Home Blog Page 1098

૧૧ માર્ચ ૨૦૨૫

સાપ પણ દરમાં જતાં સીધો થાય છે

સાપ પણ દરમાં જતાં સીધો થાય છે

 

સાપ વાંકોચૂંકો ચાલે છે અને એટલે જ આ વાંકીચૂંકી ગતિરેખાને સર્પાકાર કહે છે. આમ સાપની હલનચલનની પદ્ધતિ જ વાંકાચૂંકા ચાલવાની છે. પણ આ જ સાપને જો દરમાં જવું હોય એટલે કે પોતાના ઘરમાં પ્રવેશ કરવો હોય તો એ સીધો રહીને જ જઇ શકે છે કારણ કે દર સીધી લીટીમાં ખોદાયેલ હોય છે.

 

વાંકોચૂંકો માણસ એટલે સરળ ન હોય તેવો દોઢો માણસ. એ ભલે આખા ગામનો ઉતાર હોય તો પણ પોતાના ઘરમાં તો એને સીધા રહેવું જ પડે છે. આ સંદર્ભમાં ઉપરોક્ત કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

પંચાંગ 11/03/2025

ભારતની જીત પર સુનિલ શેટ્ટીએ જમાઈ કેએલ રાહુલના વખાણમાં શું કહ્યું?

ગયા રવિવારે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું. ઘણા સેલેબ્સ આ માટે ટીમ ઈન્ડિયાને અભિનંદન આપી રહ્યા છે. પીઢ અભિનેતા સુનીલ શેટ્ટીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા અને તેમના જમાઈ કેએલ રાહુલ માટે એક ખાસ સંદેશ લખ્યો. નેટીઝન્સ આના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

9 માર્ચે, ભારતે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. આના પર ભારતીય ટીમને સેલિબ્રિટીઝ તરફથી અભિનંદન સંદેશાઓ મળી રહ્યા છે. અભિનેતા સુનીલ શેટ્ટીએ તેના એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે તેના જમાઈ કેએલ રાહુલની જીત દરમિયાનની તસવીર પોસ્ટ કરી. કેપ્શનમાં ટ્વીટ પણ કર્યું છે કે “ઈન્ડિયાઝ વિશ! અને રાહુલઝ કમાન્ડ…” તમને જણાવી દઈએ કે અભિનેતાની પુત્રી આથિયા શેટ્ટી કેએલ રાહુલની પત્ની છે. રાહુલની સુનિયોજિત ઇનિંગ્સે ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

સુનીલ શેટ્ટીના X પરના આ ટ્વિટ પછી નેટીઝન્સ તરફથી સારી પ્રતિક્રિયાઓ આવવા લાગી. એક યુઝરે હસતાં હસતાં લખ્યું કે જો સસરા આવા હોય તો આટલો સપોર્ટ તો મારો બાપ પણ ના કરે. બીજા એક યુઝરે લખ્યું કે તમારા જમાઈ સોના શેટ્ટી સાહેબ છે. આ સિવાય બીજા એક યુઝરે લખ્યું કે તમારા જમાઈએ ખુબ સરસ પ્રદર્શન કર્યુ છે સાહેબ.

 

View this post on Instagram

 

A post shared by Suniel Shetty (@suniel.shetty)

સુનીલ શેટ્ટીના કામની વાત કરીએ તો તે ફિલ્મ ‘હેરા ફેરી 3’ માં કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે, આ તેમની આગામી ફિલ્મ હશે. આ ફિલ્મ પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી રહી છે. નિર્માતાએ તેમના જન્મદિવસ પર ફિલ્મ વિશે જાહેરાત કરી હતી.

નિવૃત્તિની વાતો પર આખરે રવિન્દ્ર જાડેજાએ તોડી ચૂપ્પી

ટીમ ઈન્ડિયાએ ગઈકાલે 9 માર્ચના દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું ખિતાબ ત્રીજી વખત પોતાને નામ કરી છે. આ વિજય માત્ર ટીમ ઈન્ડિયા જ નહીં પરંતુ આખા દેશ માટે એક તહેવાર બની ગયો હતો. ફાઈનલમાં ટીમના શાનદાર પ્રદર્શને સાથે કેટલાક લોકપ્રિય ખેલાડિયોની નિવૃતિની અટકળો પણ સામે આવી હતી. કોઈ પણ સારી પ્રસિદ્ધિ મળ્યા બાદ લોકોમાં સામાન્ય વાતને લઈ અટકોળો લાગવાની સ્પર્ધા શરૂ થવી કોઈ પણ માટે નવાઈની વાત નથી.

