Home Blog Page 1079

ભારતે અમેરિકા સામે ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસનો મુદ્દો ઉઠાવ્યો

અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર (DNI) તુલસી ગબાર્ડની ભારત મુલાકાત દરમિયાન, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અમેરિકામાં સક્રિય ખાલિસ્તાની સંગઠન ‘શીખ્સ ફોર જસ્ટિસ’ (SFJ) ની ભારત વિરોધી પ્રવૃત્તિઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે અમેરિકા પાસેથી આ ગેરકાયદેસર સંગઠન સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. અહેવાલ છે કે સંરક્ષણ પ્રધાને અમેરિકી વહીવટીતંત્રને નક્કર પગલાં લેવા વિનંતી કરી છે.

ગબાર્ડ રવિવારે વહેલી સવારે ભારતની અઢી દિવસની મુલાકાતે રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રના કોઈ ઉચ્ચ અધિકારીની આ પહેલી ઉચ્ચ સ્તરીય ભારત મુલાકાત છે. સોમવારે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી. બેઠક દરમિયાન, સંરક્ષણ અને માહિતી શેરિંગના ક્ષેત્રોમાં ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા રાજનાથે કહ્યું કે તેઓ યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ચીફને મળીને ખુશ થયા અને તેમણે ભારત-અમેરિકા ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરી. સંરક્ષણ મંત્રીએ કહ્યું, “અમે ભારત-અમેરિકા ભાગીદારીને વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ્યથી સંરક્ષણ અને માહિતી શેરિંગ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી.

એક દિવસ પહેલા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને ગબાર્ડે રવિવારે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી અને વિશ્વભરના ટોચના ગુપ્તચર અધિકારીઓના પરિષદની અધ્યક્ષતા કરી હતી. એવું માનવામાં આવે છે કે રૂબરૂ મુલાકાતમાં, ડોભાલ અને ગબાર્ડે મુખ્યત્વે ભારત-અમેરિકા વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી અનુસાર ગુપ્ત માહિતી શેરિંગ મિકેનિઝમને મજબૂત બનાવવા અને સુરક્ષા ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.

પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીમાં કારમી હાર મળી, 800 કરોડનું નુકસાન પણ થયું!

પાકિસ્તાન: 29 વર્ષ બાદ પોતાની મેજબાનીમાં ICC ટુર્નામેન્ટ કરાવવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ભારે પડી ગયું. કંગાળી વેઠી રહેલા પાકિસ્તાની બોર્ડને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેજબાનીથી લગભગ 800 કરોડ રૂપિયાનું નુકસાન થયું. ટુર્નામેન્ટની ફાઈનલ 9 માર્ચે થઈ હતી જેમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને ખિતાબ જીત્યો હતો.

પાકિસ્તાને સ્વપ્ન જોયા હતાં કે તેને આ ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાનીથી અબજો રૂપિયાનો ફાયદો થશે. પરંતુ મામલો ઉલટો જ પડી ગયો. ટુર્નામેન્ટ માટે પાકિસ્તાની બોર્ડે સ્ટેડિયમને સુધારવામાં કરોડો રૂપિયા ખર્ચ કર્યા પરંતુ તેને આખરે 85 ટકા નુકસાન વેઠવું પડ્યું.

પાકિસ્તાન ક્રિકેટને 799 કરોડનું નુકસાન

PCB એ ઘરઆંગણે મેચ કરાવવા માટે લગભગ 851 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. તેમ છતાં તેને માત્ર 52 કરોડ રૂપિયાની જ કમાણી થઈ, જેનાથી તેને લગભગ 799 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવુ પડ્યું. તેની અસર ખેલાડીઓ પર જ પડી છે. પીસીબીએ આ નુકસાનની ચૂકવણી માટે ઘરેલુ ખેલાડીઓની મેચ ફી માં ભારે ઘટાડો કર્યો છે.

ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ પાકિસ્તાનના 3 વેન્યૂ લાહોર, કરાચી અને રાવલપિંડીમાં હતી જ્યારે ભારતીય ટીમે પોતાની તમામ મેચ દુબઈમાં રમી. ફાઈનલ પણ દુબઈમાં જ થઈ હતી. પાકિસ્તાની બોર્ડે ત્રણેય ઘરેલુ સ્ટેડિયમોને ઠીક કરવામાં 58 મિલિયન ડોલર (લગભગ 504 કરોડ ભારતીય રૂપિયા) ખર્ચ કર્યા હતાં.

