Home Blog Page 108

અદાણી યુનિવર્સિટીના NFSU સાથે શિક્ષણ-સંશોધન પ્રવૃત્તિઓ માટે MoU

ગાંધીનગર: અમદાવાદની અદાણી યુનિવર્સિટીએ શૈક્ષણિક શ્રેષ્ઠતાને મજબૂત બનાવવા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) સાથે સમજૂતી કરાર (MoU) કર્યા. આ પ્રસંગે NFSUના કુલપતિ પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસ અને અદાણી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. પ્રીતિ અદાણી ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. NFSU-ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે અને ડો. ધવલ પૂજારા, પ્રોવોસ્ટ, અદાણી યુનિવર્સિટી દ્વારા આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે બંને સંસ્થાઓ વચ્ચે શૈક્ષણિક સહયોગ, સંશોધન શ્રેષ્ઠતા અને નવીનતાને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

NFSUના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે કહ્યું, “આ સીમાચિહ્નરૂપ સમજૂતી કરાર બન્ને અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓની શિક્ષણ-સંશોધન પ્રવૃત્તિઓમાં અને ખાસ કરીને એન્જિનિયરિંગ, વિજ્ઞાન અને મેનેજમેન્ટના ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે. બંને વિખ્યાત શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ ક્ષેત્રે નવીનતાઓ, વિદ્યાર્થીઓના વિકાસ અને સંશોધન પ્રગતિ પર કુશળતા અને માહિતીનું આદાન-પ્રદાન કરશે. સેમિનાર, પરિસંવાદો અને શૈક્ષણિક ચર્ચાઓના સંયુક્ત આયોજન દ્વારા વૈશ્વિક સ્તરના શૈક્ષણિક આયોજન થશે.”

NFSU-ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારેએ જણાવ્યું હતું કે આ એક મહત્ત્વપૂર્ણ સહયોગમાં, બંને શૈક્ષણિક સંસ્થાઓ સંયુક્ત રીતે ટૂંકાગાળાના અભ્યાસક્રમો અને મહત્વપૂર્ણ સંશોધન મુદ્દાઓને સ્પર્શતી બેઠકોનું પણ આયોજન કરશે. આ ભાગીદારી સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ્સ અને સતત શિક્ષણ કાર્યક્રમો વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સંશોધન માટેની તક પૂરી પાડશે.

આ સમજૂતી કરાર દરમિયાન અદાણી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. એપી. વ્યાસ; NFSUના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર  સી.ડી. જાડેજા; પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગોવા સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચિમ બંગાળ, આસામમાં ભાજપની, જ્યારે કેરલમમાં કોંગ્રેસ સરકારની શક્યતા

નવી દિલ્હીઃ કેરળ, આસમ અને તામિલનાડુ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ આજે જાહેર થશે. કેરળ, આસમ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો ચોથી મેએ આવશે.તામિલનાડુની 234, આસમની 126 અને કેરળની 140 બેઠકો પર મતદાન થયું હતું. આ સાથે પશ્ચિમ બંગાળમાં 294 અને પોંડિચેરીમાં 30 બેઠકો પર મતદાન થયું હતું.

 

એક્ઝિટ પોલ મુજબ આ સાથે પશ્ચિમ બંગાળમાં ભારે રસાકસી જોવા મળશે, જેમાં એક્ઝિટ પોલ મુજબ ભાજપને 146-161 અને TMCને 125-140 સીટો મળવાની શક્યતા છે. રાજ્યની વિધાનસભાની કુલ સીટો 294 છે.

Axis My Indiaના અનુમાન મુજબ આસામમાં ભાજપને 88 થી 100 બેઠકો, જ્યારે કોંગ્રેસને 24-36 બેઠકો તેમજ અન્યને 0 થી 3 બેઠકો મળી શકે છે.

-Matrizeના તારણ મુજબ આસામમાં ભાજપને 85 થી 95 બેઠકો, જ્યારે કોંગ્રેસને 25-32 બેઠકો તેમજ અન્યને 6 થી 12 બેઠકો મળી શકે છે.

કેરળમાં LDF 58-68, UDF 70-80, NDAએને 0-4 અને અન્યને શૂન્ય બેઠક મળશે. કેરળમાં કોંગ્રેસની શક્યતા છે.