9 માર્ચ, 2025ના રોજ દુબઈમાં યોજાયેલી ફાઇનલ મેચમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં ફક્ત 30 રન આપીને ટોમ લેથમની મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. મેચ દરમિયાન એક ખાસ ક્ષણે, જ્યારે જાડેજાએ પોતાનો અંતિમ બોલ ફેંક્યો, ત્યારે વિરાટ કોહલીએ તેને ભાવુક રીતે ગળે લગાવ્યો. આ દ્રશ્ય જોઈને ચાહકોમાં જાડેજાની નિવૃત્તિ અંગેની શંકાઓ ઉઠી. જ્યારે વિજય બાદ 10 માર્ચે જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી – “બિનજરૂરી અફવા ન ફેલાવો, આભાર.” આ નિવેદન બાદ ચાહકોએ રાહતની શ્વાસ લીધો હતો, અને તેમની નિષ્ઠા અને રમતમાં અવિરત યોગદાનની પ્રશંસા કરી. ઉલ્લેખનીય છે કે, ફાઇનલ પહેલાં કેપ્ટન રોહિત શર્માની પણ નિવૃત્તિ અંગેની ચર્ચાઓ ચાલી રહી હતી. જો કે, પ્રેસ કોન્ફરન્સમાં રોહિતે સ્પષ્ટતા કરી – “હજુ હું કોઈપણ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નથી.”

દાણચોરીમાં સંડોવાયેલી એક્ટ્રેસે માનસિક ઉત્પીડનો લગાવ્યો આરોપ, જાણો…

નવી દિલ્હીઃ દુબઈથી સોનાની દાણચોરીમાં સામેલ કન્નડ અભિનેત્રી રાન્યા રાવને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન રાન્યાએ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓ પર માનસિક ઉત્પીડન અને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન તે કોર્ટમાં રડી પડી હતી. જ્યારે અધિકારીઓએ તેના આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું હતું કે અભિનેત્રી તપાસમાં સહકાર નથી આપી રહી.

હાઈ-પ્રોફાઈલ સોનાની દાણચોરીના કેસમાં ધરપકડ બાદ અભિનેત્રીને શુક્રવારે આર્થિક અપરાધની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. રાન્યાએ DRI અધિકારીઓ પર ઉત્પીડનનો આરોપ મૂક્યો હતો.

કોર્ટે અભિનેત્રીને પૂછ્યું હતું કે શું તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો? આથી અભિનેત્રી કોર્ટમાં જ રડી પડી હતી અને DRI અધિકારીઓ પર માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. રાન્યાએ કોર્ટને કહ્યું હતું કે ‘જો હું જવાબ નહીં આપું તો તેમણે મને ગર્ભિત ધમકી આપી છે કે હું કોર્ટમાં જવાબ નહીં આપું તો મારી સાથે તેઓ આગળ કંઈ પણ કરી શકે છે.

કોર્ટે રાન્યાને પૂછ્યું હતું કે  શું પૂછપરછમાં થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનો જવાબ આપતાં રાન્યાએ કહ્યું કે મને માર મારવામાં આવ્યો નથી. પરંતુ મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. જેના કારણે મને ઘણી માનસિક તકલીફ થઈ છે.

જોકે સામે પક્ષે રાન્યાના દાવાને ફગાવીને તેણે રાન્યા પર સવાલોના જવાબ ન આપવા અને તપાસમાં સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો છે. કોર્ટની કાર્યવાહી દરમિયાન તપાસ અધિકારી (IO)એ કોર્ટને જાણ કરી હતી કે DRI અધિકારીઓ દ્વારા રાન્યાને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં આવી નથી.

છોટાઉદેપુરમાં સામે આવી અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા, 5 વર્ષીય બાળકીની બલી ચડાવી

ગુજરાતના ગામડાઓમાં અંધશ્રદ્ધાના કેસો હજુ પણ અટકવાનું નામ લેતા નથી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાનેજ ગામમાં એક 5 વર્ષીય બાળકીની ભુવાએ બલી ચઢાવી હોવાનો ચોંકાવનારું મામલો સામે આવ્યો છે. આરોપી ભુવા લાલુ હિંમત તડવીએ તમામ હદો પાર કરીને આ કામ કર્યુ છે. આરોપીએ પોતાના ઘરના સામે જ રહેતી 5 વર્ષની બાળકીની હત્યા કરી દેવાતા ગામમાં રોષની લાગણી જોવા મળી છે.

