પ્રવૃત્તિનો ભાગ ન બને.
યોગેશ ચરડવા, ખાનગી કંપનીના સેલ્સ એક્ઝિક્યુટિવ, અમદાવાદ જો “જ્યાં ગામ હોય, ત્યાં અવેડી અવશ્ય હોય જ” અને એવું નથી કે આવા લોકો સામે કાયદા-કાનૂન નથી. કાયદા અને કાનૂન છે જ, પરંતુ આ કાયદામાંથી આવા લોકો છટકબારી શોધતા હોય છે, જે તેમને મળી જાય છે. સરકારે આ કાયદાને એવા ફૂલપ્રૂફ બનાવવા જોઈએ કે આવા લોકો હાથમાંથી નીકળી જ ન શકે. આવા લોકોને એક વખત જેલમાં નાખ્યા પછી જામીન મળવા જ ન જોઈએ. આવા લોકો એવું વિચારતા હોય છે કે કંઈ પણ કરીશું તો જામીન મળી જશે. જ્યારે ગુનો સાબિત થાય ત્યારે આર્થિક દંડ પણ વસૂલવો જોઈએ. જે વોટ્સએપ દ્વારા ફરિયાદ કરવાની નવી સુવિધા મળી છે, તેમાં તથ્યોના આધારે તાત્કાલિક કાર્યવાહી થાય તેવી સુવિધા પણ ઉમેરવી જોઈએ.
મુંબઈ: બોલિવૂડ સ્ટાર્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફિલ્મ જગતના સૌથી પ્રિય કપલ્સમાંથી એક છે. રણબીર અને આલિયા ભટ્ટના લગ્ન વર્ષ 2022 માં થયા હતા. લગ્ન પછી બંનેએ સુપરહિટ બોલિવૂડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન શિવ’ પણ આપી. આ ફિલ્મમાં રણબીર અને આલિયાએ ઓનસ્ક્રીન રોમાન્સ કર્યો હતો. હવે રણબીર કપૂરે તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં રણબીરે જણાવ્યું હતું કે આલિયા ભટ્ટ તેની બીજી પત્ની છે. આલિયા પહેલા પણ તેના લગ્ન થઈ ચૂક્યા છે. જોકે, રણબીરે એમ પણ કહ્યું કે તે હજુ સુધી તેની પહેલી પત્નીને મળ્યો નથી પરંતુ તેને જલ્દી મળવા માંગે છે.
(PHOTO: IANS/Siddharaj Solanki)
તાજેતરમાં, મેશેબલ ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં રણબીરે પોતે આ વાતનો ખુલાસો કર્યો અને કહ્યું કે આલિયા ભટ્ટ તેની બીજી પત્ની છે. રણબીરે કહ્યું, ‘હું તેને ગાંડપણ નહીં કહું, પણ આ ઘણા સમય પહેલા થયું હતું. જ્યારે હું મારી કારકિર્દીના શરૂઆતના તબક્કામાં હતો, ત્યારે એક છોકરી મારા ઘરે આવી. એટલું જ નહીં, છોકરી પોતાની સાથે પૂજારી અને લગ્નનો સામાન પણ લાવી હતી. છોકરીએ મારા ઘરની બહારના ગેટ પર મારી સાથે લગ્ન કર્યા. જોકે હું તે સમયે ઘરે નહોતો. હું બહાર ગયો હતે અને જ્યારે હું પાછો આવ્યો ત્યારે ગાર્ડે મને આખી વાર્તા કહી. મેં એ પણ જોયું કે ઘરના દરવાજા પર તિલક લગાવવામાં આવ્યું હતું અને ફૂલો ચારે બાજુ વિખેરાયેલા હતા. તો આ મુજબ, તે છોકરી મારી પહેલી પત્ની છે. જોકે હું તેમને ક્યારેય મળ્યો નથી પણ જલ્દી મળવા માંગુ છું. આ હિસાબે, આલિયા ભટ્ટ મારી બીજી પત્ની છે.’