આ સાથે આસામમાં ભાજપને 85-95, કોંગ્રેસને 35-32,  અને અન્યોને છથી 12 સીટો મળવાની શક્યતા છે. બધા એક્ઝિટ પોલમાં આસમમાં ભાજપ સરકારની શક્યતા છે. આ સાથે તામિલનાડુમાં DMKને 122-132, NDA 87-100, TVK 10-12 અને અન્યને શૂન્ય બેઠક મળશે. તમિલનાડુમાં 23 એપ્રિલે તમામ 234 બેઠકો પર એકસાથે મતદાન થયું હતું. અહીં મુખ્ય મુકાબલો ડીએમકે ગઠબંધન અને એઆઈએડીએમકે ગઠબંધન વચ્ચે છે. તામિલનાડુમાં 85 ટકા મતદાન થયું હતું.

આ સાથે પોંડિચેરીમાં 30 સીટોમાંથી  ભાજપને 16થી 20, કોંગ્રેસને 6-8 અને અન્યને 3-7 સીટ મળવાની સંભાવના છે.

હેરિટેજ અમદાવાદનો અનોખો ડોમ!

વેપાર ઉદ્યોગ અને મિલોથી ધમધમતું અમદાવાદ એક સમયે માન્ચેસ્ટર કહેવાતું. મિલોના એ જમાનામાં પોળો અને કોટ વિસ્તારની આસપાસ જ શહેર વિકસ્યું હતું. એ સમયના રોયલ રોડ રિલીફ રોડ પર એક આધુનિક નજરાણું તૈયાર થયું.. કેલિકો ડોમ. બકમિન્સ્ટર ફુલરની રચનાઓ દ્વારા પ્રેરિત એક આધુનિક અને ભૌમિતિક ગુંબજ એટલે કેલિકો ડોમ. રીલિફ રોડ પરના આ ડોમમાં કેલિકો મિલની વેચાણ માટેની દુકાન તેમજ પ્રદર્શન માટેનું સ્થળ હતું. જેને ૧૯૬૨ના સમયગાળામાં ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. અમેરિકાના ફ્રેન્ડ લોઇડ રાઇટે કેલિકો મિલના સંચાલન કાર્યાલયની નિર્માણ યોજના બનાવી હતી. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મંજૂરી ન આપતા આ જ સ્થળે કેલિકો ડોમ બાંધવામાં આવ્યો હતો.

સારાભાઇ સમૂહના સભ્યોએ કેલિકો ગુંબજની રચના બકમિન્સ્ટર ફુલરના ભૌમિતિક ગુંબજ પરથી પ્રેરણા લીધી. આ ગુંબજ કેલિકો મિલ માટેની દુકાન અને પ્રદર્શન કેન્દ્ર બન્યો. મિલો અને સંલગ્ન દુકાનો ૧૯૯૦ના દશકમાં બંધ થવા માંડ્યા. એક સમયે અમદાવાદ શહેરમાં તોફાનો થતાં એને કંટ્રોલ કરવા પોલીસ અને સેના બોલાવવી પડતી. એ વેળાએ કેલિકો ડોમમાં વર્ષો સુધી સશસ્ત્ર જવાનો છાવણી રહેતી. એ પછી કેલિકો ડોમના ગુંબજની હાલત પણ બિસ્માર થઇ ગઇ. 2001ના ધરતીકંપ વખતે ગુંબજનો મધ્ય ભાગ તૂટી પડ્યો. ભારે વરસાદને કારણે નીચેની દુકાનનો આંતરિક ભાગ નુકશાન પામ્યો. ત્યારબાદના સમયગાળામાં ગુંબજ સંપૂર્ણપણે તૂટી પડ્યો.

અમદાવાદનો સૌપ્રથમ ફેશન કાર્યક્રમ અહીં યોજાયો હતો. 1970ના દાયકામાં અભિનેત્રી પરવીન બાબી જ્યારે વિદ્યાર્થીની હતી એ વખતે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કેલિકો મિલના વેચાણ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશને જૂની વારસાગત મિલકત ૨૦૦૬માં ખરીદી લીધો હતો.

