Home Blog Page 1093

ગાંધીનગર વિધાનસભામાં રંગોત્સવની ઉત્સાહભેર ઉજવણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક અને પ્રેરક સહભાગીતાથી ગુજરાત વિધાનસભાના સભ્યોએ રંગ અને ઉમંગના પર્વ હોળીની રંગારંગ ઉજવણી કરી હતી. વિધાનસભાની બેઠકની બુધવારના દિવસની કાર્યવાહી પૂરી થયા બાદ ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભા અધ્યક્ષ, મંત્રીઓ, ધારાસભ્યો, સૌ વિધાનસભા ગૃહની સામેના હરિયાળા પ્રાંગણમાં આ હોળી ઉત્સવ માટે એકત્ર થયા હતા.

વિધાનસભા પરિસર સામેના આ હરિયાળા પ્રાંગણમાં હોળીગીતોની સંગીતમય પ્રસ્તુતિ, તથા આદિવાસીઓનાં હોળીનૃત્યોના રંગસભર માહોલ વચ્ચે મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ સહિત સૌએ એકબીજાને રંગો ઉડાડી રંગભીના કર્યા હતા અને આ રંગપર્વનો મન મૂકીને આનંદ માણ્યો હતો. પ્રાંગણમાં બેસવા માટે ખાટલા-ઢોલિયા સાથે રંગબેરંગી ફૂલોની સજાવટથી નયનરમ્ય રંગોળી પણ આ હરિયાળા પ્રાંગણની શોભા વધુ રંગમય બની હતી.

રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, ધારાસભ્યો, હોળીગીતોના તાલે ગરબા પણ રમ્યા હતા અને સમગ્ર વાતાવરણને રંગારંગ, ઉલ્લાસમય અને પરસ્પર પ્રેમનું પ્રતીક બનાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ધારાસભ્યો, આમંત્રિતોએ આ રંગ પર્વના ઉલ્લાસ સાથોસાથ સમૂહ ભોજનનો આસ્વાદ પણ માણ્યો હતો. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભાના સભ્યો દ્વારા હોળી પર્વની રંગસભર સામૂહિક ઉજવણીની આ પરંપરા ગયા વર્ષથી શરૂ કરાવી છે.

શું કાર્તિક આર્યન અભિનેત્રી શ્રીલીલાને કરી રહ્યો છે ડેટ ?

મુંબઈ: અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી શ્રીલીલાના ડેટિંગની અફવાઓ ચાલી રહી છે. એવામાં કાર્તિકની માતાએ એવી વાત કરી જેનાથી આ અફવાઓ સાચી હોવાની ચાહકો અનુમાન લગાવી રહ્યા છે. કાર્તિકની માતા માલા તિવારી તેમના પુત્ર સાથે IIFA એવોર્ડ્સ 2025 માં ગઈ હતી, જ્યાંથી હવે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ક્લિપમાં, તેણીને તેની ભાવિ પુત્રવધૂ પાસેથી તેની અપેક્ષાઓ વિશે પૂછવામાં આવ્યું છે. આનો જવાબ આપતાં, તેણે મજાકમાં કહ્યું કે પરિવાર કાર્તિકની પત્નીના રૂપમાં ખૂબ જ સારી ડૉક્ટર ઇચ્છે છે.

શ્રીલીલા પાસે મેડિકલ ડિગ્રી છે
વાયરલ વીડિયોએ ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા કે શું અભિનેતાની માતા તેમના પુત્રના શ્રીલીલા સાથેના ડેટિંગની અફવાઓ વિશે કોઈ મોટા સંકેતો આપી રહી છે. શ્રીલીલા પાસે મેડિકલ ડિગ્રી છે. તેણીએ 2021 માં એમબીબીએસ પૂર્ણ કર્યું છે. હવે ચાહકો આશ્ચર્ય પામી રહ્યા છે કે શું કાર્તિકની માતા શ્રીલીલા અને અભિનેતા વચ્ચેના સંબંધનો સંકેત આપી રહી છે.થોડા સમય પહેલા કાર્તિકના પરિવારના ઉજવણીમાં શ્રીલીલાનો મસ્તી કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ક્લિપમાં શ્રીલીલા ઘરની પાર્ટી દરમિયાન અન્ય મહેમાનો સાથે ડાન્સ કરતી જોવા મળી હતી.

