Home Blog Page 1100

શું મહારાષ્ટ્રમાં ઔરંબઝેબની કબર પર ચલાવાશે બુલડોઝર?

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે મુગલ બાદશાહ ઔરંગઝેબની કબરને દૂર કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે બધાનું માનવું છે કે છત્રપતિ સંભાજીનગરમાં સ્થિત ઔરંગઝેબની મજારને દૂર કરવામા આવવી જોઈએ. જોકે આ કાનૂનના દાયરામાં કરવામાં આવવું જોઈએ, કેમ કે પાછલી કોંગ્રેસ સરકારે આ સ્થળને આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ના સંરક્ષણમાં આપી દીધું હતું.

મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને સતારાથી ભાજપના સાંસદ ઉદયનરાજે ભોસલેએ છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સ્થિત ઔરંગઝેબની મજારને દૂર કરવાની માગ કરી હતી.

તેઓ ઔરંગઝેબની કબર હટાવવા માગે છે  પણ કોંગ્રેસને કારણે નથી કરી શકતા, ફડણવીસે કેમ કહ્યું આવું? મહારાષ્ટ્રમાં બજેટ સત્ર દરમિયાન ઔરંગઝેબની કબર પર રાજકારણ શરૂ થઈ ગયું છે. ઘણા લોકોએ માગ કરી છે કે મહારાષ્ટ્રમાં સ્થિત ઔરંગઝેબનું સમારકામ કરવામાં ન આવે. ગઈ કાલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ અંગે સ્પષ્ટ નિવેદન આપ્યું હતું. હવે ભાજપ ધારાસભ્ય સુધીર મુનગંટીવારે પણ ઔરંગઝેબની કબર મુદ્દે મોટું નિવેદન આપ્યું છે.

બજેટ સત્ર પહેલા મિડિયા સાથે વાત કરતાં સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે આ બજેટમાં સમાજના તમામ વર્ગોને કેન્દ્ર બિંદુ તરીકે રજૂ કરવામાં આવશે. અમે ચૂંટણી ઢંઢેરામાં જે પણ વચનો આપ્યાં છે તે પૂરાં કરીશું. અમે આ વિઝન સાથે કામ કરી રહ્યા છીએ. ઔરંગઝેબની કબર વિશે વાત કરતાં સુધીરે કહ્યું કે સરકારે એ કબરને રિપેર કરાવવા માટે પૈસા ન આપવા જોઈએ.

 

અમિત શાહના હસ્તે સસ્તુ સાહિત્યનાં 24 પુનઃમુદ્રિત પુસ્તકોનું વિમોચન

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પુનઃ મુદ્રિત 24 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. 115 વર્ષથી ગુજરાતીઓને સસ્તા દરે શિષ્ટ સાહિત્ય પ્રદાન કરનાર સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ‘અખંડ આનંદોત્સવ’માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિતિ રહ્યા હતા.આ પ્રસંગે સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના અધ્યક્ષ એવાં અમિત શાહે જણાવ્યું હતું કે કોઈ પણ ભાષાનું અસ્તિત્વ અને સાતત્ય ત્યારે જ ગૌરવમય બને છે જ્યારે તેને આગળ ધપાવવા–પોષવા સારસ્વત લોકો આગળ આવે.ગોવર્ધનરામ ત્રિપાઠી, નર્મદ, મહાત્મા ગાંધી, કાકાસાહેબ કાલેલકર, નરસિંહ મહેતા, સુંદરમ્ જેવા અનેક ગુજરાતી સાહિત્યકારો એ આપેલો સાહિત્ય વારસો જાળવવાની અને તેનું સંવર્ધન કરવાની જવાબદારી ગુજરાતી ભાષાના સારસ્વતો, ચાહકો, ભાષાવિદોની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વાંચન પ્રવૃત્તિને વેગ આપવા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વાંચે ગુજરાત’ અભિયાન શરૂ કરાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લા-તાલુકાઓમાં પુસ્તકાલય માટે મોટી રકમની ફાળવણી કરી છે, તે પ્રશંસાને પાત્ર છે. સાહિત્યમાં સત્વ ઉમેરવાનું, વાંચનને વધુ રસપ્રદ બનાવવાનું કામ સારસ્વત લેખકોએ જ કરવું જોઈશે. વિચારોની ઊંચાઈ પ્રાપ્ત કરવા અને વિચારોને સદમાર્ગે વાળવાનું કામ વાંચન કરી શકે, બીજું કોઈ નહીં. દેશનું ભવિષ્ય નક્કી કરવામાં શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતા પુસ્તકાલયમાં લોકોની સંખ્યા કેટલી છે, તે મહત્ત્વનું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