કેલિકો ડોમની રચનાની વાત કરીએ તો સામાન્ય રીતે જોવા મળતા છ કે આઠને બદલે પાંચ બિંદુઓ ધરાવતો ભૌમિતિક ગુંબજ હતો. એ ૧૨ મીટર વિસ્તારમાં ફેલાયેલો હતો. આ બિંદુઓને સ્ટિલના થાંભલાઓ અને નળીઓ વડે આધાર અપાયો હતો. જેનાથી નીચેની દુકાનને છાંયો પૂરો પાડતો હતો. હેરિટેજ અમદાવાદની મધ્યમાંથી પસાર થતા રિલીફ રોડની એક વખતની શાન ગણાતો કેલિકો ડોમ ફરી એકવાર તૈયાર થઇ રહ્યો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

EVMમાં ભાજપના બટન પર ટેપ મળી આવતાં થશે ફેરમતદાન

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે, ત્યારે અનેક સ્થળોએ ગેરરીતિ અને હિંસાની ફરિયાદો સામે આવી છે. મતદાન દરમિયાન ભાજપે તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપે દાવો કર્યો છે કે ડાયમંડ હાર્બરની ફાલ્ટા બેઠકના કેટલાક પોલિંગ બૂથોમાં EVM મશીન પર ભાજપના ચિહ્ન સામે ટેપ ચોંટાડવામાં આવી હતી, જેથી કોઈ મતદાર એ બટન દબાવી ન શકે. આ આરોપોને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે જ્યાં-જ્યાં EVM પર કાળી કે સફેદ ટેપ જોવા મળશે, ત્યાં ફરીથી મતદાન કરાવવામાં આવશે. જો કોઈ વિધાનસભા ક્ષેત્રમાં મોટી સંખ્યામાં બૂથોમાં આવી ઘટના સામે આવશે, તો સમગ્ર ક્ષેત્રમાં ફરી મતદાન કરાશે.

અમિત માલવીયે કર્યું ટ્વીટ

મમતા બેનર્જીએ જહાંગીર ખાનનો બચાવ કરતાં આવું કહ્યું હતું. જહાંગીર ખાન ડાયમંડ હાર્બરની ફાલ્ટા બેઠક પરથી TMCના ટિકિટ પર ચૂંટણી લડી રહ્યો છે. અનેક મતદાન કેન્દ્રોમાં ભાજપને મત આપવાનો વિકલ્પ ટેપથી બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી મતદારો પોતાની પસંદગીનો મત આપી શકે નહીં. આ જ કહેવાતું “ડાયમંડ હાર્બર મોડલ” છે, જે મોડલે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને લોકસભા બેઠક જીતવામાં મદદ કરી હતી.

અમે ફાલ્ટાના તે તમામ પ્રભાવિત બૂથોમાં તાત્કાલિક પુનઃમતદાનની માગ કરીએ છીએ, જ્યાં આવી ઘટનાઓ બની છે. કેટલાક બૂથોની વિગતો અને પુરાવા નીચે મુજબ છે:

ફાલ્ટા 144

ભાગ 170

રૂમ નંબર 2 – હરિંદાંગા હાઈ સ્કૂલ

બૂથ નંબર 189 પણ આ જ રીતે પ્રભાવિત થયો છે, તેમ જ અન્ય ઘણા બૂથોમાં પણ આવી ઘટના બની છે.

TMCએ લગાવ્યો આરોપ

TMCએ ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે અમિત શાહની કેન્દ્રીય દળો હવે ધોળેદહાડે મહિલાઓ પર બેરહેમીથી હુમલો કરી રહી છે અને તેમને માર મારી રહી છે. આ જ ભયાનક શીતલકુચી આતંકનું મોડલ છે, જે આખા બંગાળમાં ફરીથી દોહરાવવામાં આવી રહ્યું છે, જ્યાં નિર્દોષ મતદારોને, ખાસ કરીને મહિલાઓને, માર મારવામાં આવી રહ્યો છે, ડરાવવામાં આવી રહ્યા છે અને આતંકિત કરવામાં આવી રહ્યા છે.

તેમણે અમારી માતાઓ અને બહેનો પર જેટલો વધુ હુમલો કરશે, અમારો વિરોધ એટલો જ વધુ મજબૂત બનશે. બંગાળની મહિલાઓના દરેક અપમાન, દરેક લાઠીચાર્જ અને દરેક આંસુ માટે ભાજપને ભારે કિંમત ચૂકવવી પડશે. ચોથી મેએ બંગાળ ન્યાય આપશે.