લગ્નના 6 મહિના પછી જ દીકરીનો જન્મ થયો
રણબીર અને આલિયા ભટ્ટ ઘણા વર્ષોથી ફિલ્મ ઉદ્યોગમાં સાથે કામ કરી રહ્યા છે અને મિત્રો પણ છે. પરંતુ બ્રહ્માસ્ત્રના શૂટિંગ દરમિયાન રણબીર અને આલિયા વચ્ચેની મિત્રતા ગાઢ બની અને બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. બંને થોડા સમય માટે રિલેશનશિપમાં હતા અને બાદમાં 2022 માં લગ્ન કરી લીધા. લગ્નના 6 મહિના પછી જ તેમને એક પુત્રીનો જન્મ થયો. દીકરી રાહા બંને માટે શુભકામનાઓ લઈને આવી અને તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ. હવે રણબીર અને આલિયા બંને ફિલ્મ જગતના સુપરહિટ કપલ છે.
બંને ફરી સ્ક્રીન પર રોમાન્સ કરશે
તમને જણાવી દઈએ કે બ્રહ્માસ્ત્રની સુપરહિટ ફિલ્મ બાદ આલિયા અને રણબીરની જોડી ફરી એકવાર પડદા પર જોવા મળશે. આ બંને સ્ટાર્સ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’માં જોવા મળશે. આ બંનેની સાથે, વિક્કી કૌશલ પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. રણબીર કપૂર અગાઉ એનિમલમાં જોવા મળ્યો હતો. જ્યારે આલિયા ભટ્ટે જિગરામાં કામ કર્યું હતું. હવે તે બંને પડદા પર સાથે રોમાન્સ કરતા જોવા મળશે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની કોલેજિયમે દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત શર્માની બદલીની ભલામણ કરી દીધી છે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની ત્રણ જજોની કોલેજિયમે જસ્ટિસ વર્માને પાછા અલ્લાહાબાદ હાઇકોર્ટ મોકલવાની ભલામણ કરી છે. સૂત્રો અનુસાર જસ્ટિસ યશવંત વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી. જેને ઓલવવા જતાં ટીમને ત્યાં ભારે માત્રામાં રોકડ મળી આવતા, આ એક્શન લેવામાં આવી હોવાની ચર્ચા છે.
CJIને જાણ થતાં જ એક્શન!
માહિતી અનુસાર ફાયર બ્રિગેડના અધિકારીઓ જ્યારે આગ ઓલવવા પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેમને કેશનો ઢગલો મળી આવ્યો હતો. આ મામલે તાત્કાલિક CJIના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમને જાણ કરાઈ હતી. જેના બાદ યશવંત વર્માની બદલીનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આગ લાગી ત્યારે યશવંત વર્મા હાજર ન હતા
સૂત્રોએ જણાવ્યું કે જ્યારે આગની ઘટના બની ત્યારે યશવંત વર્મા શહેરમાં જ ન હતા. તેમના પરિવારના સભ્યોએ ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. એટલા માટે રોકડનો ઢગલો સૌની સામે આવી ગયો હતો. આ મામલે રૅકોર્ડબુકમાં પણ મોટી માત્રામાં રોકડ મળ્યાની એન્ટ્રી કરાઈ હતી.
પ્રશ્ન: હું ઘઉં દળાવતાં પહેલાં એમાં સોયાબીન ઉમેરું છું. મને જાણવા મળ્યું છે કે આ રીતે સોયાબીનનો ઉપયોગ હેલ્થને નુકસાન કરી શકે. તો એનો ઉપયોગ કરવાની સાચી રીત કઈ છે? સોયાબીનનો ઉપયોગ કેટલી માત્રામાં કરી શકાય?
– નિમિષા શાહ (અમદાવાદ)
ઉત્તર: થોડાં વર્ષ પહેલાં સોયાબીન ખાદ્ય પદાર્થ તરીકે બહુ જાણીતી નહોતી, પરંતુ અત્યારે સોયાબીન તેમ જ એનાથી બનતાં ખાદ્યોનો પ્રચાર તેમ જ ઉપયોગ વધ્યો છે. શાકાહારી લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્રોત સોયાબીન છે. એમાં પ્રોટીન ઉપરાંત ફાઈબર્સનું પ્રમાણ પણ ઘણું સારું છે. સૅચ્યુરેટેડ ફૅટ ઓછા પ્રમાણમાં રહેલી હોવાથી તેમ જ કૉલેસ્ટરોલ ફ્રી હોવાને કારણે એ હૃદયને લગતી બીમારી, બ્લડ પ્રેશર, વગેરેમાં ફાયદેમંદ છે. ડાયાબિટીસનાં લક્ષણોવાળી વ્યક્તિ પણ એનો ઉપયોગ કરી શકે છે. લેક્ટોઝ ફ્રી હોવાને કારણે જેને લેક્ટોઝ ઈન્ટોલરન્સ હોય એટલે કે એક પ્રકારની દુગ્ધ શર્કરા પચાવવામાં તકલીફ હોય એ લોકો સોયાબીનના ઉપયોગથી સારું પ્રોટીન મેળવી શકે છે. ઓમેગા-થ્રી ફૅટી ઍસિડ પણ એમાં રહેલું છે, જે શરીર માટે સારા પ્રકારની ફૅટ પૂરી પાડે અને એચડીએલ એટલે કે સારા પ્રકારનું કૉલેસ્ટરોલ વધારવા માટે ઉપયોગી છે.