શ્રીલીલા-કાર્તિક ઘરની પાર્ટીમાં મસ્તી કરી રહ્યા હતા
આ પાર્ટી કાર્તિક આર્યન દ્વારા તેની બહેન કૃતિકા તિવારીની તાજેતરની સિદ્ધિઓના માનમાં યોજવામાં આવી હોવાનું કહેવાય છે. વીડિયોમાં, શ્રીલીલા કિસિક ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી જ્યારે કાર્તિક આર્યન તેની બાજુમાં ઊભો હતો અને તે ક્ષણને તેના ફોનમાં રેકોર્ડ કરી રહ્યો હતો.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક આર્યન તાજેતરમાં ‘ભૂલ ભુલૈયા 3’માં જોવા મળ્યો હતો. બીજી તરફ, શ્રીલીલાએ તાજેતરમાં પુષ્પા 2: ધ રૂલના કિસિક ગીતથી દેશવ્યાપી ઓળખ મેળવી. આ જોડી અનુરાગ બાસુની ફિલ્મમાં સાથે જોવા મળશે, જે 2025 માં દિવાળી પર રિલીઝ થશે.

IKDRC કિડની હોસ્પિટલમાં 297 ભરતીનો વિવાદ, કેગ રિપોર્ટે ગોટાળાનો કર્યો પર્દાફાશ

અમદાવાદના સિવિલ સંકુલમાં આવેલી IKDRC કિડની હોસ્પિટલમાં વર્ષ 2004 થી 2023 દરમિયાન થયેલી 297 લોકોની ભરતીમાં ગોટાળો થયો હોવાનો આક્ષેપ કર્યો છે. કેગ (Comptroller and Auditor General – CAG) અને આરટીઆઈ (RTI) અહેવાલના આધારે આ તમામ ભરતી કોઈપણ જાહેરાત આપ્યા વગર જ કિડની હોસ્પિટલે કરી હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. હોસ્પિટલના 58 ડોકટર અને અધ્યાપકો પૈકીના 34ને પણ બારોબાર નોકરી આપી દેવાયા હોવાની વિગતો કેગ અહેવાલમાં ઉજાગર થઈ છે.

કોઈ જાહેરાત કે પરીક્ષા વિના 192 ભરતી?
કિડની હોસ્પિટલમાં 2012 થી 2023 દરમિયાન 192 વ્યક્તિઓને સીધી ભરતી આપવામાં આવી હોવાનું આરોપ છે. વર્ગ-1 માં 19, વર્ગ-2 માં 20, વર્ગ-3 માં 146 અને વર્ગ-4 માં 7 લોકોને કોઈ સ્પર્ધાત્મક પ્રક્રિયા વિના જ નોકરી આપવામાં આવી. ડૉકટરો, શિક્ષકો અને શિક્ષણ અધિકારીઓ માટે 58માંથી 34 ભરતી જાહેરાત વગર કરવામાં આવી હોવાનું પણ આ રિપોર્ટમાં જણાવાયું.

20 વર્ષમાં MBBS પૂર્ણ કરનારને 24 કલાકમાં RMO બનાવાયો
વધુમાં કોંગ્રેસે કેગના અહેવાલનો હવાલો આપતા જણાવ્યું હતું કે, કોઈ નિવૃત અધિકારીને નોકરી પર રાખવાના હોય ત્યારે સરકારની પૂર્વ મંજૂરી લેવાની હોય છે. તેના બદલે હોસ્પિટલમાં 12 અધિકારીઓને કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર જ નોકરી પર રાખી દેવાયા હોવાનો આક્ષેપ કરાયો છે. 1978માં એમબીબીએસમાં પ્રવેશ આપવામાં આવે છે. 1993માં તેને ફરજીયાત RMO કરવામાં આવે છે. 2002 થી 2003 રજા લઈને તેણે પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો. 20 વર્ષ સુધી વીરેન ત્રિવેદી એમબીબીએસનો અભ્યાસ જ કર્યા કરે છે. 24 કલાકમાં જ વીરેન ત્રિવેદીને RMO બનાવી દેવામાં આવ્યા હતા.પ્રોફેસર ના હોવા છતાં 9 લાખ રૂપિયા રિસર્ચના નામે આપવામાં આવ્યા હતા.