સુરતમાં બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન

ગાંધીનગ: ગુજરાત દિવસના અવસરે દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગ, રોકાણ અને નવી તકોનો મહાસંગમ સર્જાવા જઈ રહ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ની ત્રીજી આવૃત્તિ 1 અને 2 મેેના રોજ સુરતની ઑરો યુનિવર્સિટી ખાતે યોજાશે. આ પરિષદમાં સુરત સહિત ભરૂચ, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાઓના ઔદ્યોગિક શક્તિ અને સંભાવનાઓ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવશે.

કોન્ફ્રન્સની સાથે 1 મેના રોજ સાંજે સુરતમાં ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી પણ યોજાશે. Y-જંકશનથી શરૂ થતી પરેડ ડુમસ સી-ફ્રન્ટ સુધી પહોંચશે. જેમાં વિવિધ સરકારી વિભાગોના આકર્ષક ટેબ્લો રજૂ થશે. ત્યારબાદ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ક્યુરેટ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ આ ઉજવણીને વધુ રંગીન બનાવશે.

VGRC દક્ષિણ ગુજરાતનું પ્રારંભ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE)ના ઉદ્ઘાટનથી થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય સંબોધન કરશે, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉદ્ઘાટન ભાષણ અને પ્રસ્તુતિ આપશે. ભાગીદાર દેશોના રાજદૂતો અને અગ્રણી ઉદ્યોગપતિઓ પણ ખાસ હાજર કરશે. આ વર્ષે VGRC માટે જાપાન, રવાન્ડા, યુક્રેન અને સિંગાપોર ભાગીદાર દેશો તરીકે જોડાયા છે. સાથે જ JETRO, USISPF, AMCHAM, KOTRA અને રશિયન ટ્રેડ પ્રતિનિધિત્વ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભાગીદાર સંગઠનો તરીકે જોડાશે. જે ગુજરાતના વૈશ્વિક વેપાર અને રોકાણ માટેના અવસરને વધુ મજબૂત બનાવશે.

મુખ્ય હાઇલાઇટ્સ

* મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘સુરત કટ ડાયમંડ – GI ટેગ’ પર એક ખાસ કવર પ્રકાશિત કરશે.
* ભારતમાં રવાન્ડાના ઉચ્ચ કમિશનર જેક્લીન મુકાંગીરા સહિત વિદેશી રાજદ્વારીઓની હાજરી; ભારતમાં યુક્રેનના રાજદૂત અને પૂર્ણાધિકારી મહામહિમ ડૉ. ઓલેક્ઝાન્ડર પોલિશચુક; ભારતમાં સિંગાપોરના હાઈ કમિશનર સિમોન વોંગ; અને ભારતમાં જાપાનના રાજદૂત કેઇચી ઓનો ખાસ હાજર રહેશે.
* રાજ્ય સરકાર દક્ષિણ ગુજરાત ક્ષેત્રમાં નવી અને સ્માર્ટ GIDC એસ્ટેટની પણ જાહેરાત કરશે.
* VGRC MoU અને વ્યૂહાત્મક ભાગીદારીનું પણ વિનિમય કરશે.

બે દિવસીય કોન્ફરન્સ દરમિયાન, સેમિનાર, પેનલ ચર્ચાઓ અને રાઉન્ડ ટેબલની શ્રેણીનું આયોજન કરવામાં આવશે. જેમાં વિવિધ ક્ષેત્રો અને ઉભરતી તકોને આવરી લેવામાં આવશે. દિવસ-1માં કૃષિ અને બાગાયત, કાપડ, રસાયણો અને પેટ્રોકેમિકલ્સ, સ્ટાર્ટઅપ્સ, પરમાણુ ઉર્જા, ખાતર, કુદરતી ગેસ વગેરે જેવા ક્ષેત્રો પર સેમિનાર યોજાશે. જે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વિકાસશીલ છે. વધુમાં, જાપાન અને યુક્રેન દ્વારા મહિલા સશક્તિકરણ જેવા વિષયો પર દેશ સેમિનાર તેમજ દેશ સેમિનાર યોજવામાં આવશે.

