Home Blog Page 1070

અમદાવાદમાં ટ્રાફિક પોલીસની મોટી કાર્યવાહી, 2 લાખ કેસ, 13.21 કરોડનો દંડ વસૂલ

અમદાવાદ: રાજ્યના મહાનગરોમાં રખડતા ઢોર, ખરાબ રસ્તાઓ અને ટ્રાફિક નિયમોના ભંગની સમસ્યાઓને લઈને એડવોકેટ અમિત પંચાલે ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી હતી. આના જવાબમાં હાઈકોર્ટે સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓને કડક ચેતવણી આપી હતી. પરિણામે, ટ્રાફિક વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સહિતના વિભાગોએ તાત્કાલિક પગલાં લઈને રસ્તાઓ અને ફૂટપાથ પરના ગેરકાયદે દબાણો હટાવવાની સાથે નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી.

અદાલત સમક્ષ રજૂ કરાયેલા અહેવાલ મુજબ, ટ્રાફિક વિભાગે માત્ર 20 દિવસમાં એટલે કે 27 ફેબ્રુઆરી, 2025થી 18 માર્ચ, 2025 સુધીમાં 2 લાખથી વધુ ટ્રાફિક નિયમભંગના કેસ નોંધીને 13.21 કરોડ રૂપિયાથી વધુનો ઐતિહાસિક દંડ વસૂલ્યો છે. આ ઉપરાંત, રસ્તાઓ પરથી 1169 લારી-ગલ્લા, 352 શેડ્સ, 1945 સ્ટોલ્સ અને 7181 અન્ય દબાણો દૂર કરવામાં આવ્યા છે. સીએનસીડી વિભાગે પણ 20 ટીમો દ્વારા 241 રખડતા ઢોર પકડીને તેમને આરએફઆઈડી ટેગ લગાવ્યા છે.

જસ્ટિસ એ.એસ. સુપહીયા અને જસ્ટિસ નિશા એમ. ઠાકોરની ખંડપીઠે સત્તાધિકારીઓના આ પ્રયાસોની પ્રશંસા કરી અને આ કામગીરી સતત ચાલુ રાખવા સૂચના આપી. ટ્રાફિક વિભાગે કોર્ટને ખાતરી આપી કે આ પ્રકારની કાર્યવાહી ભવિષ્યમાં પણ નિયમિત રીતે ચાલુ રહેશે. આ દરમિયાન 1099 ટ્રાફિક પોલીસ જવાનોએ ‘વાયોલેશન ઓન કેમેરા’ મોબાઈલ એપનો ઉપયોગ કરીને નિયમભંગના કેસ નોંધ્યા, જ્યારે શહેરમાં 249 નવા ટ્રાફિક સિગ્નલ સ્થાપિત કરવામાં આવ્યા.

રાજ્ય સરકારના મુખ્ય વકીલ ગુરશરણસિંહ વિર્કે કોર્ટમાં આંકડાઓ રજૂ કરતાં જણાવ્યું કે, સૌથી વધુ 1,09,651 કેસ હેલ્મેટ ન પહેરવા બદલ નોંધાયા, જેમાંથી 5.48 કરોડ રૂપિયાનો દંડ વસૂલાયો. રોંગ સાઈડ ડ્રાઈવિંગના 8189 કેસમાં 1.65 કરોડ અને બેફામ ઝડપે વાહન ચલાવવાના 6922 કેસમાં 1.59 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો. પાર્કિંગ નિયમોના ભંગ માટે 24,000થી વધુ કેસ નોંધાઈને 1.41 કરોડ રૂપિયા એકત્ર કરાયા. આ સમગ્ર કાર્યવાહીને હાઈકોર્ટે સકારાત્મક પ્રતિસાદ આપ્યો અને સત્તાધિકારીઓને આવા પગલાં ભવિષ્યમાં પણ ચાલુ રાખવા જણાવ્યું. આ પગલાંથી શહેરના રસ્તાઓ અને ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

બહુ હસવું છે!