CAG-RTI રિપોર્ટના મુખ્ય આક્ષેપ:

  • અયોગ્ય બઢતી: ડિરેક્ટર ડૉ. પ્રાંજલ મોદી, વૈભવ સુતરીયા, રાજકીરણ શાહ, દિવેશ એન્જિનિયર અને ઉમંગ ઠક્કરને નેશનલ મેડિકલ કાઉન્સિલના નિયમો વિરુદ્ધ બઢતી આપવામાં આવી.
  • અપાત્ર વ્યક્તિઓની નિમણૂક: ઉમંગ ઠક્કર પાસે અનુસ્નાતક ડિગ્રી ન હોવા છતાં એસોસિયેટ પ્રોફેસર તરીકે નિયુક્તિ.
  • અયોગ્ય પગાર: 12 પાસ યઝદી વાડિયાને સિસ્ટમ મેનેજર બનાવવામાં આવ્યા અને આસિસ્ટન્ટ પ્રોફેસરના પે-સ્કેલ પ્રમાણે પગાર ચૂકવાયો.
  • અનિયમિત ભથ્થાં: પુરાવા વિના રિસર્ચ એકેડેમિક એલાઉન્સ તરીકે 12.91 કરોડ રૂપિયાનો ખોટો વહીવટ.

ભાજપ સત્તામાં આવશે તો મુસ્લિમ વિધાનસભ્યોને કાઢી મુકાશેઃ અધિકારી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં 2026માં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે અને આ અંગે રાજકીય ગરમાટો પહેલેથી જ વધી ગયો છે. બંગાળમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું હતું કે જો ભાજપ રાજ્યમાં સત્તામાં આવશે તો મુસ્લિમ વિધાનસભ્યોને બહાર કાઢી મૂકશે. ભાજપના નેતાના આ નિવેદનથી વિવાદ ઊભો થયો છે.

વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ વિધાનસભા અધ્યક્ષ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ભાજપના ધારાસભ્યના માઈક બંધ થવા પર આ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ભાજપ સરકાર સત્તામાં આવશે પછી, અમે TMCના તમામ મુસ્લિમ ધારાસભ્યોને પણ ઉપાડીને ગૃહની બહાર રસ્તા પર ફેંકી દઈશું.તેમના આ નિવેદન બાદ રાજકારણ પણ તેજ થઈ ગયું છે. અનેક આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જોકે આ પહેલી વાર નથી જ્યારે સુવેન્દુએ આવું નિવેદન આપ્યું હોય, આ પહેલાં પણ તે પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે સમાચારમાં રહી ચૂક્યા છે. સુવેન્દુ અધિકારીના વિવાદાસ્પદ નિવેદન બાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે સખત વાંધો વ્યક્ત કર્યો છે અને તેમના ભાષણને ‘દ્વેષપૂર્ણ’ ગણાવ્યું છે. એટલું જ નહીં, TMCએ સુવેન્દુ અધિકારીની માનસિક સ્થિતિ પર પણ સવાલો ઉઠાવ્યા છે.

સુવેન્દુ અધિકારીને 17 ફેબ્રુઆરીએ વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે તેમને સમગ્ર બજેટ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યની મમતા સરકાર પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે આ સરકાર સાંપ્રદાયિક વહીવટ ચલાવી રહી છે અને તેમણે તેને મુસ્લિમ લીગનું બીજું સ્વરૂપ પણ ગણાવ્યું હતું. હાલમાં, સુવેન્દુના આ નિવેદન પર ભાજપ હાઇકમાન્ડ મૌન છે.

બૉલિવૂડના આ પાંચ ગીતો હોળીના રંગમાં પાડી દેશે જામો

રંગોનો તહેવાર હોળી નજીક આવી ગયો છે. તેને ખૂબ જ ધામધૂમથી ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. બજારો રંગો અને મીઠાઈઓથી સજ્જ જોવા મળી રહ્યાં છે. હવે આ રંગીન તહેવારની મજા બમણી કરવા માટે ફક્ત સમયની વાત છે. આ ઉત્સવનો ઉત્સાહ આકર્ષક ગીતો સાથે બમણો થઈ જતો હોય છે. જેના માટે ખાસ હોળી પ્લેલિસ્ટ તૈયાર કરી રહ્યા છો તો અમે તમને કેટલાક ગીત સજેસ્ટ કરીએ જે તમને ચોક્કસ મદદ કરશે. રંગ બરસે (સિલસિલા), હોલી કે દિન (શોલે), ડૂ મી અ ફેવર (વક્ત: ધ રેસ અગેઇન્સ્ટ ટાઇમ), અને ગો પાગલ (જોલી એલએલબી 2) જેવા ગીતો તમારી પ્લેલિસ્ટમાં પહેલાથી જ હોઈ શકે છે. એટલા માટે અમે તમારા માટે આ સિવાયના ધમાકેદાર ગીતો લાવ્યા છીએ.

