Home Blog Page 1094

Airtel બાદ મસ્કની સ્ટારલિંક સાથે Jioની ડીલ, હાઈ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા મળશે

નવી દિલ્હી: ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટીને મજબૂત કરવા Jio એ ઈલોન મસ્કની કંપની SpaceX સાથે પાર્ટનરશિપ કરવાની જાહેરાત કરી છે. અગાઉ એક દિવસ પહેલા Airtel એ સ્ટારલિંક સાથે આ અંગે કરાર કરીને સૌને આશ્ચર્યચક્તિ કરી દીધા હતા.

ગ્રાહકોને થશે મોટો ફાયદો 

Jio અને સ્પેસએક્સ વચ્ચે કરાથી Jio તેના ગ્રાહકોને સ્ટારલિંકની સેટેલાઈટ આધારિત બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડશે. જો કે આ સેવાની શરૂઆત ભારત સરકારની નિયામક મંજૂરી પર નિર્ભર રહેશે. જો મંજૂરી મળી જશે તો ભારતના છેવાડાના વિસ્તારો સુધી પણ હાઈ સ્પીડ, લો લેન્ટેસી ઈન્ટરનેટ પહોંચાડવામાં ખાસ્સી એવી મદદ મળી જશે. 

ઈન્ટરનેટ સેવાનો વ્યાપ વધશે

Jio અને SpaceX વચ્ચેની આ ભાગીદારી હેઠળ Jio તેના રિટેલ સ્ટોર્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા સ્ટારલિંકની સેવાઓ પ્રદાન કરશે. આ સાથે ભારતમાં વધુને વધુ લોકોને સેટેલાઇટ બ્રોડબેન્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જિયો અને સ્ટારલિંક વચ્ચેના કરારનો ઉદ્દેશ્ય એવા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડવાનો છે જ્યાં અત્યાર સુધી બ્રોડબેન્ડની પહોંચ મર્યાદિત છે. જેમ કે ગામડાઓ, શાળાઓ, આરોગ્ય સંભાળ કેન્દ્રો અને રિમોટ બિઝનેસ હબ.JioFiber ને મજબૂત બનાવશે

Jio માત્ર સ્ટારલિંક હાર્ડવેરનું વેચાણ નહીં કરે પરંતુ ઇન્સ્ટોલેશન અને એક્ટિવેશન સપોર્ટ પણ આપશે. જેથી ગ્રાહકો કોઈ પણ મુશ્કેલી વિના કનેક્ટિવિટી મેળવી શકે. આ ભાગીદારીનું બીજું મહત્વનું પાસું એ છે કે સ્ટારલિંકની સેટેલાઇટ કનેક્ટિવિટી Jioની હાલની બ્રોડબેન્ડ સેવાઓ જેવી કે JioAirFiber અને JioFiberને વધુ મજબૂત બનાવશે. આનાથી એવા વિસ્તારોમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડવામાં આવશે જ્યાં પરંપરાગત ફાઈબર નેટવર્ક નાખવું મુશ્કેલ છે.

“જીવ બચાવવો હોય તો બલૂચિસ્તાન છોડી દો”: BLAની ચીન-પાકિસ્તાનને ધમકી

પાકિસ્તાન: બલૂચિસ્તાનમાં ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક કરી લેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ હુમલાને અંજામ આપનાર બળવાખોર જૂથ બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) સામે પાકિસ્તાની સૈન્ય જાણે લાચાર દેખાઈ રહ્યું છે. 

ચીન-પાકિસ્તાનને ધમકી 

BLA દ્વારા હવે ચીન અને પાકિસ્તાનને સીધી ધમકી આપી દેવામાં આવી છે. BLAનું કહેવું છે કે ચીન અને પાકિસ્તાનના લોકો તેમના જીવ બચાવવા માગતા હોય તો બલૂચિસ્તાન છોડીને જતા રહે. જાફર એક્સપ્રેસમાં 500થી વધુ મુસાફરો સવાર છે, જેમાં સૈન્ય અધિકારીઓની સંખ્યા વધારે છે. 18 કલાક વીતી જવા છતાં હજુ સુધી તમામ બંધકોને મુક્ત કરાવવામાં સફળતા મળી નથી. 