છોટાઉદેપુરના બોડેલીમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર  છોટા ઉદેપુરના બોડેલી તાલુકના પાણેજ ગામમાં લાલુ તડવી નામના ભૂવાએ ક્રૂરતાની હદ વટાવી છે. આ ભૂવાએ તાંત્રિક વિધિના નામે ગામની એક 5 વર્ષની બાળકીની બલિ ચઢાવી હોવાની ઘટના સામે આવી છે. આ ભૂવો પહેલાં 5 વર્ષની બાળકી પાસે ગયો અને તેને પોતાની ઝૂંપડીમાં બનાવેલાં મંદિરે લઈને આવ્યો. બાદમાં મંદિર પાસે બાળકીને તાંત્રિક વિધિના નામે કુહાડીથી તેનું ગળું કાપી નાંખી તેની હત્યા કરી દીધી હતી. જોકે, આ ભૂવો ત્યાં સુધી અટકાયો નહતો અને અન્ય બલિ માટે પોતાના ઘરની સામે રહેતાં એક અન્ય બાળકને લઈ જઈ બલિ ચઢાવવાનું કાવતરૂ કરી રહ્યો હતો. જોકે, આ દરમિયાન ગામમાં રહેતાં સ્થાનિક લોકોને સમગ્ર ઘટનાનો અણસાર આવી જતાં તેઓએ તાત્કાલિક ધોરણે પોલીસને બોલાવી બાળકનો જીવ બચાવ્યો હતો.

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસની ટીમે આસપાસના લોકોના નિવેદન લઈને પંચનામું પણ કર્યુ છે. બાળકીના મૃતદેહને મામલતદારની હાજરીમાં પીએમ માટે મોકલી આવ્યો.  તો પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. જણાવી દઈએ કે વિધાનસભામાં રજૂ કરાયેલા અંધશ્રદ્ધા વિરોધી બિલ પ્રમાણે, કોઈ વ્યક્તિ દ્વારા અથવા પોતે કાળા જાદુ, અનિષ્ટ અને અઘોરી પ્રથા, માનવ બલિદાન અને બીજી અમાનુષ, કાવતરું કરાવડાવે, વ્યવસાય કરે, જાહેરખબર આપે અથવા ઉત્તેજન આપીને લાગુ કરાયેલા કાયદાનો ભંગ કરનારા સામે આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અધિનિયમની જોગવાઈઓ ભંગ કરનારાને બિનજામીનપાત્ર ગુનો નોંધીને 6 માસથી 7 વર્ષ સુધીની કેદ, 5 હજારથી 50 હજાર સુધીના દંડની જોગવાઈ છે.