 

 

ઠાંએ ઠાંએ
તાજેતરમાં, કૃતિ સેનનના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી પહેલી ફિલ્મ ‘દો પટ્ટી’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મમાં કૃતિ સેનન ડબલ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં કાજોલે પોલીસ અધિકારીની ભૂમિકા પણ ભજવી હતી.ફિલ્મમાં ‘ઠાંએ ઠાંએ’નામનું એક હોળી ગીત છે. આ ગીત આ વખતે તમારી હોળી પાર્ટીમાં વધુ મજા ઉમેરી શકે છે.

હોલી આયી રે
માલિની અવસ્થી અને વિશાલ મિશ્રાનું નવું ગીત બે અઠવાડિયા પહેલા જ રિલીઝ થયું છે અને તે યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે. કોક સ્ટુડિયોના આ ગીતમાં લોક સંગીતની ઝલક જોવા મળે છે. ગીતના શબ્દો ‘હોલી આયી રે’ છે.

રંગ ડાલો
જ્યારે કોઈ ગીત સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલ જેવા પ્રખ્યાત કલાકારો દ્વારા ગવાયું હોય છે, ત્યારે તેના વિશે કોઈ શંકા હોતી નથી. બોલિવૂડ ફિલ્મ ‘બનારસ’ નું ‘રંગ ડાલો’ એક એવું ગીત છે જે સોનુ નિગમ દ્વારા ઢોલક અને તબલાના લયબદ્ધ અવાજો વચ્ચે લાંબા આલાપથી શરૂ થાય છે. હિમેશ રેશમિયાએ તેનું સંગીત આપ્યું છે. આ ગીતમાં અશ્મિત પાટે, ઉર્મિલા માતોંડકર અને ડિમ્પલ કાપડિયા જોવા મળી રહ્યા છે.

હોળીના રંગોમાં
આમિર ખાનના પ્રિય પુત્રએ ‘મહારાજ’ સાથે OTT પર ડેબ્યૂ કર્યું. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. ફિલ્મની શરૂઆતમાં એક હોળી ગીત હતું – ‘હોલી કે રંગ મા’. આ ગીતમાં જુનૈદ ખાન અને શાલિનીનો એક દમદાર ડાન્સ નંબર પણ જોવા મળ્યો હતો. આ ગીતને શ્રેયા ઘોષાલ અને શાને પોતાનો અવાજ આપ્યો છે. ફિલ્મની વાત કરીએ તો, જયદીપ અહલાવત અને શર્વરી વાઘ પણ મુખ્ય ભૂમિકામાં હતા.

હોલીયાં
ફિલ્મ ‘વેદ’ થિયેટરોમાં કે ઓટીટી પર કમાલ કરી શકી નહીં, પરંતુ ફિલ્મમાં એક ધમાકેદાર ગીત છે. આ ગીતમાં જોન અબ્રાહમ અને શર્વરી વાઘ સાથે જોવા મળ્યા હતા. આ ગીત હોળી પર આધારિત છે અને તેનું શીર્ષક ‘હોલિયાં’ છે. આ ગીતના દરેક બીટ પર તમને નાચવા માટે મજબૂર કરી દેશે.

 

ઘોઘંબા નજીક જૈન દેરાસરમાં મૂર્તિ ખંડિત, જૈન સમાજમાં આક્રોશ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા પાસે આવેલા ધનેશ્વર ગામમાં સ્થિત જૈન દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામી સહિત ત્રણ મૂર્તિઓ ખંડિત થવાના મામલે જૈન સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. સોમવારે (10 માર્ચ) બનેલી આ દુખદ ઘટનાની જાણ થતાં જ પોલીસે તત્કાળ તપાસ શરૂ કરી હતી અને મંગળવારે (11 માર્ચ) શંકાસ્પદ લોકોને અટકમાં લઈ પૂછપરછ હાથ ધરી હતી.