મેચ જીત્યા વિના 5 દિવસમાં બહાર થઈ હતી પાકિસ્તાનની ટીમ

આ PCBના કુલ બજેટનું 50 ટકા વધુ છે. 40 મિલિયન ડોલર (લગભગ 347 કરોડ ભારતીય રૂપિયા) ટુર્નામેન્ટની તૈયારીમાં ખર્ચ કર્યા. આટલો કુલ ખર્ચ કર્યા બાદ PCBને લગભગ 52 કરોડ રૂપિયાનો જ ફાયદો થયો છે. દરમિયાન તેને ટુર્નામેન્ટમાં લગભગ 85% નુકસાન વેઠવું પડ્યું.પાકિસ્તાન ક્રિકેટ ટીમે પોતાના ઘરમાં થયેલી આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શરમજનક પ્રદર્શન કર્યું હતું. આ ટીમ કોઈ મેચ જીત્યા વિના 5 દિવસમાં જ બહાર થઈ ગઈ હતી. ટીમ ગ્રૂપ સ્ટેજમાં આગળ વધી શકી નહીં. પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ અને ભારતે હરાવ્યુ જ્યારે બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ વરસાદથી ધોવાઈ ગઈ હતી.

શું સુનિતા વિલિયમ્સને 9 મહિનાના સ્પેસ ઓવરટાઇમ માટે પૈસા મળશે?

અમેરિકન અવકાશ એજન્સી નાસાના બે અવકાશયાત્રીઓ છેલ્લા 9 મહિનાથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ફસાયેલા છે. ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગયા વર્ષે જૂનમાં 8 દિવસના મિશન પર અવકાશ સ્ટેશન ગયા હતા. મિશન પૂર્ણ થયા પછી બંને અવકાશયાત્રીઓ ટેકનિકલ કારણોસર ત્યાં અટવાઈ ગયા છે. ટેકનિકલ સમસ્યાઓના કારણે તેમનું પરત ફરવાનું પણ ઘણી વખત મોડું થયું. હવે એવી આશા છે કે તે આખરે 19 માર્ચે સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાનમાં પૃથ્વી પર પાછા ફરી શકશે.

શું સુનિતા વિલિયમ્સને ઓવરટાઇમ પગાર મળ્યો હતો?
એક તરફ, જ્યાં સુનિતાના પૃથ્વી પર પાછા ફરવાની ચર્ચા ચાલી રહી છે, ત્યાં જ લાંબા સમય સુધી અવકાશમાં રહેવા બદલ તેને મળનારી રકમ પણ ચર્ચાનો વિષય બની છે. અવકાશયાત્રીઓ 8 દિવસ માટે ગયા હતા, પરંતુ તેમની ફરજ 9 મહિના સુધી લંબાવવામાં આવી. આવી સ્થિતિમાં પ્રશ્ન એ છે કે શું તેમને ઓવરટાઇમ મળશે? આ પ્રશ્નનો જવાબ એક ભૂતપૂર્વ અવકાશયાત્રીએ આપ્યો છે.

ભૂતપૂર્વ અવકાશયાત્રીએ શું કહ્યું?
નાસાના ભૂતપૂર્વ અવકાશયાત્રી કેડી કોલમેને આ સંદર્ભમાં જણાવ્યું હતું કે અવકાશયાત્રીઓ માટે કોઈ ખાસ ઓવરટાઇમ પગારની વ્યવસ્થા નથી. તેમણે કહ્યું કે અવકાશયાત્રીઓ યુએસ સરકારી કર્મચારી હોવાથી, અવકાશમાં તેમના સમયને કોઈપણ સામાન્ય કાર્યની જેમ ગણવામાં આવે છે. મુસાફરોને નિયમિત વેતન મળે છે. વધુમાં નાસા સ્પેસ સ્ટેશન તેમના ભોજન અને રહેવાનો ખર્ચ ઉઠાવે છે.

પગાર સિવાય કેટલા પૈસા મળશે?
કેડી કોલમેને એક ન્યૂઝ વેબસાઇટ, વોશિંગ્ટનિયનને જણાવ્યું હતું કે અવકાશયાત્રીઓને મળતું એકમાત્ર વધારાનું વળતર આકસ્મિક ખર્ચ માટે એક નાનું દૈનિક ભથ્થું છે. એવું માનવામાં આવે છે કે આ ફક્ત 4 ડોલર એટલે કે લગભગ 347 રૂપિયા પ્રતિ દિવસ જેટલું છે. જ્યારે કેડી કોલમેન 2010-11 માં 159 દિવસના અવકાશ મિશન પર ગયા હતા, ત્યારે તેમને તેમના પગાર ઉપરાંત કુલ આશરે $636 અથવા આશરે રૂ. 55,000 વધારાના મળ્યા હતા.