104 બંધક મુક્ત કરાવાયાનો દાવો 

બીજી બાજુ એવા અહેવાલ આવ્યા હતા કે પાકિસ્તાની સૈન્યએ 104 બંધકોને મુક્ત કરાવી લીધા છે. આ ઓપરેશન દરમિયાન 16 આતંકીઓને ઠાર મરાયાનો દાવો પણ કરાયો હતો. જ્યારે BLA તરફથી પણ એવો દાવો કરાયો છે કે અમે પાકિસ્તાની સૈન્યના 30 જવાનોને ઠાર કરી દીધા હતા. 

BLAની માગ શું છે? 

બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી અશાંત પ્રાંત છે. 1948થી અહીં બલૂચ અને પાકિસ્તાની સેના વચ્ચે અથડામણો થઈ રહી છે. બલૂચિસ્તાનના લોકો લાંબા સમયથી પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરી રહ્યા છે. તાજેતરના સમયમાં, આ ક્ષેત્રમાં ચીનની દખલગીરી વધી છે. ચીન આ વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે, જેના કારણે તેને સતત હુમલાઓનો સામનો કરવો પડી રહ્યો છે. BLA ની સૌથી મહત્વપૂર્ણ માંગ એ છે કે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સરકાર કે સુરક્ષા એજન્સીનો કોઈ પ્રતિનિધિ ન હોવો જોઈએ. આ ઉપરાંત, ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) પણ બલુચિસ્તાનમાંથી પસાર થાય છે. BLA તેનો વિરોધ કરે છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો ફરી મોટો દાવો, યુક્રેન યુદ્ધ વિરામ માટે સહમત

અમેરિકા: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મને આશા છે કે રશિયા અમેરિકા અને યુક્રેનના અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલ યુદ્ધવિરામ યોજના પર સંમત થશે અને અમેરિકા અને રશિયા વચ્ચે જલદી જ બેઠક યોજાશે. પત્રકારોને આપેલા નિવેદનમાં ટ્રમ્પે કહ્યું કે હું હવે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીને પણ ટૂંક સમયમાં વ્હાઇટ હાઉસ પાછા બોલાવીશ. 

ટ્રમ્પે શું કહ્યું? 

ગત મહિને ઓવલ ઓફિસની બેઠક દરમિયાન ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે ઝઘડો થઈ ગયો હતો અને ઝેલેન્સકી અમેરિકા સાથે મહત્વપૂર્ણ ખનિજ કરાર પર હસ્તાક્ષર કર્યા વિના વોશિંગ્ટન છોડીને ચાલ્યા ગયા હતા. ટ્રમ્પે કહ્યું કે મને આશા છે કે આગામી દિવસોમાં ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધ પર સંપૂર્ણ વિરામ લાગી શકે છે. હું આ અઠવાડિયે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે આ મુદ્દે વાત કરીશ.

રશિયાને અપીલ સાથે ચેતવણી… 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “યુક્રેન યુદ્ધવિરામ માટે સંમત થયું છે. હવે અમારે રશિયા જવું પડશે અને આશા રાખીએ છીએ કે પુતિન પણ યુદ્ધ વિરામ માટે સંમત થશે. શહેરોમાં લોકો માર્યા જઈ રહ્યા છે, વિસ્ફોટ થઈ રહ્યા છે. અમે ઇચ્છીએ છીએ કે આ યુદ્ધનો અંત આવે, સંપૂર્ણ યુદ્ધવિરામ થાય. યુક્રેન તેના માટે સંમત થયું છે અને આશા છે કે રશિયા પણ સંમત થશે. યુદ્ધવિરામ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આપણે રશિયાને આ કરવા માટે મજબૂર કરી શકીએ, તો તે ખૂબ સારું રહેશે.”