અમિતભાઈ શાહે પોતાના વતનમાં બાળપણ દરમિયાન પોતાના વતન ના ગામની લાઇબ્રેરીના લાઇબ્રેરીયને આપેલી શિખામણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બાળક કે વિદ્યાર્થી નાનપણથી વાંચવાની ટેવ રાખશે, ઇન્ટરનેટના આકર્ષણો વચ્ચે પણ વાંચનની ટેવને જાળવી રાખશે તો જીવનમાં આવનારી કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિ કે વિઘ્નો વચ્ચે ટકી જશે. વાંચનની યાત્રા કુતૂહલ, જિજ્ઞાસાની સંતુષ્ટી, રસની જાગૃતિ, જ્ઞાન પ્રાપ્તિ અને અંતે જ્ઞાનથી મોક્ષ પ્રાપ્તિ સુધીની હોય છે. જીવનનું કલ્યાણ કરવું હોય તો વાંચન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.ભિક્ષુ અખંડાનંદ દ્વારા શરૂ કરાયેલી સસ્તું સાહિત્ય નિર્માણ અને વિતરણની વર્ષો જૂની પરંપરા ચાલી આવી રહી છે તેનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, ભિક્ષુ અખંડાનંદે વાંચનનું મૂલ્ય સમજ્યું અને વાંચનને સસ્તુ બનાવ્યું. વ્યક્તિને આગળ લઈ જવા અને જ્ઞાનની વૃદ્ધિ કરવા માટે ઉપયોગી એવાં પુસ્તકો – સાહિત્યને સસ્તાભાવે લોકો સુધી પહોંચાડ્યાં. પુનઃ મુદ્રિત થયેલાં 24 પુસ્તકોમાંથી મોટાભાગનાં પુસ્તકોની અનેક આવૃત્તિઓ બહાર પડી ચૂકી છે, તે આ પુસ્તકોની સફળતા દર્શાવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ૧૯૦૭માં સ્થપાયેલી આ સંસ્થા ભાષા, સાહિત્ય અને શિક્ષાની જ્યોત દ્વારા સમાજને 116 વર્ષથી માર્ગદર્શન અને પ્રેરણા આપી રહી છે. ધર્મ, આરોગ્ય, મહાપુરુષોના જીવનચરિત્ર, રાષ્ટ્રનિર્માણ જેવા અનેકવિધ વિષયોનો વાંચન રસથાળ સસ્તા દરે લોકો સુધી પહોંચાડવાનું ઉત્તમ કાર્ય સસ્તુ સાહિત્ય ટ્રસ્ટે કર્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