સોયાબીન એ એક પ્રકારની ઍન્ટિ-ઑક્સિડન્ટ છે, જેથી રોગો સામે રક્ષણ અપાવે છે. જો કે સોયાબીનનો ઉપયોગ નિયંત્રિત માત્રામાં થાય એ જરૂરી છે. રોજ સરેરાશ ૩૦થી ૫૦ ગ્રામ જેટલો વપરાશ થાય ત્યાં સુધી એ સ્વીકાર્ય છે. એમાં સોયાબીન તથા એમાંથી બનતી વાનગી, સોયા મિલ્ક, સોયા ફ્લોર, ટોફુ, વગેરે બધું આવી જાય. આ જુદી જુદી પ્રોડક્ટ પણ અમુક નિર્ધારિત માત્રામાં જ લેવી હિતાવહ છે.
સોયાબીનની પ્રોડક્ટ ઘરે તૈયાર કરવી હોય તો એ માટે અમુક પ્રોસેસ જરૂરી છે, જેથી એમાં રહેલાં આપણા માટે હાનિકારક એવાં ઍન્ટિ-ન્યુટ્રિશનલ ફૅક્ટર દૂર થઈ જાય. આ પ્રોસેસમાં સૌપ્રથમ સોયાબીનને પાણીમાં પાંચ-છ કલાક પલાળી રાખ્યા પછી એનાં ફોતરાં કાઢી ૩૦ મિનિટ સુધી ખુલ્લા વાસણમાં ઉકાળવી જોઈએ. ત્યાર બાદ એને સુકાવા દેવી. સુકાઈ ગયેલી સોયાબીનને તમે તમારી જરૂરત પ્રમાણે ઉપયોગમાં લઈ શકો છો. સોયાબીન સીધી આ પ્રોસેસ વગર ઉપયોગમાં લઈએ તો એ નુકસાનકર્તા બની શકે છે. બજારમાં મળતી સોયાબીનની પ્રોડક્ટ્સમાં પણ આ પ્રોસેસ કરવામાં આવતી હોય છે. સોયાબીનના પાવડરનો ઉપયોગ બજારમાં મળતાં ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સમાં પણ કરવામાં આવે છે.
પ્રશ્ન: હું ૪૨ વર્ષની છું. મને થોડા સમયથી મારાં રોજિંદાં કામોમાં અરુચિ અને થાક લાગે છે. કોઈ કામ કરવાનું મન થતું નથી. એનું શું કારણ હોઈ શકે?
– ધારા ઠક્કર (વડોદરા)
ઉત્તર: આપણે નિયમિત રૂપે જે પણ આહાર લઈએ છીએ એમાંથી આપણને પોષણ મળે છે. મુખ્ય પોષક તત્ત્વોમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ફૅટ, વિટામિન તેમ જ મિનરલ્સનો સમાવેશ થાય છે. રોજ મળતાં ખાદ્યોમાં મોટા ભાગે પોષણની જરૂરત પૂરી થઈ જતી હોય છે, પરંતુ ઘણી વખત અમુક આદત અથવા આહાર અંગેનું અજ્ઞાન આપણા માટે આ પ્રકારની તકલીફો ઊભી કરે છે.
ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી એટલે કે પોષક તત્ત્વોની ખામીને કારણે આ પ્રકારની તકલીફ થઈ શકે છે. વિટામિન ઈ-૬, વિટામિન ઈ-૧૨, વિટામિન ઈ, વિટામિન ડી, આયર્ન, કૅલ્શિયમ, વગેરે ન્યુટ્રિયન્ટ્સની ડેફિશિયન્સીને કારણે થાક લાગવો, કોઈ પણ કામમાં મન ન લાગવું, કંટાળો આવવો, વાળ બરછટ થવા, દાંત નબળા પડવા, કુદરતી હાજતની પ્રક્રિયા અનિયમિત બનવી, વારંવાર બીમાર પડવું, વગેરે અસર જોવા મળે છે.
આ પ્રકારની ખામીથી બચવા માટે આપણે આહારની આદત સુધારવાની જરૂર છે, અન્યથા એની અસર ઉંમર વધવાની સાથે વર્તાય છે.
વિટામિન તેમ જ મુખ્યત્વે મિનરલ્સને લગતી આ ડેફિશિયન્સી નિવારવા માટે સીઝનમાં ઉપલબ્ધ હોય એ દરેક પ્રકારનાં ફ્રૂટ્સ લેવાની આદત પાડવી. આ ઉપરાંત, બીટરૂટ, લીલાં શાકભાજી, બાજરો, ગોળ, તલ, દાળિયા, પૌંઆ, દરેક પ્રકારનાં કઠોળનો નિયમિત ઉપયોગ કરવો. કૅલ્શિયમની ઊણપ સરભર કરવા માટે બદામ, દૂધ અને દૂધની બનાવટોનો નિયમિત ઉપયોગ કરવો. વિટામિન ડીની ડેફિશિયન્સીને કારણે પણ સાંધાના દુખાવા, હાડકાંના દુખાવા, વિકનેસ, વગેરે લાગે છે, જેના માટે વહેલી સવારનો તડકો લેવાની આદત પાડવી. એની ઊણપ નિવારવા માટે વિટામિન ડીનાં સપ્લિમેન્ટ્સ લેવાનું પણ ડૉક્ટર્સ દ્વારા સૂચવવામાં આવે છે. એવી જ રીતે વિટામિન ઈ-૧૨નાં પણ સપ્લિમેન્ટ્સ લેવાં કોઈ વાર જરૂરી બને છે. તમને વધુપડતો થાક લાગતો હોય, સ્ફૂર્તિનો અભાવ વર્તાતો હોય તો એક વાર તમારા રિપોર્ટ્સ કરાવી લેશો, જેના આધારે તમે ટ્રીટમેન્ટ શરૂ કરી શકો.
હેલ્થ ટિપ્સ:
તીવ્ર ગરમીના દિવસો શરૂ થઈ ગયા છે. અમુક વિસ્તારો અત્યારથી હીટ વેવની અસર અનુભવી રહ્યા છે. આ ગાળામાં બહુ તડકામાં બહાર નીકળવાનું ટાળો. બહાર નીકળવું જ પડે એમ હોય તો માથું ઢાંકો. થોડા થોડા સમયે પાણી પીઓ, જેથી શરીર ડિહાઈડ્રેટ ન થઈ જાય. જેમાંથી સારા પ્રમાણમાં પાણી મળે એવાં ફળ તથા શાકભાજી પણ લેવાનું રાખો.
નોંધ: પ્રિયદર્શિનીના આ વિભાગના નિષ્ણાત પાસેથી તમારે કોઈ સમસ્યાનો ઈલાજ જાણવો હોય તો 7208723543 નંબર પર વ્હૉટ્સઍપ કરો અથવા ઈ-મેલ કરો: editorial@chitralekha.com
લંડન: બ્રિટનનું સૌથી મોટું એરપોર્ટ હીથ્રો શુક્રવારે સંપૂર્ણપણે બંધ રહેશે. લંડનમાં પાવર સબસ્ટેશનમાં આગ લાગવાથી એરપોર્ટ પ્રશાસને આ નિર્ણય લેવો પડ્યો છે. આ આગને કારણે, હીથ્રો એરપોર્ટની આસપાસના 16 હજારથી વધુ ઘરોનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. આ ઘટનાને કારણે લગભગ 150 લોકોને સલામત સ્થળોએ લઈ જવા પડ્યા છે.
Due to a fire at an electrical substation supplying the airport, Heathrow is experiencing a significant power outage.
To maintain the safety of our passengers and colleagues, Heathrow will be closed until 23h59 on 21 March.