પાકિસ્તાન ટ્રેન હાઇજેક: 30 સૈનિકો-16 વિદ્રોહીઓ માર્યા ગયા; સેનાએ 104 લોકોને બચાવ્યા

પાકિસ્તાન: બલુચિસ્તાનમાં, બલોચ લિબરેશન આર્મી (BLA) એ જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરી છે અને 214 પાકિસ્તાની નાગરિકોને બંધક બનાવ્યા છે. બંધકોમાં સેનાના જવાનો, અર્ધલશ્કરી દળો, પોલીસ અને ગુપ્તચર એજન્સીના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. BLA એ દાવો કર્યો છે કે 30 થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. હવે BLA એ પાકિસ્તાની જેલોમાં બંધ બલૂચ કેદીઓને મુક્ત કરવા માટે શાહબાઝ શરીફ સરકારને 48 કલાકનો અલ્ટીમેટમ આપ્યું છે. જો કે, પાકિસ્તાની સેના-પોલીસે હજુ સુધી આ ઘટના પર કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.ન્યૂઝ એજન્સી AFP અનુસાર, સુરક્ષા દળોએ 104 બંધકોને મુક્ત કર્યા છે. આમાં 58 પુરુષો, 31 મહિલાઓ અને 15 બાળકોનો સમાવેશ થાય છે. બાકીના લોકોને મુક્ત કરવાની કામગીરી ચાલુ છે.

BLA એ બંધકોને યુદ્ધ કેદીઓ તરીકે વર્ણવ્યા છે અને બદલામાં પાકિસ્તાની જેલમાં બંધ બલૂચ કાર્યકરો, રાજકીય કેદીઓ, ગુમ થયેલા વ્યક્તિઓ, આતંકવાદીઓ અને અલગતાવાદી નેતાઓની બિનશરતી મુક્તિની માગ કરી છે.

આ માટે BLA એ મંગળવારે રાત્રે 10 વાગ્યે પાકિસ્તાન સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. BLA કહે છે કે આ નિર્ણય બદલાશે નહીં.

હુમલો બલુચિસ્તાનના બોલાન જિલ્લામાં થયો

જાફર એક્સપ્રેસ સવારે 9 વાગ્યે ક્વેટાથી પેશાવર જવા રવાના થઈ. સિબી પહોંચવાનો સમય બપોરે 1.30 વાગ્યાનો હતો. આ પહેલા, બપોરે લગભગ 1 વાગ્યે, બલુચિસ્તાનના બોલાન જિલ્લાના મશ્કાફ વિસ્તારમાં હુમલો થયો હતો. રાત્રે 10 વાગ્યે 8 કલાક પછી પણ, ટ્રેન સંપૂર્ણપણે BLA લડવૈયાઓના નિયંત્રણમાં હતી.

ગયા વર્ષે, 25 અને 26 ઓગસ્ટ 2024 ની રાત્રે, BLA એ આ ટ્રેનના રૂટ પર કોલપુર અને માખ વચ્ચેનો પુલ ઉડાવી દીધો હતો. જેના કારણે ટ્રેન સેવા બંધ થઈ ગઈ હતી. 11 ઓક્ટોબર 2024થી ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવી હતી.

લડવૈયાઓ મહિલાઓ અને બાળકોનો ઢાલ તરીકે ઉપયોગ

પાકિસ્તાનના ગૃહ રાજ્યમંત્રી તલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ કેટલાક મુસાફરોને મુક્ત કર્યા છે. ઘણા લોકોને ટ્રેનમાંથી ઉતારીને પહાડી વિસ્તારોમાં લઈ જવામાં આવ્યા. BLA લડવૈયાઓ મહિલાઓ અને બાળકોને ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

સેનાના જવાનો સાવધાની સાથે કામ કરી રહ્યા છે કારણ કે જીવનું જોખમ છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ લડવૈયાઓ કાયર છે. તેઓ સરળ લક્ષ્યો પસંદ કરે છે અને ચોરીછૂપીથી હુમલો કરે છે.

પાકિસ્તાની સેનાએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.

વાહ ભાઈ વાહ! – ૧૨ માર્ચ ૨૦૨૫

રબડી ખીર

બાસમતી ચોખા પલાળીને, દળીને દૂધમાં જે ખીર બને, તો બાસમતી ચોખાની સુગંધ સાથેની ખીરનો સ્વાદ અદ્ભુત રહેશે! સાથે હોળી-ધૂળેટીના તહેવારનો રંગ પણ ખીલી ઉઠશે! ખરું ને?