નાસાએ શું કહ્યું?
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે અવકાશમાં 285 દિવસથી વધુ સમય વિતાવ્યો છે. આ મુજબ, પગાર ઉપરાંત, તેમને વધારાની રકમ તરીકે ફક્ત 1,100 ડોલર એટલે કે આશરે 1 લાખ રૂપિયા મળશે. જોકે, નાસાએ કહ્યું છે કે ટેકનિકલી બંને અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા નથી કારણ કે તેઓ સક્રિય છે અને ત્યાં કામ કરી રહ્યા છે.

અમદાવાદ એરપોર્ટ નજીકની તંદૂર હોટલમાં થયેલી હત્યાનો આરોપી ઝડપાયો

અમદાવાદ: એરપોર્ટ પાસે તંદૂર હોટલમાંથી 22 વર્ષીય નસરીનબાનુની લાશ મળી આવતા પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કેસની તપાસ શરૂ કરવામાં આવી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ કેસને લઈને હોટેલના તમામ CCTV ચેક કર્યા હતા. જેમાં નસરીનનો હત્યારો મળી ગયો. પોલીસે હાલ આ મામલે શંકાના આધારે ચિંતન વાઘેલા નામના યુવકની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ચિંતન વાઘેલા નામનો યુવક નસરીનબાનુ સાથે રૂમમાં ગયો હતો. ત્યારબાદ યુવક એકલો ત્યાંથી બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ રૂમમાં કોઈ પ્રવેશ્યુ હોય તેવું જણાતું નથી. બાદમાં નસરીન મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસનું માનવું છે કે, ચિંતને નસરીનને ગળે ટૂંપો આપી હત્યા કરી હશે. બાદમાં તે આણંદ તરફ ભાગ્યો હોવાનું જાણ થતાં પોલીસે તાત્કાલિક ધોરણે તેને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર ઘટના? 

મૂળ ઉત્તર પ્રદેશના કાજીપુર સંત કબીર નગરની રહેવાસી અને હાલ રામોલની રહેવાસી 23 વર્ષીય નસરીનબાનુ ફિરોજ અખ્તરભાઈ અમદાવાદ એરપોર્ટ ઉપર ફૂટ કોર્ટમાં નોકરી કરતી હતી. રવિવારે (16 માર્ચ) બપોરે એરપોર્ટ પોલીસને એરપોર્ટ નજીક હાસોલ ચોકી સામે હોટેલ તંદુરના રૂમમાંથી તેની લાશ મળી હોવાની જાણ થઈ હતી. આ બનાવની જાણ થતાં એરપોર્ટ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોટેલ ઉપર પહોંચી ગયા હતા અને હોટેલના સીસીટીવી ફૂટેજ અને FSLની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

છાવા તો છવાઈ ગઈ, પુષ્પા-2 ફિલ્મને પણ છોડી પાછળ

વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’નો ક્રેઝ હજુ પણ દર્શકોના મનમાં છે. ફિલ્મ રિલીઝ થયાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે પરંતુ ફિલ્મ હજુ પણ દર્શકોના દિલ જીતી રહી છે અને દરરોજ કમાણીમાં નવા રેકોર્ડ બનાવી રહી છે. હવે વિક્કી કૌશલની ફિલ્મે એક બાબતમાં સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ ને પાછળ છોડી દીધી છે.

છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં વિકી કૌશલને દર્શકોએ ખૂબ પસંદ કર્યો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર તબાહી મચાવી દીધી છે. એક પછી એક બ્લોકબસ્ટર ફિલ્મોને પાછળ છોડી દીધા પછી ‘છાવા’ હવે પુષ્પા 2 ને પણ પાછળ છોડી દીધી છે અને 31મા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ખાસ વાત એ છે કે આ કિસ્સામાં, છાવાએ વિક્કીની બીજી ફિલ્મનો રેકોર્ડ તોડી નાખ્યો છે. છવા પાંચમા સપ્તાહના અંતે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની.

છાવા 31મા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

છાવા ૧૪ ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પહેલા દિવસે 31 કરોડ રૂપિયાનો રેકોર્ડ કલેક્શન કર્યું હતું. ફિલ્મનો સિનેમાઘરોમાં 31મો દિવસ રવિવાર, 16 માર્ચ હતો. આ ફિલ્મે ગઈકાલે ભારતીય બોક્સ ઓફિસ પર 7.63 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે, છાવા 31મા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ. વિક્કીની ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણી 562.38 કરોડ રૂપિયા રહી છે.