હીથ્રો એરપોર્ટ પ્રશાસને આ ઘટના અંગે ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘મુસાફરો અને કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, અમે શુક્રવારે આખા દિવસ માટે હીથ્રો એરપોર્ટ બંધ રાખવાની ફરજ પડી છે. ઉપરાંત, મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે જ્યાં સુધી એરપોર્ટ ફરી ખુલે નહીં ત્યાં સુધી તેઓ ત્યાં ન આવે.’
HEATHROW AIRPORT CLOSED AFTER MAJOR SUBSTATION FIRE LAST NIGHT
– 200,000 passengers stranded
– Homes all across West London have been affected by the power outage#Londonpic.twitter.com/9R0Pz7Nwiz
લંડન ફાયર બ્રિગેડે માહિતી આપી હતી કે 10 ફાયર એન્જિન અને લગભગ 70 ફાયર ફાઇટરોને ઘટનાસ્થળે તહેનાત કરવામાં આવ્યા છે. લંડન ફાયર બ્રિગેડના આસિસ્ટન્ટ કમિશનર પેટ ગુલબોર્ને જણાવ્યું હતું કે, ‘આગને કારણે મોટી સંખ્યામાં ઘરો અને સ્થાનિક વ્યવસાયોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને સંબંધિત એજન્સીઓ તેને પુનઃસ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરી રહી છે.’
મુંબઈ: અમિતાભ બચ્ચન બોલિવૂડના એકમાત્ર એવા મેગાસ્ટાર છે જેમનું સ્ટારડમ 82 વર્ષમાં પણ અકબંધ રહ્યું છે.અમિતાભ બચ્ચન 70ના દાયકાથી બોલિવૂડ પર રાજ કરી રહ્યા છે અને તેમનો ચાર્મ હજુ પણ અકબંધ છે. અમિતાભ બચ્ચનના સ્ટારડમની સરખામણીમાં તેમના પુત્ર અભિષેક બચ્ચનનું સ્ટારડમ પણ ફિક્કું પડી જાય છે. અમિતાભ બચ્ચને આ વિશે ઘણી વાર ખુલીને વાત કરી છે. તાજેતરમાં અમિતાભ બચ્ચને એક ચોંકાવનારી પોસ્ટ પોસ્ટ કરી છે. જેમાં અમિતાભ બચ્ચને તેમના પુત્ર અભિષેક બચ્ચનને ટેગ કરીને લખ્યું,’મારા દીકરા, ફક્ત મારા પુત્ર બનીને ઉત્તરાધિકારી નહીં બને, જે મારો ઉત્તરાધિકારી બનશે તે મારા પુત્રો જ હશે, પૂજ્ય બાબુજી અને અભિષેકના શબ્દો તેમને પૂર્ણ કરી રહ્યા છે, એક નવી શરૂઆત.’
(Photo by – / AFP)
તાજેતરમાં અભિષેક બચ્ચને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે કહ્યું હતું કે તેને ‘યુરોપિયન ટી-20 પ્રીમિયર લીગ’ના પ્રમોશન માટે પસંદ કરવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટના પ્રમોશન માટે અભિષેક બચ્ચન પણ આયર્લેન્ડની રાજધાની ડબલિન પહોંચ્યો હતો. અભિષેક બચ્ચનનું અહીં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અભિષેક બચ્ચને આ અંગે પોસ્ટ કરી હતી. જેના જવાબમાં અમિતાભ બચ્ચને આ વાત કહી છે. અભિષેકની આ પોસ્ટને ફરીથી શેર કરતી વખતે અમિતાભ બચ્ચને તેમના પિતા હરિવંશ રાય બચ્ચનની કેટલીક પંક્તિઓ ટાંકી છે. જેમાં તેમણે લખ્યું હતું કે મારા પુત્રો મારા ઉત્તરાધિકારી નહીં હોય, જે મારા ઉત્તરાધિકારી હશે તે મારા પુત્રો નહીં હોય.