બીજા દિવસે, પ્રાદેશિક MSME કોન્ક્લેવનું આયોજન કરવામાં આવશે. જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી, સર્કુલર ઇકોનોમી, કૌશલ્ય વિકાસ, એરોસ્પેસ અને સંરક્ષણ, મત્સ્યઉદ્યોગ અને સહકારી, ગ્રીન એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન, ઇકોટુરિઝમ, શહેર આર્થિક ક્ષેત્ર વિકાસ વગેરે પર ક્ષેત્રીય સેમિનાર યોજાશે.

કોન્ફરન્સની સાથે, 1 થી 5 મે દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનનું પણ આ જ સ્થળે આયોજન કરવામાં આવશે. તેમાં વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ઇન્ટરનેશનલ રિવર્સ બાયર-સેલર મીટ (RBSM) અને ઉદ્યોગી મેળા જેવા સમાંતર કાર્યક્રમોનો સમાવેશ થશે. આ એક્ઝિબિશન દક્ષિણ ગુજરાત જિલ્લાઓ ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી અને વલસાડના ઉદ્યોગો, MSME, સ્ટાર્ટઅપ્સ અને સરકારી વિભાગો માટે એક ઉન્નત પ્લેટફોર્મ પ્રદાન કરશે.

રાજ્ય સરકારનો મુખ્ય હેતુ દક્ષિણ ગુજરાતમાં સમાન અને ટકાઉ ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે. વ્યૂહાત્મક ભાગીદારી અને રોકાણકારોની સક્રિય ભાગીદારી દ્વારા આ પરિષદ પ્રદેશના વિકાસને નવી ઊંચાઈએ પહોંચાડશે.  VGRCની અગાઉની આવૃત્તિઓ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સફળતાપૂર્વક યોજાઈ હતી, જેના પરિણામે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ અને વિકાસના નવા દ્વાર ખુલ્યા હતા.

‘વિકસિત ભારત@2047’ ના વિઝન સાથે સુસંગત VGRC પરિષદો રાજ્યના પ્રાદેશિક અર્થતંત્રોને સશક્ત બનાવીને, નવીનતાને પ્રોત્સાહન આપીને અને વૈશ્વિક જોડાણોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. VGRC 2026 દક્ષિણ ગુજરાત માટે વિકાસની નવી દિશા નિર્ધારિત કરશે.

ગુજરાત ગૌરવ દિવસ: સુરતમાં ત્રિ-દિવસીય શસ્ત્ર પ્રદર્શનનું આયોજન

સુરત: ૬૬મા ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી સુરત શહેરમાં થવાની છે. જેના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા ૧લી મે સુધી અઠવાલાઇન્સના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું. તેમણે શસ્ત્ર પ્રદર્શનમાં ઉપસ્થિત સુરક્ષા દળો દ્વારા વપરાતા અત્યાધુનિક શસ્ત્રોને નિહાળ્યા હતા.આ પ્રદર્શન ૧ મે સુધી એટલે કે ત્રણ દિવસ સુધી ચાલવાનું છે. આ શસ્ત્ર પ્રદર્શનમાં સમાજના પ્રત્યેક નાગરિક જવાનોની કર્તવ્યનિષ્ઠા અને દેશ પ્રત્યેના સમર્પણની ભાવનાને ઉજાગર કરતા વિવિધ સ્ટોલ્સ નિહાળી શકશે. સવારના ૧૦.૩૦ થી રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધી લોકો આ પ્રદર્શનની મુલાકાત લઈ શકશે.

આ શસ્ત્ર પ્રદર્શનમાં પોલીસની કામગીરીમાં ઉપયોગી એવા આધુનિક હથિયારો અને પોલીસ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનાઓના ઉકેલ માટે કરવામાં આવતી કામગીરીને રજૂ કરતા સ્ટોલ્સ છે. જેમાં દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે ખડેપગે નિ:સ્વાર્થ ભાવે કાર્યરત દેશની સુરક્ષા એજન્સીઓ, ચેતક કમાન્ડો ફોર્સ, બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, શી-ટીમ, એલસીબી, એસ.ઓ.જી, સાયબર સુરક્ષા, એસ.ડી.આર.એફ, મરીન ટાસ્ક ફોર્સ, એટીએસ, બીડીડીએસ, એફ.એસ.એલ. ટ્રાફિકના જવાનોની ટુકડીઓની સેવા અને કામગીરી દર્શાવવામાં આવી છે.