ધનેશ્વર ગામમાં વિજય ઈન્દ્ર જગત વિદ્યાલયના પરિસરમાં આવેલ જિનાલયમાં અજાણ્યા શખ્સો ઘૂસી, મહાવીર સ્વામીની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું હતું. પલાઠી અને હાથ તોડી નાખવામાં આવ્યા, જ્યારે ગૌતમ સ્વામીની પ્રતિમાનો મોટો હિસ્સો તોડી પડાયો હતો. તેમજ વલ્લભસુરી મહારાજની પ્રતિમાનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું હતું. આ કૃત્યથી સમગ્ર જૈન સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે અને લોકોમાં ભારે રોષ છે.

જૈન સમાજના અગ્રણીઓએ ઘોઘંબા રાયગઢ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરતા તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરી છે. તેઓએ ગૃહમંત્રી સમક્ષ પણ આ મામલે રજૂઆત કરી છે. સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખી, પોલીસ તંત્રએ સીસીટીવી ફૂટેજના આધારે તપાસને વધુ ગતિ આપી છે અને આરોપીઓની ઓળખ માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

UPI, રૂપે ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લગાવવાની તૈયારીમાં સરકાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર UPI પર MDR ચાર્જ ફરીથી લાગુ કરવાની તૈયારીમાં છે. એ ચાર્જ માત્ર UPI પર જ નહીં, બલકે રૂપે (Rupay) ડેબિટ કાર્ડ પર લગાવવામાં આવશે. જો આવું થશે તો ડિજિટલ પેમેન્ટ પ્રભાવિત થશે. આ ચાર્જને વર્ષ 2022માં સરકારે માફ કરી દીધો હતો, પરંતુ હવે ફિનટેક કંપનીઓનું કહેવું છે કે મોટા વેપારી એને વહન કરવાની ક્ષમતા રાખે છે. જેથી આવા વેપારીઓ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)  ચાર્જ લગાવવામાં આવે એવી શક્યતા છે.

વર્ષ 2016માં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ(UPI) શરૂ થયા બાદ દેશમાં ડિજીટલ પેમેન્ટ ક્ષેત્રે મોટી ક્રાંતિ આવી છે. મોટા કોર્પોરેશનથી માંડીને નાના દુકાનદારો પાસે પણ UPI મારફતે પેમેન્ટ સ્વીકારવાની સુવિધા ઉપલબ્ધ હોય છે, જેને કારણે ગ્રાહકોને પણ પેમેન્ટ કરવામાં સરળતા થઇ રહી છે. હાલ UPI ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ વસૂલવામાં નથી આવતો. એવામાં સરકાર UPI અને RuPay ડેબિટ કાર્ડ દ્વારા થતા ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ફરીથી લાગુ કરવાનું વિચારી રહી છે.

હાલમાં UPI અને RuPay ડેબિટ કાર્ડ વડે થતા ટ્રાન્ઝેક્શન પર બેંક કોઈ ચાર્જ વસુલતી નથી, પરંતુ બેંકો મોટા ઉદ્યોગો પાસેથી હવે ફી વસૂલવા માગે છે. બેંકોએ આ અંગેનો પ્રસ્તાવ સરકારને મોકલ્યો છે. જોકે નાના વેપારીઓ માટે UPI પહેલાની જેમ મફત જ રહેશે. સરકાર આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.

આ મુજબ, સરકાર એક ટીયર સિસ્ટમ લાગુ કરવામાં આવી શકે છે, જે મુજબ મોટા વેપારીઓ પાસેથી વધુ ફી વસૂલવામાં આવશે, જ્યારે નાના વેપારીઓને છૂટ આપવામાં આવશે અથવા ઓછી ફી લાગવવામાં આવશે.હવે જો UPI પર MDR લાગશે તો ગ્રાહકો પાસેથી ટ્રાન્ઝેક્શન ફી વસૂલવામાં આવી શકે છે, જેને કારણે સામાન્ય ગ્રાહકના ખિસ્સાને અસર થઇ શકે છે.

Aditya Dhar Birthday: જાણો આદિત્ય અને યામી ગૌતમની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઈ હતી?