`જહાઁ ન જાયે હવાઈ ગાડી વહાઁ જાયે રેલગાડી, જહાઁ ન જાયે રેલગાડી વહાઁ જાયે મોટરગાડી, જહાઁ ન જાયે મોટરગાડી વહાઁ જાયે બૈલગાડી ઔર જહાઁ ન જાયે બૈલગાડી વહાઁ જાયે મારવાડી! આ મેં પહેલી વાર માલેગાવના સંતોષમામા લોઢાના મોઢેથી સાંભળ્યું છે. ઘણાં વર્ષ પૂર્વે, એટલે કે,ત્રીસ-પાંત્રીસ વર્ષ પૂર્વે મેં ટુર મેનેજર તરીકે હિમાચલની ટુર્સ કરવાનું શરૂ કર્યું હતું. મુંબઈમાં નવી, દુનિયાનો અનુભવ નહીં, કઈ રીતે વર્તવું, કઈ રીતે બોલવું તે પણ ખબર નહોતી. જેથી ટુર કંડક્ટ કરતી વખતે બહુ પ્રેશર હતું. `પર્યટકો મને ટુર મેનેજર તરીકે સ્વીકારશે કે કેમ? આપણે જે રીતે ટુર કરીશું તે તેમને ગમશે કે કેમ?’ આવા પ્રકારની ફિકર વત્તા ડર લાગતો હતો. આ પછી હું મારી ટુર પર પર્યટકોને કહેવાની માહિતી માટે અથવા સૂચનાઓ માટે બહુ અભ્યાસ કરતી અને રોજ સવારે મનમાંના `ડર ફિકર ચિંતા’ આ ત્રણ રાક્ષસોની ઐસી-તૈસી કરીને બહુ આત્મવિશ્વાસથી, હસતા પ્રસન્ન ચહેરે પર્યટકો સામે જતી. તે દિવસ સફળ કરવો એ એકમાત્ર ધ્યેય રહેતો.

પર્યટકોને તે દિવસનો અપેક્ષિત અથવા અપેક્ષાથી વધુ આનંદ મેળવી આપવા હું અને ટુર પરના સહયોગીઓ બહુ મહેનત લેતાં અને તે દિવસ પર્યટકો માટે આનંદિત અને અમારે માટે સંતોષકારક બનાવીને આગળના દિવસની સફળતાનાં સપનાં સેવીને શાંતિથી ઊંઘી જતાં. આ શરૂઆતના દિવસોમાં એક ટુર પર લોઢાનું મારવાડી ગ્રુપ આવ્યું હતું. માલેગાવના લોઢા, પનવેલના ભાટિયા, મુંબઈના લુણાવત, બીજાપુરના રુણવાલ, જલગામના સંઘવીની ફેમિલીઝ હતી. તેમના ઘણા બધા ભાણેજો તેમને `મામાસા’ કહેતા. અમે પણ તેમને ટુર પર સંતોષમામા કહેવાનું શરૂ કર્યું તે આજ સુધી ચાલુ છે. એકદમ જોલી ગ્રુપ હતું. અમારી ટુર સફળ કરવા માટેના પ્રયાસોને તેમણે એવી દાદ આપી કે રોજના દિવસ ખડખડાટ હસવામાં વધુ વીતતા હતા. આ ટુર પર મારી કરિયરની બાલ્યાવસ્થામાં મને સમજાયું કે, દરેક ટુર પર જો પર્યટકો અને તેમની સાથે આપણે આ રીતે મન મોકળું કરીને ખડખડાટ હસી શકીએ તો તે ટુર સંપૂર્ણ સફળ.’ આ વણલખ્યો નિયમ પછી આવનારા દરેક ટુર મેનેજર માટે ટુર પરના દરેક દિવસનો માઈલસ્ટોન નીવડતો રહ્યો. હા, ટુર પરના દિવસોને માઈલસ્ટોન જ કહેવું જોઈએ. જેટલા દિવસોની ટુર તેટલા માઈલસ્ટોન્સ ટુર મેનેજર્સ તરીકે અમારે પાર પાડવાના હોય છે. તે ટુરની આનંદિત હાસ્યસભર સફળતા માટે.

આજે દુનિયાના દેશોનો અથવા અલગ-અલગ રાજ્યોનો `હેપ્પીનેસ ઈન્ડેક્સ’ ગણવામાં આવે છે. તેમ અમારી દરેક ટુર પર `લાફ્ટર ઈન્ડેક્સ’ ગણી શકાવો જોઈએ. પર્યટક તેટલાં જ મન મોકળું કરીને હસી શકે છે. જ્યારે તેમની ટુર પરની બધી જરૂરતો વ્યવસ્થિત નક્કી થયા પ્રમાણે પાર પાડવામાં આવે અને તેમની સાથે તેમની સંગાથે રહેલી ટુર મેનેજરની ટીમ તેમને ભરપૂર મજા કરાવે છે. મુંબઈ જેવાં અનેક શહેરમાંથી કોન્ક્રિટના જંગલથી દૂર, નોકરી વ્યવસાયની દોડધામનું જીવન ભૂલીને જ્યારે પર્યટકો ટુર પર આવે છે, ત્યારે તેમને તે ટુરના અમુક દિવસો માટે આ રીતે ખડકડાટ હસાવવું તે અમારા ટુર મેનેજર્સની મુખ્ય ફરજ છે એવું મને લાગે છે. આપણી મહેનત સાચી હોય ત્યારે પર્યટકો સાથ આપે છે, એવો છેલ્લાં ચાળીસ વર્ષનો અનુભવ છે. તો આ વણલખ્યો નિયમ બનવાનું નિમિત્ત લોઢા ગ્રુપમાંના સંતોષમામાનો ફોન આવ્યો કે, `ચાલો, ફરી એકવાર સાત-આઠ દિવસ ક્યાંક જઈએ. અમારા અગાઉના ગ્રુપમાંના બધાને ભેગા કરવાનો પ્રયાસ કરું છું. જેટલા આવે તેટલા આપણે બધા જઈશું અને ધમ્માલ કરીશું. ભરપૂર મજા કરવાની,ખૂબ હસવાનું.’