પ્રદર્શનના ઉદ્ઘાટન સમયે સુરત શહેર પોલીસ અધિકારી-કર્મચારીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

ઓપેકમાંથી બહાર આવી UAEએ સાઉદી-પાકિસ્તાનને બતાવી લાલ આંખ?

દુબઈઃ સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAEએ લગભગ 60 વર્ષ બાદ ઓઇલ ઉત્પાદક દેશોના સંગઠન OPEC (ઓપેક)માંથી બહાર નીકળવાનો મોટો નિર્ણય લીધો છે. UAEના આ નિર્ણયને માત્ર ઓઇલ સાથે જોડાયેલો નહીં, પરંતુ રાજકીય રીતે પણ મોટો ખેલ માનવામાં આવી રહ્યો છે. આથી માત્ર આ  ઓઇલ સંગઠન અને તેના સૌથી મોટા નેતા ગણાતા સાઉદી આરબને જ ઝટકો લાગી શકે છે એવું નહીં, પરંતુ સાઉદી આરબના સંરક્ષણ ભાગીદાર પાકિસ્તાન પર પણ તેની અસર પડી શકે છે.

હકીકતમાં UAE અને સાઉદી આરબ વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલતો હતો. જોકે ઈરાનના હુમલાઓને કારણે બંને દેશો એક મંચ પર દેખાવા લાગ્યા હતા. યુરેશિયા ગ્રુપના મિડલ ઈસ્ટ વિભાગના પ્રમુખ ફિરાસ મક્સદે જણાવ્યું હતું કે UAE ખુશ નહોતું કે તેને પોતાની ઓઇલ ઉત્પાદનની મર્યાદામાં બંધાઈને રહેવું પડે, ખાસ કરીને ત્યારે જ્યારે તે વધુ ઓઇલ કાઢવા માગતું હતું અને સાઉદી આરબ ઓછું ઉત્પાદન ઇચ્છતું હતું.

UAE પાકિસ્તાનથી પણ નારાજ રહ્યું છે. તેનું કારણ પાકિસ્તાનના સાઉદી આરબ સાથે વધતા સંબંધો અને અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થ તરીકેની ભૂમિકા છે. UAEને લાગે છે કે પાકિસ્તાને ખાડી દેશો પર થયેલા હુમલાઓ માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું નથી. ચેથમ હાઉસના નિષ્ણાત નીલ ક્વિલિયમએ કહ્યું હતું કે પાકિસ્તાનની મધ્યસ્થ ભૂમિકાથી UAE અસંતોષમાં હતો. તેમણે કહ્યું હતું તે UAEના દ્રષ્ટિકોણથી અહીં કોઈ તટસ્થ સ્થાન નથી. જો તમે વચ્ચે છો, તો તમે કોઈ એક તરફ નથી, અને આ UAEને સ્વીકાર્ય નથી.

 OPEC છોડવાથી UAEને શું ફાયદો?

UAE OPECનું ત્રીજો સૌથી મોટો ઓઇલ ઉત્પાદક દેશ છે અને 1967માં તેમાં જોડાયું હતું. પરંતુ OPECમાં સામેલ દેશો માટે ઓઇલ ઉત્પાદન મર્યાદા સાઉદી આરબ નક્કી કરતું રહ્યું છે, જેને કારણે UAE વધુ ઓઇલ નિકાસ કરી શકતું નહોતું. હવે OPEC છોડ્યા પછી UAEને બજાર મુજબ ઝડપથી નિર્ણય લેવાની અને વધુ નફો કમાવાની સ્વતંત્રતા મળશે.

બંગાળમાં મતદાન દરમિયાન અનેક જગ્યાએ હિંસા, TMC અને ISF સમર્થકો બાખડ્યા

પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન અનેક સ્થળોએથી હિંસક અથડામણના અહેવાલો સામે આવ્યા છે. ભાજપના ઉમેદવારના વાહન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ટીએમસી અને આઈએસએફ સમર્થકો વચ્ચે પણ અથડામણ થઈ હતી. આ બાબતે આઈએસએફના વડાએ શું કહ્યું તે જાણો.