પોસ્ટ જોઈને ચાહકો ચોંકી ગયા
અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને લગભગ દરરોજ પોસ્ટ શેર કરતા રહે છે. તાજેતરમાં, તેમના વારસા વિશેની પોસ્ટ જોઈને ચાહકો પણ ચોંકી ગયા હતા. જોકે, જ્યારે લોકોએ પિતાનું વાક્ય વાંચ્યું, ત્યારે તેઓ મામલો સમજી ગયા. અભિષેક બચ્ચને પણ હવે ક્રિકેટનો પ્રચાર શરૂ કરી દીધો છે. અભિષેક યુરોપમાં યોજાનારી T-20 પ્રીમિયર લીગનો પ્રચાર કરી રહ્યો છે. આ કારણે અભિષેક યુરોપ પહોંચી ગયો છે. આ ટુર્નામેન્ટ 15 જુલાઈથી શરૂ થશે અને 3 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ ટુર્નામેન્ટમાં દુનિયાભરના ક્રિકેટરો ભાગ લેવાના છે. આ ટુર્નામેન્ટમાં ભારતની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. હવે જોવાનું એ રહે છે કે આ લોકોને IPL જેટલી જ લોકપ્રિયતા મળે છે કે નહીં.
અનુપમ ખેરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી, આજે (21 માર્ચે) ‘તુમકો મેરી કસમ’ વિશે એક રસપ્રદ હકીકત એ કે દેશની હજારો મહિલાને બાળક પેદા કરવામાં મદદ કરનારા ડૉક્ટરે પોતે પોતાના જીવન પર આધારિત ફિલ્મને જન્મ આપ્યો છે. બીજી એક રસપ્રદ વાત એ કે એમાં મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ ઊથલપાથલ મચાવનાર ઔરંગઝેબના રેફરન્સીસ છે. એક પાત્ર કહે છેઃ “હા, હું છું ઔરંગઝેબ જેવો… નગુણો, નફ્ફટ, ઘરનો ઘાતકી,” વગેરે.
તો, ફિલ્મરસિકોને ડરાવી મૂકતી ભૂતિયા ફિલ્મ બનાવવા માટે જાણીતા વિક્રમ ભટ્ટ, ફૉર અ ચેન્જ, ઈમોશન તરફ વળ્યા છે. એમ તો પરેશ રાવલ-અક્ષયકુમાર-આફતાબ શિવદાસાનીવાળી ખડખડ હસાવતી સુપરહિટ ‘આવારા પાગલ દીવાના’ વિક્રમભાઈએ સર્જેલી. આ વખતે વિક્રમભાઈએ ભારતમાં ફર્ટિલિટી ક્લિનિક અથવા આઈવીએએફના પ્રણેતા, રાજસ્થાનમાંથી આવતા ડૉ. અજય મુર્ડિયાની જીવનકથા પસંદ કરી છે. કહો કે ડૉ. અજય મુર્ડિયાએ વિક્રમ ભટ્ટની પસંદગી કરી છે રૂપેરી પરદા પર પોતાની કથા કહેવા માટે.
ફિલ્મ વર્તમાનકાળમાં શરૂ થાય છે. દેશભરમાં ‘ઈન્દિરા’ નામનાં ફર્ટિલિટી ક્લિનિકો ધરાવતા રાજસ્થાનના પીઢ ડૉ. મુર્ડિયા (અનુપમ ખેર) પર એક ગંભીર આરોપ લાગ્યો છે, જેનો કેસ મુંબઈની કોર્ટમાં ચાલી રહ્યો છે. એશા દેઓલ બની છે ડૉક્ટરની વકીલ. તે પછી કથાનક ભૂતકાળ અને વર્તમાન વચ્ચે અફળાતું રહે છે. ઉદયપુરમાં સરકારી મેડિકલ કૉલેજમાં ભણાવતા યુવાન પૅથોલોજિસ્ટ ડૉ. મુર્ડિયા (ઈશ્વાકસિંહ)ને ફર્ટિલિટીમાં રસ જાગે છે, અપાર સંઘર્ષ વેઠી પત્ની ઈન્દિરા (અદા શર્મા) સાથે મળીને 1998માં પહેલું ક્લિનિક ઉદયપુરમાં શરૂ કરે છે. તે પછીનો પ્રવાસ, અકલ્પનીય સફળતા અને અચાનક, આવી પડેલી કટોકટી, અને એમાંથી બે જવાન પુત્રો અને વકીલની મદદથી બહાર નીકળવાના મરણિયા પ્રવાસ…
આશરે અઢી કલાકની ફિલ્મ મધ્યાંતર પહેલાં અનેક વાર પાટા પરથી ઊતરી પડેલી ટ્રેનની જેમ આમથી તેમ ફંટાયા કરે છે. બીજા શબ્દોમાં યુવા મુર્ડિયાદંપતીનાં પ્રેમ-લાગણી તથા નિઃસંતાન દંપતીઓને મદદ રૂપ થવાની ભાવના સાથે ફર્ટિલિટી ક્લિનિક શરૂ કરવાનો સંઘર્ષ અને જકડી રાખતા કોર્ટરૂમ ડ્રામા વચ્ચે બૅલેન્સ જળવાતું નથી. અમુક સીન્સ કારણવિના ખેંચાયા હોવાના લીધે કંટાળો જન્માવે છે. અવારનવાર લેખન (વિક્રમ ભટ્ટ) નબળું પડે છે, પાત્રાલેખન પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. દાખલા તરીકે બાહોશ વકીલ તરીકે એશા દેઓલ ભાગ્યે જ કંઈ કરે છે. કોર્ટકેસમાં મહત્વના વળાંક અસીલ એટલે ડૉ. મુર્ડિયા થકી આવે છે. એવી જ રીતે પબ્લિક પ્રોસિક્યુટર (સુષાંતસિંહ) ડૉ. મુર્ડિયાને ફસાવવા માગનારનો વકીલ વધારે લાગે છે.