આગળ તેમણે જણાવ્યું કે, રાજ્યના દરેક તાલુકામાં વાંચન રસિકોને ઉત્તમ લાઇબ્રેરીની સુવિધા મળી રહે તે આ સરકારે સુનિશ્ચિત કર્યુ છે. આ વર્ષના બજેટમાં ૭૧ તાલુકા મથકોએ નવા ગ્રંથાલયો શરૂ કરવા રૂપિયા ૧૬ કરોડ અને ૫૩ આદિજાતિ વિસ્તારના ગ્રંથાલયોમાં ઈ-લાઇબ્રેરીની સુવિધાઓ વિકસાવવા માટે આયોજન કર્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.સસ્તું સાહિત્ય દ્વારા પુનઃમુદ્રિત તમામ 24 પુસ્તકોમાં સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે પ્રસ્તાવના લખી છે. આ પ્રસંગે અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભા જૈન, વરિષ્ઠ સાહિત્યકાર રઘુવીર ચૌધરી, સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હર્ષદભાઈ જે. શાહ, પરેશભાઈ અમીન અને પ્રશાંતભાઈ અમીન, સ્થાનિક ધારાસભ્યો, જાણીતા સાહિત્યકારો સહિત મોટી સંખ્યામાં સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રીદેવીની આ હિટ ફિલ્મની સિક્વલ બનાવશે બોની કપૂર

‘મિસ્ટર ઈન્ડિયા’ અને ‘નો એન્ટ્રી’ જેવી ફિલ્મો બનાવનારા નિર્માતા બોની કપૂર હવે તેમની પુત્રી ખુશી કપૂર સાથે ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે આ ફિલ્મ ખુશીની માતા અને અભિનેત્રી શ્રીદેવીની છેલ્લી ફિલ્મ ‘મોમ’ ની સિક્વલ હોઈ શકે છે. આ માહિતી ખુદ બોની કપૂરે આપી હતી.

 (Photo: IANS/Sanjay Tiwari)

‘નો એન્ટ્રી’ પછી બોની ખુશી સાથે ફિલ્મ બનાવશે

IIFA એવોર્ડ્સ દરમિયાન મીડિયા સાથે વાત કરતી વખતે બોની કપૂરે તેમની પુત્રીઓ ખુશી અને જ્હાન્વી પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા કહ્યું કે તેઓ તેમની આગામી ફિલ્મમાં તેમની પુત્રી ખુશી કપૂરને લઈ શકે છે. તેમણે કહ્યું, “મેં ખુશીની ‘આર્ચીઝ’ થી લઈને ‘લવયાપા’ અને ‘નાદાનિયાં’ સુધીની બધી ફિલ્મો જોઈ છે. ‘નો એન્ટ્રી’ પછી હું ખુશીને લઈ ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યો છું. આ ફિલ્મ ‘મોમ 2’ પણ હોઈ શકે છે. ખુશી તેની માતાના પગલે ચાલવાનો પ્રયાસ કરી રહી છે. તેમની માતા એક ટોચની ફિલ્મ અભિનેત્રી હતી. મને આશા છે કે જાહ્નવી અને ખુશી પણ આવી જ સફળતા મેળવશે.”

શ્રીદેવીને ‘મોમ’ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો

2017 માં રિલીઝ થયેલી શ્રીદેવીની ફિલ્મ ‘મોમ’ તેમની છેલ્લી ફિલ્મ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન રવિ ઉદ્યાવર દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું નિર્માણ બોની કપૂર દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રીદેવીને ફિલ્મમાં તેમના શાનદાર અભિનય માટે મરણોત્તર શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.

બોની કપૂર હાલમાં 2005ની હિટ કોમેડી ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સિક્વલનું નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મ વિશે માહિતી આપતા બોનીએ કહ્યું, “નો એન્ટ્રી જુલાઈ-ઓગસ્ટમાં રિલીઝ થશે. તેમાં ઘણી અભિનેત્રીઓ મુખ્ય ભૂમિકામાં છે. તેથી હું હમણાં કંઈપણ વિશે વાત કરી શકતો નથી. અમે તેમાંથી કેટલાકને અંતિમ સ્વરૂપ આપી દીધું છે અને કેટલાકને હજુ અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે. એકવાર અંતિમ સ્વરૂપ મળી ગયા પછી ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.”