સંતોષમામાના ફોનને લીધે મારી અંદરની ક્રિયેટિવિટીએ એકદમ ઊથલો માર્યો. અરે, ખરેખર વર્ષમાં પાંચ-છ વાર આવું કરવામાં શું વાંધો છે! એવાં ઓફ્ફબીટ ડેસ્ટિનેશન્સ શોધી કાઢવાનાં કે જ્યાં અનેક ગયા નહીં હોય, કદાચ અમે પણ, એટલે કે, હું અને સુધીર પણ. આ પછી `અમે પણ જઈ રહ્યા છીએ, તમે પણ ચાલો’ એવી સંકલ્પના તે પર્યટકો સુધી પહોંચાડવાની. હસવાનું, નાચવાનું, ભટકવાનું… દે ધમ્માલ કરવાની. ઉંમરનું બંધન નહીં,. અર્થાત ફિઝિકલી ફિટ હોવું જોઈએ. ફક્ત મહિલા અથવા ફક્ત જ્યેષ્ઠ નાગરિકો એવી લક્ષ્મણરેખા નહીં. હસવાની કોઈ મર્યાદા નહીં, રુઆબ છાંટવાની મર્યાદા નહીં, ખુશીનો કોઈ પાર નહીં અને આ બધું કરતી વખતે વીણા વર્લ્ડ ટુર મેનેજર આપણી સંગાથે હશે જ. આ કલ્પના માત્રથી હું આકાશમાં વિહરવા લાગી. અલગ-અલગ ઓફ્ફબીટ ડેસ્ટિનેશન્સમાં જઈ પહોંચી. મનમાં આવ્યું કે ડાયરીના કાગળ પર ઉતારવાનું અને કાગળ પરનું એક્ચ્યુઅલ પ્રેક્ટિસમાં લાવવાનું એ પદ્ધતિ. મારી સંકલ્પના મેં સુધીર, સુનિલા અને નીલને વાંચી બતાવી. કિંતુ પરંતુ પર ચર્ચા થઈ અને તેમની પણ સંમતિ મળી. હસવા માટે અને આનંદ માટે આપણને અલગ-અલગ બાબતો નિર્માણ કરવી પડે છે. અથવા તે કરતાં આવડવું જોઈએ. થોડા સમય પૂર્વે અમે એક જાહેરાત કરી હત.  જેનું ટાઈટલ હતું, `જીવન એટલે અફલાતૂન યાદોંનો અનોખો આલેખ!’ લખીને મોકલ્યું, અમારી ટીમે તુરંત કહ્યું, `સમથિંગ ઈઝ રોંગ, યાદોં એટલે ભૂતકાળ ને? બની ચૂક્યું છે તે, તો પછી `બનાવીએ’ એવા ભવિષ્યકાળમાં તમે કઈ રીતે પહોંચી ગયાં?

મેં કહ્યું, `હવે ટાઈટલ તો સૂઝ્યું છે અને તે બરોબર છે એવું મને લાગે છે. તમે ઓબ્જેકશન લીધા પછી પણ મેં વિચાર કર્યો, પરંતુ તે મને બરોબર જ લાગે છે.’ સામેના ચહેરા પર મૂંઝવણ ઓછી થતી દેખાતી નહોતી, તે બરોબર હતું. લાઈન ક્નફ્યુઝિંગ હતી, નો ડાઉટ. અમારી ટીમે વિચાર કર્યો હશે, `જાહેરાતોના ક્ષેત્રમાં કહેવાય છે ને, `ઈફ યુ કાન્ટ કન્વિન્સ ધેમ, ક્નફ્યુઝ ધેમ’ એવું મોટે ભાગે તેમના મગજમાં કાંઈક હશે, ન્યૂ સ્ટ્રેટેજી.’ હવે તેમના મનની મૂંઝવણની દિશા આડે માર્ગે લઈ જવા પૂર્વે ઉકેલ લાવવાનું જરૂરી હતું. તેમને કહ્યું, `અહીં કશું પણ મિસલીડિંગ નથી, આપણે કોઈ પણ પર્યટકોને ક્નફ્યુઝ કરવાના નથી. તે છતાં આ ભૂતકાળ ભવિષ્યકાળને જોડનારું વાક્ય ટાઈટલ તરીકે આપણને આગામી કેમ્પેઈનમાં લઈ જશે.’