વિક્કીની આ ફિલ્મે તેની બીજી ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’નો રેકોર્ડ તોડી નાખ્યો. અગાઉ, આ ફિલ્મે 31મા દિવસે સૌથી વધુ કમાણી (5.66 કરોડ રૂપિયા) કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે શ્રદ્ધા કપૂરની સ્ત્રી 2 એ 31મા દિવસે 5.4 કરોડ રૂપિયા અને અલ્લુ અર્જુનની પુષ્પા 2 એ 4.4 કરોડ રૂપિયાની કમાણી કરી.

પાંચમા સપ્તાહના કલેક્શનમાં છાવાએ પુષ્પા 2 ને પણ પાછળ છોડી દીધું

છાવા તેના પાંચમા સપ્તાહના અંતે પણ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ સાબિત થઈ છે. આ બાબતમાં પણ તેણે પુષ્પા 2 અને સ્ત્રી 2 ને પાછળ છોડી દીધી છે. ‘છાવા’એ તેના પાંચમા સપ્તાહના અંતે કુલ 22 કરોડની કમાણી કરી, શુક્રવારે 6.75 કરોડ, શનિવારે 7.62 કરોડ અને રવિવારે 7.63 કરોડની કમાણી કરી. પાંચમા સપ્તાહના અંતે પુષ્પા 2 એ 14 કરોડ રૂપિયા અને સ્ત્રી 2 એ 16 કરોડ રૂપિયાની કમાણી કરી.

શેરબજાર શાનદાર તેજી સાથે થયું બંધ

ઘણા સમય પછી સોમવારે દિવસભર ભારતીય શેરબજારમાં ઘણી ગતિવિધિ જોવા મળી. ગ્રીન ઝોનમાં શરૂઆત કર્યા પછી, સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો જબરદસ્ત વધારા સાથે બંધ થયા. એક તરફ, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 341 પોઈન્ટના વધારા સાથે બંધ થયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 112 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો. દરમિયાન, તેજી વચ્ચે બજારના ‘હીરો’ સાબિત થયેલા 10 શેરોમાં બજાજ ફિનસર્વથી લઈને એક્સિસ બેંકનો સમાવેશ થાય છે.

દિવસભર સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી રહી

પ્રથમ, અઠવાડિયાના પહેલા દિવસે સેન્સેક્સ અને નિફ્ટીના પ્રદર્શન વિશે વાત કરીએ, તમને જણાવી દઈએ કે BSE સેન્સેક્સ બજાર 73,830.03 ના સ્તરે ખુલ્યું હતું અને ટ્રેડિંગ દરમિયાન તે 74,376.35 ના સ્તરે પહોંચી ગયું હતું. જોકે, બજાર બંધ થયું ત્યાં સુધીમાં તેની ગતિ થોડી ધીમી પડી, છતાં તે 341.05 પોઈન્ટના વધારા સાથે 74,169,95 પર બંધ થયો. એ જ રીતે NSE નિફ્ટી 22,353.15 પર ખુલ્યો અને પછી 22,577 પર પહોંચ્યો અને અંતે 112.45 પોઈન્ટના વધારા સાથે 22,509.65 પર બંધ થયો.

આ 10 શેરોનું શાનદાર પ્રદર્શન

સોમવારે શેરબજારમાં થયેલા વધારા વચ્ચે સૌથી વધુ ઉછાળા પામેલા 10 શેરોમાં લાર્જ-કેપ કંપનીઓમાંની એક, બજાજ ફિનસર્વ શેર 3.59% વધીને રૂ. 1871.85 પર બંધ થયો. આ ઉપરાંત M&Mનો શેર (2.41%) વધીને રૂ. 2707 પર બંધ થયો, જ્યારે એક્સિસ બેંકનો શેર (2.36%) વધીને રૂ. 1033.95 પર બંધ થયો. જ્યારે બજાજ ફાઇનાન્સનો શેર 1.90% અને અદાણી પોર્ટ્સનો શેર 1.63% વધ્યો. મિડકેપ કેટેગરીમાં સમાવિષ્ટ જિલેટ શેર (4.67%), વોલ્ટાસ શેર (4.16%), મુથૂટ ફાઇનાન્સ શેર (4.09%) વધારા સાથે બંધ થયા, જ્યારે સ્મોલકેપ કેટેગરીમાં NACL ઇન્ડિયા શેર 19.99 % વધ્યો, આ ઉપરાંત, ELGI ઇક્વિપમેન્ટ્સ શેર 16.80% ના ઉછાળા સાથે ટ્રેડિંગનો અંત આવ્યો.

ગ્રીન ઝોનમાં 1541 શેર બંધ થયા

શેરબજાર ખુલતા સમયે 1658 કંપનીઓના શેર વધારા સાથે ટ્રેડ થવા લાગ્યા હતા, જ્યારે બજાર બંધ થતાં, 1541 કંપનીઓના શેર વધારા સાથે બંધ થયા હતા. આ ઉપરાંત, દિવસભર શેરબજારમાં તેજી છતાં 2403 શેર લાલ રંગમાં બંધ થયા હતા. તેથી 115 શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી.