અમદાવાદમાં એક અઠવાડિયામાં ત્રણ પોલીસ કર્મચારીનું હાર્ટ એટેકથી મોત

અમદાવાદ: દેશભરમાં કથળતી લાઈફસ્ટાઈલ અને બિનઆરોગ્યપદ ખાણીપણીથી લોકોને સ્વાસ્થ્ય પણ કથળી રહ્યા છે. પાછલા ઘણા સયમથી લોકોમાં હાર્ટ લગતી બિમારીઓ વધી રહી છે. અમદાવાદમાં એક અઠવાડિયામાં ત્રણ પોલીસનું હાર્ટ એટેકથી મોત થવાથી પોલીસ બેડામાં શોકનો માહોલ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નરેશભાઈ બચુભાઈને 10 માર્ચે વહેલી સવારે હાર્ટ અટેક આવ્યો હતો. જોકે, તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનુ મોત નિપજ્યુ હતુ.

ચોંકાવનારી વાત તો એ છે કે પાછલા અઠવાડિયામાં આ પ્રકારની ત્રીજી ઘટના છે. જેમાં પોલીસનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. આ અગાઉ 7 માર્ચે અમદાવાદમાં ફરજ બજાવી ચૂકેલા PI આર. એલ. ખરાડીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. પીઆઈ ખરાડી હાલ DG ઓફિસમાં કાર્યરત હતાં તે દરમિયાન અચાનક હાર્ટ અટેક આવ્યો અને સારવાર મળે તે પહેલાં મોતને ભેટ્યા હતાં. આ પહેલા 3 માર્ચ પણ અમદાવાદના ગોમતીપુર હેડક્વાર્ટરમાં પરેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુન સિંહનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમને પરેડ દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જેના કારણે તે ઢળી પડ્યા હતા, ઘટનાસ્થળે પોલીસ કર્મીઓ દ્વારા સીપીઆર આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

કેસર કેરીનું ગોંડલના APMC ફ્રૂટ માર્કેટમાં આગમન

અમદાવાદઃ કેસર કેરીની પહેલી હરાજી ગોંડલની APMC ફ્રૂટ માર્કેટમાં થઈ છે અને તેની ઉજવણી પણ થઈ છે. શરૂઆતમાં તો કેરીનો ભાવ આસમાને જ છે.ગોંડલ APMC ફ્રૂટ માર્કેટિંગ જૂના યાર્ડમાં ગીર કોઠારિયા અને વીજપરી ગામના ખેડૂતોની ગીરની કેસર કેરીના 10 કિલોનાં 22 બોક્સની આવક છે. યાર્ડમાં કેસર કેરીની હરાજી કરવામાં આવી હતી, જેમાં 10 કિલોના એક બોક્સનો ઊંચો ભાવ રૂ. 3100 તથા નીચો ભાવ રૂ. 2500 બોલાયો હતો. કેસર કેરીના ભાવ સારો મળતા બાગાયતી ખેતી કરતા અને એક વર્ષ આંબાનું જતન કરી કેરીઓની આવક મેળવતા ખેડૂતોને આનંદ થયો હતો.

આ સાથે બજારમાં બે-ત્રણ દિવસથી યાર્ડમાં રત્નાગિરીની હાફુસ કેરીની આવક સાથે હરાજીમાં રત્નાગિરી કેરીના 12 કિલોના બોક્સનો ભાવ રૂપિયા 5500 બોલાયો છે. માર્કેટ યાર્ડમાં આ વર્ષે કેસર કેરીનું 15 દિવસ વહેલું આગમન જોવા મળ્યું છે.

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના નિતલી તથા ગીર ગઢડા ગામમાં આવેલા આંબાના બગીચામા હાલ ઉનાળાની સીઝનમાં કેસર કેરીનુ ઉત્પાદન થયું છે. ગીર ગઢડાના નિતલી અને ગીર કોઠારિયા ગામના તેમ જ સાવરકુંડલા ગામના વીજપરી ગામના ખેડૂત કેસર કેરીના લગભગ 20 બોક્સ લઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે આવી પહોચ્યા હતા. ભાવનગરના ખેડૂતો પણ ગોંડલ APMCમાં આવ્યા હતા.