યાદો એટલે શું? તો હવે આપણે જે કરી રહ્યા છીએ તે યાદો બનવાની છે આગળની ક્ષણે. આ જ રીતે આપણે આવતીકાલે જે કરવાના છીએ, આગામી મહિનામાં જે કરવાના છીએ તે પણ એક વાર તે બની ગયા પછી યાદો બનવાની છે. જો આપણે આજે, આવતીકાલે, પરમદિવસે, આગામી મહિને, આગામી વર્ષે જે કાંઈ કરીશું તે યાદોના રૂપમાં પરિવર્તિત થવાનું નહીં હોય તો પછી આજે વિચારપૂર્વક બાબતો કરવાનું જરૂરી છે નહીં? આવી અનેક સારી-ખરાબ યાદોનો સંગ્રહ એટલે જ જીવન. પછી આ યાદો જેટલી વધુમાં વધુ સારી કરી શકાય તેટલી કરવાની. આપણને જીવનમાં કેટલીય બાબતોની ખટપટ ચાલતી રહે છે અને આપણો ઘણો બધો સમય `અરે હું આવું કેમ વર્ત્યો?’ `આવું કર્યું હોત તો બાબત થોડી અલગ થઈ હોત’ એવું વિચારવામાં વેડફાય છે. જીવન જેમ આગળ જાય તેમ અગાઉની આવી અનેક બાબતો અપરાધીપણાની ભાવના આપણા દરેકના મનમાં બેક ઓફ ધ માઈન્ડ જાગૃત રાખતી હોય છે. સમય નીકળી જાય છે પણ આવા નાના મોટા પશ્ચાતાપ ક્યારેક ક્યારેક માથું ઊંચકે છે અને આપણે દીર્ઘ શ્વાસ લઈએ અથવા નિસાસો નાખીએ છીએ. ક્યારેક-ક્યારેક આવી બાબતોની ચિંતા આપણી તબિયત પર હુમલો કરે છે, આપણું મન-સ્વાસ્થ્ય છીનવી લે છે. આવું થતું રહે છે. આજના યુગમાં આપણા વર્તમાનમાં જ એટલી ચેલેન્જીસ છે કે ભૂતકાળમાં બની ગયેલી, નહીં બદલી શકાતી બાબતોનો બોજ મન પર લઈને શા માટે આપણે આપણું જીવવાનું નાના-મોટા પ્રમાણમાં અસહ્ય કરી દેવું જોઈએ? આ ટાળવું હોય તો વર્તમાનમાં આપણે શું કરીએ તે મહત્ત્વનું નીવડે છે.