રવિદર્શન વ્યાસનું ‘જર્ની ઓફ લાઈફ ઓન કેનવાસ’ પેઈન્ટિંગ એક્ઝિબિશન

અમદાવાદ: અર્વાચીન ભારતીય ચિત્રકળાના પિતામહ ગણાતા રાજા રવિ વર્માના ચિત્રોમાંથી પ્રેરણા લઈને કોઈ પણ પ્રકારની તાલીમ વગર ડૉ. રવિદર્શન વ્યાસે ખૂબ જ સુંદર ચિત્રો કંડારયા છે. હિન્દુ ધર્મગ્રંથો, ઈતિહાસ અને મહાકાવ્યોમાંથી પ્રેરિત આ ચિત્રોનું પ્રદર્શન અમદાવાદની હઠીસિંઘ આર્ટ ગેલેરી ખાતે ગત 7 થી 9 માર્ચ દરમિયાન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં મૂકવામાં આવેલા 20 જેટલાં ચિત્રોમાં હિન્દુ સંસ્કૃતિના પૌરાણિક ગ્રંથોની વાર્તા જોવા મળી હતી.એક્ઝિબિશનમાં મૂકવામાં આવેલ પેઈન્ટિંગ્સ વિશે વાત કરતા રવિદર્શન વ્યાસએ કહ્યું, “માં ભુવનેશ્વરીના દૈવિક સ્વરૂપ અને રામાયણ, મહાભારત, દેવી ભાગવત તથા આપણા ભારતના ધાર્મિક ગ્રંથોમાં દર્શાવેલ પાત્રોને ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઈલમાં પ્રસ્તુત કર્યા છે. આ ચિત્રો બનાવવા માટે રાજમહેલની કામગીરી, ભવ્ય ઈન્ટિરિયર્સ, ઉત્કૃષ્ટ કલાકારી ધરાવતા અલંકારો, વિવિધ સંસ્કૃતિઓ, જગ વિખ્યાત સંગ્રહાલયોમાંથી પ્રેરિત કલાકૃતિઓનો મેં અભ્યાસ કર્યો છે.” ગોંડલની જગવિખ્યાત સંસ્થા શ્રી ભુવનેશ્વરી પીઠ મંદિર અને તેનો 117 વર્ષનો જળહળતો ઈતિહાસ સહુ કોઈ જાણે છે. તેના આદ્યસ્થાપક રાજવૈદ્ય આચાર્ય શ્રી ચરણતીર્થ મહારાજ આયુર્વેદ, ધર્મ અને ભારતવર્ષના ઇતિહાસમાં ગાંધીજીને “મહાત્મા”નું બિરુદ આપી ગોંડલને ગૌરવ આપ્યું હતુ. ત્યાર બાદ તેમના પુત્ર ગોપાલરત્ન આચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજે આ પરંપરા આગળ વધારી. આયુર્વેદ, ધર્મ, ગૌસંવર્ધન, અશ્વસંવર્ધન વગેરે અનેક પ્રવૃતિઓથી ગોંડલને સમગ્ર વિશ્વના નકશા પર તેમણે પ્રચલિત કર્યું. 1997માં હોમિયોપેથીમાં મેડિકલ ડીગ્રી પ્રાપ્ત કર્યા પછી આ સમગ્ર સંસ્થાની જવાબદારી તેમના પુત્ર ડો.રવિદર્શને સંભાળી છે. નાનપણથી જ કલાપ્રેમી હોવાથી તેઓ ચિત્રકલામાં રૂચી ધરાવતા. તેઓ કહે છે કે તેમની સ્કૂલ બૂક ચિત્રોથી ભરેલી રહેતી અને તેમના નિવાસ સ્થાનની દિવાલો પર પણ ખાલી જગ્યા બચેલી ન હતી. આ રૂચીને જાતમહેનતથી વિકસિત કરીને તેમણે ચિત્રકલાને આગળ વધારી. ભારત વર્ષના ખ્યાતમાન ચિત્રકાર રાજા રવિવર્માને તેમણે પોતાના ગુરુ તરીકે સ્વીકારી તેમની શૈલી અપનાવી છે.

ડૉ. રવિદર્શન વ્યાસના 50 જેટલાં પેઇન્ટિંગ્સમાં શ્રીકૃષ્ણ, રૂક્ષ્મણી, શ્રીલંકામાં સીતા માતા, મંદોદરી અને રાવણ વચ્ચેના ભાવો જોઈ શકાય છે. શ્રી ભુવનેશ્વરી પીઠના પટાંગણમાં તેમની ઓફિસમાં એક આર્ટ ગેલેરી આવેલી છે. જેમાં તેમનું અંગત સંગ્રહાલય પણ છે. આ ગેલેરી 2017માં સ્થાપિત થયેલ છે. જેને જોવા માટે દેશ-વિદેશથી પર્યટકો આવે છે.

દેશમાં હોળી, ધુળેટીએ રૂ. 60,000 કરોડની વેપાર થવાની શક્યતા

નવી દિલ્હીઃ હોળીનો તહેવાર ફક્ત રંગો વિશે જ નહીં, પરંતુ ખોરાક અને સ્વાદિષ્ટ વાનગીઓ વિશે પણ છે. મીઠાઈની દુકાનોમાં ગુજિયા જેવી પરંપરાગત હોળીની મીઠાઈઓનું વેચાણ વધુ જોવા મળી રહ્યું છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના ગુજરાત અધ્યક્ષ પ્રમોદ ભગતના જણાવ્યા અનુસાર 13 માર્ચે હોલિકા દહન ઊજવવામાં આવશે, ત્યાર બાદ 14 માર્ચે રંગોનો તહેવાર ધુળેટી ઉજવવામાં આવશે.

બજારો રંગબેરંગી ગુલાલ, પિચકારી અને ગુજિયા માળાથી ધમધમતા છે. સંબંધીઓને ફળો અને મીઠાઈઓ ભેટ આપવાની પરંપરાને કારણે ખરીદીમાં વધારો થયો છે. CAIT ના રાષ્ટ્રીય મહાસચિવ અને ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ગયા વર્ષોની જેમ વેપારીઓ અને ગ્રાહકોએ આ હોળી પર ચીની વસ્તુઓનો બહિષ્કાર કર્યો છે.તેના બદલે, ભારતીય બનાવટના હર્બલ રંગો, પિચકારી, ફુગ્ગા અને અન્ય વસ્તુઓના વેચાણમાં વધારો થયો છે.