સામગ્રીઃ

  • બાસમતી ચોખા 1 કપ
  • દૂધ 2 લિટર
  • કેસરના તાંતણા 10-15
  • એલચી પાઉડર 1 ટી.સ્પૂન
  • કાજુ-બદામ-પિસ્તાની કાતરી 3 ટે.સ્પૂન

કન્ડેન્સ્ડ મિલ્કઃ

  • દૂધ 2 કપ
  • સાકર 1 કપ
  • બેકીંગ સોડા 3 ચપટી

કેરેમલ સાકરઃ

  • સાકર ½ કપ

રીતઃ બાસમતી ચોખાને 2-3 પાણીએથી ધોઈને બીજાં ચોખ્ખાં પાણીમાં અડધો કલાક માટે પલાળી રાખો.

સરખી સાફ કરેલી એક મોટી કઢાઈમાં દૂધને ઉકળવા માટે મૂકો.

બાસમતી ચોખા પલળી જાય એટલે તેમાંથી પાણી નિતારી લઈ, મિક્સીમાં બારીક વાટી લો.

દૂધમાં એક ઉભરો આવે એટલે વાટેલા ચોખામાં એક કપ જેટલું દૂધ મેળવીને ચમચી વડે મિશ્રણ એકરસ કરીને ઉકળતા દૂધમાં ઠાલવી દો. તેમાં ગઠ્ઠા ન રહેવા જોઈએ. આ મિશ્રણને ઝારા વડે થોડી થોડી વારે હલાવતા રહેવું. ગેસની આંચ ધીમી કરી દો.

એક ફ્રાઈ પેનમાં કન્ડેન્સ્ડ મિલ્ક માટે દૂધમાં સાકર નાખીને ગરમ કરવા મૂકો. દૂધને ચમચા વડે સતત હલાવતાં રહેવું. દૂધનું પ્રમાણ અડધું થવા આવે એટલે તેમાં 3 ચપટી બેકીંગ સોડા ઉમેરીને ફરીથી ચમચાથી હલાવતાં રહેવું. જ્યાં સુધી દૂધનો રંગ પીળો થઈ જાય અને દૂધ ઘટ્ટ થઈ જાય. ત્યારબાદ ગેસ બંધ કરીને કઢાઈમાંનું કન્ડેન્સ્ડ મિલ્ક હળવેથી ખીર માટે ઉકળવા મૂકેલા દૂધમાં રેડી દો. આ દરમ્યાન ખીરને સતત ચમચા વડે હલાવતાં રહેવું.

કેરેમલ સાકર બનાવવા માટે ફ્રાઈ પેનમાં સાકર નાખીને ગેસની ધીમી આંચે પેનને ગરમ કરવા મૂકો. થોડી વારે સાકર ઓગળશે. ત્યારબાદ તેનો રંગ બ્રાઉન થવા માંડશે. સાકરની આ ચાસણી ઘટ્ટ થઈ ચોકલેટી રંગ પકડે એટલે ગેસ બંધ કરી દો. આ કેરેમલ સાકરને હળવેથી ખીરમાં રેડી દો. અને મિશ્રણને ચમચા વડે એકરસ કરી લો. હવે એલચી પાઉડર તથા સૂકા મેવામાંની કાતરીમાંથી અડધો ભાગ ખીરમાં મેળવી દો. ખીર ઘટ્ટ થવા આવે એટલે ગેસ બંધ કરી દો. ખીર થોડી ઠંડી થાય એટલે તેને અન્ય સ્ટીલના વાસણમાં રેડીને, ઢાંકીને રેફ્રીજરેટરમાં 3-4 કલાક માટે મૂકી દો.

પીરસતી વખતે ઠંડી થયેલી ખીરને ગ્લાસ અથવા બાઉલમાં પીરસીને ઉપરથી સૂકા મેવાની કાતરી ભભરાવી દો.