અમુક બાબતો ઓટોમેટિકલી બને છે અને અમુક બાબતો આપણે ઘડીએ છીએ અથવા તે ઘડવી પડે છે. વ્યવસ્થાપનના ક્ષેત્રમાં તેને `બાય ડિફોલ્ટ’ અને `બાય ડિઝાઈન’ એમ કહેવાય છે. આપણે જ્યારે એકાદ વ્યવસાય શરૂ કરીએ અથવા હમણાંની ભાષામાં જેને સ્ટાર્ટઅપ કહેવામાં આવે છે તે શરૂઆતમાં બધાની મહેનતથી અને કષ્ટથી વધતું રહે છે. જેને `બાય ડિફોલ્ટ’ કહેવાય છે. સમયાંતરે જો કે તે વ્યવસાય વૃદ્ધિને આકાર આપવો પડે છે અને તે પછી માર્ગક્રમણ થાય છે તે નક્કી કરીને માપીને વ્યવસ્થાપન કૌશલ્યની મદદ લઈને, જેને `બાય ડિઝાઈન’ કહેવાય છે. આ જ બાબત આપણે આપણા આનંદની બાબતમાં પણ કરી શકીએ. તે બાબત જાગૃત હોવું મહત્ત્વનું છે. અમારા વ્યવસાયનો સાર આનંદ મહેસૂસ થવો તે છે. પર્યટનના માધ્યમથી બધા માટે સારી પળો નિર્માણ કરવી અને યાદો આનંદિત બનાવવી. આપણા રોજના જીવનમાં પણ તે શક્ય છે જો આપણે `બાય ડિફોલ્ટ’ને `બાય ડિઝાઈન’ની જોડ આપીએ તો. કોઈ પણ બાબત કરતી વખતે એક સાદો પ્રશ્ન પોતાને જ પૂછવો જોઈએ. `હું બરોબર કરી રહી છું ને? જે કાંઈ કરી રહી હોઉં તેને કારણે મને આગળ ભવિષ્યમાં પશ્ચાતાપ તો કરવો પડશે નહીં ને?’ અનેક વાર હું પોતાને ચેતવું છું, `વેઈટ ફોર અ મિનિટ થિંક એન્ડ પ્રોસીડ.’ આ એક નાની બાબતનો ખૂબ ફાયદો થાય છે. સો, ચાલો આપણે વિચારપૂર્વક વર્તીને યાદો આનંદિત બનાવીએ. મન મોકળું કરીને હસતા આવડવું જોઈએ. આપણો લાફ્ટર ઈન્ડેક્સ આપણે ગણી શકવો જોઈએ, વધારી શકવો જોઈએ.

આ લેખના શરૂઆતમાં લખેલા મારવાડી સમુદાયની માનસિકતા જે સંતોષમામાએ મારી કરિયરની શરૂઆતમાં એક વાર બસમાં અમને કહી હતી. તે મેં એકાદ ઈન્સ્પિરેશન ટોનિકની જેમ મારી પાસે રાખી છે. એકદમ નવા ઠેકાણે કશુંક નવેસરથી કરવું હોય તો સ્વાભાવિક રીતે જ ડર લાગે છે, પણ તે સમયે આ ટોનિકનો એક ડોઝ લઉં છું, પોતાની અંદર જીત જગાવું છું અને પગલું આગળ મૂકું છું. તુલનાત્મક રીતે અમારો વ્યવસાય બહુ નાનો છે પણ અનેક પડકારોથી ભરચક છે. આ ચેલેન્જીસનો સામનો કરતી વખતે આપણો દ્રષ્ટિકોણ ઠીક કરવો અને આપણી વ્યવસાયયાત્રા અથવા જીવનયાત્રા આનંદિત બનાવવી તેજ આ ધ્યેય છે અને તેથી જ પ્રવાસનના નાના-મોટા અનુભવોનું આ આદાન-પ્રદાન છે.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

૨૧ માર્ચ, ૨૦૨૫

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

Chitralekha Gujarati – 31 March, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

વાસ્તુ: ઉપવાસનો ઉદ્દેશ્ય સંયમ સાથે છે

જે વ્યક્તિએ ખોરાકની શોધ કરી હશે એને કેટલી બધી મહેનેત પડી હશે? શું ખાદ્ય ગણાય ? એ નક્કી કર્યા બાદ કઈ વસ્તુને કેવી રીતે ખાદ્ય બનાવી શકાય અને પાક શાસ્ત્ર સુધીના વિષયો તૈયાર કરવામાં અનેક યુગો વીતી ગયા હશે. પણ આપણે ક્યારેય એ જાણવાની કે એ વ્યક્તિઓને યસ આપવાની ચિંતા કરી જ નથી. આ પ્રક્રિયામાં અખાદ્ય પદાર્થો ખાઈને ઘણા લોકોના મૃત્યુ પણ થયા હશે. આ જ્ઞાન સહજ છે. એટલે આપણે એનો યસ આપવાની જરૂર નથી એવું માની લઈએ. એ જ રીતે ભારતમાં થયેલી ઘણી બધી શોધ સહજ રીતે થઇ અને એનો યશ આપણે ન લીધો. પણ અન્ય પ્રજાએ એ વિષયનો યસ ચોક્કસ લીધો. એમને યસ આપી દેવો એ પણ ગુલામીનું માનસ છે. જયારે આપણે આપણા દેશને, સંસ્કૃતિને સમજીશું, પ્રેમ કરીશું ત્યારે જ આપણને દેશ માટે ગર્વ લેવાની ઈચ્છા થશે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે દર્શાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: જો ફરાળમાં કંદમૂળ જેવાકે, શક્કરીયા, બટાકા ખવાતા હોય, સિંગ ખવાતી હોય તો પછી જમીનમાં જ ઉગતા લસણ અને ડુંગળીનો નિષેધ શા માટે હોય છે? અમુક સંપ્રદાયના લોકો તો ડુંગળી અને લસણ અડતા પણ નથી. આયુર્વેદમાં આ બંનેનું આગવું સ્થાન છે. તો પછી આવું શા માટે?