અનુપમ ખેર એકલેહાથે ફિલ્મને આગળ લઈ જાય છે, પણ મને પ્રભાવિત કરી ગયો દુર્ગેશ કુમાર. હા એ જ… ‘પંચાયત’ (“દેખ રહા હૈ બિનોદ” ફેમ) અને તે પછી ‘લાપતા લેડીસ’થી અનેક રસિકો પર પ્રભાવ પાડી રહેલો ઍક્ટર દુર્ગેશ કુમાર કોર્ટસીન્સમાં છવાઈ જાય છે. અદા શર્મા સતત યાદ અપાવતી રહે છે કે હું એક્ટિંગ કરું છું, હું એક્ટિંગ કરું છું. યુવા, મધ્યમવર્ગી અને સતત પૈસાની ખેંચ અનુભવતા છતાં ચાર-પાંચ હજારનાં ‘પોલો’ બ્રાન્ડનાં શર્ટ પહેરીને ફરતા (અદા શર્માની મોંઘીદાટ સાડી પણ માર્ક કરજો) ડૉ. મુર્ડિઆની ભૂમિકા ભજવતો ઈશ્વાકસિંહ સ્ટ્રિક્ટલી ઓકે.
ટૂંકમાં, જો રાઈટિંગ, કેરેક્ટરાઈઝેશન તથા એડિટિંગ પર વિક્રમભાઈએ વધારે ધ્યાન આપ્યું હોત તો ‘તુમકો મેરી કસમ’ એવરેજ ફિલ્મથી ક્યાંક ઉપર ઊઠી હોત.
વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સાયન્સ સિટીમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ અવસરે ડૉ. શબનમ સૈયદ દ્વારા વિદ્યાર્થીઓને ચકલીના મહત્તવ, એના સંરક્ષણ અને પર્યાવરણમાં તેની ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી.
ડૉ. શબનમ સૈયદે જણાવ્યું કે, “ચકલી શહેરી વિસ્તારોમાંથી ગુમ થતી જઈ રહી છે, જે પર્યાવરણ માટે ચિંતાજનક બાબત છે.”
તેમણે ચકલી માટે અનુકૂળ માહોલ સર્જવા, પાણી અને અનાજ ઉપલબ્ધ કરાવવા તથા તેના વસવાટ માટે સલામત સ્થળો બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું.