Photo: IANS

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન શરૂ થતાં જ નાદિયા, હાવડા અને દક્ષિણ 24 પરગણા સહિત અનેક વિસ્તારોમાં હિંસક અથડામણો ફાટી નીકળી હતી. દક્ષિણ 24 પરગણાના બસંતી વિસ્તારમાં ભાજપના ઉમેદવાર વિકાસ સરદાર પર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે પાનિહાટીમાં ભાજપ અને ટીએમસી સમર્થકો વચ્ચે ઝપાઝપીના અહેવાલો છે.

ભાજપના ઉમેદવાર પર હુમલો

અહેવાલ મુજબ, બસંતીમાં ભાજપના ઉમેદવારના વાહન પર તોડફોડ કરવામાં આવી હતી, જેના કારણે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટના બૂથ નંબર 76 પર બની હતી, જ્યાં ભાજપના ઉમેદવાર વિકાસ સરદાર પર બૂથની મુલાકાત લેતી વખતે કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે ઉમેદવાર મતદાન મથકનું નિરીક્ષણ કરવા ગયા હતા ત્યારે કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો.

ટીએમસી અને આઈએસએફ સમર્થકો વચ્ચે અથડામણ

હુગલી જિલ્લાના રામચંદ્રપુરમાં બૂથ નંબર 147 પર ટીએમસી અને આઈએસએફ સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. નકલી મતદાન એજન્ટોની નિમણૂકના આરોપોને લઈને તણાવ વધ્યો હતો. ભાંગરના પ્રાણગંજમાં બૂથ નંબર 233 અને 234 પર પણ તણાવ વધ્યો હતો, જેના કારણે ટીએમસી સમર્થકો અને આઈએસએફ નેતા નૌશાદ સિદ્દીકીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

આઈએસએફ નેતાએ શું કહ્યું?

આઈએસએફ નેતા નૌશાદ સિદ્દીકીએ કહ્યું, “મતદાન મથકથી માત્ર 100 મીટર દૂર ટીએમસી કાર્યકરો મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મેં ત્યાં હાજર કેન્દ્રીય દળના કર્મચારીઓને આ બાબતની તપાસ કરવા વિનંતી કરી. જ્યારે હું મારી કારમાં બેઠો હતો, ત્યારે ટીએમસી કાર્યકરોએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો. કેન્દ્રીય દળોએ તેમને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો. તેમણે મારા પર હુમલો કર્યો ન હતો. મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. ટીએમસી સંપૂર્ણપણે ગભરાઈ ગઈ છે. લોકો 2023ની પંચાયત ચૂંટણીમાં કે 2024ની લોકસભા ચૂંટણીમાં મતદાન કરી શક્યા નહીં. હવે જ્યારે લોકો આખરે મતદાન કરી રહ્યા છે, ત્યારે તેઓ ટીએમસી વિરુદ્ધ અને અમારી તરફેણમાં મતદાન કરશે.”

વિસ્તારમાં તણાવ વધ્યો

આ ઘટના દરમિયાન, તેમના વાહનમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. તેમના સુરક્ષા કર્મચારીઓ પાસેથી હથિયારો છીનવી લેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે કેન્દ્રીય દળોની હાજરી હોવા છતાં, સુરક્ષા કર્મચારીઓએ પરિસ્થિતિને નિયંત્રિત કરવા અથવા બચાવ કામગીરીમાં મદદ કરવા માટે હસ્તક્ષેપ કર્યો ન હતો. આ ઘટનાથી વિસ્તારમાં તણાવ વધુ વધ્યો છે.

વડા પ્રધાન મોદીએ ગંગા એક્સપ્રેસવેનું કર્યું ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ આજે ઉત્તર પ્રદેશના સૌથી લાંબા ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એક્સપ્રેસવે શરૂ થતાં પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ હવે 594 કિમી લાંબા ગંગા એક્સપ્રેસવે દ્વારા જોડાઈ ગયા છે. ઉત્તર પ્રદેશના વિકાસના માર્ગમાં આ એક મહત્વપૂર્ણ પડાવ સાબિત થશે. ગંગા એક્સપ્રેસવે પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠને પૂર્વી યુપીના પ્રયાગરાજ સાથે જોડવા માટે બનાવવામાં આવ્યો છે. આજે તેના ઉદ્ઘાટન બાદ આજ રાતથી જ લોકો આ માર્ગ પર સફર કરી શકશે. હાલમાં મેરઠથી પ્રયાગરાજ જવામાં 12 કલાક સુધીનો સમય લાગે છે, જ્યારે ગંગા એક્સપ્રેસવે દ્વારા આ અંતર માત્ર છ કલાકમાં પૂર્ણ થશે.