 

ગરમીનો પ્રકોપ શરૂ, તાપમાનનો પારો 40 ડિગ્રીને, હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું

અમદાવાદ: ગુજરાતમાં ઉનાળાનો તાપ વરતાવા લાગ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો 40 ડિગ્રી પાર પહોંચ્યો છે. ત્રણ જિલ્લામાં ગરીમીનું તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું છે. જેમાં રાજકોટમાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી 5 દિવસમાં તાપમાન 3થી 5 ડિગ્રી વધવા સાથે 9 થી 11 માર્ચ દરમિયાન દરિયાકાંઠે ગરમ, ભેજવાળા પવન ફૂંકાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે.

હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈ યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, વલસાડ, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદમાં હીટવેવની હવામાન વિભાગ શક્યતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ચાલુ અઠવાડિયાની શરુઆતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં અચાનક ઘટાડો થતાં ઠંડી પાછી આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. એન્ટિસાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી હવે ગરમ પવન ફૂંકાવાના શરૂ થશે. હવામાન વિભાગના આંકડા મુજબ કાશ્મીરમાં હિમવર્ષા અને ઉત્તરપૂર્વના પવનોને કારણે છેલ્લા 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવે મહત્તમની સાથે સાથે લઘુતમ તાપમાન પણ ઉંચકાશે. મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 2થી 2.5 ડિગ્રી વધારે રહેવાની શક્યતા છે. જણાવી દઈએ કે, ભુજમાં 40.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી,અમદવાદમાં 38.7 ડિગ્રી, ગાંધીનગરમાં 39.2 ડિગ્રી,નલિયામાં 39.5, કેશોદમાં 39.2 ડિગ્રી,કંડલામાં 39.2 ડિગ્રી, અમરેલીમાં 39 ડિગ્રી,ડીસામાં 38.9 ડિગ્રી, સુરતમાં 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

શું જયશંકરના ઇશારે લલિત મોદી ના ઘરના કે ના ઘાટના રહ્યા

નવી દિલ્હીઃ  ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ભૂતપૂર્વ ચેરમેન અને નાણાકીય ગેરરીતિઓના ભાગેડુ આરોપી લલિત મોદીને મોટો આંચકો લાગ્યો છે. વનુઆતુના વડા પ્રધાને તેમનો પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે. લલિત મોદીએ થોડા દિવસો પહેલાં લંડન સ્થિત ભારતીય દૂતાવાસમાં પોતાનો ભારતીય પાસપોર્ટ પણ સરેન્ડર કર્યો હતો. આ સ્થિતિમાં લલિત મોદી ‘ના ઘરના રહ્યા, ના ઘાટના’ જેવો ઘાટ સર્જાયો છે.

વિદેશ મંત્રાલયે કરી હતી કે લલિત મોદીએ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવા માટે અરજી કરી છે. 2010માં ભારતથી ભાગી ગયા બાદ લલિત મોદી લંડનમાં રહેતો હતો. તેણે અનેક વખત ઇન્ટરવ્યુ આપ્યા છે અને પોતાને નિર્દોષ જાહેર કર્યા છે. પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા પછી એવું બહાર આવ્યું કે તેણે પેસિફિક મહાસાગરમાં આવેલા ટાપુ દેશ વનુઆતુનું નાગરિકત્વ લીધું છે. તેની પાસે ગોલ્ડન પાસપોર્ટ છે. વનુઆતુ શ્રીમંત લોકોને તેના દેશની નાગરિકતા ખરીદવાની મંજૂરી આપે છે. ત્યાંથી પાસપોર્ટ ફક્ત 1.3 કરોડ રૂપિયા ખર્ચીને મેળવી શકાય છે. જોકે અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે વનુઆતુના PMએ તેના નાગરિકતા પંચને તેનો પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે.