૧૨ માર્ચ ૨૦૨૫

પંચાંગ 12/03/2025

આ ગુજરાતી ખેલાડીના હાથે લાગી શકે દીલ્હી કેપિટલ્સની કમાન

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પૂર્ણ થઈ અને હવે થોડા જ સમયમાં IPL 2025નો આરંભ થશે. ભારતમાં ઘર ઘરમાં IPLને લઈ ઉત્સહા જોવા મળી રહ્યો છે. આ વચ્ચે દિલ્હી કેપિટલ્સની કેપ્ટન પદ માટે KL રાહુલે દાવેદારી ઓફર કરવામાં આવી હતી. જેનો KL રાહુલે ઈનકાર કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી ફ્રેન્ચાઇઝીએ IPL 2025 માટે રાહુલને કૅપ્ટનશિપ સોંપવા ઈચ્છી હતી, પરંતુ રાહુલે ખેલાડી તરીકે જ પોતાનું યોગદાન આપવાનો નિર્ણય લીધો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાહુલના ઇન્કાર બાદ હવે અક્ષર પટેલના નામની ચર્ચાએ જોર પકડ્યું છે. દિલ્હહી કેપિટલ્સ ટીમની કમાન અક્ષરને સોંપી શકાય છે, જોકે IPL કૅપ્ટનશિપમાં અક્ષરનો અનુભવ ઓછો છે. તે છતાં, અક્ષરે બેટ અને બોલ બંનેમાં એક મહત્વપૂર્ણ ખેલાડી તરીકે પોતાની કાબેલિયત સાબિત કરી છે. દીલ્હી કેપિટલ્સએ IPL 2025ના મેગા ઓક્શનમાં 14 કરોડ રૂપિયાની મોટી રકમ ચૂકવીને રાહુલને ખરીદ્યા હતા. તેણે અગાઉ પંજાબ કિંગ્સ (2020-21) અને લખનૌ સુપર જાયન્ટ્સ (2022-24) માટે કૅપ્ટન તરીકે સેવા આપી હતી. પરંતુ આ વખતે તેણે દીલ્હી કેપિટલ્સ માટે માત્ર ખેલાડી તરીકે જ રમવાનો નિર્ણય કર્યો છે. કેએલ રાહુલ IPLમાં સૌથી સત્તાવાર અને કન્સિસ્ટન્ટ પર્ફોર્મન્સ આપનારા બેટ્સમેન પૈકીમાના એક છે. 2018થી 2024 દરમિયાન રમાયેલી IPLની 7 સીઝનમાંથી 6 સીઝનમાં તેણે 500+ રન બનાવ્યા છે. દીલ્હી કેપિટલ્સ માટે તે એક મહત્વપૂર્ણ ખેલાડી બની શકે છે, જો કે કૅપ્ટનશિપનો જવાબદાર અક્ષર પટેલને સોંપવામાં આવી શકે છે.

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યોઃ ટાઇફોઇડના 115 કેસ

અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં અચાનક ગરમી વધતાની સાથે જ ટાઈફોઈડના કેસોમાં વધારો થયો છે. ટાઈફોઈડના કેસોમાં એકાએક વધારો થતાં આરોગ્ય વિભાગ દોડતો થયો છે. અમદાવાદમાં નવ દિવસમાં ટાઈફોઈડ 115 કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

અમદાવાદમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે અનેક શહેરોમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 11મી માર્ચ, 2025ના કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. જેમાં કચ્છ, મોરબી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને સુરત જિલ્લામાં હીટવેવની ચેતવણીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

છેલ્લા ત્રણ મહિનામાં ટાઈફોઈડના 622 કેસ નોંધાયા છે. આ ઉપરાંત નરોડામાં કોલેરાનો પણ એક કેસ નોંધાયો છે. તો આ તરફ બહેરામપુરામાં ટાઈફોઈડના 20 કેસ તો લાંભામાં 15 કેસ નોંધાયા છે. ચાલુ માસમાં છેલ્લા નવ દિવસમાં ઝાડા- ઊલટીના 153 કેસ, કમળાના 46 કેસ જ્યારે ટાઈફોઈડના 115 કેસ નોંધાયા છે.