ન્યૂઝીલેન્ડના પીએમ લક્સન પીએમ મોદીને મળ્યા, જાણો કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ?

ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોને મજબૂત બનાવવા માટે રવિવારે પાંચ દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા છે. સોમવારે તેમણે ‘રાયસીના ડાયલૉગ’ના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી. આ પહેલા બંને દેશોએ વ્યાપક અને પરસ્પર ફાયદાકારક ભારત-ન્યુઝીલેન્ડ મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત કરી.

દ્વિપક્ષીય પાસાઓ પર વિગતવાર ચર્ચા થઈ
પીએમ મોદી અને ન્યુઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર હૈદરાબાદ હાઉસ ખાતે મળ્યા. આ પછી પ્રેસ મીટિંગમાં પીએમ મોદીએ કહ્યું કે લક્સન લાંબા સમયથી ભારત સાથે જોડાયેલા છે. આપણે બધાએ જોયું કે તેઓએ હોળીના રંગોમાં રંગાઈને કેવી રીતે ઉત્સવનું વાતાવરણ બનાવ્યું. ભારતીય મૂળના લોકો પ્રત્યેનો તેમનો પ્રેમ એ હકીકત પરથી પણ જોઈ શકાય છે કે તેમની સાથે એક સમુદાય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે. અમારા માટે આનંદની વાત છે કે તેઓ રાયસીના ડાયલોગના મુખ્ય મહેમાન છે. આજે આપણે આપણા દ્વિપક્ષીય પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી. અમે અમારી સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારીને મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. સંરક્ષણ ઉદ્યોગમાં પરસ્પર સહયોગ માટે એક રોડમેપ પણ બનાવવામાં આવશે. આપણા નૌકાદળો હિંદ મહાસાગરમાં સાથે મળીને કામ કરી રહ્યા છે. ન્યુઝીલેન્ડનું લશ્કરી જહાજ બે દિવસમાં મુંબઈમાં બંદરે પહોંચવાનું છે.

મુક્ત વેપાર કરાર પર ચર્ચા
બંને દેશો વચ્ચે પરસ્પર ફાયદાકારક મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી પરસ્પર વેપાર અને રોકાણની સંભાવના વધશે. મને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી સાથે આવેલા મોટા પ્રતિનિધિમંડળને ભારતમાં નવી શક્યતાઓ જોવા અને સમજવાની તક મળશે. ક્રિકેટ હોય કે હોકી, કે પર્વતારોહણ, બંને દેશો વચ્ચે જૂના રમત સંબંધો છે. અમે રમતગમત વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને દવામાં પણ સહયોગ પર ભાર મૂક્યો છે. વર્ષ 2026 માં બંને દેશો વચ્ચે રમતગમત સંબંધોના 100 વર્ષની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. UPI કનેક્ટિવિટી, ડિજિટલ વ્યવહારો અને પ્રવાસન વધારવા પર પણ ભાર મૂકવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે આપણા જૂના સંબંધો છે. અમે ન્યુઝીલેન્ડની યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ ખોલવા આમંત્રણ આપીએ છીએ.

આતંકવાદ સામે બંને દેશો એક થયા

પીએમ મોદીએ ઉમેર્યુ કે અમે બંને આતંકવાદ વિરુદ્ધ એકમત છીએ. 15 માર્ચ 2019નો ક્રાઇસ્ટચર્ચ આતંકવાદી હુમલો હોય કે 26 નવેમ્બર 2008નો મુંબઈ હુમલો, કોઈપણ સ્વરૂપમાં આતંકવાદ અસ્વીકાર્ય છે. આતંકવાદી હુમલાના દોષિતો સામે કડક કાર્યવાહી જરૂરી છે. અમે આતંકવાદીઓ, અલગતાવાદીઓ અને કટ્ટરપંથીઓ સામે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. આ સંદર્ભમાં અમે ન્યુઝીલેન્ડમાં કેટલાક ગેરકાયદેસર તત્વો દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિઓ અંગે અમારી ચિંતા વ્યક્ત કરી છે. અમને વિશ્વાસ છે કે આ બધા ગેરકાયદેસર તત્વો સામે અમને ન્યુઝીલેન્ડ સરકારનો ટેકો મળતો રહેશે. અમે બંને એક મુક્ત, ખુલ્લા, સુરક્ષિત અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિકને સમર્થન આપીએ છીએ. અમે વિસ્તરણવાદમાં નહીં, પરંતુ વિકાસની નીતિમાં માનીએ છીએ.