મુંબઈ: આજે આદિત્ય ધરનો જન્મદિવસ છે,જેમણે ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક જેવી ફિલ્મોની પટકથા લખી અને દિગ્દર્શન કર્યું છે. આદિત્યનો જન્મ 12 માર્ચ 1983ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. આજે આદિત્યનો 42મો જન્મદિવસ છે. ચાલો જાણીએ તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો…

દિગ્દર્શક તરીકે આદિત્યની પહેલી ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક હતી. આ ફિલ્મથી તેમને ઘણી ખ્યાતિ મળી. આ ફિલ્મ 2016ના ઉરી હુમલા પર આધારિત એક એક્શન ફિલ્મ હતી, જેમાં વિક્કી કૌશલ, યામી ગૌતમ અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ માટે આદિત્યને શ્રેષ્ઠ દિગ્દર્શકનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને શ્રેષ્ઠ નવોદિત દિગ્દર્શકનો ફિલ્મફેર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

આદિત્ય એક મલ્ટીસ્ટારર ફિલ્મ બનાવી રહ્યા છે
આદિત્ય ધર હવે એક મલ્ટીસ્ટારર ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં રણવીર સિંહ, સંજય દત્ત, આર માધવન, અર્જુન રામપાલ અને અક્ષય ખન્ના જોવા મળશે. આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મના તમામ સ્ટાર કાસ્ટના લુક્સ સાથે કેપ્શનમાં લખ્યું છે, ‘ફિલ્મી સપના આ રીતે બને છે.’ રણવીર સિંહ અને આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત, જિયો સ્ટુડિયો વચ્ચેનો આ બહુપ્રતિક્ષિત સહયોગ તમને પહેલા ક્યારેય ન જોયેલી શાનદાર કાસ્ટ સાથે આશ્ચર્યચકિત કરવા માટે તૈયાર છે.

યામી-આદિત્ય પ્રેમ કહાની
હકીકતમાં, યામીને તે દિગ્દર્શક સાથે પ્રેમ થઈ ગયો હતો જેની સાથે તેણે હિટ ફિલ્મો આપી હતી. યામી ગૌતમ અને આદિત્ય ધરની પ્રેમ કહાની ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ દરમિયાન શરૂ થઈ હતી. ફિલ્મ દરમિયાન યામી દિગ્દર્શક આદિત્ય ધરને મળી અને તેમના પ્રેમમાં પડી ગઈ. યામીએ ઉરી ફિલ્મમાં જાસ્મીન ડી’આલ્મેડાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા વિક્કી કૌશલે ભજવી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેના એક ઇન્ટરવ્યુમાં, યામીએ ખુલાસો કર્યો કે ઉરીના પ્રમોશન દરમિયાન તેને આદિત્ય ધર સાથે પ્રેમ થઈ ગયો હતો. યામીએ કહ્યું હતું કે, “હું કહીશ કે આની શરૂઆત ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ના પ્રમોશન દરમિયાન થઈ હતી. ત્યારે જ અમે વાત કરવાનું શરૂ કર્યું. હું તેને ડેટિંગ નહીં કહું, પણ હા, તે સમય હતો જ્યારે અમે એકબીજા સાથે વાત કરવાનું શરૂ કર્યું અને મિત્રતા શરૂ થઈ.”

આદિત્ય અને યામી ગૌતમના લગ્ન
આદિત્ય એક કાશ્મીરી પંડિત છે. તેમણે 4 જૂન 2021 ના રોજ બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ સાથે કાશ્મીરી રીતરિવાજ સાથે લગ્ન કર્યા. યામી અને આદિત્યના લગ્નના કાર્યક્રમો ઘરે જ યોજાયા હતા. 10 મે, 2024 ના રોજ આ કપલના ઘરે એક નાના બાળકનો જન્મ થયો. તેમણે પોતાના પુત્રનું નામ ‘વેદવિદ’ રાખ્યું છે.