જોકે હજુ સુધી એ જાણી શકાયું નથી કે વનુઆતુએ આ પગલું આપમેળે લીધું છે કે ભારતના હસ્તક્ષેપ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. વનુઆતુને ફ્રાન્સ અને બ્રિટનથી 1980માં જ સ્વતંત્રતા મળી. હાલમાં 83  નાના જ્વાળામુખી ટાપુઓથી બનેલા આ દેશની કુલ વસતિ ફક્ત ત્રણ લાખની આસપાસ છે. આ દેશ પર્યટનની દ્રષ્ટિએ ઘણો સારો માનવામાં આવે છે.

વનુઆતુ મિડિયામાં એવા અહેવાલ છે કે ભારતના દબાણ બાદ જ સ્થાનિક વહીવટી તંત્રે લલિત મોદી સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લલિત મોદીનો પાસપોર્ટ રદ કરાવવામાં ન્યુ ઝીલેન્ડમાં ભારતના હાઈ કમિશનર નીતા ભૂષણે મોટી ભૂમિકા ભજવી હતી. વનુઆતુને પહેલા લલિત મોદીના રેકોર્ડની જાણ નહોતી. તેના ભાગેડુ હોવાની માહિતી મળ્યા બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ભારતની જીત બાદ ઉજવણીનો માહોલ, હોળી પહેલા દિવાળી જેવી રોનક

અમદાવાદ: ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતતાં ક્રિકેટ ચાહકોમાં આનંદની લહેર છવાઈ હતી. ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે વિજય હાંસલ કર્યો હતો. ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 251 રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતે 49 ઓવરમાં 6 વિકેટે 254 રન બનાવી ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

ભારતની જીત બાદ દેશભરમાં ભવ્ય ઉજવણી જોવા મળી. અમદાવાદમાં સહિત ગુજરાત અને દેશભરમાં હોળી પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. શહેરના સિંધુ ભવન રોડ અને મણિનગરમાં હજારો લોકો રસ્તાઓ પર ઉતરીને ઉત્સવ મનાવ્યો હતો. તિરંગા અને ઈન્ડિયા ઈન્ડિયાના નારાથી અમદાવાદ ગૂંજી ઉઠ્યું હતું. ટ્રાફિક જામ થઈ જવા છતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. લોકો પરિવાર અને મિત્રોને સાથે રાખી ઘરોમાંથી બહાર નીકળ્યા, ટ્રાફિકમાં ઘૂંસી ગયા અને ભારતીય ટીમ માટે જુસ્સાભેર નારા લગાવ્યા. જમ્મુ, ઈન્દોર અને મુંબઈથી પણ ઉજવણીના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

ફાઇનલમાં કેપ્ટન રોહિત શર્માએ 83 બોલમાં 76 રન ફટકાર્યા, જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. બોલિંગમાં કુલદિપ યાદવે 2 વિકેટ ઝડપી, જેમાં રચીન રવિન્દ્ર (37) અને કેન વિલિયમસન (11)ની કિંમતી વિકેટો સામેલ હતી. વરૂણ ચક્રવર્તિએ 2 વિકેટ ઝડપી અને રવીન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં ફક્ત 30 રન આપીને 1 વિકેટ ઝડપી, જે જીત માટે મહત્વપૂર્ણ સાબિત થયું. શમી થોડો ખર્ચાળ સાબિત થયો, તેણે 9 ઓવરમાં 74 રન આપીને 1 વિકેટ મેળવી હતી. ભારતની આ જીતે ક્રિકેટપ્રેમીઓને ગર્વની ક્ષણ આપી છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ત્રીજી વખત વિજેતા બનેલી ભારતીય ટીમે એકમાત્ર દેશ તરીકે આ ખિતાબ ત્રણ વખત જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે.