20 માર્ચ સુધી ભારત પ્રવાસ
દિલ્હી એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી એસ. પી. સિંહ બઘેલે લક્સનનું સ્વાગત કર્યું. ન્યુઝીલેન્ડના વડા પ્રધાન સાથે આવેલા પ્રતિનિધિમંડળમાં મંત્રીઓ, સાંસદો, અગ્રણી ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયના કેટલાક અગ્રણી લોકોનો સમાવેશ થાય છે. લક્ઝન 16 થી 20 માર્ચ દરમિયાન વડા પ્રધાન તરીકે ભારતની તેમની પહેલી મુલાકાતે છે. “હું વધુ વ્યાપક આર્થિક ભાગીદારી ઇચ્છું છું અને જોઈએ છીએ કે આપણે તેને કેવી રીતે આગળ લઈ જઈ શકીએ,” લક્સને ગયા અઠવાડિયે કહ્યું હતું. “હું એ હકીકત માટે પ્રતિબદ્ધ છું કે આપણે ભારત સાથેના વેપાર સંબંધોમાં મોટો ફેરફાર લાવીશું,” તેમણે કહ્યું.

ભારત-ચીન સંબંધો પર PM મોદીની ટિપ્પણીથી ચીન ખુશ

અમેરિકન AI સંશોધક લેક્સ ફ્રિડમેન સાથેની વાતચીતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-ચીન સંબંધો વિશે જે કહ્યું તેની ચીનમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે. ચીને કહ્યું છે કે બંને દેશો વચ્ચેના સંબંધો પર પીએમ મોદી દ્વારા આપવામાં આવેલ સકારાત્મક પ્રતિભાવ પ્રશંસનીય છે. ચીનનું કહેવું છે કે તે ભારત સાથે દરેક ક્ષેત્રમાં સહયોગ કરવા તૈયાર છે જેથી બંને દેશો વચ્ચે સારા અને સ્થિર સંબંધો જાળવી શકાય.

ભારત-ચીન સંબંધો પર પીએમ મોદીએ શું કહ્યું?

પોડકાસ્ટમાં ભારત-ચીન સંબંધો પર બોલતા, પીએમ મોદીએ કહ્યું કે બે પડોશીઓ માટે મતભેદો હોવા સ્વાભાવિક છે પરંતુ મતભેદો વિવાદોમાં ફેરવાવા જોઈએ નહીં. તેમણે કહ્યું, ‘ભારત-ચીન સહયોગ ફક્ત આપણા બંને દેશો માટે ફાયદાકારક નથી પરંતુ તે વૈશ્વિક સ્થિરતા અને સમૃદ્ધિ માટે પણ જરૂરી છે.’ 21મી સદી એશિયાઈ દેશોની સદી છે. આવી સ્થિતિમાં સ્પર્ધા સ્વાભાવિક છે પણ કોઈ વિવાદ ન હોવો જોઈએ. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ‘જૂના રેકોર્ડ દર્શાવે છે કે ભારત અને ચીન એક સમયે વિશ્વના GDPમાં 50 ટકાથી વધુ યોગદાન આપતા હતા. બંને દેશો વચ્ચે ગાઢ સાંસ્કૃતિક સંબંધો છે જેને અમે ભવિષ્યમાં પણ મજબૂત રાખવા માંગીએ છીએ.

ભારત-ચીન તણાવના સંદર્ભમાં પીએમ મોદીએ કહ્યું, ‘બે પડોશીઓ વચ્ચે મતભેદ સ્વાભાવિક છે. પરિવારમાં પણ મતભેદો હોય છે. પરંતુ અમારું ધ્યાન એ સુનિશ્ચિત કરવા પર છે કે આ તફાવતો વિવાદોમાં ફેરવાઈ ન જાય. અમે આ દિશામાં સક્રિયપણે કામ કરી રહ્યા છીએ. સંઘર્ષને બદલે, અમે સંવાદ પર ભાર મૂકીએ છીએ કારણ કે ફક્ત સંવાદ દ્વારા જ આપણે સ્થિર અને સહકારી સંબંધ બનાવી શકીએ છીએ.

સંબંધો અંગે પીએમ મોદીની ટિપ્પણી પર ચીને શું કહ્યું?