સાયન્સ સિટી તરફથી વિદ્યાર્થીઓને ચકલી માટે બનાવેલા ઘોંસલા પણ આપવામાં આવ્યા અને તેને યોગ્ય જગ્યાએ સ્થાપિત કરવા પણ માહિતગાર કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
અમદાવાદઃ ચારેય દિશામાં વધતી જતી વસ્તી, સતત વધતું શહેરીકરણ, આધુનિક ઉપકરણોના કારણે ચકલી જેવા મકાનમાં માળો બાંધી રહેતા જીવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મકાનો જ જ્યારે માળા જેવા થવા માંડે ત્યારે મનુષ્યના ઘરમાં જ પોતાનો માળો બનાવતા પક્ષીઓ પર માઠી અસર પડી છે. થોડા સમય પહેલાં એક તબક્કો એવો પણ આવ્યો કે જાણે ઘર સુધી પહોંચી ચીં..ચીં કરતી ઉડાઉડ કરતી ચકલીઓ સદંતર ઓછી થઈ ગઈ હતી.છેલ્લાં કેટલાક વર્ષોથી પશુ-પંખીઓના પ્રેમી માણસોની જાગૃતિ, સંવેદનશીલતા, સંવર્ધનના કાર્યક્રમોના કારણે ફરી એકવાર ઘર ચકલીની સાથે અન્ય રંગબેરંગી ચકલીઓની સંખ્યામાં વધારો થયો છે. જે લોકોના કારણે પશુ પંખીઓ પાણી, ચણ, માળા, ચબૂતરા, સારવારની સુવિધાઓ મળે છે. એવા જીવદયા પ્રેમીઓ અને સંગઠનો અસંખ્ય છે. એમાંના એક છે. સાણંદ રોડ નજીક કોલટ ગામમાં રહેતા કિન્નરી ભટ્ટ.20 માર્ચ એટલે વર્લ્ડ સ્પેરો ડે. ચકલીઓને બચાવવા અને જાગૃતિ માટે અનેક કાર્યક્રમો આ દિવસે યોજાય છે. ત્યારે શુભમ બંગલો કોલટ ગામમાં રહેતા ચકલીઓના ચાહક કિન્નરીબેન ભટ્ટ આ જીવોને બચાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. કિન્નરી બહેન ચિત્રલેખા.કોમને કહે છે, “આમ તો મને તમામ મूंગા જીવને મદદ કરવું ગમે. પણ ખાસ કરીને ચકલી સાથે મારે અતૂટ સંબંધ. મારે અબોલ પક્ષી સાથેનો સંબંધ વધારે ત્યારે મજબૂત થયો જ્યારે એક ચકલીનું અગમ્ય કારણસર મોત થયું. એના બચ્ચાં રઝળી પડ્યા. ચકલીના બચ્ચાંને જીવાડવાનું બીડું ઝડપ્યું. મોઢામાં પાણી પી અને સીધું જ મોઢામાંથી બચ્ચાની ચાંચમાં પીવડાવવાનુ શરૂ કરવામાં આવ્યું. આ સાથે ભાતનો દાણો પણ પોતે ચાવી અને બચ્ચાંને ખવડાતા. આ રીતે પણ જ્યાં સુધી ચકલીનું બચ્ચું ઊડતું થયું ત્યાં સુધી એને સેવા આપી. ત્યારબાદ એ અબોલ જીવને મારી માયા થઈ ગઈ. એટલે એ આસપાસ જ રમ્યા કરે. અપાર માયા થઇ જતાં ચકલીનું બચ્ચું પછી આસપાસથી ક્યાંય ખસતું નહોતું.”
હાથીજણના એમના મકાનમાં લગભગ ૨૦ જેટલા ચકલીઓના માળા હતા. હાલ કોલટમાં પણ નિયમિત ચકલીઓના માળા પાસે બાજરી અને ઝીણી કણકી ભેગા કરી અલગ-અલગ જગ્યાએ મૂકવામાં આવે છે. આ સાથે ચણાની બાજુમાં જ પાણી ભરીને રાખવામાં આવે છે. ચોમાસું તેમજ ઠંડીની સિઝનમાં માળાની ઉપર રહેલા ભાગને પ્લાસ્ટિકથી ઢાંકી દેવામાં આવે છે, જેથી ઠંડીના લાગે ચોમાસાના પાણીથી ભીંજાય નહીં.ઉનાળાની બળબળતી બપોરે પણ તેમના ઘરમાં પંખો ચાલુ કરવામાં નથી આવતો. કારણકે ચકલીઓ એક દરવાજાથી બીજા દરવાજા સુધી ઊડાઊડ કરતી હોય ત્યારે એમને ઇજાના થાય. સાવચેતીના ભાગરૂપે તેઓ પંખા પણ બંધ રાખી દિવસ પસાર કરતા હોય છે.
કિન્નરીબહેનની જેમ અનેક લોકો મૂંગા મોઢે અબોલ જીવો માટે સમય, સગવડો સંપત્તિનો સદઉપયોગ કરે છે. ત્યારે જ હવે અનેક ગામના પાદરે પક્ષીઓને ચણ માટે વિશાળ માળાની સગવડો ઉભી થઈ ગઈ છે.