IIFA Awards: કાર્તિક આર્યને જીત્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, જુઓ સંપૂર્ણ યાદી

રવિવારે રાત્રે IIFA એવોર્ડ્સ 2025 ના વિજેતાઓની સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી. રવિવારે જયપુરમાં એક ભવ્ય સમારોહમાં IIFA એવોર્ડ્સની રજત જયંતિ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડના મોટા ભાગના સ્ટાર્સ સામેલ થયા હતાં. કરીના કપૂર, કરણ જોહર, કાર્તિક આર્યન જેવા ઘણા સ્ટાર્સ ધૂમ મચાવતા જોવા મળ્યા.


શનિવારે ડિજિટલ એવોર્ડ્સ પછી રવિવારે ફિલ્મ એવોર્ડ્સ આપવામાં આવ્યા, જેમાં ‘લાપતા લેડીઝ’ સૌથી મોટા વિજેતા તરીકે ઉભરી આવ્યું. કિરણ રાવની ફિલ્મે 10 એવોર્ડ જીત્યા. કાર્તિક આર્યન પણ મોટી જીત મેળવી જ્યારે ‘કિલ’ એ પણ અનેક ટ્રોફી જીતી. ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને પણ શૈતાન ફિલ્મ માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. નીચે વિજેતાઓની સંપૂર્ણ યાદી છે, જ્યાં તમે જોઈ શકો છો કે કોને કયો એવોર્ડ મળ્યો.

વિજેતાઓની સંપૂર્ણ યાદી અહીં જુઓ

શ્રેષ્ઠ મુખ્ય ભૂમિકા (પુરુષ) – કાર્તિક આર્યન (ભૂલ ભુલૈયા 3)

શ્રેષ્ઠ મુખ્ય ભૂમિકા (સ્ત્રી) – નિતાંશી ગોયલ (લાપતા લેડીઝ)
શ્રેષ્ઠ દિગ્દર્શન – કિરણ રાવ (લાપતા લેડીઝ)
બેસ્ટ પર્ફોર્મન્સ ઇન અ નેગેટિવ રોલ – રાઘવ જુયાલ (કિલ)
શ્રેષ્ઠ સહાયક ભૂમિકા (સ્ત્રી) – જાનકી બોડીવાલા (શૈતાન)
શ્રેષ્ઠ સહાયક ભૂમિકા (પુરુષ) – રવિ કિશન (લાપતા લેડીઝ)
લોકપ્રિય શ્રેણી (મૂળ)માં શ્રેષ્ઠ વાર્તા – બિપ્લબ ગોસ્વામી (લાપતા લેડીઝ)
શ્રેષ્ઠ વાર્તા (અનુકૂલિત) – શ્રીરામ રાઘવન, અરિજિત બિશ્વાસ, પૂજા લધા સુરતી અને અનુકૃતિ પાંડે (મેરી ક્રિસમસ)
શ્રેષ્ઠ દિગ્દર્શન ડેબ્યુ- કુણાલ ખેમુ (મડગાંવ એક્સપ્રેસ)
શ્રેષ્ઠ ડેબ્યુ એક્ટર(પુરુષ) – લક્ષ્ય લાલવાણી (કિલ)
શ્રેષ્ઠ ડેબ્યુ એક્ટર(સ્ત્રી) – પ્રતિભા રંતા (લાપતા લેડીઝ)
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક – રામ સંપથ (લાપતા લેડીઝ)
શ્રેષ્ઠ ગીત – પ્રશાંત પાંડે (સજની, લાપતા લેડીઝ)
શ્રેષ્ઠ ગાયક (પુરુષ) – જુબિન નૌટિયાલ (આર્ટિકલ 370 સે દુઆ)
શ્રેષ્ઠ ગાયિકા (સ્ત્રી) – શ્રેયા ઘોષાલ (ભૂલ ભુલૈયા 3 માંથી અમી જે તોમર 3.0)
શ્રેષ્ઠ સંગીત ડિઝાઇન – સુભાષ સાહુ, બોલોય કુમાર ડોલોઈ, રાહુલ કાર્પે (કિલ)
શ્રેષ્ઠ પટકથા – સ્નેહા દેસાઈ (લાપતા લેડીઝ)
શ્રેષ્ઠ સંવાદ – અર્જુન ધવન, આદિત્ય ધર, આદિત્ય સુહાસ જાંભલે, મોનલ ઠાકર (આર્ટિકલ 370)
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી – રફી મહેમૂદ (કિલ)
શ્રેષ્ઠ નૃત્ય નિર્દેશન – બોસ્કો-સીઝર (બેડ ન્યૂઝમાંથી તૌબા તૌબા)
શ્રેષ્ઠ સ્પેશિયલ ઇફેક્ટ્સ – રેડ ચિલીઝ વીએફએક્સ (ભૂલ ભુલૈયા ૩)
ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ – રાકેશ રોશન