ભારત-ચીન સંબંધો પર પીએમ મોદીના નિવેદનની ચીને પ્રશંસા કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં બંને દેશોના નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ સંમતિ સધાઈ છે અને વિવિધ સ્તરે સહયોગ વધ્યો છે. આનાથી સકારાત્મક પરિણામો મળ્યા છે. માઓએ કહ્યું કે ભારત-ચીન સંબંધોના 2,000 વર્ષના ઇતિહાસમાં, મૈત્રીપૂર્ણ આદાન-પ્રદાન અને પરસ્પર શિક્ષણ સૌથી મહત્વપૂર્ણ પાસાઓ રહ્યા છે, જેણે વિશ્વ સભ્યતા અને માનવ પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ચીની પ્રવક્તાએ વધુમાં કહ્યું, પરસ્પર સિદ્ધિઓમાં ભાગીદાર બનવું અને ડ્રેગન (ચીનનું પ્રતીક) અને હાથી (ભારતનું પ્રતીક) વચ્ચે સંબંધ સ્થાપિત કરવો એ ચીન અને ભારત માટે એકમાત્ર યોગ્ય પસંદગી છે.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે પીએમ મોદીની પ્રશંસા કરી

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે પણ ભારત-ચીન સંબંધો પર પીએમ મોદીની ટિપ્પણીઓની પ્રશંસા કરી છે. અખબારે એક લેખમાં લખ્યું છે કે પીએમ મોદીની ટિપ્પણી બંને દેશો વચ્ચેના સંબંધોને આગળ વધારવાના ભારત સરકારના વિઝનને રેખાંકિત કરે છે. સિંઘુઆ યુનિવર્સિટી ખાતે નેશનલ સ્ટ્રેટેજી ઇન્સ્ટિટ્યૂટના સંશોધન વિભાગના ડિરેક્ટર કિયાન ફેંગને ટાંકીને, ગ્લોબલ ટાઇમ્સે લખ્યું કે પીએમની ટિપ્પણી દ્વિપક્ષીય સંબંધોને સ્થિર કરવા અને આગળ વધારવામાં અસરકારક સાબિત થશે.

પરિવાર દ્વારા તરછોડાયેલા પીઢ અભિનેત્રી બિંદુ ઘોષનું 76 વર્ષની વયે નિધન

તમિલ ફિલ્મ અભિનેત્રી બિંદુ ઘોષનું રવિવારે ચેન્નાઈની એક હોસ્પિટલમાં અવસાન થયું. 16 માર્ચે અભિનેત્રીએ દુનિયાને અલવિદા કહ્યું. તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેમના અંતિમ સંસ્કાર સોમવારે એટલે કે આજે કરવામાં આવશે. આ અભિનેત્રીએ 76 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. ફિલ્મોમાં તેની કોમેડી ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને તે લોકોને ખૂબ હસાવતા હતા. તેમના છેલ્લા દિવસોમાં તેમને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ અને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

અભિનેત્રી આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા

બિંદુ ઘોષે અગાઉ ખુલાસો કર્યો હતો કે તેણીને તેના પરિવાર દ્વારા જેમાં તેનો પુત્ર પણ સામેલ હતો, ત્યજી દેવામાં આવ્યા હતા અને તે એકલા જ પોતાના સંઘર્ષોનો સામનો કરી રહ્યા હતા. ગલાટાની યુટ્યુબ ચેનલ સાથેના એક ઇન્ટરવ્યુમાં, અભિનેત્રી શકીલાએ ખુલાસો કર્યો હતો કે તે બિંદુ ઘોષને મળી હતી. તેમણે તેમના બગડતા સ્વાસ્થ્ય અને ભાવનાત્મક તકલીફની ચર્ચા કરી. પોતાના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોવાથી શકીલાએ લોકો પાસેથી કોણ મદદ કરી શકે તે અંગે સૂચનો માંગ્યા, જેના પગલે ઘણા લોકોએ અભિનેતા બાલાની ભલામણ કરી અને પછી અભિનેતા શકીલા સાથે બિંદુ ઘોષના ઘરે ગયા હતાં.

બાલાએ મદદ કરી

એટલું જ નહીં, બાલાએ તેમને 80,000 રૂપિયાની આર્થિક મદદ કરી હતી અને તેમના તબીબી ખર્ચ માટે સતત સહાયની ખાતરી આપી હતી. બાલા ઉપરાંત, અભિનેતા રિચાર્ડ અને રામલિંગમ પણ નાણાકીય મદદ કરવા આગળ આવ્યા. બિંદુ ઘોષ એક પ્રખ્યાત અભિનેત્રી અને કોરિયોગ્રાફર હતા જેમણે તમિલ અને દક્ષિણ ભારતીય સિનેમામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે ‘કોઝી કુવુથુ’થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પહેલા તેણીએ કમલ હાસન સાથે ‘કલથુર કન્નમ્મા’માં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું.