જવાબ: ઉપવાસ સંયમ આપે છે. ફરાળ શબ્દ ફળાહાર માંથી આવ્યો. ઉપવાસની પ્રક્રિયા વૈજ્ઞાનિક આધાર ધરાવે છે. જયારે વિજ્ઞાન મટીને ધર્મ સાથે એક માન્યતા તરીકે આ વાત જોડાઈ હશે ત્યારે કેટલાક લોકોએ માત્ર સ્વાર્થ માટે ઉપવાસ રાખવાનું વિચાર્યું હોય એવું બને. જે ભૂખ્યા નથી રહી શકતા એવા લોકોએ ફળ લઇ શકાય એવી વાત શરુ થઇ હોય એવું બની શકે. વળી રસ વાળા ફળો પાચન અવયવો માટે સારા ગણાય છે. તેથી ઉપવાસમાં ફળો ખાવાનો રીવાજ શરુ થયો હશે.

પણ જેમનાથી ઉપવાસ ન થતા હોય અને કોઈએ માત્ર રીવાજ કે કોઈ સ્વાર્થ પૂરો કરવા ઉભી કરેલી માન્યતાના ભાગ સ્વરૂપે ઉપવાસ કરવાનું કહ્યું હોય ત્યારે ભૂખ સહન ન થતા અન્ય માનસિક કારણો ઉભા થયા હશે. જે પદાર્થોમાં કર્બોહાઈડ્રેટ વધારે હોય એ ઉપવાસ દરમિયાન અશક્તિ આવવા દેતા નથી તેથી તેને ખાવાની પ્રક્રિયા શરુ થઇ હોય એવું બને. હવે જીભના ચટકા સાથે ઉપવાસ થાય છે જેમાં ફરાળી પિઝ્ઝા, ફરાળી નુડલ્સ વિગેરે પણ જોવા મળે છે. જો મન પર જ સંયમ નથી તો ઉપવાસનો મૂળ આધાર સચવાતો નથી.

ડુંગળી અને લસણ જમીનમાં ઉગે છે પણ એની પ્રકૃતિ તામસી છે. એ મન પર કાબુ લાવવામાં મદદ નથી કરતા. તેથી જ જેમને પોતાના મન પર વિશ્વાસ નથી એ તામસી આહારથી દુર રહે તે જરૂરી છે. પણ જો ઉપવાસ કર્યા પછી જાતજાતના ભોજન શોધવામાં મન લાગતું હોય તો આવા ઉપવાસ નિરર્થક છે. ઉપવાસનો મૂળ આશય સંયમિત રહેવાનો છે. પાચન પ્રક્રિયાને મજબુત કરવાનો છે. મનને મજબુત કરવાનો છે. જો આ આશય નથી સાચવતો તો પછી વધારે કેલરી વાળું ફરાળ કરવાના બદલે સાદું ભોજન આરોગવું વધારે યોગ્ય ગણી શકાય. માત્ર દેખાડા માટે ડુંગળી લસણ ન ખાવાનો કોઈ અર્થ નથી. એક જગ્યાએ ડુંગળીની જગ્યાએ એ લોકો કોબીજમાં હિંગ નાખીને ખાતા હતા. જો ઈચ્છાઓ પ્રબળ જ રહી ગઈ હોય તો પછી મન મારીને ઉપવાસ કરવા કરતા જે ભાવે છે એ ખાઈ લેવું વધારે યોગ્ય છે.

ધર્મ એ આધ્યાત્મ સાથે જોડાયેલો વિષય છે. એ કોઈ પંથની માન્યતા અને ગેરમાન્યતાનો વિષય નથી.

સુચન: માણસ જે આરોગે છે એની અસર એના જીવન પર આવે જ છે. ભોજન બનાવતી વખતે અને ખાતી વખતે સકારાત્મક રહેવું ખુબ જરૂરી છે.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

પંચાંગ 21/03/2025

ચેમ્પિયન્સ ટ્રોફીની જીત બાદ BCCIએ ટીમ ઈન્ડિયાને રોકડ ઈનામથી નવાજ્યું

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમ ઈન્ડિયા માટે 58 કરોડ રૂપિયાના રોકડ ઈનામની ઘોષણા કરી છે. આ ઈનામની રકમ ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ અને અજિત અગરકરની આગેવાનીવાળી પસંદગી સમિતિને આપવામાં આવશે. જોકે, BCCIએ હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે આ ઈનામની રકમ કેવી રીતે વહેંચાશે.