IIFA 2025 8 માર્ચે જયપુરમાં શરૂ થયો હતો અને 9 માર્ચે સમાપ્ત થયો હતો. કરીના કપૂર ખાને એવોર્ડ સમારોહમાં પરફોર્મ કર્યું. તેમણે તેમના દાદા, ફિલ્મ નિર્માતા રાજ કપૂરને શ્રદ્ધાંજલિ આપી. તેમની સાથે શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત, નોરા ફતેહી અને કાર્તિક આર્યન પણ સ્ટેજ પર જોવા મળ્યા હતા. શાહિદ કપૂર સાથે કરીના કપૂરનો ક્યૂટ પળ પણ વાયરલ થયો. બંનેને સાથે જોઈને ચાહકોને ‘જબ વી મેટ’ ના જૂના દિવસો યાદ આવી ગયા.

છત્તીસગઢના ભૂતપૂર્વ CM ભૂપેશ બઘેલનાં ઘરે EDના દરોડા

નવી દિલ્હીઃ છત્તીસગઢના ભૂતપૂર્વ CM અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દરોડા પાડ્યા છે. EDના અધિકારીઓએ ભિલાઈના પદ્રુમનગરસ્થિત બઘેલના ઘરે પહોંચ્યા હતા. બઘેલ સિવાય કમસે કમ 14 જગ્યાએ EDએ દરોડાની કાર્યવાહી કરી છે. એમાં કેટલાક ઉદ્યોગપતિઓ પણ સામેલ છે. જેમાં તેમના પુત્ર ચૈતન્ય બઘેલના સ્થળે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી કથિત આર્થિક અનિયમિતતા અને મની લોન્ડરિંગ સંબંધિત મામલાઓને લઈને કરવામાં આવી રહી છે.

ED સાથે સંકળાયેલાં સૂત્રોના જણાવ્યા અનુસાર કુલ 14 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ મામલો છત્તીસગઢના દારૂ કૌભાંડ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. આ કેસની તપાસ દરમિયાન ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યનું નામ સામે આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ચૈતન્ય બઘેલનો રિયલ એસ્ટેટનો બિઝનેસ છે. ખેતરના વચ્ચે પણ ઘણી તેમની તસીવરો સામે આવી છે. જે દર્શાવે છે કે તેને ખેતી પણ પસંદ છે. ચૈતન્યનાં લગ્ન ત્રણ વર્ષ પહેલાં જ થયાં હતાં. તેમની પત્ની ખ્યાતિ પણ ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

ED આ મામલે પહેલાથી જ ઘણી મોટી કાર્યવાહી કરી ચૂકી છે. અગાઉ, મે 2024માં તપાસ એજન્સીએ ભૂતપૂર્વ IAS અનિલ તુટેજા અને રાયપુરના મેયર એજાઝ ઢેબરના ભાઈ અનવર ઢેબર સહિત અનેક આરોપીઓની 205.49 કરોડ રૂપિયાની લગભગ 18 જંગમ અને 161 સ્થાવર મિલકતો કામચલાઉ રીતે જપ્ત કરી હતી.