નવા અવસરોનો ગેટવે છે ગંગા એક્સપ્રેસવે

આ ઉદ્ઘાટન પ્રસંગે PM મોદીએ એક જાહેર સભાને પણ સંબોધી હતી. આ દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળની ચૂંટણી અને ત્યાં ચાલી રહેલા બીજા તબક્કાના મતદાન અંગે પણ વાત કરી હતી, પરંતુ ગંગા એક્સપ્રેસવેને તેમણે નવા અવસરોનો ગેટવે ગણાવ્યો હતો. હરદોઈમાં ગંગા એક્સપ્રેસવેના ઉદ્ઘાટન પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પણ જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે ડિસેમ્બર, 2021માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ આ એક્સપ્રેસવેનું શિલાન્યાસ કર્યું હતું. એ સમયે પીએમ મોદીએ રાજ્યને આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવાનું વિઝન આપ્યું હતું. આજે આપણે દેશમાં નવા ભારતનું વિઝન જોઈ રહ્યા છીએ. આ વિઝનને કારણે અમારી મુસાફરી સરળ બની છે અને સાથે અમારા અર્થતંત્રને પણ નવી ઊંચાઈ મળી છે.

ગંગા એક્સપ્રેસવેના ઉદ્ઘાટન સાથે જ યુપીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઈતિહાસમાં આજે એક નવું સુવર્ણ અધ્યાય જોડાઈ ગયું છે. મેરઠથી પ્રયાગરાજ સુધી ફેલાયેલો આ મેગા એક્સપ્રેસવે કોરિડોર માત્ર યુપીના 12 જિલ્લાઓ વચ્ચેનું અંતર ઘટાડશે નહીં, પરંતુ રાજ્યના અર્થતંત્રને નવી ગતિ આપતાં ઔદ્યોગિક રોકાણ અને રોજગારીના માર્ગો પણ ખૂલશે.

આ 12 જિલ્લાઓને મળી નવી કનેક્ટિવિટી

ગંગા એક્સપ્રેસવેના ઉદ્ઘાટન સાથે મેરઠ, હાપુડ, બુલંદશહેર, અમરોહા, સંભલ, બદાયુ, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજને સીધી કનેક્ટિવિટી મળી ગઈ છે. આ એક્સપ્રેસવે પર વાહનો 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે.

સાબરકાંઠામાં ગોઝારો અકસ્માત: બસે કારને કચડી, 6 લોકોના મોત

આજે એટલે બુધવારે સવારે સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓ પર ભારે ગતિએ વાહન ચલાવવાથી ગોઝારો અકસ્માત થયો. દુ:ખદ માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા અને ચાર ઘાયલ થયા. આ અકસ્માત સાબરકાંઠા જિલ્લામાં હાઇવે પર થયો હતો.

સાબરકાંઠા જિલ્લામાં કાળમુખી ઘટના ઘટી. હિંમતનગર નજીક જસવંતગઢ પાટિયા પાસે એક પુરપાટ ઝડપે આવતી ખાનગી બસે કારને પાછળથી ટક્કર મારતા ભીષણ અકસ્માત થયો. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે.

આ દુર્ઘટના શામળાજીથી અમદાવાદ તરફ જતાં નેશનલ હાઈવે પર સર્જાઈ હતી. આ ભીષણ અકસ્માતમાં અન્ય 6 લોકોને ગંભીર ઈજા થઈ છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓ મુજબ, અકસ્માત એટલો પ્રચંડ હતો કે, કારનો પાછળનો અને ઉપરનો ભાગ બિલકુલ દબાઈ ગયો હતો. કારમાં સવાર મુસાફરો પણ લોહીલુહાણ હાલતમાં અંદર જ ફસાયેલા હતાં.

ગાંભોઈ પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે વાનમાં સવાર છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ઘાયલ થયા હતા. અકસ્માત બાદ, તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે કે ઝડપી ગતિએ આવતી બસે પાછળથી વાનને કેમ ટક્કર મારી.