આ વર્ષે પણ દિલ્હી અને ભારતના અન્ય ભાગોમાં ભવ્ય હોળી ઉજવણી જોવા મળી રહી છે. બેન્ક્વેટ હોલ, ફાર્મહાઉસ, હોટલ, રેસ્ટોરન્ટ અને જાહેર ઉદ્યાનોમાં અસંખ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ફક્ત દિલ્હીમાં જ 3000થી વધુ હોળી મેળાવડા થઈ રહ્યા છે.

CAITના ડેટા સૂચવે છે કે આ વર્ષની હોળી વેપારીઓ માટે રૂપિયા 60,000 કરોડથી વધુનો વેપાર કરી શકે છે, જે ગયા વર્ષના રૂપિયા 50,000 કરોડથી લગભગ 20 ટકા વધુ છે. ફક્ત દિલ્હીમાં જ રૂપિયા 8000 કરોડથી વધુનો વેપાર થવાની ધારણા છે.

તહેવારોની મોસમને કારણે વિવિધ ક્ષેત્રોમાં ગ્રાહકોનો ખર્ચ વધ્યો છે. રંગો સાથે રમવા માટે સફેદ ટી-શર્ટ અને કુર્તા-પાયજામાની માંગ નોંધપાત્ર છે. હેપ્પી હોળી ટી-શર્ટ ખરીદદારોમાં લોકપ્રિય  છે. આ ઉત્સાહપૂર્ણ ઉજવણી માત્ર આનંદ જ લાવતી નથી, પરંતુ દેશભરમાં સ્થાનિક અર્થતંત્રને પણ નોંધપાત્ર રીતે વેગ આપે છે.

 

 

વિદેશની ઘેલછાએ વધુ એક ગુજરાતીએ જીવ ગુમાવ્યો, પત્ની અને બાળક નિકારાગુઆમાં ફસાયા

સાબરકાંઠા: પ્રાંતીજમાં ફરી એક વખત વિદેશમાં જઈ માલામાલ થવાની ઘેલછાએ એક યુવકો પોતાનો જીવ ગુમાવ્યાના સમાચાર મળી રહ્યા છે. એક યુવક પોતાની પત્ની અને એક બાળક સાથે ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ડન્કી રૂટથી અમેરિકા પહોંચતા પહેલા યુવકનું મોત નીપજ્યું હતું. યુવકના મોત બાદ તેની પત્ની અને બાળક નિકારાગુઆ અટવાયા હોવાની માહિતી મળી રહી છે. જ્યારે યુવકે પોતાની જમીન વેચી અને એક કરોડથી વધુની રકમ એજન્ટને આપી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરીના પ્રયાસમાં વધુ એક ગુજરાતી યુવકનું કરુણ મોત થયું છે. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના રહેવાસી દિલિપ પટેલ નામના યુવકે પોતાની પત્ની અને બાળક સાથે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી માટે એજન્ટોનો સહારો લીધી હતો. એકથી દોઢ મહિના પહેલા યુવકને નિકારાગુઆથી અમેરિકા પહોંચડવા માટે એજન્ટ દ્વારા ગોઠવણ કરવવામાં આવી હતી. આ પછી યુવક તેની પત્ની અને બાળક સાથે રવાના થયો હતો. જો કે, નિકારાગુઆ ખાતે યુવકની તબિયત લથડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  નિકારાગુઆમાં યુવકની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન હોસ્પિટલમાં ડાયાબિટીસની દવા ન મળતા યુવક કોમામાં જતો રહ્યો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે હવે યુવકનું મોત નીપજતાં મૃતક યુવકના પત્ની અને બાળક નિકારાગુઆ અટવાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં મૃતક યુવકનો પરિવાર સરકાર પાસે મદદની માગ કરી રહ્યું છે. બીજી તરફ, સમગ્ર મામલે પોલીસ ફરિયાદ ન થાય તે માટે એજન્ટો દ્વારા મૃતકની માતા પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ પહેલા પણ ગુજરાતના અનેક લોકો ડન્કી રૂટ મારફતે અમેરિકા જવાના પ્રયાસમાં જીવ ગુમાવી ચૂક્યા છે.