હીરા ઉદ્યોગની મંદીને લઈને વિવિધ ડાયમંડ એસોસિએશનની મુખ્યમંત્રી સાથે બેઠક

ગાંધીનગર: હીરા ઉદ્યોગમાં મંદીને લઈને રત્નકલાકારોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે, ત્યારે એમને મદદ આપવા માટે ગુજરાતના અલગ-અલગ શહેરોના ડાયમંડ એસોસિએશના હોદ્દોદારોની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક મળી હતી. જેમાં ભૂપન્દ્ર પટેલે કહ્યું હતું કે, અમે રત્ન કલાકારોની મદદ કરવા માટે તત્પર છીએ. આગામી બે દિવસમાં કોઈ એક્શન પ્લાન ચોક્કસ બનાવીશું.વિશ્વમાં 10 ડાયમંડનું કટ એન્ડ પોલિશ્ડ થાય તેમાંથી 9 ડાયમંડ સુરતમાં બને છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, અને અમદાવાદ સહિતના શહેરોમાં પણ ડાયમંડ કટ એન્ડ પોલિશ્ડનું મોટા પ્રમાણમાં કામ થાય છે. પરંતુ છેલ્લાં 50 વર્ષના ઈતિહાસમાં ડાયમંડ ઉદ્યોગમાં સૌથી લાંબી મંદી છે. છેલ્લાં અઢી વર્ષથી ચાલતી મંદીને કારણે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ પર અસર પડી છે. જેને લઈને આ રત્ન કલાકારો માટે સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવે તે રજૂઆત ડાયમંડ ઉદ્યોગના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.

મંગળવારના રોજ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા, ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યુટના ચેરમેન દિનેશ નાવડિયા, વિસનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઈશ્વર પ્રજાપતિ, અમદાવાદ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નરસિંહ કાનાણી, જુનાગઢ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ વિજય પટેલ, ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસિયા, અમદાવાદ એસોસિએશનના પ્રમુખ જયસુખ કોલડિયાની ગુજરાતના સી.એમ. ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજી હતી. જેમાં ડાયમંડ ઉદ્યોગના આગેવાનો દ્વારા રત્નકલાકારોને લગતી વિવિધ સમસ્યાઓની રજૂઆત કરી હતી. સી.એમ.એ કહ્યું હતું કે આ બાબતે સરકાર દ્વારા આગામી 2 દિવસમાં કોઈ ઠોસ પગલાં ભરવામાં આવશે.

ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યુટના ચેરેમન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, ગુજરાતના અલગ-અલગ ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોની સી.એમ. ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક મળી હતી. સી.એમ. દ્વારા સારો રિસ્પોન્સ આપવામાં આવ્યો હતો. સી.એમ.એ કહ્યું હતું કે, રત્ન કલકારો માટે સરકારે મદદ કરવી જોઈએ, અમે તે માટે પ્રયાસ કરી રહ્યાં છીએ. અમે અમારા વિભાગને સૂચના આપી દિધી છે અને આગામી 2 દિવસમાં રત્ન કલાકરો માટે એક્શન પ્લાન ઘડવામાં આવશે.

(અરવિંદ ગોંડલિયા-સુરત)

અમેરિકાના ઉપપ્રમુખ પત્ની ઉષા વેન્સ સાથે ભારતની મુલાકાત આવે તેવી શક્યતા

અમેરિકા: વાઇસ પ્રેસિડન્ટ જેડી વેન્સ, પત્ની ઉષા વેન્સ સાથે આ મહિનાના અંતમાં ભારતની મુલાકાત લઈ શકે છે. ફેબ્રુઆરીમાં ફ્રાન્સ અને જર્મનીની મુલાકાત લીધા બાદ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વેન્સની આ બીજી આંતરરાષ્ટ્રીય યાત્રા હશે.જેડી વેન્સ પત્ની ઉષા વેન્સ સાથે આવશે મુલાકાત 

આ મુલાકાત વિશે હજુ સુધી વિગતો શેર કરવામાં આવી નથી. પરંતુ આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધવિરામ માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. આ સમય દરમિયાન, સાઉદી અરેબિયામાં રશિયા-યુક્રેન યુદ્ધ પર પણ સમજૂતીના સંકેતો મળ્યા છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર ઝેલેન્સકી 30 દિવસના યુદ્ધવિરામ માટે સંમત થયા છે. હવે અમેરિકન અધિકારીઓ રશિયાની મુલાકાત લેશે. દરમિયાન વાઇસ પ્રેસિડન્ટ વેન્સની ભારત મુલાકાત પણ ઘણા સંકેતો આપી રહી છે.સાઉદી અરેબિયામાં અમેરિકી અધિકારીઓ દ્વારા રશિયા-યુક્રેન યુદ્ધવિરામને લાગુ કરવા માટે યુક્રેન સાથે વાતચીત ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રશિયા અને યુક્રેન બંને દેશોના પ્રમુખ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે રશિયા-યુક્રેન યુદ્ધ શાંતિ મંત્રણાને પૂર્ણ કરવામાં અમેરિકા પીએમ મોદીની મદદ લઈ શકે છે.