BCCIના અધ્યક્ષ રોજર બિન્નીએ કહ્યું, “એક પછી એક બે ICC ટાઈટલ જીતવું એ મોટી સિદ્ધિ છે. આ ઈનામ ટીમ ઈન્ડિયાના સમર્પણ અને વિશ્વ કક્ષાના પ્રદર્શનની ઓળખ છે.” રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે ટૂર્નામેન્ટમાં શરૂઆતથી જ દબદબો બનાવ્યો અને ચાર મેચ જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી. વધુમાં બિન્નીએ ઉમેર્યું, “આ જીત દેશની મજબૂત ક્રિકેટ સિસ્ટમનું પ્રતિબિંબ છે. 2025માં આ આપણું બીજું ICC ટાઈટલ છે, જેમાં અગાઉ અંડર-19 મહિલા ટીમે વર્લ્ડ કપ જીત્યો હતો. ગયા વર્ષે T20 વર્લ્ડ કપ પણ આપણો થયો હતો. આ બધું દર્શાવે છે કે ભારતીય ક્રિકેટ કેટલું મજબૂત છે.”

BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું, “આ સફળતા દર્શાવે છે કે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ભારત ટોચનું સ્થાન લાયક છે. આ જીત લાંબા સમયની મહેનત અને સારી રણનીતિનું પરિણામ છે. અમને ખાતરી છે કે ટીમ આગળ પણ આવું જ પ્રદર્શન ચાલુ રાખશે. ખેલાડીઓની મહેનતે નવા માપદંડો સેટ કર્યા છે, અને ભારતીય ક્રિકેટ વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતું રહેશે.” જ્યારે ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું, “ખેલાડીઓએ ICC ટૂર્નામેન્ટમાં દબાણ હેઠળ પણ ઉમદા પ્રદર્શન કર્યું. આ સફળતા યુવા ક્રિકેટરો માટે પ્રેરણાદાયી છે. ટીમે ફરી સાબિત કર્યું કે ભારતીય ક્રિકેટ કુશળતા, માનસિક દૃઢતા અને જીતની ભાવના પર ટકેલું છે.” જણાવી દઈએ કે, રોહિત શર્માની આગેવાનીમાં ટીમે શાનદાર રમત બતાવી. પ્રથમ મેચમાં બાંગ્લાદેશને છ વિકેટે હરાવીને શરૂઆત કરી. ત્યારબાદ પાકિસ્તાનને પણ છ વિકેટથી પરાસ્ત કર્યું. ગ્રુપ સ્ટેજની ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડને 44 રનથી ધૂળ ચટાડી. સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટથી હરાવી hedgingકેટલાક ખેલાડીઓએ ફાઈનલમાં પ્રવેશ કર્યો.

IPL 2025 પહેલા BCCIએ લીધો મોટો નિર્ણય, બોલરો બોલ પર લગાવી શકશે થૂક

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ 22 માર્ચથી શરૂ થનારી IPLની નવી સિઝન માટે મોટો નિર્ણય લીધો છે. બોલ પર થૂંક લગાવવા પરનો પ્રતિબંધ હવે હટાવી દેવામાં આવ્યો છે. આ મુદ્દે BCCIમાં લાંબી ચર્ચા થઈ, અને મુંબઈમાં યોજાયેલા IPL ટીમોના કેપ્ટનોના ફોટોશૂટ દરમિયાન આ પ્રસ્તાવ રજૂ કરાયો. તમામ 10 કેપ્ટનોએ આ નિર્ણયને સમર્થન આપ્યું છે.

કોરોના મહામારી દરમિયાન ICCએ સાવચેતીના ભાગરૂપે બોલ પર થૂંકનો ઉપયોગ બંધ કર્યો હતો, જે વર્ષો જૂની પ્રથા હતી. 2022માં ICCએ આ નિયમને કાયમી બનાવી દીધો. IPLમાં પણ કોરોના બાદ આ પ્રતિબંધ ચાલુ રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે BCCIએ આ સિઝનથી તેને ખતમ કરવાનું નક્કી કર્યું છે. IPLને વધુ રોમાંચક બનાવવા માટે ગયા વર્ષે ઈમ્પેક્ટ પ્લેયર નિયમ લાગુ કરાયો હતો. BCCIએ નિર્ણય લીધો છે કે આ સિઝનમાં પણ આ નિયમ યથાવત રહેશે, જેથી ટીમોને મેચ દરમિયાન વ્યૂહરચનામાં લવચીકતા મળી રહે.