આ ફિલ્મોમાં કામ કર્યું

કોમેડી શરૂ કરતા પહેલા બિંદુ ઘોષ થિયેટરમાં સક્રિય હતા. તેમણે રજનીકાંત, કમલ હાસન, શિવાજી ગણેશન, વિજયકાંત અને કાર્તિક જેવા દિગ્ગજ સ્ટાર્સ સાથે કામ કર્યું છે. ‘ઉરુવંગલ મરલમ’, ‘કોમ્બારી મુક્કન’, ‘સૂરકોટ્ટાઈ સિંગાકુટ્ટી’, ‘ઓસાઈ’, ‘દહેજ કલ્યાણમ’, ‘થુંગાથે થંબી થુંગાથે’, ‘નીધિયિન નિઝાલ’ અને ‘નવગ્રહ નયાગી’ જેવી પ્રખ્યાત ફિલ્મો તેમના નામે રહી છે.

વૈષ્ણો દેવી મંદિરે પહોંચી ઓરીએ કર્યો કાંડ, 8 લોકો સામે FIR નોંધાઈ, જાણો સમગ્ર મામલો

જમ્મુ અને કાશ્મીરના પવિત્ર નગર માતા વૈષ્ણો દેવીમાં દારૂ પીવા બદલ ઓરી મુશ્કેલીમાં મુકાયો છે. માતા વૈષ્ણો દેવી મંદિરના બેઝ કેમ્પ કટરા ખાતે એક હોટલમાં દારૂ પીવા બદલ પોલીસે ઓરી અને અન્ય સાત લોકો સામે કેસ નોંધ્યો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જે આઠ લોકો સામે ગુનો નોંધ્યો છે તેમાં રશિયન નાગરિક અનાસ્તાસિલા અરઝામાસ્કીનાનો સમાવેશ થાય છે, જે ઓરી અને તેના મિત્રો સાથે કટરા આવી હતી.

જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) ના આદેશનું ઉલ્લંઘન કરવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ઓરી, દર્શન સિંહ, પાર્થ રૈના, ઋત્વિક સિંહ, રાશિ દત્તા, રક્ષિતા ભોગલ, શગુન કોહલી અને અનાસ્તાસિલા અરઝામસ્કીના વિરુદ્ધ કટરા પોલીસ સ્ટેશનમાં FIR (નંબર 72/25) નોંધવામાં આવી હતી. તેમની સામે ભારતીય દંડ સંહિતા (BNSS) ની કલમ 223 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઓરી અને મિત્રો વિરુદ્ધ FIR દાખલ
રિયાસી પોલીસે જણાવ્યું હતું કે કટરાના કોટેજ સ્યુટ વિસ્તારમાં દારૂ અને માંસાહારી ખોરાક પર કડક પ્રતિબંધ હોવા છતાં, તેઓ તેમની હોટલની અંદર દારૂ પીતા જોવા મળ્યા હતા. ફરિયાદ મળ્યા બાદ, SSP રિયાસી પરમવીર સિંહ (JKPS) એ ગુનેગારો સામે કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો, ધાર્મિક સ્થળોની પવિત્રતાને અપવિત્ર કરતા કોઈપણ કૃત્ય માટે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ પર ભાર મૂક્યો.

પોલીસ તપાસ શરૂ
રિયાસી પોલીસે જણાવ્યું હતું કે, આ મામલાની તપાસ માટે એસપી કટરા, ડીએસપી કટરા અને એસએચઓ કટરાની દેખરેખ હેઠળ એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી. ઓરી સહિત તમામ આરોપીઓને નોટિસ મોકલવામાં આવશે, જેમાં તેમને તપાસમાં જોડાવા માટે નિર્દેશ આપવામાં આવશે. એસએસપી રિયાસીએ પુનરોચ્ચાર કર્યો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ, ખાસ કરીને ધાર્મિક સ્થળોએ દારૂ અથવા ડ્રગ્સનું સેવન જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નેતા સુનિલ શર્માએ પણ નિંદા કરી
જમ્મુ અને કાશ્મીરના વિપક્ષી નેતા સુનિલ શર્માએ આ ઘટનાની સખત નિંદા કરી અને કહ્યું કે બોલિવૂડ સેલિબ્રિટીએ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે લાખો લોકો માટે આસ્થાનું પ્રતીક એવા માતા વૈષ્ણો દેવી પર આવું કૃત્ય ક્યારેય ન થવું જોઈએ. સુનીલ શર્માએ પોલીસ કાર્યવાહી પર કહ્યું કે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તેમાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે આવા પવિત્ર સ્થળે દારૂ અને માંસાહારી ખોરાકનું સેવન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેને સહન ન કરવું જોઈએ.