આ પ્રતિબંધ હટાવવાની માગણી ઘણા દિગ્ગજ ક્રિકેટરો દ્વારા કરવામાં આવી હતી. ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમીએ તાજેતરમાં દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી બાદ કહ્યું હતું, “અમે ઘણા સમયથી અધિકારીઓને કહી રહ્યા છીએ કે થૂંકનો ઉપયોગ ફરી શરૂ કરવા દેવાય, જેથી બોલ સ્વિંગ અને રિવર્સ થઈ શકે.” શમીની આ વાતને વર્નોન ફિલેન્ડર અને ટિમ સાઉથી જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ પણ ટેકો આપ્યો હતો. આખરે ખેલાડીઓની આ વિનંતી સ્વીકારાઈ છે.

અસામાજિક તત્ત્વો સામે અમરેલી પોલીસનું મોટું અભિયાન, PGVCL સાથે મળી કરી કાર્યવાહી

રાજ્યના પોલીસ વડાએ ગુનેગારોની યાદી બનાવવાનો હુકમ કર્યો, જેના પગલે સમગ્ર ગુજરાતમાં પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. અમરેલી જિલ્લામાં 113 અસામાજિક તત્ત્વોની ઓળખ કરીને યાદી તૈયાર કરવામાં આવી. ત્યારબાદ પોલીસે PGVCLની ટીમ સાથે મળીને આવા તત્ત્વોના ઘરે પહોંચીને ગેરકાયદે વીજ જોડાણો કાપી નાખ્યા અને દંડની વસૂલાત પણ કરી.

SP સંજય ખરાતના નેતૃત્વમાં પોલીસે અમરેલીના ખાંભા, કોટડા, નાની ધારી અને મોટા બારમણ જેવા વિસ્તારોમાં ગુનેગારોના ઘરો પર દરોડા પાડ્યા. આ દરમિયાન 6 શખ્સો સામે ગેરકાયદે વીજ જોડાણના ગુના નોંધાયા, તેમના કનેક્શન કાપવામાં આવ્યા અને કાયદેસર પગલાં લેવાયા. ઉપરાંત, વીજ વિભાગે આવા તત્ત્વોને કુલ 4.75 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્ત્વોમાં ગભરાટ ફેલાયો છે. અમદાવાદ, ભાવનગર, વડોદરા જેવા શહેરોમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યું છે. જામનગરમાં પોલીસ અને એસ્ટેટ વિભાગે કાલાવાડ નાકા પાસેના ગેરકાયદે દબાણો હટાવવાનું શરૂ કર્યું, અને આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી કામગીરી થશે. વડોદરામાં પોલીસે બીજા દિવસે પણ અભિયાન ચાલુ રાખ્યું, જેમાં 2000થી વધુ લોકોની તપાસ કરાઈ. આ દરમિયાન 21 ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસ નોંધાયા, 109 વાહનો ડિટેઈન થયા. ગોરવા વિસ્તારમાં ચંદ્રસિંહ નામના શખ્સ સામે દારૂના ધંધા સંબંધે અડધો ડઝન કેસ નોંધાયા, અને તેના ગેરકાયદે કાચા મકાન પર બુલડોઝર ફેરવાયું.

રાજ્યભરમાં અમદાવાદમાં 25, ગાંધીનગરમાં 6, વડોદરામાં 2, સુરતમાં 7, મોરબીમાં 12 સહિત કુલ 59 લોકો સામે PASA હેઠળ કાર્યવાહી થઈ. 10 શખ્સોને હદપાર કરાયા, 724ની અટકાયત થઈ, 16 ગેરકાયદે મકાનો તોડી પાડ્યા, અને 81 ગેરકાયદે વીજ જોડાણો કાપ્યા. આગામી દિવસોમાં 100 PASA, 120 હદપારી, 265 અટકાયતી પગલાં, 200 ડિમોલિશન અને 225 વીજ જોડાણો દૂર કરવાનું આયોજન છે. રાજ્ય પોલીસ વડાના આદેશ પછી 7612 ગુનેગારોની યાદી તૈયાર થઈ છે, જેમાં 3264 બુટલેગરો, 2149 શારીરિક ગુના કરનારા, 958 મિલકત સંબંધી ગુનાઓ કરનારા, 516 જુગારીઓ અને 545 અન્ય અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોનો સમાવેશ થાય છે. આ બધા પર નજર રાખવાની સાથે તેમના ગેરકાયદે દબાણો, વીજ જોડાણો અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની તપાસ થશે.